રાશિ ભવિષ્ય 30/04/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે, નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
લોકડાઉનમાં ઘરેલું હિંસા પીડિતાઓને મળે છે અહીં આશ્રય
રાજકોટ: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને ગુજરાત સરકારના સહયોગથી વર્ષ ૨૦૧૭થી રાજકોટમાં ‘સખી’ વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે જે મહિલાઓને સમસ્યાઓના સમાધાન માટે કામ કરી રહી છે. અત્યાર સુધીમાં ૧૧૬૧ મહિલાઓના સમસ્યાઓના સમાધાન આ સેન્ટર દ્વારા કરાયા છે. હાલમાં લોકડાઉન દરમ્યાન પણ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી દસ મહિલાઓને આ સેન્ટરમાં આશરો અપાયો હતો અને તેમનું સમાધાન કરીને તેમને પતિ અથવા પિતૃગૃહે મોકલવામાં આવ્યા હતા. લોકડાઉન દરમિયાન ટેલીફોનથી અનેક ઘરેલુ હિંસાના કેસો પણ આવ્યા હતા અને તેમાના માટોભાગના કેસના સમાધાનો પણ ‘સખી’ વન સ્ટોપ સેન્ટર દ્વારા કરાયા હતા.

હાલમાં સખી વન સ્ટોપ સેન્ટરના સંપર્કમાં આવેલ આ ૧૧૬૧ મહિલાઓને ફોનના માધ્યમથી કોરોનાની મહામારીમાં સાવચેત રહેવા માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક બહેનોને માસ્ક પહેરવા હેન્ડવોશ કરવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા તેમજ જો તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો હોય તો કોરોનાનો ટેસ્ટ કરાવવા પણ દિશા નિર્દેશ કરવામાં આવે છે.
આ સેન્ટરના સંચાલક યાસ્મીનબેન ઠેબા જણાવે છે કે અત્યાર સુધીમાં ૧૧૬૧ કેસો પૈકી ૮૨૭ કેસો ઘરેલુ હિંસાના, ૪૫ કેસો જાતીય સતામણીના, ૨૫ કેસો બળાત્કારના, ૩ કેસો એસિડ અટેકના, ૨ કેસો સાયબર ક્રાઇમના અને ૨૨૮ કેસો દહેજના નોંધાયેલા છે.

આ સેન્ટરમાં પીડિતા મહિલાઓને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદાકીય સલાહ અપાય છે. આ સેન્ટરમાં પોલીસ સહાય, તબીબી સહાય પણ ઉપલબ્ધ છે. સામાજિક સમસ્યામાં પરામર્શ અને હંગામી ધોરણે પાંચ દિવસનો આશ્રય આપવામાં આવે છે. જો પીડિતાને વધુ આશરાની જરૂર હોય તો તેને નારી વિકાસ ગૃહમાં મોકલવામાં આવે છે. આ સેન્ટરને સરકારી વકીલ અને પોલીસ પણ ફાળવવામાં આવ્યા છે. સેન્ટર પર આશ્રિત મહિલા અને તેના બાળકોને રહેવા, જમવા, કપડાં સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે માટે સરકાર દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમ પાસે ‘સખી’ વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. ૧૪ બહેનો દ્વારા આ સેન્ટરનું સંચાલન કરવામાં આવે છે. આ સેન્ટરમાં પાંચ મહિલાઓ રહી શકે તે માટેની સુવિધા ઉપલબ્ધ છે. ૨૪ કલાક આ સેન્ટર મહિલાઓ માટે કાર્યરત રહે છે.
ઈરફાનને યુવરાજની શ્રદ્ધાંજલિઃ ‘કેન્સર સામેના જંગમાં પીડાનો મને અનુભવ છે’
મુંબઈઃ ‘હું જાણું છું કે આ લડાઈ (કેન્સર)માં કેવું દર્દ થાય છે. મને ખબર છે કે કેન્સર સામેનો જંગ બહુ કઠિન હોય છે. તમે માનસિક રીતે ભાંગી જાઓ. તમે ઇચ્છો તો પણ કશું કરી ન શકો.’…. આ શબ્દો છે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહના. યુવરાજે બોલીવૂડ અભિનેતા ઇરફાન ખાનના નિધન વિશે ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. યુવરાજ પોતે પણ કેન્સરનો શિકાર બન્યો હતો, પણ સદ્દનસીબે આ મહારોગને મ્હાત કરવામાં એ સફળ રહ્યો હતો. યુવરાજે 2007માં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ ભારતને જિતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હાલ જ્યારે વિશ્વ બોલીવૂડના મશહૂર અભિનેતા ઇરફાન ખાનના નિધન પર શોકાતુર થયું છે ત્યારે યુવરાજ સિંહનું પણ આ દર્દ બહાર છલકાઈ આવ્યું છે.

