Home Blog Page 4824

હવે ઉનાળાની ગરમીમાં ય બાળકો ભણશેઃ શાળા શૈક્ષણિક સત્રમાં ફેરફાર

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાર્ષિક પરીક્ષા માર્ચ-એપ્રિલ મહિનાની શરુઆતમાં પૂરી થયા બાદ એક મહિનો અઘોષિત વેકેશન રહેતું હતું પરંતુ તેને રદ્દ કરીને એપ્રિલ મહિનાથી જ નવા શૈક્ષણિક સત્રની શરુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

હવેથી ધોરણ 1 થી 12 નું વર્ષ  2020-21 નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ,2020 થી આરંભાશે. વેકેશન 1 મે થી પાંચ સપ્તાહનું રહેશે. વેકેશન પછી શાળા યથાવત રહેશે. હવે શૈક્ષણિક સત્રનો એક મહિનો વધી જશે.

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા આશરે 1.14 કરોડ જેટલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સત્રમાં ફેરફાર કરીને સીબીએસઈ પેટર્નનું કરવાનું નક્કી કર્યું છે. શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ-2009 પ્રમાણે ધોરણ 1 થી 5 માં 200 દિવસ અને ધોરણ 6 થી 8 માં 220 દિવસથી ઓછા ન હોવા જોઈએ.

તો ધોરણ 9 થી 12 માં 240 થી ઓછા દિવસ ન હોવા જોઈએ. ત્યારે આ જોગવાઈને ધ્યાને રાખતા અત્યાર સુધી પ્રથમ સત્ર અને બીજા સત્રના દિવસની જોગવાઈમાં વધઘટ થતી હતી. અત્યાર સુધી 15 મી જૂનથી શરુ થનારું શૈક્ષણિક સત્ર હવે એપ્રિલ મહિનાથી આરંભાશે.

ચાલુ વર્ષે નવું શૈક્ષણિક વર્ષ 2020 માં 21 દિવસો ઘટતા હોવાથી તારીખ 20 એપ્રિલથી આરંભાશે પણ વર્ષ 2021-22 નું નવું શૈક્ષણિક વર્ષ તારીખ 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે અને આ પછી તારીખ 1 મેથી પાંચ સપ્તાહનું વેકેશન રહેશે.

એક રૂપિયાના 64 પૈસા બંધ કેમ કરી દેવાયા?

રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેનો હિસાબ દર વખતે બજેટ પછી રજૂ થતો હોય છે. આખી દુનિયા રૂપિયા પર ચાલે છે એવો અફસોસ કર્યા પછી આપણેય ખિસ્સામાં કેટલા ખણખણીયા છે તે જોઈ લેવું પડે છે. રોકડ વિના રંકને પણ ચાલતું નથી અને રાજાને પણ ચાલતું નથી. લખપતિ શેઠિયો હોય, તે ચમડી તોડી નાખે, પણ દમડી છોડે નહિ અને સાધુ પણ ભાગ્યે જ જડે, જેને ફૂટી કોડીની પણ પડી ના હોય.

સબ સે બડા રૂપૈયા એવું ગીત સાંભળ્યું છે તે કંઈ ખોટું નથી, કેમ કે હિસાબકિતાબ વિના કોઈને ચાલતું નથી. પણ હિસાબ કરવાનું સહેલું પડે તે માટે પ્રાચીન સમયથી ચલણ વિશે સત્તાધીશો વિચારતા રહ્યા હતા. મારા નામના તો સિક્કા ચાલે છે એવું બડાઈ મારવા માટે આપણે કહેતા હોઈએ છીએ તેની પાછળ ઇતિહાસ છે. ચલણનો અને રાજાનો અને સિક્કાનો ઇતિહાસ. નવો રાજા આવે એટલે પોતાના નામના સિક્કા પડાવે અને ચલણમાં મૂકવામાં આવે. નાના રાજાની ત્રેવડ ના હોય એટલે મહારાજા અને સમ્રાટોના સિક્કા ચાલે. તુઘલકે રાજધાની બદલવાનો તુક્કો લગાવેલો તે રીતે સિક્કા બદલવાનો તુક્કો પણ લગાવેલો. તાંબાના સિક્કાસનું ચલણ લાવવાનું નક્કી કર્યું ત્યારે થયું એવું કે લુહારોએ બીજું કામ પડતું મૂકીને તાંબા કિસ્સા બનાવવાનું ચાલુ કરી દીધેલું. નકલી ચલણ એટલું બધું વધી પડ્યું કે તુઘલકનું રાજ્ય બરબાદ થઈ ગયું હતું.

