રાજ્યમાં કોરોના વિસ્ફોટઃ 24 કલાકમાં 308 પોઝિટિવ કેસ

ગાંધીનગરઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે દેશમાં લાગુ કરવાામાં આવેલા લોકડાઉન-2ની અવધિ આવતા મહિનાની 3 તારીખે પૂરી થવાની છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં સ્થિતિ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને આજના આંકડાઓ જોતા તો ચોક્કસ કહી શકાય કે રાજ્યમાં કોરોનાનાં કેસોનો જાણે વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના બીમારીના 308 પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 24 કલાકમાં 234 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 જણના મોત થયા છે. આ 16 પૈકીના 4 સીધા કોવિડના ચેપના કારણે જ્યારે અન્ય 12 દર્દીને ઉપરોક્ત બીમારી સિવાયની કોઈ સમસ્યા હતી અને એમાં કોરોના થતાં મોતને ભેટ્યા છે.

અમદાવાદમાં 234, વડોદરામાં 15, સુરતમાં 31, રાજકોટમાં 3, ભાવનગરમાં 2, આણંદમાં 11, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 4, મહેસાણામાં 1, મહિસાગરમાં 1, બોટાદમાં 1, નવસારીમાં 3 એમ મળીને આજે સાંજે 5.00 વાગ્યા સુધીમાં 308 કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારે લોકડાઉન છે. પરંતુ રાજ્યના કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં લોકો લોકડાઉનની ગંભીરતાને સમજ્યા વગર જ કારણ વગર ઘરની બહાર નીકળે છે. પોલીસો આવા લોકોને રોકીને તેમની સામે કાર્યવાહી કરી રહ્યા છે. પરંતુ આ વિષય સમજણનો છે. તંત્ર તો યોગ્ય રીતે પોતાની કામગીરી કરી જ રહ્યું છે પરંતુ લોકોએ સમજવાની જરુર છે. કારણ કે, કોરોનાનો આ રાક્ષસ ક્યાંથી, કેવી રીતે અને ક્યારે વળગે તે કંઈ જ નક્કી હોતું નથી. એટલે ઘરમાં રહેવું અને સુરક્ષિત રહેવું તે વર્તમાન સમયની તાતી જરુરિયાત છે.