યુવરાજ સિંહે ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ
યુવરાજ સિંહે કહ્યું હતું કે, ‘કેન્સરની પીડાને હું જાણું છું. હું જાણું છું કે ઈરફાન છેવટ સુધી લડ્યા હતા. કેટલાક લોકો નસીબદાર છે કે આ રોગમાં બહાર આવી શક્યા છે, પણ કેટલાક નથી આવી શકતા. મને વિશ્વાસ છે કે તમે બહુ સારી જગ્યા (જન્નતમાં)એ હશો, ઇરફાન ખાન તમારા પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.’
આમ કહીને યુવરાજ સિંહે અભિનેતા ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઇરફાન ખાનનું નિધન
મુંબઈની કોકિલાબહેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં મંગળવારે દાખલ થયેલા ઇરફાન ખાનને કોલોન ઇન્ફેક્શન થયું હતું અને એ પછી આજે સવારે તેમનું નિધન થયું હતું. તેમને ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર થઈ હોવાનું નિદાન થયું હતું. ઇરફાન ખાન તેમની કેન્સરની સારવાર માટે વિદેશ પણ ગયા હતા.

યુવરાજ સિંહે પણ કેન્સરને માત આપી
યુવરાજ સિંહે પણ કેન્સરને માત આપી છે અને એ રીતે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે. વર્ષ 2017માં એને કેન્સરનું નિદાન થયું હતું, પણ દ્રઢ મનોબળ અને કેન્સરની સારવાર સાથે એણે રોગને પરાસ્ત કર્યો હતો. એક વર્ષની સારવાર પછી એ ભારત પાછો ફર્યો હતો.
વડા પ્રધાન મોદીએ પણ ઈરફાન ખાનને આપી શ્રદ્ધાંજલિ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે ઇરફાન ખાનના નિધનથી સિનેમાજગત અને રંગભૂમિની દુનિયાને ખોટ ગઈ છે. તેમણે ભજવેલી વિવિધ ભૂમિકા બદલ તેમને યાદ કરવામાં આવશે. મારી સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે, તેમના આત્માને શાંતિ મળે એવી અભ્યર્થના.
લોકડાઉનઃ અટવાયેલા લોકોને વતન પહોંચાડવાની વ્યવસ્થાની પરવાનગી અપાઈ
નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કેન્દ્ર સરકારે વધુ હળવું બનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પરવાનગી આપી છે કે અનેક રાજ્યોમાં ફસાઈ ગયેલા માઈગન્ર્ટ કામદારો, વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ અને પર્યટકો સહિત તમામ લોકોને એમના વતન રાજ્ય સુધી પહોંચવા માટેની વ્યવસ્થા કરે. આવા કમનસીબ લોકોની અવરજવર માટે કેન્દ્ર સરકારે છૂટ આપી છે, પરંતુ અમુક શરતો પણ મૂકી છે.
કેન્દ્રના આ નિર્ણયને કારણે લોકડાઉનમાં અટવાઈ ગયેલા હજારો લોકો એમના હાલના સ્થળેથી એમનાં ઘેર જઈ શકશે. કેન્દ્ર સરકારે જો કે બસ વ્યવસ્થા કરવાની રાજ્યોને છૂટ આપી છે.
ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં આજે એક ઓર્ડર ઈસ્યૂ કર્યો છે. સરકારે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને સૂચના આપી છે કે ફસાઈ ગયેલા લોકોને મોકલવા અને એમના રાજ્યોમાં સ્વીકારવા માટે નોડલ સત્તાધિશોની નિમણૂક કરે અને તેમજ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવે. ફસાઈ ગયેલા લોકોને એમના લોકેશન સુધી પહોંચાડવા સુધીના ક્રમમાં તેઓ જે રાજ્યોમાંથી પસાર થાય ત્યાં એમની અવરજવરને પરવાનગી આપવી.
સરકારે જો કે અમુક શરતો પણ મૂકી છે. જેમ કે, વતન રાજ્ય તરફ જતા લોકોએ મેડિકલ ચેકઅપ કરાવવું પડશે. સ્ક્રીનિંગમાં જે લોકો એસિમ્પ્ટોમેટિક હશે (એટલે કોરોનાનાં લક્ષણ ન હોય) એવું માલૂમ પડશે તો જ એમને સફરમાં આગળ જવાની પરવાનગી અપાશે. એક સ્થળેથી બીજા સ્થળે જતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે અને આ લોકો જ્યારે પણ પોતપોતાના ઘેર પહોંચી જાય તે પછી એમણે હોમ-ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.
લાલુપ્રસાદવાળી હોસ્પિટલના દર્દીને કોરોના થયો; તંત્ર સતર્ક
રાંચીઃ ઝારખંડના રાંચી સ્થિત રાજેન્દ્ર આયુવિજ્ઞાન સંસ્થાન (RIMS))માં દાખલ થયેલા RJD પાર્ટીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મેડિકલ સુરક્ષાને લઈને હોસ્પિટલ વહીવટી તંત્રની ચિંતા વધી ગઈ છે, કારણ કે લાલુ યાદવની સારવાર કરી રહેલા ડોક્ટર ઉમેશ યાદવના વોર્ડમાં કોરોનાનો એક પોઝિટિવ દર્દી મળ્યો છે. એને કારણે RIMS વહીવટી તંત્ર અને ઝારખંડનો આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે.
લાલુના ડોક્ટરે ખુદને ક્વોરોન્ટાઇન કર્યા
પ્રાપ્ત માહિતી અનુસાર RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવેની સારવાર કરી રહેલા ડોક્ટર ઉમેશ પ્રસાદે ખુદને ક્વોરોન્ટાઇન કરવાની વાત કરી હતી. પાછલા 15 દિવસથી ડો. ઉમેશ પ્રસાદના વોર્ડમાં દાખલ થયેલા 78 વર્ષના એક શખસનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ડોક્ટરે આ નિર્ણય લીધો હતો. આ સિવાય કેટલાક અન્ય મેડિકલ સ્ટાફ અને દર્દીઓને પણ ક્વોરોન્ટાઇન કરવાની વાત સામે આવી હતી.

કિડની, હાર્ટ અને સુગર જેવી બીમારીઓથી પીડિત લાલુપ્રસાદ
કરોડો રૂપિયાના ચારાકૌભાંડમાં ચાર જુદા જુદા કેસમાં અપરાધી જાહેર કરાયા બાદ સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવ RIMSના ખાનગી વોર્ડમાં દાખલ કરાયા છે. લાલુ યાદવને કિડની, હાર્ટ, સુગર જેવી અનેક ક્રોનિક બીમારીઓ છે. આ બીમારીઓને કારણે લાલુ યાદવને કોરોના સંક્રમિત હોવાનો સૌથી મોટું જોખમ છે.
લાલુની કોરોના તપાસ
RIMS સપરિન્ટેન્ડેન્ટ વિવેક કશ્યપે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે જો જરૂર પડશે તો લાલુ પ્રસાદ યાદવની પણ કોરોનાની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે કોઈ પણ જાતનું જોખમ લેવા ઇચ્છતા નથી, એટલે સંપૂર્ણ સતર્કતા રાખવામાં આવી રહી છે. જોકે લાલુ યાદવે પોતાના રૂમની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે.
RIMSના ડાયરેક્ટર ડો. ડી.કે. સિંહે પણ કહ્યું કે લાલુ યાદવને કોરોનાનો ચેપ લાગવાની સંભાવના ઓછી છે, કારણ કે એમનો ઈલાજ કરતા કોઈ પણ ડોક્ટર કે એમની ટીમના કોઈ સ્વાસ્થ્યકર્મીને કોરોનાનો ચેપ લાગ્યો નથી. લાલુ યાદવ RIMSના ખાનગી વોર્ડમાં છે. એ ત્યાંથી બહાર પણ નીકળતા નથી. એટલે એમને ચેપ લાગવાનો કોઈ સંભવ નથી. ડો. ઉમેશ પ્રસાદ જરૂરી સમજશે તો જ લાલુ યાદવની કોરોના માટે ટેસ્ટ લેવામાં આવશે.
ઈરફાન ખાનને અપાઈ આખરી વિદાય…




