Home Blog Page 4827

કોરોનાવિહોણા છતાં સિક્કીમની સરહદ ઓક્ટોબર સુધી સીલ

ગેંગટોકઃ ભારતના ઘણા ખરા ભાગોમાં કોરોનાના દર્દીઓ હશે પણ હજુ અમુક રાજ્યો એવા છે જ્યાં કોરોનાની એન્ટ્રી નથી થઈ. પૂર્વોત્તરના પાંચ રાજ્યોમાં સિક્કિમ, નાગાલેંડ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા સંપૂર્ણ રીતે કોરોના-મુક્ત છે. જ્યારે તેની સિવાય 3 અન્ય રાજ્ય આસામ, મેઘાલય અને મિઝોરમમાં કોરોના વાઈરસના ક્રમશઃ 8, 11 અને 1 કેસ નોંધાયા છે.

સિક્કીમ અને નાગાલેન્ડ આ બે રાજ્યોમાંથી હજુ એક પણ વ્યક્તિ કોરોના સંક્રમિત કેસ નથી મળી આવ્યો. આ બંને રાજ્યો કોરોના-મુક્ત હોવા છતાં પણ સિક્કીમની તમામ સરહદો ઓક્ટોબર સુધી સીલ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યની તમામ સરહદો ઓક્ટોબર 2020 સુધી બંધ કરી દેવામાં આવી છે.

રાજ્યસરકારે આ નિર્ણય 7 લાખ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાના હેતુથી લીધો છે. તો રાજ્યમાં રહેલા અન્ય રાજ્યોના પ્રવાસી મજૂરોની દેખભાળ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ મજૂરોને જીવનનિર્વાહ માટે નાણા પણ આપવામાં આવી રહ્યા છે અને લોકડાઉન પૂર્ણ થયા બાદ આ લોકોને રોજગાર પણ આપવામાં આવશે.

મહત્વનું છે કે, ચીનમાં અભ્યાસ કરી રહેલા સિક્કીમના વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં જ તેમના ઘરે પરત આવી ગયા હતા. આ વિદ્યાર્થીઓ જ્યારે પરત ફર્યા ત્યારે તેમને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારપછી તેમનું મેડિકલ ચેકઅપ કરીને ઘરે મોકલી દેવાયા હતા. ત્યારથી રાજ્યની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. આ કારણે જ રાજ્ય અત્યાર સુધી કોરોનામુક્ત રહી શક્યું છે.

સિક્કીમમાં 81 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઉપરાંત સિક્કીમના મુખ્યમંત્રી પીએસ ગોલે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે.

કૃષિ બજારોમાં ડુંગળી, બટાટા, ટમેટાંની મબલખ આવક

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસને પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં કાર્યરત કૃષિ બજારોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. દેશમાં 2,587 મુખ્ય કૃષિ બજારોમાંથી 26 માર્ચે લોકડાઉનના પ્રારંભના દિવસોમાં 1,091 બજારો કાર્યરત હતાં, જે 21 એપ્રિલ, 2020 સુધી સંખ્યા વધીને 2,069 બજારોએ પહોંચી હતી. આમ લોકડાઉન દરમ્યાન કાર્યરત કૃષિ બજારોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે.  આ ઉપરાંત આ બજારો તાજી કૃષિ પેદાશોના પુરવઠાથી ઊભરાઈ રહ્યા છે.

ડુંગળી, બટાટા અને ટમેટાંનો અધધધ સપ્લાય

દેશનાં કૃષિ બજારો તાજી કૃષિ પેદાશોથી છલકાઈ રહ્યા છે. 16 માર્ચથી 21 એપ્રિલની વચ્ચે ડુંગળીના સપ્લાયમાં 622 ટકાનો વધારો થયો હતો, જ્યારે બટાટા અને ટમેટાંના સપ્લાયમાં અનુક્રમે 187 અને 210 ટકાનો વધારો થયો હતો.

દેશમાં લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયમાં સરકારે કોઈ રુકાવટ ના કરી હોવાને કારણે કૃષિ બજારોમનાં ડુંગળી, બટાટા અને ટમેટાંનો સપ્લાય જળવાઈ રહ્યો હતો. જોકે લોકડાઉનને લીધે છૂટકમાં કિંમતો થોડી ઊંચી રહી હતી, પણ પુરવઠો જળવાઈ રહેતાં માલખેંચ નહોતી પડી.

ભારતીય અર્થતંત્રને લોકડાઉન દરમ્યાન લગભગ તમામ મોરચે ફટકો પડ્યો છે અને કૃષિ એ ક્ષેત્રમાંનું એક ક્ષેત્ર છે. જોકે સીઝનમાં સારી લણણીની આગાહીએ પહેલેથી જ ખેડૂતો અને એકંદર અર્થતંત્રને થોડી રાહત આપી હતી. જોકે ચાલુ વર્ષના ચોમાસામાં 100 ટકા વરસાદની આગાહીએ એગ્રી સેક્ટરમાં પ્રાણનો સંચાર કર્યો હતો.

કોરોના સામેના યુદ્ધમોરચે SME, સ્ટાર્ટઅપ્સ મોખરે

લોકડાઉન વચ્ચે પણ ભંડોળ એકત્ર કરે છે અને ઝઝૂમે છે, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ અને સ્ટાર્ટઅપ્સ


અજય ઠાકુર (CEO – BSE SME – STARTUP Exchange)

દેશના અર્થતંત્રમાં સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (SMEs)ની ભૂમિકા પ્રભાવશાળી રહી છે, કારણ કે રાષ્ટ્રના ઔદ્યોગિક કામકાજમાં તેનો મોટો હિસ્સો રહ્યો છે. SMEs ક્ષેત્ર સતત વૃદ્ધિ કરી રહ્યું છે અને SMEsની વધી રહેલી સંખ્યા, ઉત્પાદન અને તેની સંખ્યામાં વધારો, રોજગાર વૃદ્ધિ, ટેક્નિકલ ઈનોવેશન અને વધી રહેલાં વેપાર સાહસોમાં આ હકીકતનું પ્રતિબિંબ પડે છે. આ ક્ષેત્ર રોજગારી સર્જન ઉપરાંત મલ્ટીનેશનલ કંપનીઓ અને વિરાટ કંપનીઓને પૂરક સેવાઓ અને ઉત્પાદનો પૂરાં પાડવાની કામગીરી કરે છે.

