અમે વાસ્તુનો વિચાર કર્યો અને બધું બંધ થઇ ગયું…

મારા પ્રોબ્લેમનું તમારે સોલ્યુસન આપવું પડશે. એક વાત કહી દઉં છુ, મારાથી ખરાબ કોઈ નહિ હોય. મારા લગ્ન થયા અને પછી ખબર પડીકે મારા પતિને રાજકારણમાં રસ હતો. મને રાજકારણ જરા પણ ન ગમે. એ બધે દોડાદોડી કરે. પણ આવડત પણ હોવી જોઈએ ને? આખી જિંદગી કાર્યકર રહીને જીવન થોડું ચાલે. મારા કારણે એમણે મકાનની લે વેચ ચાલુ કરી. હવે સારું છે. મને જ્યોતિષમાં બહુ રસ પણ એમને એ બધું ન ગમે. તમારા એક પણ શો છોડ્યા નથી. તમારા લેખ પણ વાંચુ. મારા ઘરમાં એ પ્રમાણે ફેરફાર પણ કરું અને ફાયદો પણ થયો. પણ આવું થોડું ચાલે? માંડ બધું સારું ચાલતું હતું ને કેવું થઇ ગયું? અમે ફ્લેટ લીધો અને વાસ્તુની સલાહ લેવાનો વિચાર જ કરતા હતા કે બધું બંધ થઇ ગયું. કલર કામના કારીગરો પણ મળી ગયા હતા. એ લોકો નવા ફ્લેટમાં જ રહેતા. બે દિવસથી સફેદો મારતા હતા ને ખબર પડીકે વાયરસ આવ્યો છે. મેં એમને ઘરે જવા કહ્યું. પાછુ આપણે ત્યાં રહે ને અમારા ઘર સુધી ચેપ લાવે તો? એ લોકો ઉત્તર પ્રદેશ જતા રહ્યા. ફોન ઉપાડતા ન હતા એટલે મારા દીકરાને જોવા મોકલેલો. બાકી આપણને તો ખબર પણ ન પડે. મારા પતિ ખીજાયા કે મને દીકરો વહાલો નથી. બોલો, એવું હોય? આપણને ખબરતો હોવી જોઈએ ને? હવે મૂળ વાત. અમે વાસ્તુનો વિચાર કર્યો અને બધું બંધ થઇ ગયું. હવે એવું કોઈક વાસ્તુનું તારણ આપો કે આખા વિશ્વમાંથી આ કોરોના ભાગી જાય, અમારું કામ ફરી ચાલુ થાય અને ઝટ અમે નવા ઘરે રહેવા જતા રહીએ. અને હા, પેલા લોકો યુપી થી વહેલા પાછા આવે એવું પણ કૈક કરજો. ભૂલચૂક માફ પણ મારા એમને પણ થોડી સદબુદ્ધિ આવે એવું કરજો.

બહેનશ્રી, તમે ખરેખર ભોળા છો પણ જીદ્દી પણ છો. તમે પોતે જ આખી વાત વાંચો. તમારાથી ખરાબ કોઈ ન હોય એ ગર્વ લેવા જેવી બાબત ન જ ગણાય. તમારા પતિ જો તમને ગમતું કરતા હોય તો તમે એમનું મન અને માન સચવાય એવું તો કરો. તમને વાસ્તુ નિયમોથી ફાયદો થયો તે ખરેખર સારી વાત છે. ભારતીય વાસ્તુના નિયમોમાં વિજ્ઞાન છે તેથી સારા પરિણામો મળે જ. પણ, હા, જ્યોતિષ અને વાસ્તુ એ બંને અલગ વિષયો છે. બંને પોતપોતાની જગ્યાએ અદ્ભુત છે. તમને સારા માણસો મળી ગયા હતા. એ તમારા નવા ફ્લેટમાં રહીને કામ કરતા હતા અને જાતે પોતાનું ખાવાનું મેનેજ કરતા હતા. તો એમનો ચેપ તમને થોડો જ લાગવાનો હતો? જો એલોકો ત્યાજ રહેતા હોત તો એ યુપી ન ગયા હોત અને તમને ચિંતા ન થઇ હોત. એમને જવાનું તમેજ કહ્યું ને? વળીતમે તમારા દીકરાને એમને ત્યાં જોવા મોકલ્યો એ કેટલું વ્યાજબી કહેવાય? તમારા પતિની ચિંતા સાચીજ છે. એક વિંનતી છે. “ કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળો.” નવા ઘરે રહેવા જવાની તમારી તાલાવેલી વ્યાજબી છે. પણ અત્યારના સંજોગોમાં કોઈ બહાર નીકળે નહિ તેજ સારું છે. બહેન, આ વાઈરસ વિષે હજુ સંપૂર્ણ માહિતી કોઈની પાસે નથી. તેથીજ ઘરમાં રહીને કોઈના સંપર્કમાં ન આવવું એ જરૂરી છે.

તમારા ઘરમાં દક્ષિણ અગ્નિનું પ્રવેશદ્વાર છે તેથી તમારું ઘર નારી પ્રધાન છે. તમે ઈશાનના બેડરૂમમાં દક્ષિણ તરફ માથું રાખીને સુવો છો તેથી તમે એવું ઈચ્છો છો કે તમે જે કહો એવુજ બધાએ કરવું જોઈએ. જે અશક્ય છે. તમારા ઘરમાં ઉત્તરનો દોષ છે. તેથી તમારો સ્વભાવ ભૌતિક્તાવાદી થઇ ગયો. તમારો દીકરો પૂર્વમાં રહે છે એટલે કહ્યાગરો છે. આજના જમાનામાં આવો દીકરો આશીર્વાદ ગણાય. તમારી તિજોરી યોગ્ય જગ્યાએ મુક્યા બાદ તમને આર્થિક લાભ પણ થયા જ છે. અને એટલે જ તમે આટલી મોંઘી પ્રોપર્ટી ખરીદી શક્યા છો. બહેન સમય ક્યાં ગયો ખબર નહિ પડે. બસ થોડો સમય રાહ હુઓ અને શાંતિ રાખો. બીજું ખાસ, કુદરત પોતાનું કાર્ય કરેજ છે. માણસે પૃથ્વીને પોતાની જાગીર સમજી લીધી હતી. કુદરત પોતાનું સંતુલન પાછુ લાવી રહી છે. આખા સૌરમંડળ માં એકજ ગ્રહ પર જીવન શક્ય છે. જો પૃથ્વી જ નહિ હોય તો આપણે સહુ જઈશું ક્યાં? વિજ્ઞાન અને વિકાસ જરૂરી છે પણ કુદરતના સંતુલન સાથે. ભારતીયજીવન શૈલી અત્યારે વખણાઇ રહી છે. અને સયંમ એ પણ આપની ઓળખ છે. હું વિશ્વ માટે પ્રાર્થના કરું જ છુ પણ એ બધા સુધી પહોંચે એના માટે બધાએ પણ પ્રયત્ન કરવો પડશે ને? જયારે અહં, કપટ, વૈમનસ્ય, લોભ, લાલચ,જેવા ન દેખાતા ગુણો ઓગળવા લાગશે ત્યારે આપોઆપ બધુજ સંતુલિત થવા લાગશે. તમે દરરોજ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. સારું લાગશે. કુટુંબ સાથે રહીને આનંદ કરો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]