કોરોના સાથે જોડાયેલા તથ્યોની તપાસ માટે સિસ્ટમ બનાવવા સૂચના

નવી દિલ્હી. કોરોનાના વધતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફોરન્સિંગ કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ સંજોગોમાં વડાપ્રધાને અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંક્રમણ સામે લડાવા માટેની વિવિધ રણનીતીઓ પર પણ વાત કરી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમાચારોની પુષ્ટિ માટે પોર્ટલ બનાવવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્રએ કહ્યું- રાજ્યો સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરે

કેન્દ્રીય ગૃહ સેક્રેટરી અજય ભલ્લાએ બુધવારે કહ્યું કે તમામ રાજ્યો સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરે. પોતાના ત્યાં સમાચારોની પુષ્ટિ માટે પોર્ટલ બનાવો. સુપ્રીમ કોર્ટે 31 માર્ચે સંક્રમણને રોકવા માટે 21 દિવસના લોકડાઉન પર સુનાવણી કરી હતી. કોર્ટે 24 કલાકની અંદર કોરોનાવાઈરસ પર નિષ્ણાંતોની સમિતિનું ગઠન કરવા અને લોકોને સંક્રમણ વિશે માહિતી આપવા માટે પોર્ટલ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કેન્દ્રને દરેક સ્થિતિમાં મજૂરોની અવર-જવર રોકવા, તેમના ખાવા, રહેવાની જગ્યા, પોષણ, સ્વાસ્થ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાનું કહ્યું હતું.

ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે ભારત સરકાર એક વેબ પોર્ટલ બનાવી રહી છે જ્યાં લોકો તથ્યો અને અનવેરિફાઈડ સમાચારને તાત્કાલિક ચકાસી શકે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી છે કે આ મુદ્દાઓ માટે રાજ્ય કક્ષાએ એક સરખા મિકેનિઝમ બનાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓની સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો હતો. 31 માર્ચે ભારત સરકારે એક વિસ્તૃત સ્થિતિ રિપોર્ટ રજૂ કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]