SMEs શહેરો, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે રોજગારી સર્જન કરે છે એટલે આ ક્ષેત્રનો વિકાસ દેશના અર્થતંત્રના વિકાસ માટે અતિ મહત્ત્વનો છે. એસએમઈ ક્ષેત્રનો વિકાસ થાય એ માટે તેને પર્યાપ્ત ભંડોળ ઉપલબ્ધ થઈ રહે એ જોવું જરૂરી છે.

માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSMEs) મોટે ભાગે કામકાજ, મૂડીખર્ચ અને કાર્યકારી મૂડી માટે બેન્ક ધિરાણ પર આધાર રાખે છે. ત્યારે અન્ય વૈકલ્પિક ધિરાણ સ્ત્રોતો જેવા કે નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ, ઈક્વિટી ફાઈનાન્સિંગ, વેન્ચર કેપિટલ, સીડ કેપિટલ વગેરે એસએમઈ ક્ષેત્રમાં લોકપ્રિય થઈ રહ્યા છે. બધા ઉદ્યોગોના એસએમઈમાં ઈક્વિટી ભંડોળની માંગ સતત વધી રહી છે.

ઉચ્ચ વિકાસની સંભાવના ધરાવતાં એસએમઈઝ અને સ્ટાર્ટ-અપ્સ માટે ઈક્વિટી મૂડી ભંડોળનો યોગ્ય સ્ત્રોત છે. ઈક્વિટી મૂડી પર વળતર કે તેની પુનઃ ચુકવણી પર સમયનું બંધન હોતું નથી એટલે જો કંપનીની પ્રગતિ વિલંબમાં પડે તો પણ તેના પરનો અંકુશ ગુમાવવાનો ડર રહેતો નથી. વળી જેઓ વધુ જોખમ લેવા તૈયાર હોય એવા રોકાણકારોને આ ક્ષેત્રમાં વળતર પણ સારું મળી રહે છે.

દેશમાં વેપાર ક્ષેત્રે સાહસવૃત્તિને ઉત્તેજન પૂરું પાડવા વધુને વધુ ઈક્વિટી ફંડ્સ ઉપલબ્ધ કરવાની જરૂર છે, જેથી એમએસએમઈઝ ઈનોવેશન, નવી ટેક્નોલોજી અને નવી બજારોમાં પ્રવેશ કરવા જેવી યોજનાઓને સાકાર કરી શકે.

આજે દેશની મૂડીબજાર વિરાટ બની છે અને તેના નિયમનનું શ્રેષ્ઠ માળખું અહીં છે. પરિણામે રોકાણકારો પાસે રોકાણના અનેક વિકલ્પ છે. રોકાણકારોનો વર્ગ પણ વિસ્તરી રહ્યો છે ત્યારે એસએમઈઝ અને સ્ટાર્ટ-અપ્સના સંવર્ધન માટે મૂડીબજારમાં અલગ પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે.

સેબીએ 18 મે, 2010ના રોજ વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડી એ પછી દેશમાં સૌપ્રથમ એસએમઈ એક્સચેન્જની સ્થાપના બીએસઈએ 13 માર્ચ, 2012ના રોજ કરી હતી. એસએમઈ વિકાસ અને વિસ્તરણ માટે ઈક્વિટી મૂડી એકત્ર કરી મૂલ્યસર્જન કરી શકે એ હેતુથી આ એસએમઈ એક્સચેન્જની સ્થાપના કરાયેલી છે.

આ નવા પ્લેટફોર્મ અંગેની જાગૃતિ માટે સેબી, એસએમઈ એસોસિયેશન્સ, ઈન્ડસ્ટ્રિયલ એસોસિયેશન્સ સીઆઈઆઈસ, ફિક્કી, એસોએમ, આઈસીએઆઈ, આઈસીએસઆઈ તેમ જ અન્ય ઘણી સંસ્થાઓ સાથે મળીને સંખ્યાબંધ પરિસંવાદો યોજવામાં આવ્યા. આનું પરિણામ એ આવ્યું છે કે ઘણાં એસએમઈ અત્યારે મોટી કંપનીઓમાં ફેરવાઈ ગઈ છે. વર્ષ 2012થી 2015નો સમયગાળો પ્રાઈમરી માર્કેટ માટે સારો નહોતો તેમ છતાં એ સમયે બીએસઈ સૌથી અધિક એસએમઈને ભંડોળ એકત્ર કરવામાં અને એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ પ્રાપ્ત કરવામાં સહાય કરી હતી.

છેલ્લા એક દસકામાં ભારતમાં સ્ટાર્ટ-અપ્સનો ઝડપી વિકાસ થયો છે અને અત્યારે રોકાણની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ ત્રીજો છે. ઈ-કોમર્સ, રોબોટિક્સ, શૈક્ષણિ અને ટેક્નોલોજી, બાયો-ટેક અને ફાઈનાન્સ ટેક્નોલોજી ક્ષેત્રે સંખ્યાબંધ સ્ટાર્ટ-અપ્સ ઉભરી આવ્યાં છે. આ બધાં માટે મોટો પડકાર ભંડોળ પ્રાપ્ત કરવાનો છે. આ સ્ટાર્ટ-અપ્સને વિકાસ-વૃદ્ધિ માટે કઈ રીતે ભંડોળ ઉપલબ્ધ કરવું એ નીતિ ઘડવૈયાઓ માટે પડકાર હતો. આથી બીએસઈએ ડિસેમ્બર, 2018માં સ્ટાર્ટ-અપ્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જેથી સ્ટાર્ટ-અપ્સ સરળ, કિંમતની દૃષ્ટિએ કિફાયતી રીતે ભંડોળ એકત્ર કરી શકે. અત્યાર સુધીમાં બીએસઈ સ્ટાર્ટ-અપ્સ પ્લેટફોર્મ પર પાંચ સ્ટાર્ટ-અપ્સ લિસ્ટેડ છે, જેમણે રૂ.16 કરોડની મૂડી એકત્ર કરી છે.

