Stay connected with chitralekha.com during lockdown.
Exclusive chat with well known financial expert Amit Trivedi.
Exclusive chat with well known financial expert Amit Trivedi
શેરબજાર ફરી ક્યારે બેઠું થઈ શકે? સદીના વૈશ્વિક કિસ્સાઓ પર એક નજર
વિતેલી એક સદીના યુધ્ધની અથવા કટોકટીની ઘટના વખતે અને એ પછી શેરબજારમાં શું બન્યું છે તેનો અભ્યાસ કરવામાં આવે તો હાલની કોરોના સર્જીત કપરી વૈશ્વિક મંદીની ઘટના બાદ હવે શું થઈ શકે તેનો અંદાજ મળી શકે, જો કે આમ જ થાય એવું જરૂરી નથી, તેમછતાં સમજવું મહત્ત્વનું છે.
ઘણા રોકણકારો પૂછે છે કે બજાર કેમ તૂટી ગયું? બજાર ક્યારે સુધરશે? ઘણા પીઢ ખેલાડીઓ પણ ઈક્વિટી બજારમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. ઘણા ઇક્વિટી પોર્ટફોલિયો પરનું વળતર ફિક્સ્ડ ડિપોઝિટ પરના વળતરથી પણ અધિક નીચું જઈ રહ્યું છે. લોકોને એમ થઈ રહ્યું છે કે ઈક્વિટીમાં ઊંચું જોખમ લેવા છતાં જો સારું વળતર ન મળતું હોય તો બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ્સમાં રોકાણ શું કામ ન કરવું કે જેમાં જોખમ તો ઓછું છે. અહીં આપણે સમજવાની કોશિશ કરીએ કે કેમ જગતની શેરબજારો તૂટી પડી અને તે ફરી ક્યારે બેઠી થશે.
અત્યારની રોકાણ બજારો સિક્યુરિટીઝના મૂલ્યની ગણતરી ડિસ્કાકઉન્ટેડ કેશ ફ્લો મેથડ મુજબ કરે છે, જેની ફોર્મ્યુલા આ મુજબ છે.
સિક્યુરિટીઝનું અંદાજિત મૂલ્ય = ફ્રી કેશ ફ્લો
ડિસ્કાઉન્ટ રેટ-ગ્રોથ રેટ
કોવિદ-19 મહામારી ફાટી નીકળી ત્યારે તેની વ્યક્તિગત રાષ્ટ્રો અને વૈશ્વિક અર્થતંત્ર પર કેટલી અસર થશે તેનો કોઈને ખ્યાલ નહોતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું હતું કે મોનિટરી પોલિસી કમિટી (એમપીસી) આ ઘટનાની દેશના જીડીપી પર કેટલી અસર થશે તેનો અંદાજ આપી શકી નથી. તેમણે આગામી વર્ષના જીડીપીના અંદાજો પણ જાહેર ન કર્યા, મહામારીની અસરના મુદ્દે આટલી અનિશ્ચિતતા પ્રવર્તે છે. આવા કિસ્સામાં મૂલ્યના નિર્દેશાંકો અતિ અનિશ્ચિત હોય છે. આવી અનિશ્ચિતતા વચ્ચે મોટી સંખ્યામાં ખેલાડીઓ સલામતી ભણી વળે છે. અહીં પણ આવું જ થયું એટલે બજારને જાણે તળિયું જ ન હોય એમ એકધારું તૂટી ગયું. ઉપરોક્ત ફોર્મ્યુલામાં જો ડિસ્કાઉન્ટ રેટ અને વિકાસ દર વચ્ચેનો ગાળો નીચો હોય તો અંદાજિત મૂલ્ય ઊંચું હોય, જો ગેપ વધુ હોય તો સિક્યુરિટીનું અંદાજિત મૂલ્ય ઓછું હોય.
ડિસ્કાઉન્ટ રેટ રોકાણ પરની અપેક્ષિત વળતર સાથે જોડાયેલા હોય છે. આપણે જાણીએ છીએ કે અપેક્ષિત વળતરનો સંબંધ મૂડીરોકાણમાં સંમિલિત જોખમ સાથે હોય છે. જો જોખમ વધુ હોય તો ડિસ્કાઉન્ટરેટ ઊંચો હોય. સંભવિત જોખમ અધિક હોય તો તેની સામે વળતર પણ ઊંચું માગવામાં આવે છે.
અનિશ્ચિતતા વધવા સાથે ઈક્વિટી બજારો અત્યંત જોખમી લાગવા માંડી એટલે ડિસ્કાઉન્ટ રેટ વધ્યો. એ જ સમયે સંભવિત વિકાસ વૃદ્ધિ દર પણ ઘટ્યો. હકીકતમાં અત્યારે ઘણા લોકો નેગેટિવ ગ્રોથ રેટ્સનો અંદાજ મૂકી રહ્યા છે. કલ્પના કરો કે ઉપર જે સમીકરણ દર્શાવ્યું છે એ મુજબ શું થાય. મૂડીરોકાણનું અંદાજિત મૂલ્ય એકદમ ઘટી જાય એ સ્પષ્ટ છે.
હવે આપણે બીજા સવાલ કે બજાર ક્યારે બેઠું થશે એનો ઉત્તર મેળવવાની કોશિશ કરીએ. અહીં આપણે મહામારી કે વૈશ્વિક મહામારીની વાત નહીં કરીએ પણ ગઈ સદીમાં થયેલાં યુદ્ધો પર નજર કરીશું. સોથી પણ અધિક વર્ષોથી ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ રોજેરોજ પ્રસિદ્ધ કરાય છે, જેમાં માત્ર બે અપવાદ છે. પ્રથમ અપવાદ એ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ સાડા ચાર મહિના બંધ રહ્યું હતું. જ્યારે ડિસેમ્બરમાં અંશતઃ ટ્રેડિંગ પુનઃ શરૂ કરવામાં આવ્યું ત્યારે શેરો પુનઃવધીને છેલ્લા જુલાઈના સ્તરે પહોંચ્યા હતા. એ હકીકત હતી કે વિદેશીઓએ શેરો વચ્યા હતા પરંતુ તે બધા અમેરિકી રોકાણકારો દ્વારા ખરીદી લેવામાં આવ્યા હતા. ફરી જ્યારે અમેરિકા 1917માં યુદ્ધે ચડ્યું ત્યારે બજારો તૂટી પડી. જોકે ત્યાર બાદ1919ના અંત પૂર્વે જ્યારે વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું એના થોડા જ મહિનાઓમાં બજારોએ નવાં ઊંચા શિખર સર કર્યા.
પ્રથમ વિશ્વ યુદ્ધના એક દસકમાં અમેરિકી બજાર વધતી રહી. ડાઉ જોન્સ 381 પોઈન્ટ્સની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો.
બીજા વિશ્વ યુદ્ધમાં 1940માં જ્યારે જર્મનીએ પેરિસ પર કબજો જમાવ્યો ત્યારે ડાઉ જોન્સ આશરે 25 ટકા ગબડી પડ્યો. 7 ડિસેમ્બર, 1941ના દિને જપાને પર્લ હાર્બર પર હવાઈ હુમલો કરી અમેરિકાને યુદ્ધમાં ઘસડ્યું ત્યારે ડાઉ જોન્સ ઘટીને 100થી પણ નીચે જતો રહ્યો હતો. જોકે 1942માં ડાઉ જોન્સ વધવા લાગ્યો અને 1946ના પ્રારંભ સુધીમાં 200 પોઈન્ટથી ઉપરની સપાટીએ પહોંચ્યો.
અખાતી યુદ્ધ (1990-91)માં જ્યારે ઈરાકે 2 ઓગસ્ટ, 2990ના રોજ કુવૈત પર હુમલો કર્યો ત્યારે એસએન્ડપી 500 ઈન્ડેક્સ 13.5 ટકા ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે એના એક વર્ષ બાદ એસએન્ડપી 500 હુમલાના દિવસના આંકથી 10.16 ટકા ઊંચો બંધ રહ્યો હતો.
અહીં ભારતમાં અખાતી યુદ્ધ સમયે સેન્સેક્સ ત્રણ દિવસમાં 8.09 ટકા ઘટ્યો હતો. અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો (14.1-19.1) ત્યારે સેન્સેક્સ વધુ ઘટ્યો હતો. જોકે 25 ફેબ્રુઆરીએ ઈરાકે શરણાગતિ સ્વીકારી એ દિવસ સુધીમાં ઈન્ડેક્સ યુદ્ધ પૂર્વેની સપાટીએથી 7.10 ટકા વધી ગયો હતો.
