શેરબજાર ફરી ક્યારે બેઠું થઈ શકે? સદીના વૈશ્વિક કિસ્સાઓ પર એક નજર

વિતેલી  એક સદીના યુધ્ધની અથવા કટોકટીની ઘટના વખતે અને પછી  શેરબજારમાં શું બન્યું  છે તેનો અભ્યાસ કરવામાં આવે તો હાલની કોરોના સર્જીત  કપરી વૈશ્વિક મંદીની  ઘટના બાદ હવે શું થઈ શકે  તેનો અંદાજ મળી શકે, જો કે આમ થાય એવું જરૂરી નથી, તેમછતાં સમજવું મહત્ત્વનું છે.


ઘણા રોકણકારો પૂછે છે કે બજાર કેમ તૂટી ગયું? બજાર ક્યારે સુધરશે? ઘણા પીઢ ખેલાડીઓ પણ ઈક્વિટી બજારમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. ઘણા ઇક્વિટી પોર્ટફોલિયો પરનું વળતર ફિક્સ્ડ ડિપોઝિટ પરના વળતરથી પણ અધિક નીચું જઈ રહ્યું છે. લોકોને એમ થઈ રહ્યું છે કે ઈક્વિટીમાં ઊંચું જોખમ લેવા છતાં જો સારું વળતર ન મળતું હોય તો બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ્સમાં રોકાણ શું કામ ન કરવું કે જેમાં જોખમ તો ઓછું છે. અહીં આપણે સમજવાની કોશિશ કરીએ કે કેમ જગતની શેરબજારો તૂટી પડી અને તે ફરી ક્યારે બેઠી થશે.

અત્યારની રોકાણ બજારો સિક્યુરિટીઝના મૂલ્યની ગણતરી ડિસ્કાકઉન્ટેડ કેશ ફ્લો મેથડ મુજબ કરે છે, જેની ફોર્મ્યુલા આ મુજબ છે.

સિક્યુરિટીઝનું અંદાજિત મૂલ્ય = ફ્રી કેશ ફ્લો

                                    ડિસ્કાઉન્ટ રેટ-ગ્રોથ રેટ

કોવિદ-19 મહામારી ફાટી નીકળી ત્યારે તેની વ્યક્તિગત રાષ્ટ્રો અને વૈશ્વિક અર્થતંત્ર પર કેટલી અસર થશે તેનો કોઈને ખ્યાલ નહોતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું હતું કે મોનિટરી પોલિસી કમિટી (એમપીસી) આ ઘટનાની દેશના જીડીપી પર કેટલી અસર થશે તેનો અંદાજ આપી શકી નથી. તેમણે આગામી વર્ષના જીડીપીના અંદાજો પણ જાહેર ન કર્યા, મહામારીની અસરના મુદ્દે આટલી અનિશ્ચિતતા પ્રવર્તે છે. આવા કિસ્સામાં મૂલ્યના નિર્દેશાંકો અતિ અનિશ્ચિત હોય છે. આવી અનિશ્ચિતતા વચ્ચે મોટી સંખ્યામાં ખેલાડીઓ સલામતી ભણી વળે છે. અહીં પણ આવું જ થયું એટલે બજારને જાણે તળિયું જ ન હોય એમ એકધારું તૂટી ગયું. ઉપરોક્ત ફોર્મ્યુલામાં જો ડિસ્કાઉન્ટ રેટ અને વિકાસ દર વચ્ચેનો ગાળો નીચો હોય તો અંદાજિત મૂલ્ય ઊંચું હોય, જો ગેપ વધુ હોય તો સિક્યુરિટીનું અંદાજિત મૂલ્ય ઓછું હોય.

ડિસ્કાઉન્ટ રેટ રોકાણ પરની અપેક્ષિત વળતર સાથે જોડાયેલા હોય છે. આપણે જાણીએ છીએ કે અપેક્ષિત વળતરનો સંબંધ મૂડીરોકાણમાં સંમિલિત જોખમ સાથે હોય છે. જો જોખમ વધુ હોય તો ડિસ્કાઉન્ટરેટ ઊંચો હોય. સંભવિત જોખમ અધિક હોય તો તેની સામે વળતર પણ ઊંચું માગવામાં આવે છે.

અનિશ્ચિતતા વધવા સાથે ઈક્વિટી બજારો અત્યંત જોખમી લાગવા માંડી એટલે ડિસ્કાઉન્ટ રેટ વધ્યો. એ જ સમયે સંભવિત વિકાસ વૃદ્ધિ દર પણ ઘટ્યો. હકીકતમાં અત્યારે ઘણા લોકો નેગેટિવ ગ્રોથ રેટ્સનો અંદાજ મૂકી રહ્યા છે. કલ્પના કરો કે ઉપર જે સમીકરણ દર્શાવ્યું છે એ મુજબ શું થાય. મૂડીરોકાણનું અંદાજિત મૂલ્ય એકદમ ઘટી જાય એ સ્પષ્ટ છે.