અત્યારે કોરોના વાયરસની મહામારીને પગલે વિશ્વ અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યું છે. લાખો લોકોનાં મોત થઈ રહ્યાં છે. આર્થિક બેહાલી માઝા મૂકી રહી છે. ઉત્પાદન અને માગમાં ઘટાડો થવાને પગલે શેરબજારો ઘટી રહ્યાં છે. આ કટોકટીની નકારાત્મક અસર એસએમઈઝને પણ થઈ રહી છે.

આ કટોકટીની અસર સામે એસએમઈઝને રક્ષવા સરકાર અને આરબીઆઈએ યોગ્ય અને પર્યાપ્ત પગલાં લીધા છે તે ઉપરાંત તેમને કેટલાક નિયમોના અનુપાલનમાં પણ ઘણી છૂટછાટો આપવામાં આવી છે.

કોવિદ-19ને કારણે વિશ્વ ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે એક્સચેન્જીસે એસએમઈઝ, સ્ટાર્ટ-અપ્સ અને માઈક્રો બિઝનેસને ભંડોળ એકત્ર કરવામાં અને એક્સચેન્જ પર લિસ્ટિંગ પ્રાપ્ત કરવામાં સહાય કરવી જોઈએ. એમ કરવાથી તેઓ તેમના વેપાર અને વિકાસમાં વૃદ્ધિ કરી શકશે. બજારની વર્તમાન હાલત જોઈને મોટી કંપનીઓએ પણ તેમના આઈપીઓ મોકૂફ રાખ્યા છે કે રદ કર્યા છે ત્યારે બીએસઈમાં ત્રણ એસએમઈ અને એક સ્ટાર્ટ-અપ લિસ્ટ થયાં છે, જેમણે અનુક્રમે રૂ.9.50 કરોડ અને રૂ.3.75 કરોડ એકત્ર કર્યા છે. આ બનાવ પ્રમોટરો અને રોકાણકારોએ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મમાં મૂકેલા વિશ્વાસને દર્શાવે છે. અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 322 કંપનીઓએ રૂ.3300 કરોડથી અધિક ભંડોળ એકત્ર કરી ચૂકી છે.

આ લોકડાઉનના કપરા સમયમાં પણ એસએમઈ અને સ્ટાર્ટ-અપ્સ ભંડોળ એકત્ર કરી બીએસઈમાં લિસ્ટ થઈ રહ્યાં છે. બીએસઈ રાષ્ટ્ર નિર્માણને પ્રતિબદ્ધ છે. એસએમઈ પ્લેટફોર્મ મારફત બીએસઈ એસએમઈઝ સ્ટાર્ટ-અપ્સ, ઈન્ટરમીડિયરીઝ અને વિવિધ સહભાગીઓ સહિતના હિતધારકો માટે ગતિશીલ માહોલ સર્જી રહ્યું છે.

આના પરિણામે દેશમાં રોજગાર સર્જન અને સંસાધનોનું યોગ્ય વિતરણ થશે. એસએમઈઝ અને સ્ટાર્ટ-અપ્સ કપરા કાળને પસાર કરી શકશે. એસએમઈઝ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનશે અને દેશના આર્થિક વિકાસ અને રોજગાર સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપશે.

ટેક્નોલોજી નિકાસ પ્રતિબંધ મામલે વધારે કડક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિગ્ટન: ટ્રમ્પ પ્રશાસને અમેરિકન ટેક્નોલોજીની નિકાસ પરના પ્રતિબંધના નિયમોને વધુ કડક બનાવી દીધા છે. ચીન, રશિયા અને વેનેઝુએલાની કંપનીઓ અમેરિકન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હથિયારો અને સૈન્ય વિમાનોનું નિર્માણ કરતી હોવાથી એમને રોકવા માટે અમેરિકાએ આ નિયમો કડક બનાવ્યા છે.

અમેરિકાના વાણિજ્ય સચિવ વિલ્બર રોસે કહ્યું કે, જે દેશો સૈન્ય મામલાઓ માટે અમેરિકન કંપનીઓ પાસેથી ખરીદેલા સામાનનો લાંબો ઈતિહાસ ધરાવે છે એવા દેશો સાથે વ્યાપાર કરવાના મુદ્દા પર વિચાર કરવો જરૂરી છે. અમે એ વાતને લઈને હંમેશા સર્તક રહીશું કે, અમેરિકન ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ ન થાય. અમારી ટેક્નોલોજી ખોટા લોકોના હાથમાં જાય એવું અમે ઈચ્છતા નથી.

કોરોનાના આંકડાંને તમે કેવી દૃષ્ટિથી જોશો?

જૂઠ, હળાહળ જૂઠ અને આંકડાં એવી અંગ્રેજી કહેવત છે. તેની પાછળનો ભાવ એવો છે કે હળાહળ જૂઠ કરતાંય અનોખી રીતે આંકડાંથી ખોટું જણાવી શકાય છે. આંકડાંને તમે કેવી રીતે મૂલવો છો અને કેવી રીતે તેના આધારે ગણતરી માંડો છો તેના આધારે સ્થિતિ બદલાયેલી લાગે છે. તથ્ય એનું એ હોય છે, પણ આંકડાને તેને અવનવી રીતે દર્શાવી શકે.  તેમાં ઘણી વાર દૃષ્ટિકોણનો પણ સવાલ હોય છે – પ્યાલો અડધો ભરેલો લાગે અથવા અડધો ખાલી લાગે તેના જેવી આ વાત છે.

કોરોનાનાં આંકડાંની તો ભરમાર છે. એક તો વિશ્વભરમાં ફેલાયો છે અને તેના વિશે વિજ્ઞાનીઓ અને સંશોધકો અનેક પ્રકારની થિયરીઓથી વિચારવા લાગ્યા છે. તેની નાનામાં નાની વિગતોના કોઠા બનાવીને આંકડાંના આધારે અનુમાનો પણ થાય છે. દાખલા તરીકે ભારતમાં 8 ડિસેમ્બરે કોરોનાના ચેપનું ચક્ર પૂરું થશે એવું તારણ એક અભ્યાસમાં કાઢવામાં આવ્યું છે. તે માત્ર ગાણીતિક અંદાજ છે એટલે તેને આધારે કંઈ આયોજન ના થાય. એમ તો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નહેરા પત્રકાર પરિષદમાં એવું બોલી ગયેલા કે દર ચાર દિવસે આંકડાં ડબલ થાય છે એટલે મેના અંતમાં શહેરમાં 8 લાખ કેસ થઈ શકે. બાદમાં તેમણે ભૂલ સુધારી લીધેલી કે સાત દિવસે ડબલ થાય છે અને 10 દિવસનું લક્ષ્ય છે તેથી ચેપને કાબૂમાં રખાશે. સુરતના મ્યુનિ. કમિ. બંછાનિધિએ પણ આવી જ ગણતરી આપેલી ત્યારે સુરતીઓ પણ ચોંકેલા.

આંકડાં ડબલ થવાની ગતિ

રોજ કેટલાને ચેપ લાગે અને કેટલા દિવસે આંકડાં ડબલ થાય છે તેને જોવાની દૃષ્ટિને કારણે જુદું જુદું ચિત્ર ઊભું થઈ શકે છે. પ્રથમ 5000 કેસ થતાં 69 દિવસ થયા, પછીના 7 દિવસમાં 10,000 ને પછીના પાંચ જ દિવસમાં 15,000 થઈ ગયા. આંકડાં બમણાં થવાની ગણતરીએ પ્રથમ ગતિ ધીમી હતી, પણ પછી વધી અને ફરી ઘટી. ચારેક દિવસે બમણાં થવાની ગતિ બાદમાં સાત દિવસે અને પછી 10 દિવસે થઈ હતી. હવે આંકડાં કેટલા દિવસે બમણાં થાય છે તેના પરથી આગામી સ્થિતિનો અંદાજ આવશે.
અહીં પણ સ્થિતિ રાજ્યો પ્રમાણે અલગ હોય છે. ગુજરાતમાં પ્રારંભમાં કેસ થોડા થયા પણ છેલ્લું અઠવાડિયું સ્થિતિ વકરી છે. માત્ર અમદાવાદમાં જ એક અઠવાડિયાથી 175 કરતાં વધુ કેસો રોજ વધે છે. દિલ્હી વધારે ગીચ અને મોટું શહેર છે, છતાં તેનાથી અમદાવાદ આગળ નીકળ્યું એટલે મહારાષ્ટ્ર પછી બીજા નંબરે આવી ગયું છે. પરંતુ તમે આંકડાંને એ રીતે પણ જોઈ શકો કે માત્ર અમદાવાદ અને સુરતમાં જ કેસ વધી રહ્યા છે, બીજે સ્થિતિ સ્થિર થઈ છે. આ બે શહેરોમાં પણ મર્યાદિત વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચેપ ફેલાયો છે, જ્યારે ઘણો વિસ્તાર બાકી રહ્યો છે. શહેરની કુલ વસતિ સામે આંકડો નાનોય લાગે અને માત્ર અમદાવાદમાં અઢી હજાર કેસ થવા આવ્યા તે ચિંતાજનક પણ લાગી શકે છે.

ટેસ્ટ ઓછા કે વધુ કે પ્રમાણસર

ઓછા કે વધુ સામે એક ત્રીજી સ્થિતિ પ્રમાણસરની પણ ગણી શકાય. ભારતમાં પ્રારંભથી જ કેટલા લોકોના ટેસ્ટ થવા જોઈએ, રોજ કેટલા થવા જોઈએ, કોના થવા જઈએ, રેન્ડમ કેટલા થવા જોઈએ, ક્લસ્ટરમાં કેટલા થવા જોઈએ, સરેરાશ કેટલા થવા જોઈએ અને કુલ કેટલા થવા જોઈએ તેનો વિવાદ ચાલતો રહ્યો છે. ટેસ્ટની બાબતમાં પણ કુલ કેટલા ટેસ્ટ થયા, દર દસ લાખની વસતિએ કેટલા થયા અને કઈ જગ્યાએ થયા તેના આધારે દૃષ્ટિકોણ બદલાઈ શકે છે. દર દસ લાખનું ધોરણ વિશ્વમાં ગણાય છે એટલે સરખામણી તે આંકડાં પ્રમાણે થાય. ભારત દર દસ લાખની વસતિએ સાડા ત્રણસો ટેસ્ટ જ કરે છે, જ્યારે ઇટાલી અને અમેરિકામાં 2000થી 3000 સુધીના આંકડાં આવતાં રહ્યા છે. (રોજ આંકડો થોડો બદલાતો હોય છે.) પરંતુ ઇટાલીની વસતિ ગુજરાત રાજ્ય જેટલી છે, જ્યારે આખા ભારતની વસતિ 140 કરોડની નજીક પહોંચવા આવી છે. તેથી દસ લાખનું ધોરણ જાળવીએ તો ભારતે મોટી સંખ્યામાં ટેસ્ટ કરવા પડે.

તમે ચેપ ક્યાં કેટલો ફેલાયો છે તેનો નકશો ધ્યાનથી જોશો તો અમુક વાસ્તવિકતા સમજાશે. પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી તથા નીચેની તરફ કેરળ સુધી રેડ કલર વધારે દેખાશે. મધ્ય પ્રદેશમાં પણ સંખ્યા વધારે છે, પણ તેનું ઇન્દોર શહેર પશ્ચિમ દિશામાં છે. પૂર્વ તરફ આગળ વધો તો મધ્ય પ્રદેશમાં પણ રંગ આછો થતો જાય છે. છત્તીસગઢમાં તો ઘણો આછો થઈ જાય છે. તેની આસપાસના પૂર્વ ભારતના બીજા રાજ્યો ઝારખંડ અને ઓડિશા પણ આછા રંગમાં છે. ગ્રામીણ, વનવિસ્તાર બધે ભાગ્યે જ કોઈ કેસ દેખાયો છે. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ડાંગના એક કે બે કેસને કાઢી નાખોતો ગુજરાતમાં પણ અડધો ડઝન જિલ્લા સાવ કોરા છે. તેથી આ જિલ્લામાં થોડા રેન્ડમ ટેસ્ટ થાય તો પણ ચાલે એમ કહી શકીએ.

તેની સામે કેરળમાં ઘણા પ્રમાણમાં ટેસ્ટિંગ થયું. દિલ્હીએ અને મહારાષ્ટ્રે પણ ટેસ્ટિંગ વધાર્યું છે. ગુજરાતમાં અમદાવાદમાં વધારે ટેસ્ટિંગ કરાયું, અને વધારે ટેસ્ટિંગ ચાલતું રહેશે તેવો દાવો કરાયો. પણ કેસ વધવા લાગ્યા ત્યારે રોજના 3,000થી વધુના બદલે અડધા પ્રમાણમાં ટેસ્ટિંગ થયું તેવા આંકડાં પણ આવ્યા. એટલે ગુજરાતમાં, અમદાવાદ અને સુરતમાં, કેટલાક રાજ્યોમાં અને સમગ્ર દેશમાં કુલ અને સરેરાશ ટેસ્ટિંગ કેટલા – કેટલા ઓછા, કેટલા વધારે અને કેટલા પ્રમાણસરના તેના વિવાદો કરી શકાય છે.

મોતનાં આંકડાં
બહુ પ્રારંભથી ગુજરાતમાં મોતનાં આંકડાં ટકાવારીમાં બહુ ઊંચા રહ્યા છે. પરંતુ કુલ આંકડાં જુઓ તો નાના પણ લાગે. પ્રારંભના અઠવાડિયે મહારાષ્ટ્રમાં 16ના મોત થયા હતા અને ગુજરાતમાં 13. બંને આંકડાં નાના લાગશે, પણ ટકાવારીમાં જુઓ તો ગુજરાતમાં મરણાંક ઊંચો આવે, કેમ કે ગુજરાતમાં 100 જેટલા કેસ થયા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં 500થી વધુ કેસ થઈ ગયા હતા.

કેરળમાં મરણનો આંકડો બહુ જ ઓછો રહ્યો છે, જ્યારે ગુજરાતમાં મરણનો આંકડો અને ટકાવારીમાં મૃત્યુનો દર હજીય ઊંચો છે. ગુજરાતમાં આ વિશે વારંવાર પ્રશ્ન પણ પૂછાયો હતો, ત્યારે આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ વિશ્લેષણ આપેલું કે 60 વર્ષથી મોટી ઉંમરના લોકો અને અન્ય કોઈ ને કોઈ બીમારી ધરાવનારા દર્દીઓનાં જ મોત વધુ થયા છે. કેટલાક યુવા અને પ્રૌઢ વયના દર્દીઓનાં પણ મોત થયા છે, પણ તેમાંય જુદા જુદા પરિબળો કારણભૂત ગણાવાયા હતા. નાની ઉંમરે પણ વ્યક્તિને કોમ્પ્લિકેશન્સ હોઈ શકે છે અને બીજું કે કેટલાક લોકોએ લક્ષણો દેખાયા પછીય તેને દબાવી રાખ્યા અને સારવાર લેવામાં મોડું કરેલું તેવુંય બનેલું.

ટૂંકમાં કુલ મોત અને મોતની ટકાવારી બંનેને અલગથી જોવી પડે. અમેરિકા અને યુરોપમાં મોત થયાં છે તેટલા ભારતમાં નથી થયા અને ભારતની જેમ જ એશિયાના દેશોમાં પણ બહુ ઓછા મોત થયા છે. એટલે તમે પશ્ચિમ તરફ સરખામણી કરો કે પૂર્વ તરફ સરખામણી કરો તે પ્રમાણે સ્થિતિ બદલાઈ જાય.


ચેપનો ફેલાવો

ચેપનો ફેલાવો ક્યાં થયો તે જાણવા માટે ફરીથી ઓછા ચેપ હોય તે જિલ્લાનો આછો રંગ, બહુ ચેપ હોય તે જિલ્લાનો ઘાટો લાલ રંગ જુઓ. એક ભેદ સ્પષ્ટ જણાઈ આવે છે કે શહેરી, સમૃદ્ધ, ઔદ્યોગિક, પ્રદૂષિત, ગીચ અને મેટ્રો સિટીઝમાં કોરોનાનો કેર વધારે ફેલાયો છે. ગ્રામણી, પછાત, વગડાઉ, નાનાં નાનાં ગામડાંમાં ભાગ્યે જ કોરોના પહોંચ્યો છે.

બીજી બાજુ દરેક શહેરોના આંકડાં ઝીણવટપૂર્વક જુઓ તો સ્થિતિ ફરીથી પેલી જ આવીને પહોંચે છે કે કોઈ પણ આફતમાં મરો ગરીબો અને વંચિતોનો જ થાય છે. અમદાવાદ અને સુરતના વધુ ગીચ, કામદાર વર્ગ વધારે ધરાવતા વિસ્તારોમાં ચેપ ઝડપથી ફેલાયો છે. સમૃદ્ધ અને બંગલા સાથેની ખુલ્લી જગ્યાની સોસાયટીઓમાં માપસર જ ચેપ ફેલાયો છે. એટલે સમગ્ર નકશો જોઈને થાય કે ઉત્તમ આરોગ્ય સુવિધાઓ ધરાવતા સુખી શહેરોમાં જ ચેપ છે, જ્યારે અવગડો વચ્ચે પણ કુદરતાના ખોળે રહેતા દુખી ગરીબો અને આદિવાસીઓને કોઈ ચેપ લાગ્યો નથી.

