Home Blog Page 4826

સાવરકુંડલામાં ધોધમાર વરસાદે પાલીતાણા હાઈવે પર ટ્રાફિક અટકાવ્યો

અમદાવાદઃ એક તરફ જીવલેણ કોરોના વાઈરસની બીમારી સામે ઝઝૂમી રહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં અનેક ભાગોમાં આજે બપોરે હવામાનમાં અચાનક જોરદાર પલટો આવ્યો હતો. સાવરકુંડલા, ઉપલેટા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, બાબરા, જસદણ, વલ્લભીપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.ભારે પવન સાથે મિની વાવાઝોડું પણ ફૂંકાયું હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે સખત ગરમીમાં લોકોને રાહત મળી હતી, પણ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતવર્ગમાં ચિંતા પ્રસરી ગઈ છે.

ધોધમાર વરસાદે સાવરકુંડલા-પાલીતાણા હાઈવે પર ટ્રાફિક સ્થગિત કરાવી દીધો હતો.

સાયક્લોનિક સરક્યુલેશનની અસરને પગલે આગામી ૨૪ કલાકમાં રાજ્યમાં કેટલેક ઠેકાણે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રમાં પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બાબરા અને જસદણમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બાબરાના કોટડાપીઠા, પીર ખીજડીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. તો બીજી તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં 40 ડીગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમી વચ્ચે વલ્લભીપુરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી માવઠું ખેડૂતો માટે નુકશાનકારક બની રહેશે.

જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાદળીયા વાતાવરણ છવાયેલુ રહે છે ત્યારે લાલપુર, કાલાવડ, જામજોધપુર પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે કાલાવડ તાલુકામાં બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવતા આસપાસના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો.

28 એપ્રિલે લાલપુર તાલુકામાં પણ સાંજના સમયે ગ્રામ્ય પંથકમાં વરસાદ પડયો હતો. જેમા લાલપુર તાલુકાના રક્કા, ખટીયા, મોટા ખડબા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જામજોધપુર તાલુકાના સડોદર, સમાણા, દલદેવાડીયા, નરમાણા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ખૂબ જ બફારા વચ્ચે કરા સાથે વરસાદ વરસતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતાં.

મહત્વનું છે કે, વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. તલી, મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

 

અમેરિકામાં કોરોનાને હરાવવા શ્રીમંતો, વૈજ્ઞાનિકો સંગઠિત થયા

વોશિંગ્ટનઃ સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઈરસ રોગચાળા સામે સંગઠિત થઈને લડી રહ્યું છે. આ જંગમાં અમેરિકાના વૈજ્ઞાનિકોનું એક ગુપ્ત સમૂહ પણ કામ કરી રહ્યું છે. આ સમૂહમાં વૈજ્ઞાનિકો, અબજોપતિઓ અને ઉદ્યોગ જગતના પ્રમુખો એક જ છત નીચે આવી ગયા છે. તેમણે ગુપ્ત રીતે વ્હાઈટ હાઉસને તેમની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે. વૈજ્ઞાનિકોના આ સમૂહને અબજોપતિઓ ફંડિંગ કરી રહ્યા છે.

આ ટીમનું નેતૃત્વ 33 વર્ષીય ફિઝિશિયનમાંથી અબજોપતિ બનેલા ટોમ કહિલ કરી રહ્યા છે. ટોમ કહિલ સામાન્ય રીતે લોકોથી દૂર રહેતા વ્યક્તિ છે. બોસ્ટનમાં તે એક સિંગલ બેડરૂમ ધરાવતા મકાનમાં ભાડે રહે છે. તેમની પાસે પહેરવા માટે એક જ સૂટ છે પણ કોવિડ 19ની લડાઈમાં સરકારી નીતિઓને પ્રભાવિત કરવાની તેમની પાસે ભરપૂર ક્ષમતા છે. આ ટીમના લોકોએ તેમના કામને લોકડાઉન નામ આપ્યું છે. મેનહટન પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો પણ એજ આધાર પર કામ કરી રહ્યા છે જેમ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ કર્યું હતું.

મેડિકલ નિષ્ણાંતો ઉપરાંત મેનહટન પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોમાં એક 2017ના નોબલ પુરસ્કાર વિજેતા પણ સામેલ છે. જીવ વૈજ્ઞાનિક માઈકલ રોસબાશે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે હું સૌથી ઓછો લાયક વ્યક્તિ છું. આ જુથ ફાર્મા કંપનીઓ અને ટ્રમ્પ પ્રશાસન સેતૂ બનાવવાનું કામ કરી રહ્યું છે. આ ઉપરાંત આ ગુપ્ત ટીમનો ઉદેશ્ય તેની શોધ અને વિચારો પણ ટ્રમ્પ પ્રશાસનના નીતિ ઘડવૈયાઓ સુધી પહોંચાડવાનો પણ છે.

ઉલ્લેખનીય છે કે, મેનહટન પ્રોજેક્ટ એ એક ગુપ્ત સંશોધન પ્રોજેક્ટ હતો જે અમેરિકા ડિઝાઇનને મદદ કરવા અને અણુબૉમ્બનું નિર્માણ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. આ નાઝી વૈજ્ઞાનિકોની પ્રતિક્રિયામાં બનાવવામાં આવ્યું હતું, જેમણે 1939 માં યુરેનિયમ અણુ વિભાજિત કેવી રીતે શોધ્યું હતું.

લોકડાઉનને વ્યાપક સ્તરે ઉઠાવી લેવું જોઈએઃ આનંદ મહિન્દ્રા

નવી દિલ્હીઃ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સૂચન કર્યું છે કે સરકારે કુલ 49 દિવસો પછી વ્યાપક સ્તરે કોરોનાવાઈરસ લોકડાઉન ઉઠાવી લેવું જોઈએ. તેમનું કહેવું છે કે જો દેશના વિવિધ ભાગોમાં ધીરે-ધીરે લોકડાઉન ઉઠાવવામાં આવશે તો ઔદ્યોગિક કામગીરી ચલાવવી મુશ્કેલ હશે અને એની ગતિ ધીમી પડશે. મહિન્દ્રાનું માનવું છે કે સરકાર માટે લોકડાઉનથી બહાર નીકળવાની યોજના બનાવવી એ પડકારરૂપ કાર્ય છે, કેમ કે અર્થતંત્રની તમામ બાબત એકબીજા સાથે સંકળાયેલી છે. તેમણે કહ્યું હતું કે આગળની યોજના મોટા પાયે સંક્રમણને નિયંત્રિત કરવા અને પરીક્ષણ કરવા માટે આધારિત હોવી જોઈએ. દેશનાં હોટ સ્પોટ વિસ્તારો અને અતિસંવેદનશીલ જૂથોને જ અલગ રાખવા જોઈએ.

49 દિવસોનું લોકડાઉન બહુ

આનંદ મહિન્દ્રાએ એક પછી એક ટ્વીટ કરતાં કહ્યું હતું કે સંશોધનથી માલૂમ પડે છે કે 49 દિવસનું લોકડાઉન ઘણું છે. મારું માનવું છે કે લોકડાઉન જો ઉઠાવવામાં આવે તો એ વ્યાપક સ્તરે હોવું જોઈએ.

ઔદ્યોગિક કામગીરી ચલાવવી ઘણી મુશ્કેલ

મહિન્દ્રાએ કહ્યું હતું કે જો લોકડાઉનને ધીમે-ધીમે વિવિધ ક્ષેત્રોમાંથી ઉઠાવવામાં આવશે તો એનો અર્થ એ થશે કે ઔદ્યોગિક કામગીરીને ચલાવવી ઘણી મુશ્કેલ પડશે. જ્યાં સુધી બાંધકામ પ્રવૃત્તિ અને કારખાનાઓની વાત છે તો એમાં એક ફીડર કારખાનું પણ બંધ રહે તો ઉત્પાદનનું અંતિમ સ્વરૂપ નહીં લઈ શકે.

લોકડાઉનમાં ટકી રહેવા લાખો લોકોએ PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા

નવી દિલ્હીઃ કોવિડ-19ને ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન દરમ્યાન આઠ લાખથી વધુ નોકરિયાત લોકોએ પોતાના નિવૃત્તિ માટે જમા થયેલી રકમમાંથી પૈસા ઉપાડ્યા હતા. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ આ સમયગાળામાં 8.2 લાખ લોકોએ EPFO અને ખાનગી PF ટ્રસ્ટોથી કુલ રૂ. 3,243.17 કરોડ ઉપાડ્યા હતા. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ પાછલા 28 તારીખે સંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પોતાના નિવૃત્તિ ફંડમાંથી નોન-રિફન્ડેબલ એડવાન્સ કાઢવા માટે મંજૂરી આપી હતી.

શ્રમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયને અંતર્ગત કામ કરતા EPFOએ કુલ 12,91 લાખ દાવાઓનું સમાધાન કર્યું હતું.આમાં વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના (PMGKY) પેકેજ હેઠળ 7.40 લાખ કોરવિડ-19 ક્લેમ સામેલ છે.

EPFOએ અત્યાર સુધી કોવિડ-19થી સંકળાયેલા 2,367.65 કરોડના દાવાઓનું સમાધાન કર્યું છે. આ દરમ્યાન એક્ઝેમન્પેટેડ પીએફ ટ્રસ્ટે ઉલ્લેખનીય દાવાઓનું સમાધાન કર્યું છે. મંત્રાલયના જણાવ્યા મુજબ 27 એપ્રિલ, 2020 સુધી એક્ઝેમ્પટેડ પીએફ ટ્રસ્ટે 79,743 સભ્યોના કુલ રૂ. 875.52 કરોડનું ફંડ પીએફ એડવાન્સના રૂપે આપ્યું છે.

ઈરફાન ખાનના નિધનથી માયાનગરી, ફિલ્મનગરીમાં શોક

મુંબઈઃ કેન્સર સામે લાંબો સમય સુધી ઝીંક ઝીલ્યા બાદ, પરંતુ મોટા આંતરડામાં લાગેલા ચેપને કારણે તબિયત લથડી જતાં બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાને આજે વહેલી સવારે અહીં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. એ 54 વર્ષના હતા.

ઈરફાનના નિધનને કારણે એમના પ્રશંસકોમાં તેમજ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફરી વળી છે.

અમિતાભ બચ્ચન સહિત બોલીવૂડના અનેક કલાકારો અને કસબીઓએ ઈરફાનના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું કે, ઈરફાન ખાનના નિધનના મને દુઃખદ સમાચાર મળ્યા. એ ટેલેન્ટેડ અભિનેતા હતા. મહાન સહયોગી હતા. સિનેમા જગતના એક શાનદાર યોગદાનકર્તા હતા. એ બહુ જલદી છોડીને જતા રહ્યા. એમના નિધનથી હું ખાલીપો મહેસુસ કરી રહ્યો છું.

અમિતાભે ઈરફાન ખાન સાથે ‘પિકુ’ ફિલ્મમાં કામ કર્યું હતું.

અક્ષય કુમારે ટ્વીટમાં કહ્યું છે, બહુ ભયાનક સમાચાર. ઈરફાન ખાનનું નિધન થયાનું જાણી બહુ દુઃખ થયું. હાલના સમયના એ પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક હતા. ઈશ્વર એમના પરિવારજનોને આ કઠિન સમયમાં શક્તિ આપે.

જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે કહ્યું કે, ઈરફાનના નિધનથી હું બહુ દુઃખી થયો છું. એમણે ઘણું કામ કરવાનું બાકી હતું. હું એમને દોઢ વર્ષ પહેલાં લંડનમાં અમારા એક સમાન મિત્રને ત્યાં મળ્યો હતો. ત્યારે જ એમણે મને કહેલું કે હું ટૂંક સમયમાં જ મુંબઈ જઈશ અને સૌને મળીશ. એ પછી ઈરફાન સાથે મારે મુલાકાત થઈ નહોતી. એ શાનદાર અભિનેતા હતા.

નિર્માતા-દિગ્દર્શક બોની કપૂરે કહ્યું, આપણે એક ઉત્કૃષ્ટ અભિનેતા ગુમાવી દીધા છે. એ બહુ લાંબા સમય સુધી લડ્યા હતા. એમના પરિવાર પ્રતિ મારી સંવેદના વ્યક્ત કરું છું.

ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે એક વિડિયો નિવેદનમાં કહ્યું કે, એ પ્રિય મિત્ર હતા, ઉત્કૃષ્ટ અભિનેતા અને અદ્દભુત માનવી હતા. એમના નિધનના સમાચાર હૃદયદ્રાવક છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે.

બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાનનું અવસાન

મુંબઈઃ હિન્દી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા ઈરફાન ખાનનું આજે અહીંની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં અવસાન થયું છે.

ઈરફાન ખાન આંતરડામાં લાગેલા ચેપની તકલીફ માટે અંધેરી (વેસ્ટ)સ્થિત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

એમની વય 54 વર્ષ હતી.

તેઓ 2018થી હાઈ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સરની બીમારી સામે પણ ઝઝૂમી રહ્યા હતા. એની સારવાર લેવા માટે તેઓ વિદેશ ગયા હતા. સારવારથી સારું થયા બાદ તેઓ મુંબઈ પાછા ફર્યા હતા. એમના નિધનના સમાચારને એમના સત્તાવાર પ્રવક્તાએ સમર્થન આપ્યું હતું. એમના નિધનથી બોલીવૂડમાં અને ઈરફાનના પ્રશંસકોમાં શોકની લાગણી ફરી વળી છે.

હજી થોડા જ દિવસો પહેલાં ઈરફાન ખાનના માતા સઈદા બેગમનું જયપુરમાં 95 વર્ષની વયે નિધન થયું હતું. પોતાની નાદુરસ્ત તબિયત અને લોકડાઉનને કારણે તેઓ જયપુર જઈ શક્યા નહોતા. કહેવાય છે કે માતાના નિધનનો આઘાત એમને ખૂબ વસમો લાગ્યો હતો અને મોટા આંતરડામાં ચેપ પણ ગંભીર પ્રકારનો હતો.

ફિલ્મ નિર્માતા સુજીત સરકારે ઈરફાન ખાનના નિધનના સમર્થન બાદ સમાચાર પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂક્યા હતા.

ઈરફાન ખાનની આખરી ફિલ્મ હતી ‘અંગ્રેજી મિડિયમ’, જે કોરોના લોકડાઉન લાગુ થયાના થોડા જ દિવસો પહેલાં રિલીઝ કરાઈ હતી. એમાં ઈરફાને એક ભોળા પિતાનો રોલ કર્યો છે, જે એની પુત્રીને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે સંજોગોમાં સામે લડે છે. લોકડાઉનને કારણે ‘અંગ્રેજી મિડિયમ’ને થિયેટરોમાં દર્શાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ એને OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.

ઈરફાન ખાનના અભિનય માટે જાણીતી થયેલી ફિલ્મોમાં ‘મકબૂલ’, ‘પિકુ’, ‘પાનસિંહ તોમર’, ‘હિન્દી મિડિયમ’નો પણ ઉલ્લેખ કરવો પડે. ‘પાનસિંહ તોમર’ ફિલ્મની ભૂમિકા માટે તો એમને રાષ્ટ્રીય એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ઈરફાને ‘સ્લમડોગ મિલિયોનેર’, ‘ઈન્ફર્નો’, ‘લાઈફ ઓફ પાઈ’ જેવી હોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

ઈરફાનના પરિવારમાં એમના પત્ની સુતાપા સિકદર, બે પુત્ર છે – બાબિલ ખાન અને અયાન ખાન.

ઈરફાનની બે ભાઈ અને એક બહેન પણ છે.

ઈરફાનનો જન્મ રાજસ્થાનના ટોંક જિલ્લામાં યાસીન ખાન-સઈદા બેગમના પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો.

ઈરફાનનું પૂરું નામ હતું સાહબઝાદે ઈરફાન અલી ખાન.

અંધેરીના વર્સોવા કબ્રસ્તાનમાં કરાયા સુપુર્દ-એ-ખાક

ઈરફાન ખાનના પાર્થિવ શરીરને એમના ઘેર લઈ જવામાં નહોતું આવ્યું પણ સીધું અંધેરી (વેસ્ટ)ના વર્સોવા યારી રોડ વિસ્તારસ્થિત કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યું હતું. ત્યાં બપોરે લગભગ 3 વાગ્યાના સુમારે એમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. એ વખતે એમના પરિવારજનો તથા અમુક નિકટના મિત્રો હાજર રહ્યા હતા.

રાશિ ભવિષ્ય 29/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 31,000ને પાર, 1000 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં આ વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 31,332 થઈ ગઈ છે.  પાછલા 24 કલાકમાં આ વાઇરસના સંક્મિતોના નવા 1897 કેસ સામે આવ્યા છે અને 73 લોકોનાં મોત થયાં છે. 24 કલાકમાં મોતનો આ સૌથી મોટો આંકડો છે. થોડા રાહતના સમાચાર એ છે કે 7,696 લોકો આ બીમારીમાંથી બહાર આવી ગયા છે. જોકે આ વાઇરસને કારણે 1007 લોકોનાં મોત થયાં છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 24.56 ટકા રિકવરી રેટ છે. પાછલા 28 દિવસોથી 17 જિલ્લાઓમાં એક પણ કેસ સામે નથી આવ્યો. મહારાષ્ટ્ર હજી પણ સૌથી વધુ અસરકારક રાજ્ય છે. અહીં 8,500થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ ગુજરાત અને દિલ્હીનો ક્રમાંક આવે છે.

80 જિલ્લામાં સાત દિવસથી એક પણ કેસ નહીં

80 જિલ્લામાં સાત દિવસથી એક પણ કેસ નહીં

કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધને કહ્યું હતું કે દેશનાં 80 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના એક પણ કેસ નોંધાયો નથી. આ સાથે દેશભરમાં આ વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 30,000ને પાર થઈ ગઈ છે. આ ઉપરાંત પાછલા 28 દિવસોથી 17 જિલ્લાઓમાં એક પણ કેસ સામે નથી આવ્યો.

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30 લાખને પાર

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 30,42,444 થઈ છે. જ્યારે આ વાઇરસથી જાન ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 2,11,221 થઈ ગઈ છે.

અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર

અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે, એમ જોન હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું હતું. જ્યારે અમેરિકામાં અત્યાર સુધી 57,000 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 2200 લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં ન્યુ યોર્ક સૌથી કોરોના પ્રભાવિત શહેર છે. અહીં ન્યુ યોર્કમાં 22,668 લોકોનાં મોત થયાં છે અને એમાં પણ એકલા ન્યુ યોર્ક સિટીમાં 17,500નાં મોત થયાં છે.

ઇટાલી બીજો એવો દેશ છે, જ્યાં 27,000 લોકોએ જીવ ગુમાવ્યા છે અને કોરોના સંક્રમિતો બે લાખને પાર થઈ છે.

દેશમાં રાજ્યવાર કોરોના સંક્રમિતોની સંખ્યા આ મુજબ રહી હતી.

પંચાંગ 29/04/2020

બરફ ઝડપથી ઓગળે છે, સમુદ્રનું જળસ્તર વધે છેઃ ચિંતાનો વિષય

પેરિસ: વિશ્વભરમાં ઝડપથી બરફના ઓગળવાના જોખમો વિશે, એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે 14,000 વર્ષોથી ઓગળતા યુરેશિયન બરફની ચાદરે વૈશ્વિક સ્તરે સમુદ્રનું સ્તર લગભગ આઠ મીટર વધાર્યું છે. આ બરફની ચાદર ઓગળવા માટે એક ઘટના જવાબદાર છે. સંશોધનકર્તાઓએ નોર્વેના સમુદ્રના કિનારે ખોદકામ કરતા આ માહિતી મળી છે.

પૃથ્વીના અંતિમ ગ્લેશિયલ મહત્તમ (Last Glacial Maximum) સમયગાળો આશરે 33,000 વર્ષો પહેલા એ સમયે શરુ થયો હતો, જ્યારે ઉત્તરીય ગોળાર્ધમાં મોટાભાગનો ભાગ બરફથી ઢંકાયેલો રહેતો હતો. યુરેશિયન બરફની ચાદરમાં (સ્કેન્ડિનેવિયા દ્વીપકલ્પ) તે સમયે સંગ્રહિત પાણી આજના ગ્રીનલેન્ડની બરફની ચાદરમાં રહેલા પાણી કરતા ત્રણ ગણું વધારે હતું. નેચર જિયોસાયન્સમાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં જણાવાયું છે કે યુરેશિયન બરફની ચાદર સ્કેન્ડિનેવિયા દ્વીપકલ્પના મોટાભાગના ક્ષેત્રમાં ફેલાયેલી છે. પરંતુ સંશોધનકારો કહે છે કે પ્રાદેશિક તાપમાનમાં વધારાને કારણે માત્ર 500 વર્ષમાં જ અહીં રેકોર્ડજનક કરી બરફ ઓગળી ગયો.

આ અધ્યયન માટે, સંશોધનકારોએ નોર્વેજીયન સમુદ્રના કિનારે કોદકામ કરીને તેનું વિશ્લેષણ કર્યું. દરમિયાન, સંશોધન ટીમે શોધી કાઢ્યું કે ‘મેલ્ટવોટર 1 એ’ નામનો એક ઘટનાક્રમ બરફની ચાદર ઓગાળવા માટે જવાબદાર છે. આ તે સમયગાળો છે જેમાં 13500 થી 14700 વર્ષ પહેલા વૈશ્વિક સમુદ્ર સપાટીમાં 25 મીટર સુધીનું અંતર આવ્યું હતું.

નોર્વેની બર્ગન યુનિવર્સિટીના સંશોધનકર્તા જો બ્રેનડ્રાઈનના જણાવ્યા અનુસાર પ્રાદેશિક તાપમાનમાં ઝડપી ફેરફારને કારણે યુરેશિયન બરફની ચાદર ઓગળવા માંડી, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, ગ્રીનલેન્ડની બરફની ચાદરને ખોદીને કાઢવામાં આવેલા તત્વો દર્શાવે છે કે અહીંનું તાપમાન થોડા દાયકામાં વધીને 14 ડિગ્રી થઈ ગયું છે. તેમણે કહ્યું કે, લાગે છે કે ગ્લોબલ વોર્મિગને કારણે બરફના ગ્લેશિયર ઓગળી રહ્યા છે. વિશ્વના કેટલાક ભાગો ધ્રુવો કરતા વધુ ઝડપથી ગરમ થઈ રહ્યા છે, જે એક જોખમી પ્રવૃતિ છે. સમયસર આને રોકવા માટે પગલાં ભરવા જોઈએ.

અધ્યયનમાં સૂચવવામાં આવ્યું છે કે જો ગ્લોબલ વોર્મિંગના સ્તરને ઘટાડવાનો પ્રયાસ ન કરવામાં આવ્યા તો ગ્રીનલેન્ડની બરફની ચાદરને કારણે સમુદ્રની સપાટી વધુ છ મીટર ઉંચી આવી શકે છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે આ બરફ હજુ પણ રેકોર્ડ સ્તરે ઓગળી રહ્યો છે. માત્ર વર્ષ 2019માં ગ્રીનલેન્ડએ 560 અબજ ટનથી વધુ તેનું દ્રવ્યમાન ગુમાવ્યું છે. ગ્રીનલેન્ડની સાથે સાથે એન્ટાર્કટિકા પણ 1990ની સરખામણીએ છ ગણી ઝડપથી ઓગળી રહ્યું છે.

અભ્યાસમાં સામે આવ્યું છે કે કેટલીક સદીઓથી સમગ્ર યુરેશિયન બરફની ચાદર ઓગળવાને કારણે દરિયાની સપાટી ચાર સેન્ટિમીટરથી વધુ ઉંચી આવી છે. સંશોધનકારોએ જણાવ્યું કે આ આંકડા ક્લાઇમેટોલોજિસ્ટ્સ તેમજ વિશ્વભરના લોકો માટે ચિંતાનું કારણ છે. તેથી જ આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે અસરકારક પગલાં ભરવા પડશે. જો કે, ઘણા સંશોધનકારોને ડર છે કે ભલે વોર્મિંગ ઘટી જશે તો પણ ગ્રીનલેન્ડ અને પશ્ચિમ એન્ટાર્કટિકામાં બરફની ચાદરો ઓગળવાની ચાલુ જ રહેશે.