કારગીલ યુદ્ધ સમયે 25 મે, 1999ના રોજ સેન્સેક્સ 4760.9 હતો. બીજા દિવસે ભારતે હવાઈ હુમલા શરૂ કર્યા. ત્રણેક દિવસમાં સેન્સેક્સ 7.06 ટકા ઘટી ગયો. 26 જુલાઈ, 1999, કારગીલ વિજય દિવસે સેન્સેક્સ 4625.40ની સપાટીએ બંધ રહ્યો હતો, જે ભારતીય એર ફોર્સે હવાઈ હુમલા શરૂ કર્યા તે પૂર્વેની બંધ સપાટીએ 13.92 ટકા ઊંચો હતો.
અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર, 2001ના રોજ ત્રાસવાદી હુમલો થયો ત્યારે અમેરિકાનું શેરબજાર ચાર દિવસ બંધ રહ્યું હતું. બીજા દિવસે વિશ્વની બજારો કકડભૂસ થવા લાગી હતી. સેન્સેક્સ 17.47 ટકા ઘટી નીચામાં 2600.12 પોઈન્ટ થઈ ગયો હતો. પરંતુ માત્ર બે મહિનામાં સેન્સેક્સ 14 નવેમ્બરના રોજ વધીને 3113.04ની સપાટીએ પહોંચ્યો હતો.
ઉપરોક્ત બધા કિસ્સા પરથી એ ફલિત થાય છે કે જ્યારે ઘર્ષણ શરૂ થયું ત્યારે બજાર ઘટ્યું અને એ ઘર્ષણનો અંત આવે એ પૂર્વે બજારે પૂર્વવત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. આના પરથી આપણે એમ તારવી શકીએ કે યુદ્ધ અથવા અન્ય ગંભીર સ્થિતિઓને કારણે બજાર ઘટતું નથી પરંતુ તેના સંબંધિત અનિશ્ચિતતાને પગલે બજાર ઘટે છે. જેવી આ અનિશ્ચિતતા ઘટે કે હટે બજાર પુનઃ સ્થિરતા પ્રાપ્ત કરે છે. શું આ વખતે પણ આમ જ બનશે? ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તે તો ઈશ્વર જ જાણે.
- અમિત ત્રિવેદી (ફાઈનાન્સીયલ ટ્રેઈનર)
ઘરમાં કઈ જગ્યાએ રહીએ તો કોરોના વાઇરસનો ચેપ ન લાગે?
સાહેબ, આ લોક ડાઉન લંબાવાયું એ સારું જ થયું. અમારે ઘરમાં શાંતિ. મારા વર, વાસણ ઘસી નાંખે છે, સસરા કચરા વાળી આપે છે, હું ને સાસુ પોતું કરી નાખીએ. દીકરો કપડા ધોઈ આપે છે અને દીકરીને વહુ રસોઈ કરે છે.
માણસો નથી આવતા પણ કામ ફટાફટ પતિ જાય છે. વળી સીરીયલ જોવાનો અને રોજનું એક પિક્ચર જોવાનો ટાઈમ પણ મળી જાય છે. બાકી હું ને કામવાળા એકલા ઘરમાં હોઈએ. દીકરી કોલેજમાં, અને બાકી બધા પોતપોતાના કામમાં. અમારી પાસે પાંચ ગાડીઓ છે. પણ બંધ પડી છે. ફાર્મ હાઉસમાં બધું સુકાવા મંડ્યું છે. ખબર નહિ આવું કેટલા દિવસ ચાલશે. બધું સારું છે પણ એક તકલીફ છે. બધા માથા પર હોયને એમાં મજા ન આવે. સવારથી સાંજ બધા આજુ બાજુ જ હોય. મારે બપોરે સુવું હોય ત્યારે એ લોકોને કામ કરવું હોય. કોઈને સમાચાર જોવા હોય તો કોઈને સીરીયલ. વળી જાણે મેચ ચાલતી હોય એમ મારા સસરા લાઈવ સમાચાર જુએ. આ તો રોગ છે કે શું? મને તો બહાર જતા ડર પણ લાગે. જો કે હું જાઉં નહિ.

મને બે ત્રણ સવાલ છે. આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કઈ જગ્યાએ રહીએ તો કોરોના વાયરસનો ચેપ ન લાગે? બીજો સવાલ કઈ વિધિ કરવાથી આ વાયરસ ભાગી જશે? ત્રીજો સવાલ કોઈને કોરોના વાયરસનો ચેપ લાગી ગયો હોય અને એને વાસ્તુ શ્રેષ્ઠ જગ્યાએ લઇ જઈને સુવરાવી દઈએ તો એ સાજો થઇ જાય ખરો? આમ તો બે અને ત્રણ પાંચ થાય પણ છેલ્લો સવાલ, તમને આ વાયરસનોડર લાગે ખરો? મને વાસ્તુમાં ખાસ રસ નથી પણ હું આ મજાકમાં નથી લખતી એટલે જવાબ આપવા વિનંતી.

બહેનશ્રી. હમેશા અજ્ઞાન અને અજાણનો ડર સહુથી વધારે હોય છે. આપણા વડા પ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જયારે જયારે કાંઈક કહેવા આવ્યા ત્યારે એ શું કહેશેની અટકળો થી લઈને એમણે આવું શું કામ કર્યું એની વિવિધ ચર્ચાઓ થઇ. પણ એ સાચેજ એવું કહેવા માંગતા હતા? મહાભારતમાં સહ્દેવનું અતિજ્ઞાન એને તકલીફ આપતું હતું. તો રામાયણમાં રાવણનું અજ્ઞાન. તમે ઘરમાં રહો છો એ સાચેજ ધન્યવાદને પાત્ર છે. તમારા ઘરના બધા પણ સારા માણસો છે. પરિવાર હોય ને તો ક્યાંક મત જુદા પડે. એલોકો બહાર જાય કે તમે બહાર જાવ એ હિતાવહ નથી. કામવાળાના સહવાસથી તમે કદાચ ટેવાઈ ગયા છો. પણ ઈશ્વરે તમને જે પરિવાર આપ્યો છે એ તમારાથી સહુથી નજીકના લોકો છે. જેમ જેમ સમય જતો જાય છે એમ લોકો સૌમ્ય થઇ રહ્યા છે. વાતાવરણ સાફ થઇ રહ્યું છે. પ્રકૃતિ ખીલી રહી છે. મને વિશ્વાસ છે કે કુદરતે આપણને આ રીતે આશીર્વાદ આપ્યા છે. ઘણા બધા લોકોના રોગ પણ ઓછા થઇ જશે. તમે પરિવારને ચાહવા લાગશો. પછી એ લોકો બહાર રહેશેને તો તમને નહિ ગમે.

હવે તમારા સવાલોના જવાબો. શરૂઆત જે સવાલ નથી પણ સમજાય છે તેનાથી. તમને વાસ્તુમાં રસ નથી પણ સવાલ છે. એજ બતાવે છે કે તમને રસ છે. તમારા મનમાં ક્યાંક ઊંડે ઊંડે એવી આશા પણ છે કે વાસ્તુ નિયમો કૈક ચમત્કાર કરશે. એ સ્વાભાવિક છે. જ્યાં વિશ્વાસ હોયને ત્યાજ અપેક્ષાઓ હોય. ભારતીય વાસ્તુના નિયમો કુદરત સાથે સંતુલનની જ વાત કરે છે. તો આપણે પણ અત્યારે કુદરતને એની મેળે જ સંતુલિત થતા જોઈ રહ્યા છીએ. જયારે માનવ પરવશ દેખાય ત્યારે કુદરતનું આધિપત્ય દેખાય જ છે. પણ માનવ મન પર સ્વાર્થ, અહંકાર, લોભ, અસહિષ્ણુતા જેવા અનેક આવરણ છવાયેલા છે. કુરતની માફક એ પણ ધીમે ધીમે સાફ થતા જશે. હવે તમારો પહેલો સવાલ. કોરોનાથી બચવા તમે ઘરમાં કોઈ પણ જગ્યાએ રહી શકો છો. એ વાયરસ છે વ્યક્તિ નહિ. એ એની મેળે નહિ આવે. બસ બહારના કોઈના સંપર્કમાં આવવાની જરૂર નથી. બીજા સવાલનો જવાબ એક સવાલ છે. વાયરસભાગે ખરો?તમે એનાથી ડરો છો. એ ડરવા માટે સક્ષમ જ નથી. પણ હા, સફાઈ રાખો. થોડા થોડા સમયે હાથ ધોતા રહો. વાસ્તુમાં પણ સ્વચ્છતાને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. મહામૃત્યુંન્જય મંત્ર ડરમાં રાહત આપી શકશે.