શહેર દુખી કરું, પણ શહેરના સુખી લોકો નહિ, ગામડું સુખી ખરું, પણ ગરીબો, મજૂરો, કામદારો એવા ને એવા દુખી. કોરોના વચ્ચે તમે ઘરે બેસીને આરામ કરો એ પણ અવસર છે, અને સંયોગે ચેપ લાગી ગયો તો હેરાન થવાનો અવસાદ પણ છે. કોરોના સંકટને જોવાની દૃષ્ટિ જીવનને જોવાના અભિગમ જેવી જ છે. કુદરતી આપત્તિ કે કોઈ પણ આપત્તિમાં મોટા ભાગે એવું બનતું હોય છે કે માણસની અસલી વૃત્તિ પ્રબળ થઈને પ્રગટ થતી હોય છે – સદવૃત્તિ પણ પ્રબળ બને અને કેટલાકની બદવૃત્તિ પણ પ્રબળ બને. મૂળભૂત રીતે જીવનને કે સંકટને કે આંકડાંને જોવાની રીતની બધી રામાયણ છે, બાકી તો સ્થિતિ જેવી છે, તેવી જ છે.

બુલંદશહરમાં બે સાધુની કરપીણ હત્યા; CM યોગી આદિત્યનાથ નારાજ

બુલંદશહર (ઉત્તર પ્રદેશ): મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુઓની હત્યા થયા પછી ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં બે સાધુનાં મૃતદેહ એક મંદિરના પ્રાંગણમાં મળી આવ્યા હતા. બંને સાધુઓની હત્યા કોઈ ધારદાર હથિયારથી ગળું ચીરીને કરપીણ રીતે કરવામાં આવી હતી. સાધુઓની હત્યાના સમાચાર મળતાં પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.આ ઘટના બુલંદશહરના અનુપ થાણા ક્ષેત્રના પરોના ગામની છે. પરોના ગામના શિવ મંદિરમાં છેલ્લા આશરે 10 વર્ષોથી સાધુ જગનદાસ (55) અને સેવાદાસ (35) રહેતા હતા. સોમવારે મોડી રાત્રે મંદિર પ્રાંગણમાં બંને સાધુઓની ધારદાર હથિયારથી કરપીણ હત્યા કરવામાં આવી હતી. સવારે જ્યારે ગ્રામીણ લોકો મંદિરમાં પહોંચ્યા તો તેમને સાધુઓના લોહીથી લથબથ મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા. આ સમાચાર ગામમાં ફેલાતાં ગ્રામવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ મંદિરે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

હત્યા પાછળનું કારણ જાણવા નથી મળ્યું

આ હત્યાના સમાચાર મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એસએસપી સંતોષકુમારે કહ્યું હતું કે બંને સાધુઓની હત્યાના સંબંધમાં ગામના એક યુવકને અટકમાં લેવામાં આવ્યો છે. સોમવારે આ યુવક અને સાધુઓ વચ્ચે કોઈક વાતે વિવાદ થયો હતો. આ યુવક ગુનાખોરી વૃત્તિવાળો અને નશાખોર છે. હાલ એ કંઈ પણ જણાવવાની સ્થિતિમાં નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે અને અટકમાં લેવાયેલા યુવકની પૂછપરછ કરવામાં આવે એ પછી આ કેસમાં જાણકારી મળવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ હત્યાઓ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાની સિનિયર અધિકારીઓને સૂચના આપી છે.

WHOનું બીજું ઊંબાડિયું; લદ્દાખને ચીનનો હિસ્સો બતાવ્યો

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કોરોના વાઇરસને સમયસર રોગચાળો જાહેર કરવામાં તો સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે, પણ એ સાથે હવે એણે એવી હરકત કરી છે, જે ભારતને સખત નારાજ કરનારી છે. WHOના નકશામાં હવે લદ્દાખને ચીનનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. WHO પર પહેલેથી જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભડકેલા છે અને અમેરિકા દ્વારા સંસ્થાને કરાતા ફંડિંગને અટકાવ્યું છે. ચીનની તરફેણમાં પક્ષપાત કરવાના આરોપ પણ WHO પર લાગી રહ્યા છે. હવે WHOના નવા ઊંબાડિયાથી ભારત દ્વારા એનો વિરોધ કરવામાં આવશે.

WHOની વેબસાઇટ પર નકશો

WHOની વેબસાઇટ પર જે નકશો દેખાડવામાં આવ્યો છે, એમા સરહદોને ખોટી રીતે દર્શાવવામાં આવી છે. લદ્દાખનો કેટલોક હિસ્સો જેના પર ચીનનો કબજો છે, એટલે કે અકસાઈ ચિન- WHOએ એને ચીની સરહદ હેઠળ જાહેર કર્યો હતો. લદ્દાખને એક અલગ રંગથી દર્શાવવામાં આવ્યો છે. WHOએ લદ્દાખ જ નહીં બલકે જમ્મુ-કાશ્મીરને પણ અલગ રંગથી દર્શાવ્યો છે. જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગને POKમાં દર્શાવવામાં આવ્યો છે.

એટલું જ નહીં, આ નક્શામાં એને વિવાદિત હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશન્સ (UN)ના કેટલાય નક્શામાં પણ જમ્મુ-કાશ્મીરને વિવાદિત હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યો છે, પણ આ કદાચ પહેલી વાર છે કે લદ્દાખને કોઈ વિવાદિત સરહદ તરીકે દર્શાવવામાં આવ્યો છે.

નવો નકશો આપત્તિજનક

ચીનમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત ગૌતમ બંબાવાલેએ કહ્યું છે કે WHOએ ભારતનો જે નકશો દર્શાવ્યો છે, એમાં જમ્મુ-કાશ્મીરને ભારતના હિસ્સા તરીકે નથી દર્શાવાયો અને એ UNના માપદંડોથી વિપરીત છે. તેમનું કહેવું છે કે WHOનો નકશો ઘણો હેરાન-પરેશાન કરનારો, એકદમ ખોટ્ટો અને આશ્ચર્યજનક છે. પાકિસ્તાને વર્ષ 1960માં POKનો કેટલોક હિસ્સો ચીનને વેચી દીધો હતો. ચીને લદ્દાખના આશરે 37,000 સ્કવેર ફૂટ હિસ્સા પર કબજો કરીને રાખ્યો છે. લદ્દાખની સરહદ ચીનના શિનજિયાંગ પ્રાંતથી અડીને છે. આ મહિનાના પ્રારંભે ચીને અરુણાચલ પ્રદેશને પોતાની સરહદમાં દર્શાવ્યો હતો.  