તેનું કારણ એ કે ચલણનું એક મૂલ્ય હોય છે અને ચલણનો સિક્કો તૈયાર કરવા માટે ખર્ચ થાય તે ઓછો હોય તો લોકો નકલી સિક્કા બનાવવાનો જ ધંધો કરે. ચલણ તૈયાર કરવાનો ખર્ચ તેના મૂલ્ય કરતાં વધારે હોવો જોઈએ. અથવા હાલના સમયમાં છે તે રીતે નોટો છાપવાની પદ્ધતિ એટલી અઘરી હોવી જોઈએ કે નકલી નોટો છાપી શકાય નહિ. તેમ છતાંય નકલી નોટો થોડી ઘણી છપાતી રહે છે.

આના પરથી જ રૂપિયાનું ‘મૂલ્ય’ બહુ અગત્યનું બની રહે છે. રૂપિયાનું મૂલ્ય સત્તાવાર અને બિનસત્તાવાર એમ બંને રીતે હોય છે. બિનસત્તાવાર મૂલ્ય એટલે આપણે સૌ જે રીતે રૂપિયા, નાણા, ધન, સંપત્તિને જોતા હોઈએ છીએ તે, અને સત્તાવાર મૂલ્ય એટલે રૂપિયા બરાબર કેટલા પૈસા. આ તો બહુ સહેલું છે એમ તમને લાગશે – એક રૂપિયાના એક સો પૈસા. બરાબર છે, એક રૂપિયો એટલે એકસો પૈસા થાય. તે પછી એકસો રૂપિયા, હજાર, લાખ, કરોડ એવી રીતે ગણતરી ચાલે, પણ એક રૂપિયાનું મૂલ્ય આ રીતે નિર્ધારિત થયું તે સત્તાવાર રીતે થયેલું હોય છે. સાચી વાત એ છે કે રૂપિયાનું મૂલ્ય પ્રથમથી જ એકસો પૈસા નથી. આના શબ્દ હમણાં સુધી આપણે સાંભળતા આવ્યા છીએ. ચાર આના અને આઠ આઠા આપણે બોલતા હતા અને તેના સિક્કા પણ હતા. પાવલી એટલે કે 25 પૈસાનો સિક્કો ચાર આના અને 50 પૈસાનો સિક્કો આઠ આના.

પરંતુ પાઈ, દમડી, ફૂટી કોડી આવા શબ્દો આપણે વધારે કહેવતોમાં સાંભળ્યા છે અને તેનું અસલી મૂલ્ય શું તે હવે કદાચ થોડી જૂની પેઢીના લોકોને પણ ના ખબર હોય તેવું બને. કોડી તો ખરી, પણ ફૂટી કોડી એટલે શું? એક કોડીના ત્રણ ભાગ ત્યારે ફૂટી કોડી બને! ત્રણ ફૂટ કોડી એટલે એક કોડી મૂલ્ય. આનાનો હિસાબ વધારે સહેલો હતો. રૂપિયામાં સોળ આના હતા. સોળ આના સચ – એ કહેવત યાદ છેને!

એક આનાના પણ ભાગ પડતા હતા. ચાર પૈસા ભેગા ત્યારે એક આનો થતો હતો. એટલે ગણી લો હિસાબ મળી જશે. ચાર આના એટલે પાવલી=25 પૈસા. ચાર પાવલી ભેગી થાય એટલે 100 પૈસાનો રૂપિયો થઈ જાય. જોકે સત્તાવાર રીતે એક રૂપિયાને 100 પૈસામાં ગણવાની શરૂઆત બ્રિટિશરો ગયા તે પછી થઈ હતી, તેની વાત આગળ કરીશું.
પૈસાનો પણ ભાગ પડે – એક પૈસામાં ત્રણ પાઈ આવે. એટલે જ કહેવત પડી હતી કે પાઈ પાઈએ ભેગી કરીને પૈસો બચાવ્યો હોય, તે ગુમાવ્યાનું દુખ થાય. દોઢ પાઈનો એક ધેલા થતો હતો, પણ તે બહુ પ્રચલિત નથી. એક ધેલાની બે દમડી થાય તે દમડી શબ્દ વળી કહેવતમાં પ્રચલિત હતો. દમડીના પણ ભાગ પડે – એક દમડીની 10 કોડી આવે અને છેલ્લે આવે એક કોડીની ત્રણ ફૂટી કોડી. હવે ખ્યાલ આવ્યો શા માટે જૂની પેઢીના લોકો કહેતા હતા કે રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો?
પાઈ પાઈ ભેગી કરવાની વાત જવા દો, બહુ જૂના સમયે એક એક ફૂટી કોડી ભેગી કરીને માંડ માંડ રૂપિયો ભેગો થતો હતો. રજવાડાના સમયમાં આખો રૂપિયો પગાર હોય તે બહુ મોટી વાત કહેવાતી હતી. રૂપિયાનો હિસાબ નીચેની રીતે સમજો એટલે વધારે સ્પષ્ટ થઈ જશે.

1 રૂપિયો= 16 આના
16 આના= 64 પૈસા
64 પૈસા= 128 ધેલા
128 ધેલા= 192 પાઈ
192 પાઈ= 265 દમડી
265 દમડી= 2650 કોડી
2650 કોડી= 7950 ફૂટી કોડી

સરળ હિસાબ માટે (ઓછી પ્રચલિત ધેલાને બાદ કરીને)

3 ફૂડી કોડી= 1 કોડી
3 કોડી= 1 દમડી
3 દમડી= 1 પાઈ
3 પાઈ= 1 પૈસો
4 પૈસા= 1 આનો
16 આના= 1 રૂપિયો

1540ની આસપાસ શેરશાહ સૂરીએ સિક્કા પડાવ્યા તે રૂપું (ચાંદી)માંથી બનેલા હતા એટલે તેનું નામ રૂપિયા પડ્યું. 11.453 ગ્રામનો એક સિક્કો બનતો હતો. તુઘલકે તાંબામાંથી સિક્કા બનાવેલા તેને દામ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેના પરથી દમડી શબ્દ આવ્યો હતો. સોનાના સિક્કાને મોહર કહેવાતા હતા. સોનામહોર એક પ્રકારનો સિક્કો હતો. ત્યાંથી આજે આપણે રૂપિયાની નોટ સુધી પહોંચ્યા છીએ. વચ્ચે ઉપર ગણાવ્યા તે પ્રમાણે 16 આનાનો રૂપિયો ગણાતો હતો. તેનું વજન 11.66 ગ્રામનું હતું.

ભારતે શૂન્યની અને દશમાંશની શોધ કરેલી પણ ચલણમાં તેનો ઉપયોગ અમેરિકાએ શરૂ કર્યો હતો. અમેરિકાએ પાયાના ચલણને સો હિસ્સામાં ગણાવાનો એટલે કે ડૉલરના 100 સૅન્ટનો હિસાબ નક્કી કર્યો હતો. અમેરિકાએ 1792થી આ પદ્ધતિ અપનાવી હતી. યુરોપના બીજા દેશોએ પણ આ સહેલી રીત અપનાવી લીધી હતી. પણ બ્રિટનમાં જૂની પદ્ધતિ ચાલતી રહી. તેથી ભારતમાં પણ આના પદ્ધતિ ચાલતી રહી. આઝાદી પછી છેક ભારતે પણ રૂપિયાનું મૂલ્ય (64 પૈસાને બદલે) 100 પૈસા કરવાનું નક્કી કર્યું. પરંતુ મૂલ્ય ફેરવવાનું કામ એટલું સહેલું હોતું નથી. તુઘલકે તાંબાના સિક્કા નક્કી કર્યા અને બધા લોકો સિક્કા બનાવવા લાગ્યા તેના કારણે ભારે અરાજક સ્થિતિ પેદા થઈ હતી. તે જ રીતે રાતોરાત એક રૂપિયાના 100 પૈસા કરી નખાય તો ચાર આના અને આઠ આનાની ગણતરી મુશ્કેલ બને. તેથી ધીમ ધીમે આયોજનપૂર્વક રૂપિયો બરાબર 100 પૈસા દાખલ થયા હતા.