ત્રીજા સવાલનો જવાબ, વાસ્તુની સકારાત્મક ઉર્જા નિયમ પાલન શીખવે છે. જો ચેપ લાગે તો દવાખાનામાં જવું જ હિતાવહ છે. વાસ્તુની સારી ઉર્જામાં રહેનાર વ્યક્તિની ઉર્જા અને વિચારશીલતા એ વ્યક્તિને ચેપ ન લાગવા જેવા સંજોગો માટે પ્રેરે. અચાનક કોઈ જગ્યાએ જવાથી તુરંત એની ઉર્જાની અસર થવા લાગે એ એક ગેરમાન્યતા છે. અને છેલ્લે. હું નિયમ પાલન કરું છું. જે લોકો ખોટું કરતા હોય એનેડર લાગે. મને કુદરતની શક્તિમાં વિશ્વાસ છે. એ વિશ્વાસ તમે પણ કેળવો. તમારી સકારાત્મકતા જ તમને સાચા નિર્ણય લેવરાવશે. આ તમારા જીવનનો શ્રેષ્ઠ સમય છે. પેલી ગાડીઓ અને ફાર્મ હાઉસની માફક બાકી બધુજ રહી જશે, પણ લોકો તમારી સાથે વિતાવેલા સમયને ચોક્કસ યાદ રાખશે. બસ, સ્વસ્થ રહો મજામાં રહો.
છેલ્લા 24 કલાકમાં 1993 નવા કેસ અને 73 લોકોનાં મોત
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 35,000 થઈ ગઈ છે અને આ વાઇરસને લીધે 1147 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં આ વાઇરસના સંક્રમિતોના 1993 નવા કેસ સામે આવ્યા છે અને 73 લોકોનાં મોત થયાં છે. થોડા રાહતના સમાચાર એ છે કે દેશમાં અત્યાર સુધીમાં 8,889 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થયા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં કુલ રિકવરી રેટ 25.18 ટકા છે, જેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ એક પોઝિટિવ સંકેત છે. બે સપ્તાહ પહેલાં રિકવરી રેટ 13 ટકા હતો, એમ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું.
વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 32,57,026એ પહોંચી
વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 32,57,026 થઈ છે અને 2,33,381 લોકોનાં મોત થયાં છે. વળી, આ બીમારીમાંથી અત્યાર સુધી 10,14,574 સ્વસ્થ થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોના વાઇરસના કેસની સ્થિતિ રાજ્યવાર આ મુજબ છે.


રાશિ ભવિષ્ય 01/05/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
![]()
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.
આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.
કર્મચારીઓના એપ્રિલના પગાર, પેન્શનમાં કાપ નહીં મૂકાયઃ નીતિન પટેલ
અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસને પગલે લોકડાઉનને લીધે અર્થતંત્રને ફટકો પડ્યો છે અને રાજ્યોની આવકમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે અને અનેક રાજ્યોએ એમના સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાં સહિત ખર્ચામાં કાપ મૂક્યો છે, ત્યારે ગુજરાત સરકારની આવક પણ મોટો ઘટાડો થયો છે અથવા એમ કહી શકાય કે ઠપ થઈ ગઈ છે. આમ છતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે રાજ્યના આર્થિક સ્થિતિ સારી છે અને સરકારી કર્મચારીઓને એપ્રિલ મહિનામાં પગાર અને પેન્શનરોને પેન્શન પૂરેપૂરી રકમના ચૂકવવામાં આવશે. તેમણે નાણાં વિભાગના મુખ્ય સચિવ અને અન્ય સચિવો સાથે વિચારવિમર્શ કર્યા પછી રાજ્યના 5.28 લાખ સરકારી કર્મચારીઓ અને 4.57 લાખ પેન્શનરોને મળીને કુલ માસિક પગાર પેટે રૂ. 4000 કરોડની જંગી રકમ ચૂકવવાનો નિર્ણય લીધો છે.
રાજ્યની આર્થિક સ્થિતિ સારી
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાતની આર્થિક સ્થિતિ સારી હોવાનો નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે રાજ્યના 10 લાખ જેટલા સરકારી કર્મચારી અને પેન્શનરોને આગામી મે મહિનામાં પગાર અને પેન્શન પેટે રૂપિયા 4200 કરોડ ચૂકવવામાં આવશે. 