1950થી ચીનનો કબજો

ગયા વર્ષના ઓગસ્ટમાં ભારતે જમ્મુ-કાશ્મીર રાજ્યને તેને નડતી બંધારણની 370મી કલમ દૂર કરીને અને રાજ્યનો દરજ્જો રદ કરી એને જમ્મુ-કાશ્મીર, લદ્દાખ એમ બે જુદા જુદા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધું હતું. ચીનને ત્યારથી ભારતના નિર્ણયથી મરચાં લાગ્યાં છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે POK અને અકસાઈ ચિન ભારતનો જ હિસ્સો છે. શાહે સંસદમાં કહ્યું હતું કે જ્યારે પણ હું જમ્મુ-કાશ્મીરની વાત કરું છું ત્યારે POK અને અકસાઈ ચિન પણ એની અંદર આવી જાય છે. અકસાઈ ચીન જમ્મુ-કાશ્મીરનો 15 ટકા હિસ્સો છે.

ચરખા, ખાદીના માસ્કનું વિતરણઃ ગામડાંને બનાવાશે આત્મનિર્ભર

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ગાંધીનોમિક્સ, એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અર્થવ્યવસ્થાને લગતા અપનાવેલા નિયમોના આધાર પર ગામડાંઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ કરી રહી છે. આ કામ માટે MSME (માઈક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગો)ના મંત્રાલય હેઠળ કાર્યરત ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)એ યોજના બનાવી છે. યોજના હેઠળ હાલમાં પાયલટ પ્રોજેક્ટમાં 100 ગામડાંઓને 200 ચરખા અને 50 લૂમ આપવામાં આવશે. જેમાં ઓછામાં ઓછા 350 જણ માટે રોજગારી મળશે.

ખાદી ગ્રામોદ્યોગે મોટા પ્રમાણમાં રંગીન ફેશનેબલ માસ્ક બનાવવાના શરુ પણ કરી દીધા છે. આ માસ્ક બનાવવાનું કામ ગ્રામીણ મહિલાઓને આપવામાં આવી રહ્યું છે. મહાત્મા ગાંધી પ્રેરિત અર્થવ્યવસ્થામાં ગામડાંઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલું દેશવ્યાપી લોકડાઉન હટાવી લેવાય તે પછીના માહોલમાં દરેક ગામ, દરેક જિલ્લાને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

કેવીઆઈસીના ચેરમેન વી.કે. સક્સેનાના જણાવ્યા અનુસાર ગામડાંઓમાં ચરખા અને લૂમ લેનારા ગ્રામીણ વિસ્તારોને તાત્કાલિક ધોરણે તેની કિંમત નહીં ચૂકવવી પડે. એક ચરખો 16,000 રૂપિયાનો અને લૂમ 35,000 રૂપિયાની છે. ચરખા અને લૂમમાંથી થતી આવકમાંથી આ રકમ હપ્તે હપ્તે ભરી શકાશે.

હવે માસ્કની દરરોજને માટે માંગ રહે તેવી શક્યતા છે. જેને જોતા ખાદી ગ્રામોદ્યોગ આયોગ કલરવાળા અને ફેશનેબલ માસ્ક બનાવી રહ્યું છે. આ પ્રકારના માસ્કનું માર્કેટમાં 16 રૂપિયા લેખે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ગ્રામીણ મહિલાઓને એક માસ્ક દીઠ 3 રૂપિયા મળે છે. 16 રૂપિયામાં માસ્કની ફ્રી ડિલીવરી કરવામાં આવી રહી છે જેથી વધુમાં વધુ લોકો ખાદીના માસ્ક ખરીદવા માટે પ્રેરિત થાય. એક મીટર કપડામાં 10 માસ્ક તૈયાર થઈ રહ્યા છે. ખાદી ગ્રામોદ્યોગને જમ્મુ કશ્મીરમાંથી 7.5 લાખ માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આ ઉપરાંત અનેક રાજ્યો પાસેથી આ પ્રકારના ઓર્ડર પાઈપલાઈનમાં છે. ખાદી ગ્રામોદ્યોગ એક દિવસમાં 20 હજાર માસ્ક બનાવવાની ક્ષમતા ધરાવે છે. લોકડાઉન પછી ખાદીના સ્ટોર પરથી રંગીન માસ્કની ખરીદી પણ કરી શકાશે.

અભિનેતા ઈરફાન ખાનની તબિયત બગડી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ઈરફાન ખાનને અહીં અંધેરી (વેસ્ટ)ની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈરફાન ખાન કેન્સરથી પીડિત છે અને એમને મોટા આંતરડામાં ઈન્ફેક્શન થયું છે.

ઈરફાન ખાનને અંબાણી હોસ્પિટલમાં આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે.

ઈરફાન ખાન લંડનમાં કેન્સરની બીમારીની સારવાર કરાવીને હજી થોડા વખત પહેલા જ એમની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું શૂટિંગ કરવા મુંબઈ આવ્યા હતા.

અમુક દિવસો પહેલાં જ ઈરફાનના માતા સઈદા બેગમનું જયપુરમાં નિધન થયું હતું. પરંતુ, કોરોના વાઈરસના લોકડાઉનને કારણે ઈરફાન માતાના અંતિમ સંસ્કાર માટે જયપુર જઈ શક્યા નહોતા. માતાની અંતિમ યાત્રાને એમણે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોઈ હતી. માતાના નિધન પછી તરત જ ઈરફાનની તબિયત બગડી છે અને એમને અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કેન્સરનું નિદાન થયું ત્યારથી ઈરફાન એમના રૂટિન ચેકઅપ માટે અંબાણી હોસ્પિટલમાં જતા હોય છે.

