દિલ્હી ચૂંટણી 2020:  દિલ્હી દંગલમાં મુખ્ય પ્રધાન vs વડા પ્રધાન

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી આડે હવે Iગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ખેલ હવે ખરાખરીનો જામ્યો છે. બંને બાજુ અક્ષૌહિણી સેનાઓ ગોઠવાઈ ગઈ છે. વડા પ્રધાનથી માંડીને ભાજપનાં તમામ દિગ્ગજોની ફોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચૂંટણી મેદાનમાં હરાવવા રાત-દિવસ એક કરી રહ્યા છે, જ્યારે સામે પક્ષે કેજરીવાલ અને આપના નેતાઓ પણ જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ પણ રાહુલ-પ્રિયંકા સાથે આક્રમક ચૂંટણીપ્રચાર કરી રહી છે.દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના ચાર-પાંચ દિવસ પહેલાં વડા પ્રધાન મોદીએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું અને ચૂંટણીસભાઓ કરી રહ્યા છે. તેમણે પૂર્વ દિલ્હીમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં જે કેજરીવાલ સરકાર છે, જે કેન્દ્રની યોજનાઓના અમલમાં રોડાં નાખ્યાં કરે છે. આ લોકો બાટલા હાઉસના આતંકવાદીઓ માટે રડી શકે છે, સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલો કરે છે અને સુરક્ષા દળોને કઠેડામાં ઊભા કરે છે, પણ દિલ્હીનો વિકાસ નથી કરી શકતા.
બીજી બાજુ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રકારો કર્યા હતા. તેમણે  દિલ્હીમાં પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરતાં ભાજપને પડકાર આપ્યો હતો કે કે 24 કલાકમાં ભાજપના દિલ્હીના સંભવિત મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરો, હું તેમની સાથે જનતાની સામે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ મુદ્દે વિચારવિમર્શ કરવા તૈયાર છું. પક્ષના સિનિયર નેતા સંજય સિંહે પણ ભાજપને મુખ્ય પ્રધાનનું નામ જાહેર નહીં કરવા બદલ આડે હાથ લીધો હતો.

ત્રીજી બાજુએ રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન અને વડા પ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે આ મોદીની નહીં અદાણી-અંબાણીની સરકાર છે. આ કામ નહીં માર્કેટિંગ કરે છે.