લોકડાઉનમાં ચારૂસેટની પહેલઃ ‘લર્નિંગ-ટીચિંગ ફ્રોમ હોમ’

અમદાવાદઃ કોરોના વાયરસના કારણે વિશ્વ આખું અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે. વિશ્વના કેટલાય દેશના લોકો અત્યારે લોકડાઉનમાં ઘરમાં બંધ છે. કોરોના વાયરસના કારણે શિક્ષણ ક્ષેત્ર પર અને વિદ્યાર્થીઓ પર પણ અસર પડી છે. ત્યારે ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓ સહિત સમગ્ર સ્ટાફની સલામતી માટે સરકાર સાથે હાથ મિલાવ્યા છે. ચારુસેટના પ્રોફેસરો દ્વારા શિક્ષણ અને સંશોધનને લગતી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સહકાર સાથે ચાલુ રાખવાના આશયથી 390 ફેકલ્ટીઓ દ્વારા 7200 વિદ્યાર્થીઓને ઘેરબેઠા ઇ-લર્નિંગ-ટીચિંગ અને ગૂગલ ક્લાસરૂમમાં ઓનલાઈન ડિજિટલ એજ્યુકેશન આપવામાં આવે છે. ચારુસેટની તમામ કોલેજો દ્વારા ઓનલાઈન પરીક્ષાઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રોજેકટ કેળવણી મંડળના વાઇસ પ્રેસિડેન્ટ અને ચારુસેટના આઇટી એડવાઇઝર અશોકભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.

સિલેબસ વિવિધ ઓનલાઈન મોડ્યુલ દ્વારા વિદ્યાર્થીઓને પહોચાડવા માટે ચારુસેટના પ્રોફેસરોએ પોતાના જ વીડિયો લેકચર તૈયાર કરી યુ –ટ્યુબ, ગુગલ ક્લાસરૂમ જેવા માધ્યમોથી  વિદ્યાર્થીઓને પહોચાડયા છે. ચારુસેટમાં દરેક પ્રોફેસરનું પોતાનું વેબ-પેજ અને બ્લોગ પણ છે. વિદ્યાર્થીઓના મૂંઝવતા સવાલોના તેઓ બ્લોગ-ઇ-મેઇલ અને વોટ્સએપ દ્વારા જવાબો આપે છે. તેઓ વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન પણ ઓનલાઈન ટેસ્ટ કે ક્વીઝ લઇ એડમોડો દ્વારા કરે છે. ચારુસેટના આઇટી એડવાઇઝર અશોકભાઇ પટેલ અને ચારુસેટના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીના માર્ગદર્શન હેઠળ આ ઓનલાઈન મોડ્યુલ બનાવાયા છે.

15મી માર્ચે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે સ્કૂલો-કોલેજો બંધ કરવાનો નિર્ણય કર્યો, ત્યારે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન પોર્ટલો દ્વારા તેમને શિક્ષણ આપવાની શરૂઆત કરાઇ છે. તમામ પ્રોફેસરો દ્વારા ઘરેથી વિવિધ પોર્ટલો દ્વારા ઓનલાઈન લેકચર હાથ ધરવામાં આવ્યા છે. શિક્ષકોને ઓન-લાઇન શિક્ષણ અને શૈક્ષણિક પધ્ધતિઓના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાનાં ઉદ્દેશથી ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી/કોમ્પ્યુટર એપ્લિકેશન દ્વારા તેમના દરેક પ્રશ્નનાં નિરાકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. ફેકલ્ટી સભ્યો યુટ્યુબ લાઈવ સ્ટ્રીમ અને ગુગલ હેન્ગઆઉટ મીટ અને સ્ટ્રીમ યાર્ડ દ્વારા લાઈવ સેશન લેવામાં આવે છે. ઓનલાઈન વિડીયો કોન્ફરન્સિંગ ટૂલ્સ જેવા કે ઝુમ, સ્કાઈપ, ગૂગલ મિટિંગથી વેબીનાર થાય છે. NPTEL દ્વારા ઓનલાઈન લર્નિંગ કરાવવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]