શાહીનબાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ “આપ” સાથે જોડાયેલો છેઃ દિલ્હી પોલીસ

નવી દિલ્હીઃ શાહીનબાગમાં ફાયરિંગ કરનારા આરોપી કપિલ ગુર્જરને લઈને દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે, આ વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. આ દાવા બાદ આરોપીના પિતા ગજે સિંહનું પણ નિવેદન આવી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો હતો તે સમયે જબરદસ્તી આવીને ટોપી પહેરાવી દેવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સાથે અમારો કોઈ સંબંધ નથી. હું રાજનીતિમાં આવ્યો હતો, પરંતુ 2012 સુધી બહુજન સમાજ પાર્ટીમાં રહ્યો હતો. બસપામાં આવ્યા બાદ મારી તબિયત ખરાબ રહેતી હતી પછી મે રાજનીતિ છોડી દીધી હતી.

કપિલ ગુર્જરના કાકા ફતેહ સિંહ અને અજબ સિંહે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારા પરિવારનો આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. તમામ પાર્ટીઓ પ્રચાર માટે ચૂંટણીમાં આવે છે. આમ આદમી પાર્ટી વાળા પણ આવ્યા હતા અને ટોપી પહેરાવી ગયા. અમારા ગામમાં અમે બધાનું સન્માન કરીએ છીએ. અમારા આખા પરિવારનો રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી અને ન તો કોઈ પોલિટીકલ પાર્ટી સાથે. અમને રાજનીતિમાં ફસાવવામાં આવી રહ્યા છે. ગજે સિંહ પહેલા બસપામાંથી ચૂંટણી લડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દલ્લૂપુરામાં રહેતા કપિલે ફાયરિંગ કરતા ઘટનાસ્થળ પર જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને તે પણ કહ્યું હતું કે અહીં માત્ર હિન્દુઓનું ચાલશે. કપિલને રવિવારે મેટ્રોપોલિટન જજની સામે રજૂ કરવામાં આવ્યો હતો અને તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી વેામાં આવ્યો હતો. આ ઘટના બાદ સીએમ અરવિંદ કેજરીવાલે ગૃહપ્રધાન અમિત શાહને રાજધાનીના કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને ઘેર્યા હતા. જ્યારે ગુર્જરના આપના સભ્ય હોવાની વાત સામે આવ્યા બાદ તેની સંભાવના છે કે ભાજપ દિલ્હીની સત્તામાં રહેલી પાર્ટી પર હુમલો કરશે.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને પૂછપરછ દરમિયાન કપિલના ફોનમાંથી ઘણા ફોટોગ્રાફ્સ મળ્યા છે, જેમાં આપમાં જોડાવાના ફોટો પણ સામેલ છે. આ ફોટોગ્રાફ્સમાં કપિલ પોતાના પિતા અને અન્ય લોકોની સાથે આપનું સભ્યપદ લઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાજેશ દેવે જણાવ્યું, ‘અમારી શરૂઆતી તપાસમાં કપિલના ફોનમાંથી કેટલાક ફોટોગ્રાફ્સ મળ્યા છે, જેનાથી તે સાબિત થાય છે અને તેણે ખુલાસો કર્યો છે કે તે અને તેના પિતા એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અમે તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે.’