હિંદી ભાષાના સાહિત્યકારોની અગ્રીમ હરોળમાં બિરાજતા મુનશી પ્રેમચંદ એમની 1907માં પ્રકાશિત નૉવેલ ‘દુનિયા કા સબસે અનમોલ રતન’માં
પ્રેમ-ત્યાગ અને દેશભક્તિના સાચા અર્થ સમજાવે છે. આ હૃદયસ્પર્શી દંતકથાનાં મુખ્ય પાત્રો છેઃ સાચો પ્રેમી દિલફિગાર અને સૌંદર્યની દેવી દિલફેબ. દિલફિગાર પાસે પોતાની શરત મનાવવા દિલફેબ એને દુનિયાની સૌથી કીમતી, અણમોલ ચીજ લાવવા કહે છે… પ્રેમચંદ પાઠકોને સવાલ પૂછે છે કે “દુનિયાની સૌથી કીમતી વસ્તુ (અણમોલ ચીજ) કઈ?” વાર્તાના અંતે જવાબ મળે છેઃ “દેશભક્તિ માટે વહેતું લોહી”.
આ શુક્રવારે રિલીઝ થયેલી ‘મૈં વાપસ આઉંગા’ માટે ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી, પ્રેમચંદના આ જ વિચારને ઉપાડીને પોતાની ફિલ્મમાં લાવે છે, પણ એમને માટે અણમોલ રતન દેશ માટે વહેતું લોહી નથી, પરંતુ પોતાનાં ઘર, પરિવાર, શહેર છોડતી વખતે એક શરણાર્થીની આંખમાંથી નીકળેલાં આંસુ છે, દેશ-દેશ વચ્ચે અંકાઈ ગયેલી સરહદ છતાં દિલમાં જીવતો રહી ગયેલો પ્રેમ છે, કાચી વયના થયેલા રોમાન્સની કદીયે ન વીસરતી યાદો છે, જે દાયકાઓ સુધી ચાલેલા રાજકીય વિભાજન પછી પણ જીવતી રહે છે. ટૂંકમાં, ઈમ્તિયાઝ અલીએ, પ્રેમચંદની વાર્તાના માધ્યમથી દેશભક્તિની વ્યાખ્યાને બદલી એને ‘પ્રેમ અને માનવતાના દર્દ’ સાથે જોડી દીધી છે.

ફિલ્મ શરૂ થાય છે ચંડીગઢના ધનાઢ્ય ગ્રેવાલપરિવારની એક સવારથી. પરિવારના મોભી, 95 વર્ષી ઈશરસિંહ ગ્રેવાલ (નસીરુદ્દીન શાહ)ને સ્ટ્રોક આવે છે એમને હૉસ્પિટલમાં ઍડમિટ કરવા પડે છે. એમનું શરીર, મગજ ધીરે ધીરે સાથ છોડી રહ્યાં છે આમ છતાં એમને ગમેતેમ કરીને સરગોધા (પાકિસ્તાન) જવું છે. 1947માં અખંડ ભારતના બે ટુકડા થઈ ગયેલા ને સરગોધા હવે પડોશી મુલ્કમાં છે એનું એમને સ્મરણ રહ્યું નથી. ઈશરસિંહના લંડનમાં વસતા પુત્ર નિરવૈરસિંહ (દિલજિત દોસાંજ)ને ખબર મળતાં એ નોકરી, ગર્લફ્રેન્ડ (બનિતા સંધુ), સ્ટેન્ડઅપ કૉમેડી છોડીને ફર્સ્ટ અવેલેબલ ફ્લાઈટ લઈને ચંડીગઢ પહોંચે છે. અર્ધતંત્રાવસ્થામાં દાદાજીના બબડાટને પૌત્ર નિર્વૈર ઉકેલવાના પ્રયાસ કરે છે. એને સમજાઈ જાય છે કે દાદાજીનો જીવ કોઈ અધૂરા કાર્યમાં રહી ગયો છે. ઈશરસિંહનો જીવ કયા અધૂરા કાર્યમાં અટવાયો છે એ જાણવાના નિરવૈરના પ્રયાસથી ફિલ્મ ફ્લૅશબૅકમાં અખંડ પંજાબમાં જાય છે. ત્યાં કિશોરવયનો ઈશર ઉર્ફે કીનુ (વેદાંગ રૈના) અને ચંચળ કિશોરી જિયા (શર્વરી વાઘ) એકમેકના પ્રેમમાં પાગલ છે. જિયા અને કીનુ કબીર દાસની આ રચનાને સાચા અર્થમાં જીવે છેઃ “હમન હૈ ઈશ્ક મસ્તાના, હમન કો હોશિયારી ક્યા” અર્થાત્ અમે સાચા પ્રેમમાં (પરમાત્મામાં) મસ્ત છીએ, અમને સાંસારિક ચતુરાઈનું શું કામ? એ. આર. રહેમાને ખૂબ જ સુંદર રીતે આ રચના સંગીતબદ્ધ કરી છે.