1955માં પ્રથમ તો સંસદમાં સિક્કા બહાર પાડવા અંગેના કાયદામાં સુધારો કર્યો. દશમાંશ પદ્ધતિ અપનાવાનું નક્કી કરાયું અને સૌથી નાની મુદ્રા પાઈની જગ્યાએ પૈસોને બનાવવામાં આવી. ત્રણ પાઈનો એક પૈસા થાય તે હિસાબ ભૂલી જવાનો અને હવે એક પૈસાથી શરૂઆત થાય. 100 પૈસાનો રૂપિયો થાય. હવે એક પૈસો (નયું-નયા પૈસા પરથી), બે પૈસો, ત્રણ પૈસા (તિનિયું), 25 પૈસા (પાવલી), 50 પૈસાના સિક્કા તૈયાર થયા. પરંતુ ચાર અને આઠ આનાનો હિસાબ બેસાડવો મુશ્કેલ પડત હતો. કહેવાય ચાર આના, પણ તેનું મૂલ્ય 16 પૈસાના બદલે 25 પૈસાનું હોય. ટપાલ ટિકિટ, રેલવે ટિકિટ આના-રૂપિયામાં હતી તેમાં ફેરફાર કરવો પડે તેમ હતો. ખેતી માટે આનાવારી નક્કી થતી હતી, મહેસૂલનો દર પણ આનાવારી પ્રમાણે હતો તે બધામાં ફેરફારો કરવા પડે તેમ હતા.

આરબીઆઈએ ગણતરી સરળ બને તે માટે ચાર્ટ તૈયાર કરી આપ્યો હતો. તે દેશભરમાં પોસ્ટ ઓફિસમાં લગાવવામાં આવ્યો હતો. કાયદામાં સુધારા પછી 1957માં નવા સિક્કા બહાર પડ્યા. તેના પર ‘નયે પૈસે’ એવું ખાસ લખવું પડ્યું હતું. નયા પૈસા મેળવવા માટે દિલ્હીની જનરલ પોસ્ટ ઓફિસ આગળ 10,000 લોકોની લાઈન લાગી ગઈ હતી. પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. કોલકાતામાં લોકો નયે પૈસે સ્વીકારવા તૈયાર નહોતા એટલે વિરોધમાં ઉતરી આવ્યા હતા અને પોસ્ટ ઓફિસને જ સળગાવી દીધી હતી.

નોટબંધી યાદ આવી ગઈ? શાસકોના તુઘલઘી તુક્કા હંમેશા પ્રજાને પરેશાન કરતાં હોય છે અને લાઈનમાં લગાડી દેતા હોય છે. જોકે અહીં પ્રજાને નુકસાન નહોતું થઈ રહ્યું. આમ જુઓ તો ફાયદો થઈ રહ્યો હતો, કેમ કે રૂપિયાના 64ના બદલે 100 પૈસા થઈ રહ્યા હતા. બીજી બાજુ ચાર આનાનું પરબિડિયું મળતું હતું તે હવે પાવલીમાં મળતું હતું, એટલે લોકોને મોંઘું લાગ્યું હતું. 16 પૈસાને બદલે 25 પૈસા દેવા પડતા હતા.

સમગ્ર સ્થિતિને થાળે પડતા અને લોકોને નવા પૈસાની આદત પડતા દાયકો લાગી ગયો હતો. તે પછી 1963-64માં સૌને આદત પડી ગઈ હશે એમ સમજીને સરકારે સિક્કા પરથી નયે પૈસે શબ્દ હટાવી દીધો હતો. હવે નવો પૈસો જ અસલી પૈસો બન્યો હતો, પણ પૈસાની મોહમાયામાં કંઈ ફરક પડ્યો નથી. આજેય રૂપિયો-પૈસો આપણને પરેશાન કરતો રહે છે. રૂપિયો ગાડાના પૈડા જેવો હતો તે એક નયા જેટલો થઈ ગયો છે એમ આપણને લાગે છે. રૂપિયામાં હવે પાણીનું પાઉચ પણ મળતું નથી. કપ ચાના પણ 10 રૂપિયા થઈ ગયા છે. 100ની નોટ ફટ કરતીકને ઊડી જાય છે. લખપતિ મધ્યમ વર્ગની હરોળમાં આવી ગયા છે, કેમ કે સરકાર 5 ટ્રિલિયનની (તેમાં એક પર કેટલાં મીંડા આવે તેની નેતાઓને પણ ખબર નથી) વાતો કરે છે, ત્યારે અબજપતિની યાદીઓ બહાર પડ્યા કરે છે. ચાલો ભઈ, પડતી મૂકો પંચાત, પાઈની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ… કમાણી માટે કામે લાગો!

શાહીનબાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ “આપ” સાથે જોડાયેલો છેઃ દિલ્હી પોલીસ

નવી દિલ્હીઃ શાહીનબાગમાં ફાયરિંગ કરનારા આરોપી કપિલ ગુર્જરને લઈને દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે, આ વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. આ દાવા બાદ આરોપીના પિતા ગજે સિંહનું પણ નિવેદન આવી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો હતો તે સમયે જબરદસ્તી આવીને ટોપી પહેરાવી દેવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સાથે અમારો કોઈ સંબંધ નથી. હું રાજનીતિમાં આવ્યો હતો, પરંતુ 2012 સુધી બહુજન સમાજ પાર્ટીમાં રહ્યો હતો. બસપામાં આવ્યા બાદ મારી તબિયત ખરાબ રહેતી હતી પછી મે રાજનીતિ છોડી દીધી હતી.

કપિલ ગુર્જરના કાકા ફતેહ સિંહ અને અજબ સિંહે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારા પરિવારનો આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. તમામ પાર્ટીઓ પ્રચાર માટે ચૂંટણીમાં આવે છે. આમ આદમી પાર્ટી વાળા પણ આવ્યા હતા અને ટોપી પહેરાવી ગયા. અમારા ગામમાં અમે બધાનું સન્માન કરીએ છીએ. અમારા આખા પરિવારનો રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી અને ન તો કોઈ પોલિટીકલ પાર્ટી સાથે. અમને રાજનીતિમાં ફસાવવામાં આવી રહ્યા છે. ગજે સિંહ પહેલા બસપામાંથી ચૂંટણી લડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દલ્લૂપુરામાં રહેતા કપિલે ફાયરિંગ કરતા ઘટનાસ્થળ પર જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને તે પણ કહ્યું હતું કે અહીં માત્ર હિન્દુઓનું ચાલશે. કપિલને રવિવારે મેટ્રોપોલિટન જજની સામે રજૂ કરવામાં આવ્યો હતો અને તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી વેામાં આવ્યો હતો. આ ઘટના બાદ સીએમ અરવિંદ કેજરીવાલે ગૃહપ્રધાન અમિત શાહને રાજધાનીના કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને ઘેર્યા હતા. જ્યારે ગુર્જરના આપના સભ્ય હોવાની વાત સામે આવ્યા બાદ તેની સંભાવના છે કે ભાજપ દિલ્હીની સત્તામાં રહેલી પાર્ટી પર હુમલો કરશે.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને પૂછપરછ દરમિયાન કપિલના ફોનમાંથી ઘણા ફોટોગ્રાફ્સ મળ્યા છે, જેમાં આપમાં જોડાવાના ફોટો પણ સામેલ છે. આ ફોટોગ્રાફ્સમાં કપિલ પોતાના પિતા અને અન્ય લોકોની સાથે આપનું સભ્યપદ લઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાજેશ દેવે જણાવ્યું, ‘અમારી શરૂઆતી તપાસમાં કપિલના ફોનમાંથી કેટલાક ફોટોગ્રાફ્સ મળ્યા છે, જેનાથી તે સાબિત થાય છે અને તેણે ખુલાસો કર્યો છે કે તે અને તેના પિતા એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અમે તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે.’

શાહીનબાગ મુદ્દો ધ્રુવીકરણ કરાવશે કે કેજરીવાલનો કરિશ્મા ચાલશે?

નવી દિલ્હી: ભાજપ તેની રણનીતિ મુજબ શાહીન બાગના મુદ્દાને હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. દિલ્હીના રસ્તાઓથી લઈને સંસદ સુધી પાર્ટી તરફથી સંદેશો આપવામાં આવી રહ્યો છે કે, તે શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન વિરુદ્ધ છે. એટલું જ નહીં શાહીન બાગ પર વિવાદિત નિવેદન મામલે ચૂંટણી પંચની કાર્યવાહીનો સામનો કરી ચૂકેલા ભાજપા સાંસદ પ્રવેશ વર્મા દ્વારા જ પાર્ટીએ રાષ્ટ્રપતિ અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા શરુ કરાવી. એ જ દિવસે સદનમાં પ્રશ્નકાળ દરમ્યાન અનુરાગ ઠાકુરના વિરોધમાં પણ જોરદાર નારેબાજી કરવામાં આવી. મહત્વનું છે કે, અનુરાગ ઠાકુરે દિલ્હીમાં એક રેલી દરમ્યાન ‘ગદ્દારોને ગોળી મારો’ જેવા નારા લગાવ્યા હતા.

લોકસભામાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે, કેટલાક કેન્દ્રીય મંત્રી પોતાના ‘રાજકીય આકા’ઓના ઈશારે ભડકાઉ નિવેદનો આપીને દેશમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ દેશમાં નફરતની રાજનીતિના સ્થાને નવી અપેક્ષાની રાજનીતિની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં બેરોજગારી, ગરીબી, મોંઘવારી, શિક્ષણ જેવા વિકરાળ પડકારો વચ્ચે દેશના ભાગલા પડે તેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે, આ સ્થિતિમાં વિપક્ષી દળો દેશ અને બંધારણને બચાવવાની વાત કરી રહ્યા છે.

