કોરોનાવિહોણા છતાં સિક્કીમની સરહદ ઓક્ટોબર સુધી સીલ

ગેંગટોકઃ ભારતના ઘણા ખરા ભાગોમાં કોરોનાના દર્દીઓ હશે પણ હજુ અમુક રાજ્યો એવા છે જ્યાં કોરોનાની એન્ટ્રી નથી થઈ. પૂર્વોત્તરના પાંચ રાજ્યોમાં સિક્કિમ, નાગાલેંડ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા સંપૂર્ણ રીતે કોરોના-મુક્ત છે. જ્યારે તેની સિવાય 3 અન્ય રાજ્ય આસામ, મેઘાલય અને મિઝોરમમાં કોરોના વાઈરસના ક્રમશઃ 8, 11 અને 1 કેસ નોંધાયા છે.

સિક્કીમ અને નાગાલેન્ડ આ બે રાજ્યોમાંથી હજુ એક પણ વ્યક્તિ કોરોના સંક્રમિત કેસ નથી મળી આવ્યો. આ બંને રાજ્યો કોરોના-મુક્ત હોવા છતાં પણ સિક્કીમની તમામ સરહદો ઓક્ટોબર સુધી સીલ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યની તમામ સરહદો ઓક્ટોબર 2020 સુધી બંધ કરી દેવામાં આવી છે.

રાજ્યસરકારે આ નિર્ણય 7 લાખ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાના હેતુથી લીધો છે. તો રાજ્યમાં રહેલા અન્ય રાજ્યોના પ્રવાસી મજૂરોની દેખભાળ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ મજૂરોને જીવનનિર્વાહ માટે નાણા પણ આપવામાં આવી રહ્યા છે અને લોકડાઉન પૂર્ણ થયા બાદ આ લોકોને રોજગાર પણ આપવામાં આવશે.

મહત્વનું છે કે, ચીનમાં અભ્યાસ કરી રહેલા સિક્કીમના વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં જ તેમના ઘરે પરત આવી ગયા હતા. આ વિદ્યાર્થીઓ જ્યારે પરત ફર્યા ત્યારે તેમને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારપછી તેમનું મેડિકલ ચેકઅપ કરીને ઘરે મોકલી દેવાયા હતા. ત્યારથી રાજ્યની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. આ કારણે જ રાજ્ય અત્યાર સુધી કોરોનામુક્ત રહી શક્યું છે.

સિક્કીમમાં 81 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઉપરાંત સિક્કીમના મુખ્યમંત્રી પીએસ ગોલે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે.