લોકડાઉનમાં ઘરેલું હિંસા પીડિતાઓને મળે છે અહીં આશ્રય

રાજકોટ: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને ગુજરાત સરકારના સહયોગથી વર્ષ ૨૦૧૭થી રાજકોટમાં ‘સખી’ વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે જે મહિલાઓને સમસ્યાઓના સમાધાન માટે કામ કરી રહી છે. અત્યાર સુધીમાં ૧૧૬૧ મહિલાઓના સમસ્યાઓના સમાધાન આ સેન્ટર દ્વારા કરાયા છે. હાલમાં લોકડાઉન દરમ્યાન પણ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી દસ મહિલાઓને આ સેન્ટરમાં આશરો અપાયો હતો અને તેમનું સમાધાન કરીને તેમને પતિ અથવા પિતૃગૃહે મોકલવામાં આવ્યા હતા. લોકડાઉન દરમિયાન ટેલીફોનથી અનેક ઘરેલુ હિંસાના કેસો પણ આવ્યા હતા અને તેમાના માટોભાગના કેસના સમાધાનો પણ ‘સખી’ વન સ્ટોપ સેન્ટર દ્વારા કરાયા હતા.

હાલમાં સખી વન સ્ટોપ સેન્ટરના સંપર્કમાં આવેલ આ ૧૧૬૧ મહિલાઓને ફોનના માધ્યમથી કોરોનાની મહામારીમાં સાવચેત રહેવા માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક બહેનોને માસ્ક પહેરવા હેન્ડવોશ કરવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા તેમજ જો તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો હોય તો કોરોનાનો ટેસ્ટ કરાવવા પણ દિશા નિર્દેશ કરવામાં આવે છે.

આ સેન્ટરના સંચાલક યાસ્મીનબેન ઠેબા જણાવે છે કે અત્યાર સુધીમાં ૧૧૬૧ કેસો પૈકી ૮૨૭ કેસો ઘરેલુ હિંસાના, ૪૫ કેસો જાતીય સતામણીના, ૨૫ કેસો બળાત્કારના, ૩ કેસો એસિડ અટેકના, ૨ કેસો સાયબર ક્રાઇમના અને ૨૨૮ કેસો દહેજના નોંધાયેલા છે.

આ સેન્ટરમાં પીડિતા મહિલાઓને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદાકીય સલાહ અપાય છે. આ સેન્ટરમાં પોલીસ સહાય, તબીબી સહાય પણ ઉપલબ્ધ છે. સામાજિક સમસ્યામાં પરામર્શ અને હંગામી ધોરણે પાંચ દિવસનો આશ્રય આપવામાં આવે છે. જો પીડિતાને વધુ આશરાની જરૂર હોય તો તેને નારી વિકાસ ગૃહમાં મોકલવામાં આવે છે. આ સેન્ટરને સરકારી વકીલ અને પોલીસ પણ ફાળવવામાં આવ્યા છે. સેન્ટર પર આશ્રિત મહિલા અને તેના બાળકોને  રહેવા, જમવા, કપડાં સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે માટે સરકાર દ્વારા રાજકોટની  સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમ પાસે ‘સખી’ વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. ૧૪ બહેનો દ્વારા આ સેન્ટરનું સંચાલન કરવામાં આવે છે. આ સેન્ટરમાં પાંચ મહિલાઓ રહી શકે તે માટેની  સુવિધા ઉપલબ્ધ છે. ૨૪ કલાક આ સેન્ટર મહિલાઓ માટે કાર્યરત રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]