આ તમામ ચર્ચાઓ, નિવેદન અને આરોપો વચ્ચે પ્રશ્ન એ વાતનો છે કે, શું શાહીન બાગને હાથો બનાવી ભાજપ દિલ્હીમાં મતદાતાઓનું ધ્રુવીકરણ કરવામાં સફળ થશે? આ સવાલના જવાબમાં આપણે વર્ષ 2008ની દિલ્હીની ચૂંટણી પર નજર નાખવી પડશે. મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ હુમલો થયો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર કોંગ્રેસની આગેવાનીમાં ચાલી રહેલી યુપીએ સરકાર એકદમથી બેકફૂટ પર જતી રહી હતી. હુમલાના બે દિવસ પછી એટલે કે 28 નવેમ્બરે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન હતું.

ભાજપે આ બે દિવસનો ફાયદો ઉઠાવતા મતદાતાઓને એવો સંદેશો પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કર્યો કે, કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે નરમ વલણ અપનાવે છે. પણ અહીં ભાજપનું નસીબ પાછું પડયું કારણ કે, એ દિવસોમાં રાજધાની પર શીલા દીક્ષિતની લોકપ્રિયતા ચરમસીમા પર હતી. તેમના વિકાસ કામોના ચારેકોર વખાણ થતા રહ્યા અને જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું તો કોંગ્રેસની જીત થઈ. શું અરવિંદ કેજરીવાલ પણ એવો જ કરિશ્મા આ ચૂંટણીમાં કરી શકશે?

વોટ્સએપ હેક થવાની ચિંતા છે તો આ ફીચર એક્ટિવેટ કરો

નવી દિલ્હી: વોટ્સએપ તેના યુઝરની સિક્યોરિટી અને પ્રાઈવેસી માટે ઘણાં ફીચર ઓફર કરે છે. કંપનીનો હમેશાં પ્રયાસ હોય છે કે તે યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત રાખે. Pegasus સ્પાયવેરથી જોડાયેલ કિસ્સાઓ સામે આવ્યા બાદ વોટ્સએપ એકાઉન્ટને સુરક્ષિત રાખવું જરૂરી બની ગયુ છે.

પેગાસસ એ જ સ્પાયવેર જેણે ગયા વર્ષે 120 ભારતીયોના ફોનને હેક કરી લીધા હતા. એટલું જ નહીં એમેઝોનના માલિક જેફ બેઝોસના ફોનને હેક કરવા માટે પણ તેનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી તમારા વોટ્સએપને સેફ રાખવા માટે અમે તમને વોટ્સએપ પર ટૂ-સ્ટેપ વેરિફિકેશન ફીચર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. આને એક્ટિવ કરીને તમે વોટ્સએપ ડેટાની સિક્યોરિટીને વધુ સારી બનાવી શકો છો. આ ફીચર એક્ટિવેટ થવા પર ફોન રિસેટ કે સિમકાર્ડ ચેન્જ કરતી વખતે વોટ્સએપ એકાઉન્ટમાં લોગઈન કરવા માટે 6 આંકડાવાળો એક પિનકોડની જરૂર પડે છે. અહીં અમે તમને તમારા વોટ્સએપને હેકર્સથી બચાવવા માટે ટૂ-સ્ટેપ વેરિફિકેશન ફીચર અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

કેવી રીતે એક્ટિવેટ કરશો ટૂ-સ્ટેપ વેરિફિકેશન

ટૂ-સ્ટેપ વેરિફિકેશનને એક્ટિવેટ કરવા માટે વોટ્સએપ ઓપન કરીને સેટિંગમાં જવાનું રહેશે. અહીં એકાઉન્ટ સેક્શનમાં તમને ટૂ-સ્ટેપ વેરિફિકેશનનો ઓપ્શન મળશે જેને સેટિંગમાં જઈને ઈનેબલ કરી દો. આટલુ કર્યા બાદ તમારે 6 આંકડાનો પિન દાખલ કરવો પડશે.