7.7 કરોડ લોકોએ ‘રામાયણ’ જોઈ; દુનિયાનો નંબર-1 ટીવી શો
મુંબઈઃ દૂરદર્શન ચેનલ પર ‘રામાયણ’ હિન્દી સિરિયલના પ્રસારણે અનેક રેકોર્ડ બનાવ્યા છે. કોરોના વાઈરસ મહાબીમારીમાં પુનઃપ્રસારિત સિરિયલે ઇતિહાસ રચ્યો છે. એ કહેવામાં જરાય શંકા નથી કે સામાયણની સાથે દૂરદર્શન પણ ટોપ ટ્રેન્ડમાં સામેલ થયું છે. ટેલિકાસ્ટના પહેલા જ દિવસથી માંડીને બે દિવસ સુધી સવારે અને સાંજના સમયે ટ્વિટર પર #Ramayan અને #DDnational ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. ટ્વિટરના ટોપ 3 ટ્રેન્ડમાં સામેલ રહ્યું હતું. આ વચ્ચે જે તાજા અહેવાલ આવ્યો છે એ સ્પષ્ટ દર્શાવે છે કે આ શો દેશમાં નહીં દુનિયામાં પણ ઘણો પસંદ કરવામાં આવતો શો છે.
કોરોના સંકટમાં ‘રામાયણ’ વિશ્વનો નંબર 1 શો
વિશ્વભરમાં કોરોના સંકળ કાળ ચાલી રહ્યો છે ત્યારે ‘રામાયણ’ દુનિયાનો નંબર વન ટીવી-શો બની ગયો છે. તેણે વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે.
16 એપ્રિલના એપિસોડને વિશ્વભરમાં 7.7 કરોડ લોકોએ જોયો

દૂરદર્શન પર રામાયણે વાપસી કરીને નવો ઇતિહાસ બનાવ્યો છે. ‘રામાયણ’ના 16 એપ્રિલના એપિસોડને દુનિયાભરમાં 7.7 કરોડ લોકોએ જોયો હતો. વર્લ્ડ રેકોર્ડની સાથે એ વિશ્વમાં સૌથી વધુ જોવાતો નંબર-વન શો બની ગયો છે.
‘રામાયણ’ના દરેક દિવસના બે એપિસોડ બતાવાતાં લાભ
કોરોના વાઇરસને કારણે આ શોની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. એનું કારણ એ છે કે ‘રામાયણ’ 80થી 90ના દાયકામાં સૌથી જોવાતો અને પસંદ કરવામાં આવતો શો રહ્યો હતો. સોશિયલ મિડિયા પર આની ખૂબ ચર્ચા થઈ છે. દૈનિક ધોરણે ‘રામાયણ’ના બે એપિસોડ બતાવવામાં આવતાં ચેનલે TRP મેળવી લીધી.
પ્રસાર ભારતીના CEO શશિ શેખરે ટ્વીટ કરીને કહ્યું
પ્રસાર ભારતીના CEO શશિ શેખરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી કે વર્ષ 2015થી લઈને અત્યાર સુધી જનરલ એન્ટરટેઇનમેન્ટ કેટેગરી શોને મામલે રામાયણ શો ટોપ પર છે. વર્ષ 2015થી અત્યાર સુધી સૌથી વધુ TRP ઊભી કરવાવાળા શો હિન્દી જનરલ કેટેગરીમાં રામાયણ બની ગયો છે.
Ramayan World Record – Highest Viewed Entertainment Program Globally#IndiaFightsCorona#IndiaFightsBack pic.twitter.com/RdCDehgxBe
— Prasar Bharati (@prasarbharati) April 28, 2020
યાહૂ સર્ચમાં પણ રેકોર્ડ બનાવ્યો
આના પહેલાં વેબ સર્વિસ પ્રોવાઇડર યાહૂએ પણ એક સર્વે રિલીઝ કર્યો હતો. જ્યાં એક મહિનામાં દૈનિક ધોરણે સર્ચમાં સૌથી વધુ ટીવી શો તરીકે રામાયણ શોધવામાં આવ્યો હતો. રામાયણના પુનઃપ્રસારણ દર્શકોમાં ઉત્સાહ જરૂર લઈ આવ્યો હતો. રામાયણે સર્ચને મામલે તાનાજી, ગુડ ન્યૂઝ અને બિગ બોસને પણ પાછળ છોડી દીધી હતી.

‘રામાયણ’ના ઓપનિંગ એપિસોડની TRP
અહેવાલ અનુસાર ઓપનિંગ એપિસોડના પહેલા દિવસે 34 મિલિયન દર્શકોએ આ શો જોયો હતો. તે પછી એને 3.4 ટકાનું રેટિંગ મળ્યું છે. સાંજના એપિસોડને 45 મિલિયન દર્શકોએ જોયો, જેનું રેટિંગ 5.2 રહ્યું હતું. આગલા દિવસે એને 40 મિલિયન અને સાંજે 51 લાખ લોકોએ રામાયણ જોઈ હતી.
170 મિલિયન વ્યુઅર્સ અને પ્રાઇમ ટાઇમ
અહેવાલ અનુસાર વીતી ગયેલા વીક-એન્ડમાં ‘રામાયણ’ના શરૂના ચાર શોમાં 170 મિલિયન દર્શકો મળ્યા હતા. રવિવારેના શોના બીજા દિવસે સવારે 40 મિલિયન અને સાંજે 51 મિલિયન દર્શકો મળ્યા હતા. સવારે નવ કલાકે અને રાત્રે નવ કલાકે પ્રાઇમ ટાઇમનો સમય હોય છે. લોકડાઉનના સમયે વધુ ને વધુ લોકો ટીવીને સહારે દિવસો વિતાવતા હતા.
‘રામાયણ’ ગૂગલના ટોપ ટ્રેડિંગ સર્ચમાં પણ સામેલ
ટેલિકાસ્ટ થતાં પહેલાં ‘રામાયણ’ ટીવી સિરિયલ ગૂગલના ટોપ ટ્રેડિંગ સર્ટમાં સામેલ થઈ હતી. લોકોએ ટેલિકાસ્ટના દિવસ સુધી જાણવા ઇચ્છ્યું કે ક્યારે અને કયા સમયે રામાયણ જોઈ શકાશે. એટલે સુધી કે ‘રામાયણ’ને યૂટ્યુબ પર પણ લાઇવ ટેલિકાસ્ટમાં જોવામાં આવી.
કોરોના: કેન્દ્રની ટીમ અમદાવાદની મુલાકાતે…
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઈરસની તીવ્રતાને ધ્યાનમાં રાખી ભારત સરકારની તૈયાર કરાયેલ સમિતિ ગુજરાતની મુલાકાતે છે. કોરોનાની ગંભીરતાને સમજવા અને વાસ્તવિકતા ચકાસવા આવેલી સમિતિ બુધવાર, 29 એપ્રિલની બપોરે અમદાવાદ પહોચી હતી.

અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ડ્રોન ટીમની ઉપસ્થિતિમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટીમે મુલાકાત લીધી હતી. શહેરના આશ્રમ રોડ વાડજ વિસ્તારમાં રોકાણ દરમિયાન અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
(પ્રજ્ઞેશ વ્યાસ)














