કર્મચારીઓના એપ્રિલના પગાર, પેન્શનમાં કાપ નહીં મૂકાયઃ નીતિન પટેલ

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસને પગલે લોકડાઉનને લીધે અર્થતંત્રને ફટકો પડ્યો છે અને રાજ્યોની આવકમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે અને અનેક રાજ્યોએ એમના સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાં સહિત ખર્ચામાં કાપ મૂક્યો છે, ત્યારે ગુજરાત સરકારની આવક પણ મોટો ઘટાડો થયો છે અથવા એમ કહી શકાય કે ઠપ થઈ ગઈ છે. આમ છતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે રાજ્યના આર્થિક સ્થિતિ સારી છે અને સરકારી કર્મચારીઓને એપ્રિલ મહિનામાં પગાર અને પેન્શનરોને પેન્શન પૂરેપૂરી રકમના ચૂકવવામાં આવશે. તેમણે નાણાં વિભાગના મુખ્ય સચિવ અને અન્ય સચિવો સાથે વિચારવિમર્શ કર્યા પછી રાજ્યના 5.28 લાખ સરકારી કર્મચારીઓ અને 4.57 લાખ પેન્શનરોને મળીને કુલ માસિક પગાર પેટે રૂ. 4000 કરોડની જંગી રકમ ચૂકવવાનો નિર્ણય લીધો છે.

રાજ્યની આર્થિક સ્થિતિ સારી

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાતની આર્થિક સ્થિતિ સારી હોવાનો નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે રાજ્યના 10 લાખ જેટલા સરકારી કર્મચારી અને પેન્શનરોને આગામી મે મહિનામાં પગાર અને પેન્શન પેટે રૂપિયા 4200 કરોડ ચૂકવવામાં આવશે. 

GST  અને વેટની આવક ઠપ

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારની GST આવકમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ધંધા-રોજગાર બંધ હોવાથી આ આવકમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉન એક મહિનો સુધી લંબાવાતાં  પેટ્રોલ-ડીઝલના વેચાણમાંથી થતી વેટની આવક બંધ થઈ ગઈ છે.GST અને વેટની આવક લગભગ ઠપ થઈ ગઈ છે, તેમ છતા સરકારી કર્મચારીઓના સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવશે.

સરકાર રાજ્યની જનતાની ખડેપગે સેવા કરે છે

તેમણે કહ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં સરકારના દરેક વિભાગના અધિકારી અને કર્મચારીઓ- જેમાં મહેસૂલ હોય કે પોલીસ વિભાગ –તમામ કર્મચારીઓ રાજ્યની 6.30 કરોડ જનતાની ખડે પગે સેવા કરી રહી છે.