પિન કન્ફર્મ કર્યા બાદ વોટ્સએપ તમને એક ઈમેલ એડ્રેસ એડ કરવાનું કહેશે. આ ઈમેલ એડ્રેસનો ઉપયોગ તમે પિન ભૂલાઈ જવા પર તેને રિસેટ કરવા માટે કરી શકો છો. ધ્યાન રાખવું કે, ઈમેલ એડ્રેસમાં તમારાથી કોઈ ભૂલ ન થાય, કારણ કે પછી વોટ્સએપ તેને વેરિફાઈ નહીં કરી શકે. ઈમેલ એડ્રેસ આપવું કે ન આપવું તમારી પર નિર્ભર કરે છે. તમે ઈચ્છો તો આ સ્ટેપ છોડી પણ શકો છો.

ફિંગરપ્રિન્ટ લોક

ગયા વર્ષે વોટ્સએપે ફિંગરપ્રિન્ટ ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી તમે તમારા વોટ્સએપ એકાઉન્ટને તમારી આંગળીના ટેરવે સુરક્ષિત રાખી શકો છો. આ ફીચરને ઈનેબલ કરવા માટે વોટ્સએપ સેટિંગમાં એકાઉન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે અને ત્યાં પ્રાઈવેસી ઓપ્શન પર ક્લિક કરીને સૌથી છેલ્લે ફિંગરપ્રિન્ટ લોકનો ઓપ્શન દેખાશે, તેને ઓન(શરુ) કરવાથી આ ફીચર એક્ટિવેટ થઈ જશે.

 

રાશિ ભવિષ્ય 05/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પાકિસ્તાનને 10-વિકેટથી હરાવી ભારત અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં

પોટચેફ્સ્ટ્રૂમ (દક્ષિણ આફ્રિકા) – ભારતના 19-વર્ષની નીચેના ક્રિકેટરોની ટીમે આઈસીસી અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધામાં સતત ત્રીજી વાર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પ્રિયમ ગર્ગની આગેવાની હેઠળની ટીમે આજે અહીં સેન્વેસ પાર્ક મેદાન પર રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 10-વિકેટથી સજ્જડ પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત ICC U-19 વર્લ્ડ કપ સ્પર્ધાનું ગઈ વેળાનું ચેમ્પિયન છે. આમ, એ પોતાનું વિજેતાપદ જાળવી રાખવા અગ્રસર છે.

ભારતના અન્ડર-19 ખેલાડીઓ 2000ની સાલમાં આ સ્પર્ધામાં ચેમ્પિયન્સ બન્યા હતા, 2006માં રનર્સ-અપ હતા, 2008માં ચેમ્પિયન્સ, 2012માં ચેમ્પિયન્સ, 2016માં રનર્સ-અપ અને 2018માં ચેમ્પિયન્સ બન્યા હતા.

પાકિસ્તાનના કેપ્ટન અને વિકેટકીપર રોહેલ નઝીરે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. એની ટીમ 43.1 ઓવરમાં 172 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. રોહેલ પોતે 62 રન કરીને એની ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.

એના જવાબમાં, ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (105 નોટઆઉટ) અને દિવ્યાંશ સક્સેના (59 નોટઆઉટ)ની ઓપનિંગ જોડીએ 35.2 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 176 રન કરીને ટીમને ઝળહળતી જીત સાથે ફાઈનલમાં પહોંચાડી હતી.

યશસ્વી જયસ્વાલ

હવે 6 ફેબ્રુઆરીએ બીજી સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશમાંથી જે ટીમ વિજેતા બનશે એની સામે ભારતીય ટીમ 9 ફેબ્રુઆરીની ફાઈનલમાં રમશે.

113 બોલમાં, 8 ફોર અને 4 સિક્સ ફટકારનાર જયસ્વાલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

દિવ્યાંશ સક્સેના 99 બોલમાં 6 બાઉન્ડરી સાથે 59 રન કરીને નોટઆઉટ રહ્યો.

પાકિસ્તાનના દાવ વખતે, ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ યોર્કર ડિલીવરીઓનો મારો ચલાવીને હરીફ બેટ્સમેનોને હેરાન કરી મૂક્યા હતા. ત્યાગીએ 8 ઓવરમાં 32 રન આપીને બે વિકેટ ઝડપી હતી. લેગ-સ્પિનર રવિ બિસ્નોઈએ 10 ઓવર ફેંકી હતી અને 46 રન આપીને બે વિકેટ પાડી હતી.

