બરફ ઝડપથી ઓગળે છે, સમુદ્રનું જળસ્તર વધે છેઃ ચિંતાનો વિષય

પેરિસ: વિશ્વભરમાં ઝડપથી બરફના ઓગળવાના જોખમો વિશે, એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે 14,000 વર્ષોથી ઓગળતા યુરેશિયન બરફની ચાદરે વૈશ્વિક સ્તરે સમુદ્રનું સ્તર લગભગ આઠ મીટર વધાર્યું છે. આ બરફની ચાદર ઓગળવા માટે એક ઘટના જવાબદાર છે. સંશોધનકર્તાઓએ નોર્વેના સમુદ્રના કિનારે ખોદકામ કરતા આ માહિતી મળી છે.

પૃથ્વીના અંતિમ ગ્લેશિયલ મહત્તમ (Last Glacial Maximum) સમયગાળો આશરે 33,000 વર્ષો પહેલા એ સમયે શરુ થયો હતો, જ્યારે ઉત્તરીય ગોળાર્ધમાં મોટાભાગનો ભાગ બરફથી ઢંકાયેલો રહેતો હતો. યુરેશિયન બરફની ચાદરમાં (સ્કેન્ડિનેવિયા દ્વીપકલ્પ) તે સમયે સંગ્રહિત પાણી આજના ગ્રીનલેન્ડની બરફની ચાદરમાં રહેલા પાણી કરતા ત્રણ ગણું વધારે હતું. નેચર જિયોસાયન્સમાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં જણાવાયું છે કે યુરેશિયન બરફની ચાદર સ્કેન્ડિનેવિયા દ્વીપકલ્પના મોટાભાગના ક્ષેત્રમાં ફેલાયેલી છે. પરંતુ સંશોધનકારો કહે છે કે પ્રાદેશિક તાપમાનમાં વધારાને કારણે માત્ર 500 વર્ષમાં જ અહીં રેકોર્ડજનક કરી બરફ ઓગળી ગયો.

આ અધ્યયન માટે, સંશોધનકારોએ નોર્વેજીયન સમુદ્રના કિનારે કોદકામ કરીને તેનું વિશ્લેષણ કર્યું. દરમિયાન, સંશોધન ટીમે શોધી કાઢ્યું કે ‘મેલ્ટવોટર 1 એ’ નામનો એક ઘટનાક્રમ બરફની ચાદર ઓગાળવા માટે જવાબદાર છે. આ તે સમયગાળો છે જેમાં 13500 થી 14700 વર્ષ પહેલા વૈશ્વિક સમુદ્ર સપાટીમાં 25 મીટર સુધીનું અંતર આવ્યું હતું.

નોર્વેની બર્ગન યુનિવર્સિટીના સંશોધનકર્તા જો બ્રેનડ્રાઈનના જણાવ્યા અનુસાર પ્રાદેશિક તાપમાનમાં ઝડપી ફેરફારને કારણે યુરેશિયન બરફની ચાદર ઓગળવા માંડી, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, ગ્રીનલેન્ડની બરફની ચાદરને ખોદીને કાઢવામાં આવેલા તત્વો દર્શાવે છે કે અહીંનું તાપમાન થોડા દાયકામાં વધીને 14 ડિગ્રી થઈ ગયું છે. તેમણે કહ્યું કે, લાગે છે કે ગ્લોબલ વોર્મિગને કારણે બરફના ગ્લેશિયર ઓગળી રહ્યા છે. વિશ્વના કેટલાક ભાગો ધ્રુવો કરતા વધુ ઝડપથી ગરમ થઈ રહ્યા છે, જે એક જોખમી પ્રવૃતિ છે. સમયસર આને રોકવા માટે પગલાં ભરવા જોઈએ.

અધ્યયનમાં સૂચવવામાં આવ્યું છે કે જો ગ્લોબલ વોર્મિંગના સ્તરને ઘટાડવાનો પ્રયાસ ન કરવામાં આવ્યા તો ગ્રીનલેન્ડની બરફની ચાદરને કારણે સમુદ્રની સપાટી વધુ છ મીટર ઉંચી આવી શકે છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે આ બરફ હજુ પણ રેકોર્ડ સ્તરે ઓગળી રહ્યો છે. માત્ર વર્ષ 2019માં ગ્રીનલેન્ડએ 560 અબજ ટનથી વધુ તેનું દ્રવ્યમાન ગુમાવ્યું છે. ગ્રીનલેન્ડની સાથે સાથે એન્ટાર્કટિકા પણ 1990ની સરખામણીએ છ ગણી ઝડપથી ઓગળી રહ્યું છે.

અભ્યાસમાં સામે આવ્યું છે કે કેટલીક સદીઓથી સમગ્ર યુરેશિયન બરફની ચાદર ઓગળવાને કારણે દરિયાની સપાટી ચાર સેન્ટિમીટરથી વધુ ઉંચી આવી છે. સંશોધનકારોએ જણાવ્યું કે આ આંકડા ક્લાઇમેટોલોજિસ્ટ્સ તેમજ વિશ્વભરના લોકો માટે ચિંતાનું કારણ છે. તેથી જ આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે અસરકારક પગલાં ભરવા પડશે. જો કે, ઘણા સંશોધનકારોને ડર છે કે ભલે વોર્મિંગ ઘટી જશે તો પણ ગ્રીનલેન્ડ અને પશ્ચિમ એન્ટાર્કટિકામાં બરફની ચાદરો ઓગળવાની ચાલુ જ રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]