હવે આપણે બીજા સવાલ કે બજાર ક્યારે બેઠું થશે એનો ઉત્તર મેળવવાની કોશિશ કરીએ. અહીં આપણે મહામારી કે વૈશ્વિક મહામારીની વાત નહીં કરીએ પણ ગઈ સદીમાં થયેલાં યુદ્ધો પર નજર કરીશું. સોથી પણ અધિક વર્ષોથી ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ રોજેરોજ પ્રસિદ્ધ કરાય છે, જેમાં માત્ર બે અપવાદ છે. પ્રથમ અપવાદ એ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ સાડા ચાર મહિના બંધ રહ્યું હતું. જ્યારે ડિસેમ્બરમાં અંશતઃ ટ્રેડિંગ પુનઃ શરૂ કરવામાં આવ્યું ત્યારે શેરો પુનઃવધીને છેલ્લા જુલાઈના સ્તરે પહોંચ્યા હતા. એ હકીકત હતી કે વિદેશીઓએ શેરો વચ્યા હતા પરંતુ તે બધા અમેરિકી રોકાણકારો દ્વારા ખરીદી લેવામાં આવ્યા હતા. ફરી જ્યારે અમેરિકા 1917માં યુદ્ધે ચડ્યું ત્યારે બજારો તૂટી પડી. જોકે ત્યાર બાદ1919ના અંત પૂર્વે જ્યારે વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું એના થોડા જ મહિનાઓમાં બજારોએ નવાં ઊંચા શિખર સર કર્યા.

પ્રથમ વિશ્વ યુદ્ધના એક દસકમાં અમેરિકી બજાર વધતી રહી. ડાઉ જોન્સ 381 પોઈન્ટ્સની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો.

બીજા વિશ્વ યુદ્ધમાં 1940માં જ્યારે જર્મનીએ પેરિસ પર કબજો જમાવ્યો ત્યારે ડાઉ જોન્સ આશરે 25 ટકા ગબડી પડ્યો. 7 ડિસેમ્બર, 1941ના દિને જપાને પર્લ હાર્બર પર હવાઈ હુમલો કરી અમેરિકાને યુદ્ધમાં ઘસડ્યું ત્યારે ડાઉ જોન્સ ઘટીને 100થી પણ નીચે જતો રહ્યો હતો. જોકે 1942માં ડાઉ જોન્સ વધવા લાગ્યો અને 1946ના પ્રારંભ સુધીમાં 200 પોઈન્ટથી ઉપરની સપાટીએ પહોંચ્યો.

અખાતી યુદ્ધ (1990-91)માં જ્યારે ઈરાકે 2 ઓગસ્ટ, 2990ના રોજ કુવૈત પર હુમલો કર્યો ત્યારે એસએન્ડપી 500 ઈન્ડેક્સ 13.5 ટકા ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે એના એક વર્ષ બાદ એસએન્ડપી 500 હુમલાના દિવસના આંકથી 10.16 ટકા ઊંચો બંધ રહ્યો હતો.

અહીં ભારતમાં અખાતી યુદ્ધ સમયે સેન્સેક્સ ત્રણ દિવસમાં 8.09 ટકા ઘટ્યો હતો. અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો (14.1-19.1) ત્યારે સેન્સેક્સ વધુ ઘટ્યો હતો. જોકે 25 ફેબ્રુઆરીએ ઈરાકે શરણાગતિ સ્વીકારી એ દિવસ સુધીમાં ઈન્ડેક્સ યુદ્ધ પૂર્વેની સપાટીએથી 7.10 ટકા વધી ગયો હતો.

કારગીલ યુદ્ધ સમયે 25 મે, 1999ના રોજ સેન્સેક્સ 4760.9 હતો. બીજા દિવસે ભારતે હવાઈ હુમલા શરૂ કર્યા. ત્રણેક દિવસમાં સેન્સેક્સ 7.06 ટકા ઘટી ગયો. 26 જુલાઈ, 1999, કારગીલ વિજય દિવસે સેન્સેક્સ 4625.40ની સપાટીએ બંધ રહ્યો હતો, જે ભારતીય એર ફોર્સે હવાઈ હુમલા શરૂ કર્યા તે પૂર્વેની બંધ સપાટીએ 13.92 ટકા ઊંચો હતો.

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર, 2001ના રોજ ત્રાસવાદી હુમલો થયો ત્યારે અમેરિકાનું શેરબજાર ચાર દિવસ બંધ રહ્યું હતું. બીજા દિવસે વિશ્વની બજારો કકડભૂસ થવા લાગી હતી. સેન્સેક્સ 17.47 ટકા ઘટી નીચામાં 2600.12 પોઈન્ટ થઈ ગયો હતો. પરંતુ માત્ર બે મહિનામાં સેન્સેક્સ 14 નવેમ્બરના રોજ વધીને 3113.04ની સપાટીએ પહોંચ્યો હતો.

ઉપરોક્ત બધા કિસ્સા પરથી એ ફલિત થાય છે કે જ્યારે ઘર્ષણ શરૂ થયું ત્યારે બજાર ઘટ્યું અને એ ઘર્ષણનો અંત આવે એ પૂર્વે બજારે પૂર્વવત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. આના પરથી આપણે એમ તારવી શકીએ કે યુદ્ધ અથવા અન્ય ગંભીર સ્થિતિઓને કારણે બજાર ઘટતું નથી પરંતુ તેના સંબંધિત અનિશ્ચિતતાને પગલે બજાર ઘટે છે. જેવી આ અનિશ્ચિતતા ઘટે કે હટે બજાર પુનઃ સ્થિરતા પ્રાપ્ત કરે છે. શું આ વખતે પણ આમ જ બનશે? ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તે તો ઈશ્વર જ જાણે.

  • અમિત ત્રિવેદી (ફાઈનાન્સીયલ ટ્રેઈનર)