દિલ્હી ચૂંટણી 2020:  દિલ્હી દંગલમાં મુખ્ય પ્રધાન vs વડા પ્રધાન

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી આડે હવે Iગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ખેલ હવે ખરાખરીનો જામ્યો છે. બંને બાજુ અક્ષૌહિણી સેનાઓ ગોઠવાઈ ગઈ છે. વડા પ્રધાનથી માંડીને ભાજપનાં તમામ દિગ્ગજોની ફોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચૂંટણી મેદાનમાં હરાવવા રાત-દિવસ એક કરી રહ્યા છે, જ્યારે સામે પક્ષે કેજરીવાલ અને આપના નેતાઓ પણ જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ પણ રાહુલ-પ્રિયંકા સાથે આક્રમક ચૂંટણીપ્રચાર કરી રહી છે.દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના ચાર-પાંચ દિવસ પહેલાં વડા પ્રધાન મોદીએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું અને ચૂંટણીસભાઓ કરી રહ્યા છે. તેમણે પૂર્વ દિલ્હીમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં જે કેજરીવાલ સરકાર છે, જે કેન્દ્રની યોજનાઓના અમલમાં રોડાં નાખ્યાં કરે છે. આ લોકો બાટલા હાઉસના આતંકવાદીઓ માટે રડી શકે છે, સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલો કરે છે અને સુરક્ષા દળોને કઠેડામાં ઊભા કરે છે, પણ દિલ્હીનો વિકાસ નથી કરી શકતા.
બીજી બાજુ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રકારો કર્યા હતા. તેમણે  દિલ્હીમાં પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરતાં ભાજપને પડકાર આપ્યો હતો કે કે 24 કલાકમાં ભાજપના દિલ્હીના સંભવિત મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરો, હું તેમની સાથે જનતાની સામે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ મુદ્દે વિચારવિમર્શ કરવા તૈયાર છું. પક્ષના સિનિયર નેતા સંજય સિંહે પણ ભાજપને મુખ્ય પ્રધાનનું નામ જાહેર નહીં કરવા બદલ આડે હાથ લીધો હતો.

ત્રીજી બાજુએ રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન અને વડા પ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે આ મોદીની નહીં અદાણી-અંબાણીની સરકાર છે. આ કામ નહીં માર્કેટિંગ કરે છે.

BSEનું ડેટ સિક્યુરિટીઝ RFQ પ્લેટફોર્મ લાઈવ થયું

મુંબઈ – દેશના શેરબજારોમાં સતત નવી પહેલ કરી રહેલા વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જ બીએસઈએ સોમવારથી રિક્વેસ્ટ ફોર ક્વોટ (આરએફક્યુ) પ્લેટફોર્મ લાઈવ કર્યું છે, જેમાં ડેટ સિક્યુરિટીઝનું કામકાજ અને સેટલમેન્ટ થઈ શકે છે. આ અંગે સેબીની મંજૂરી મળ્યા બાદ એક્સચેન્જે આ પ્લેટફોર્મ લાઈવ કર્યું છે.

આરએફક્યુ પ્લેટફોર્મ વેબઆધારિત ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેના પર કોર્પોરેટ બોન્ડ્સ, કમર્શિયલ પેપર્સ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, જી-સેક, ટી-બિલ્સ, સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ, મ્યુનિસિપલ બોન્ડ્સ અને સિક્યુરિટાઈઝ્ડ ડેટનું ટ્રેડિંગ અને સેટલમેન્ટ થઈ શકે છે.

આ નવું ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઓટીસી માર્કેટ્સ કરતાં વધુ સારાં ફીચર્સ અને લવચીકતા ધરાવે છે અને વધુ કાર્યક્ષમતા અને પારદર્શકતા પૂરી પાડે છે. આરએફક્યુ બીએસઈની કોર્પોરેટ ડેટ સિક્યુરિટીઝ માટેની વર્તમાન રિપોર્ટિંગ અને સેટલમેન્ટ પ્લેટફોર્મ એનડીએસ-આરએસટીનો હિસ્સો છે.

આ નવા પ્લેટફોર્મની વિશિષ્ટતાઓમાં અત્યાધુનિક વેબ-આધારિત ટ્રેડિંગ પ્લેટફોર્મ, રજિસ્ટ્રેશનની સરળ પ્રક્રિયા, કામગીરી પ્રમાણેનું યુઝર મેનેજમેન્ટ અને કાઉન્ટરપાર્ટી આધારિત રિસ્ક મેનેજમેન્ટ અને કોર્પોરેટ બોન્ડ્સમાં સેટલમેન્ટ માટે  થયેલા વેપારના સ્વયં પ્રવાહનો સમાવેશ થાય છે.