શું ઈમરજન્સી લાગુ કરવાની તૈયારીમાં છે રશિયા?

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદીમિર પુતિન એ એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ હવે કેબિનેટને દેશભરમાં ઈમરજન્સી લાગૂ કરવા સહિત કેટલાક અન્ય અધિકારો પણ મળી ગયા છે. રશિયા દ્વારા આ પગલુ કોરાના મહામારી સામે લડવા માટે ઉઠાવવામાં આવ્યું છે.  મીડિયા રિપોર્ટ અનુસાર લીગલ ઈન્ફોર્મેશન પોર્ટલ પર સત્તાવાર રીતે આ કાયદાને પ્રકાશિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ બે અન્ય બિલને પણ મંજૂરી આપી દીધી છે જેના હેઠળ ક્વોરન્ટાઈન કે સેનિટરીના નિયમોનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રશિયાના 75 વિસ્તારોમાં બુધવારે કોવિડ-19ના કુલ 2777 કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે, કોરોનાના સંક્રમણને ફેલાતું રોકવા મોસ્કો સહિત રશિયાના અનેક વિસ્તારોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં ઈમરજન્સી લાગુ કરવા અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો જરૂર પડશે તો સર્વસંમતીથી ઈમરજન્સી લાગુ કરવામાં આવશે. કાયદા અનુસાર સંસદમાં સમર્થન મળ્યા પછી માત્ર રાષ્ટ્રપતિ જ દેશમાં ઈમરજન્સી લાગુ કરી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]