માત્ર કોરોના નહીં, ચામાચીડિયા સર્જિત 500 ઘાતક વાઈરસો શોધાયા છે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની ઉત્પત્તિ માટે કારણરૂપ ગણાયેલા ચામાચીડિયા પર કેટલાય દેશો સંશોધન ચાલી રહ્યા છે. ચીનમાં આવું સંશોધન જાન્યુઆરીમાં સામે આવ્યું હતું. એ વખતે વુહાન સહિત દેશમાં કોરોના વાઇરસના હજ્જારો મામલા થઈ ચૂક્યા હતા.આ શોધ યુનાન પ્રાંતમાં મોજૂદ ચૂનાના પથ્થરોની ગુફાઓમાં કરવામાં આવી હતી. આ સંશોધનને NGOએ ઇકો-હેલ્થ એલાયન્સે કર્યું હતું. આ સંશોધન દરમ્યાન વિજ્ઞાનીઓએ અહીંથી ચામાચીડિયાના જાળાં, થૂંક અને લોહી સહિત કેટલાય પ્રકારના નમૂના એકત્ર કર્યા હતા. ઇકો-હેલ્થ એલાયન્સ નવાં ઘાતક વાઇરસોની ઓળખ કરીને બચાવ કરવામાં મદદ કરે છે.

અત્યાર સુધી 500 ઘાતક વાઇરસ શોધાયા

ઇકો હેલ્થ એલાયન્સના અધ્યક્ષ અને વૈજ્ઞાનિક પીટર દાસજાક આ પહેલાં પણ આ પ્રકારનું સંશોધન કરી ચૂક્યા છે. અત્યાર સુધી વિશ્વભરમાં ચામાચીડિયાથી સર્જિત આશરે 500 ઘાતક વાઇરસ શોધાઈ ચૂક્યા છે. વર્ષ 2003 અને વર્ષ 2004માં પણ આ પ્રકારના ઘાતક વાઇરસનું સંશોધન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી શોધાયેલા ઘાતક વાઇરસ અને વિશ્વની સમસ્યા બનેલા નોવેલ કોરોના વાઇરસનો આમાંથી 96 ટકા વાઇરસ સાથે સામ્યતા ધરાવે છે. પીટર જણાવે છે કે છેલ્લાં 10 વર્ષોમાં 20થી વધુ દેશોમાં મેં ખતરનાક વાઇરસ શોધી કાઢ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ચામાચીડિયા સૌથી મોટી ગુફા

આ વૈજ્ઞાનિકોની શોધનું માધ્યમ માત્ર ચામાચીડિયા જ નહીં, પણ અન્ય પ્રાણીઓ પણ હોય છે. અત્યાર સુધી થયેલા સંશોધનમાં એ વાત બહુ નક્કર રીતે સામે આવી છે કે આ વાઇરસ પહેલાં ચીન અને પછી દુનિયા આખીમાં ફેલાયો. ઓસ્ટ્રેલિયામાં ચામાચીડિયાની સૌથી મોટી ગુફા છે અને એની પર સંશોધન કરવા માટે મોટી સુવિધા પણ છે.

ચામાચીડિયાના મળમાંથી વાઇરસની પુષ્ટિ

ચીનના વૈજ્ઞાનિક અને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીના પ્રમુખ વૈજ્ઞાનિક શી જેંગલીએ ચામાચીડિયાથી થતા વાઇરસ વિશે ઘણો લાંબો સમય સુધી સંશોધન કર્યું. તેમણે સંશોધન પેપરમાં લખ્યું હતું કે તેમણે ચામાચીડિયાનો મળ એકત્રિત કર્યો હતો, જેમાં નોવેલ કોરોના વાઇરસની પુષ્ટિ થઈ હતી. તેમણે આ સંશોધન વર્ષ 2013માં કર્યું હતું. નવેમ્બર-ડિસેમ્બર દરમ્યાન આ બીમારી ચીનમાં ફેલાઈ રહી હતી ત્યારે આ વાઇરસ પહેલેથી જ મોજૂદ વાઇરસ સાથે સામ્યતા સરખાવવામાં આવી હતી.એ વખતે આ બંને વાઇરસમાં 96 ટકા સામ્યતા હતી.

ચામાચીડિયામાં મોટી સંખ્યામાં ઘાતક વાઇરસ

વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના વાઇરસ ફેલાવવા માટે માત્ર ચામાચીડિયા જ જવાબદાર નહીં હોય, પણ અન્ય પ્રાણીઓ એના સંપર્કમાં આવ્યા હશે, એ જ એના ફેલાવા માટે જવાબદાર હશે. આમાં બિલાડી, ઊટ, પૈંગોલિન અને અન્ય સ્તનધારી પ્રાણી પણ હોવાની શક્યતા છે અને ફરી એક પછી એક આના સંક્રમણથી વાઇરસ ફેલાતો ગયો હશે.ચામાચીડિયામાં મોટી સંખ્યામાં ઘાતક વાઇરસ હોય છે, જે ઇબોલા, સાર્સ અને કોવિડ-19 જેવા રોગચાળાનાં કારણ બને છે.

હજ્જારો પ્રકારના કોરોના વાઇરસ

2009માં અમેરિકાની સહાય દ્વારા ઇકોહેલ્થ એલાયન્સ, ધ સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન, ધ વાઇલ્ડ લાઇફ કોન્ઝર્વેશન સોસાયટી અને કેલિફોર્નિયાની કંપની સાથે એકક મહામારી ટ્રેકર બનાવવામાં આવી. જેનો ઉદ્દેશ નવી બીમારીઓની ઓળખ કરવા3નો હતો. દાસજાકે કહ્યું હતું કે અમે સાર્સની ઉપત્તિ માટે સંશોધન કર્યું, પણ અમને માલૂમ પડ્યું કે હજ્જારો પ્રકારના કોરોના વાઇરસ છે એટલે અમે સંશોધન કરવા માટે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.