GST અને વેટની આવક ઠપ
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારની GST આવકમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ધંધા-રોજગાર બંધ હોવાથી આ આવકમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉન એક મહિનો સુધી લંબાવાતાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાંથી થતી વેટની આવક બંધ થઈ ગઈ છે.GST અને વેટની આવક લગભગ ઠપ થઈ ગઈ છે, તેમ છતા સરકારી કર્મચારીઓના સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવશે.
સરકાર રાજ્યની જનતાની ખડેપગે સેવા કરે છે
તેમણે કહ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં સરકારના દરેક વિભાગના અધિકારી અને કર્મચારીઓ- જેમાં મહેસૂલ હોય કે પોલીસ વિભાગ –તમામ કર્મચારીઓ રાજ્યની 6.30 કરોડ જનતાની ખડે પગે સેવા કરી રહી છે.
રિલાયન્સના અધિકારીઓના પગારમાં કાપ; મુકેશ અંબાણી પગાર નહીં લે
મુંબઈઃ કોરોના વાઈરસને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ઉદ્યોગક્ષેત્રને કારમો ફટકો પડ્યો છે. આને કારણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના મોટા ભાગના કર્મચારીઓના પગારમાં 10થી લઈને 50 ટકા સુધીનો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે અને કંપનીના ચેરમેન તથા સૌથી શ્રીમંત ભારતીય મુકેશ અંબાણી એમનો સંપૂર્ણ પગાર જતો કરશે.
ક્રુડ તેલથી લઈને ટેક્નોલોજી પૂરી પાડતા રિલાયન્સ ગ્રુપે વાર્ષિક રોકડ બોનસ અને પરફોર્મન્સ-સંકલિત લાભો આપવાનું મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે, આ ચૂકવણી વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કરાય છે.
ભારતમાં દેશવ્યાપી લોકડાઉન 25 માર્ચથી શરૂ થયું છે. આને કારણે કારખાનાઓ, ઓફિસો બંધ છે, વિમાન સેવા સ્થગિત છે, ટ્રેનસેવા અટકાવી દેવામાં આવી છે તેમજ લોકોની અવરજવર તથા માલસામાનની હેરફેર ઉપર નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. કારખાનાઓ બંધ હોવાથી માલની માગણી ઠપ છે.
રીફાઈન્ડ પ્રોડક્ટ્સ અને પેટ્રોકેમિકલ્સ માટેની માગણી ઘટી જવાને કારણે રિલાયન્સના હાઈડ્રોકાર્બન બિઝનેસને મોટો ફટકો પડ્યો છે.
રિલાયન્સ કંપનીના વિવિધ વિભાગોના વડાઓએ પગારમાં કાપ મૂકાયા વિશેની જાણકારી એમના કર્મચારીઓને કરી દીધી છે.
ઓપરેટિંગ ખર્ચમાં અને ફિક્સ્ડ ખર્ચાઓમાં કાપ મૂકવાની જરૂર ઊભી થવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમ કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશામાં જણાવાયું છે.
મુકેશ અંબાણી પોતે રૂ. 15 કરોડનું એમનું સંપૂર્ણ વેતન જતું કરવાના છે. જ્યારે એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરો સહિત રિલાયન્સના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, એક્ઝિક્યૂટિવ કમિટી સભ્યો અને સિનિયર અધિકારીઓ એમના પગારનો 30 થી 50 ટકા હિસ્સો જતો કરશે.
જેમનો પગાર રૂ. 15 લાખથી ઓછો હશે એમના પગારમાં કોઈ કાપ મૂકવામાં નહીં આવે, પરંતુ એનાથી વધારે કમાતા લોકોના પગારમાં ફિક્સ્ડ પેમાં 10 ટકાનો કાપ મૂકાશે.
મુકેશ અંબાણી ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે દર વર્ષે રૂ. 15 કરોડનું વેતન લે છે. એમનું વેતન 2008-09ની સાલથી યથાવત્ રહ્યું છે. તેમ કરીને એ દર વર્ષે રૂ. 24 કરોડ જતા કરે છે.
કંપનીએ કહ્યું છે કે અમે આર્થિક તથા વ્યાપાર પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છીએ અને પરિસ્થિતિમાં બદલાવને અનુરૂપ અમારા વલણમાં પુનઃમૂલ્યાંકન કરીશું તેમજ આપણા બિઝનેસની આર્થિક ક્ષમતાને સુધારવાનો પ્રયત્ન કરીશું.