કમનસીબે મસ્તીભરી વાતો અને હંમેશાં સાથે રહેવાના વચનથી વણાયેલો જૂના જમાનાનો રોમાન્સ રેડક્લિફ લાઈનના કારણે હિંસક રીતે તૂટી જાય છે. બાય ધ વે, સિરિલ રેડક્લિફને ભારત-પાકિસ્તાનની સરહદો નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સરહદ અંકાયા બાદ શીખ કીનુને સરહદની આ પાર દિલ્હી અને ત્યાંથી અમૃતસર આવવા મજબૂર થવું પડે છે, મુસ્લિમ જિયા સરગોધામાં રહી જાય છે. ભાગલાની, સામૂહિક હિજરતની ભયાનક ભૂતાવળ, સામૂહિક નરસંહાર, માનવીએ વહેડાવેલી લોહીની નદીઓનો એ સમય ઈમ્તિયાઝ અલી આપણી સમક્ષ તાદશ કરે છે.
વસ્તુ એ છે કે ઈન્ટરવલ પહેલાં ફિલ્મ ડ્રાઈવર વિનાની કારની જેમ આમતેમ ભટકતી જાય છે. અચાનક પંજાબના ખેડૂતોની સમસ્યાના અને એના ઉકેલના સીન આવી જાય છે… શું કામ? આ માટે જવાબદાર છેઃ ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી અને નયનિકા માહતાની દ્વારા લિખિત પટકથા. યુવા ઈશરસિંહ (વેદાંગ રૈના) અને શર્વરી વચ્ચે જોઈએ તેવી આકર્ષણની ચમકારા જોવા મળતા નથી. જો કે, ઈન્ટરવલ પછી ફિલ્મ આ ઊણપને સરભર કરી લે છે, અને ગતિ પકડે છે, પણ મારો પ્રોબ્લેમ એ છે કે આખી ફિલ્મ સાતત્યસભર (કન્સિસ્ટન્ટ) અને ચુસ્ત હોવી જોઈતી હતી.

એમ તો 1947ની પૃષ્ઠભૂમાં રાષ્ટ્રવાદી ભાવનાઓને ભડકાવતી ફિલ્મોથી અલગ દીપા મહેતાની ‘અર્થ,’ ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ‘પિંજર’ વગેરે સંવેદનશીલ અને માનવતાવાદી વાર્તા કહેવાની શૈલીની યાદ અપાવી જાય છે, જેમાં વિલન કોઈ ચોક્કસ સમુદાય નથી, પરંતુ ઈતિહાસની પોતાની જ એક ક્રૂર, ભાવનાહીન વ્યવસ્થા છે.
અભિનયની વાત કરીએ તો, કમિન્ટમેન્ટથી દૂર ભાગતા તથા બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા કન્ફ્યુઝ્ડ જેન-ઝી તરીકે દિલજિત દોસાંજ સ-રસ. આ પહેલાં ઈમ્તિયાઝ-દિલજિતની જોડીએ આપણને ‘અમરસિંહ ચમકીલા’ આપી. ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’ અને ત્યાર બાદ આલિયા ભટ્ટ સાથે ‘જિગરા’માં ચમકેલો વેદાંગ રૈના સારો અભિનેતા છે, પણ કચાશ એના પાત્રાલેખનમાં છે. શર્વરી જિયાના રોલ માટે પરફેક્ટ છે. પરંતુ, ઓ હેલ્લો, આ 166 મિનિટની આ ફિલ્મ નસીરુદ્દીન શાહની છે, એને માટે તથા સર્જકની ડબલ ‘ચ’વાળી સચ્ચાઈ માટે ‘મૈં વાપસ આઉંગા’ થિયેટરમાં જઈને જોઈ શકાય.






