શાહીનબાગ મુદ્દો ધ્રુવીકરણ કરાવશે કે કેજરીવાલનો કરિશ્મા ચાલશે?

નવી દિલ્હી: ભાજપ તેની રણનીતિ મુજબ શાહીન બાગના મુદ્દાને હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. દિલ્હીના રસ્તાઓથી લઈને સંસદ સુધી પાર્ટી તરફથી સંદેશો આપવામાં આવી રહ્યો છે કે, તે શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન વિરુદ્ધ છે. એટલું જ નહીં શાહીન બાગ પર વિવાદિત નિવેદન મામલે ચૂંટણી પંચની કાર્યવાહીનો સામનો કરી ચૂકેલા ભાજપા સાંસદ પ્રવેશ વર્મા દ્વારા જ પાર્ટીએ રાષ્ટ્રપતિ અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા શરુ કરાવી. એ જ દિવસે સદનમાં પ્રશ્નકાળ દરમ્યાન અનુરાગ ઠાકુરના વિરોધમાં પણ જોરદાર નારેબાજી કરવામાં આવી. મહત્વનું છે કે, અનુરાગ ઠાકુરે દિલ્હીમાં એક રેલી દરમ્યાન ‘ગદ્દારોને ગોળી મારો’ જેવા નારા લગાવ્યા હતા.

લોકસભામાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે, કેટલાક કેન્દ્રીય મંત્રી પોતાના ‘રાજકીય આકા’ઓના ઈશારે ભડકાઉ નિવેદનો આપીને દેશમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ દેશમાં નફરતની રાજનીતિના સ્થાને નવી અપેક્ષાની રાજનીતિની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં બેરોજગારી, ગરીબી, મોંઘવારી, શિક્ષણ જેવા વિકરાળ પડકારો વચ્ચે દેશના ભાગલા પડે તેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે, આ સ્થિતિમાં વિપક્ષી દળો દેશ અને બંધારણને બચાવવાની વાત કરી રહ્યા છે.

આ તમામ ચર્ચાઓ, નિવેદન અને આરોપો વચ્ચે પ્રશ્ન એ વાતનો છે કે, શું શાહીન બાગને હાથો બનાવી ભાજપ દિલ્હીમાં મતદાતાઓનું ધ્રુવીકરણ કરવામાં સફળ થશે? આ સવાલના જવાબમાં આપણે વર્ષ 2008ની દિલ્હીની ચૂંટણી પર નજર નાખવી પડશે. મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ હુમલો થયો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર કોંગ્રેસની આગેવાનીમાં ચાલી રહેલી યુપીએ સરકાર એકદમથી બેકફૂટ પર જતી રહી હતી. હુમલાના બે દિવસ પછી એટલે કે 28 નવેમ્બરે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન હતું.

ભાજપે આ બે દિવસનો ફાયદો ઉઠાવતા મતદાતાઓને એવો સંદેશો પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કર્યો કે, કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે નરમ વલણ અપનાવે છે. પણ અહીં ભાજપનું નસીબ પાછું પડયું કારણ કે, એ દિવસોમાં રાજધાની પર શીલા દીક્ષિતની લોકપ્રિયતા ચરમસીમા પર હતી. તેમના વિકાસ કામોના ચારેકોર વખાણ થતા રહ્યા અને જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું તો કોંગ્રેસની જીત થઈ. શું અરવિંદ કેજરીવાલ પણ એવો જ કરિશ્મા આ ચૂંટણીમાં કરી શકશે?