WHOનું બીજું ઊંબાડિયું; લદ્દાખને ચીનનો હિસ્સો બતાવ્યો

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કોરોના વાઇરસને સમયસર રોગચાળો જાહેર કરવામાં તો સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે, પણ એ સાથે હવે એણે એવી હરકત કરી છે, જે ભારતને સખત નારાજ કરનારી છે. WHOના નકશામાં હવે લદ્દાખને ચીનનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. WHO પર પહેલેથી જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભડકેલા છે અને અમેરિકા દ્વારા સંસ્થાને કરાતા ફંડિંગને અટકાવ્યું છે. ચીનની તરફેણમાં પક્ષપાત કરવાના આરોપ પણ WHO પર લાગી રહ્યા છે. હવે WHOના નવા ઊંબાડિયાથી ભારત દ્વારા એનો વિરોધ કરવામાં આવશે.

WHOની વેબસાઇટ પર નકશો

WHOની વેબસાઇટ પર જે નકશો દેખાડવામાં આવ્યો છે, એમા સરહદોને ખોટી રીતે દર્શાવવામાં આવી છે. લદ્દાખનો કેટલોક હિસ્સો જેના પર ચીનનો કબજો છે, એટલે કે અકસાઈ ચિન- WHOએ એને ચીની સરહદ હેઠળ જાહેર કર્યો હતો. લદ્દાખને એક અલગ રંગથી દર્શાવવામાં આવ્યો છે. WHOએ લદ્દાખ જ નહીં બલકે જમ્મુ-કાશ્મીરને પણ અલગ રંગથી દર્શાવ્યો છે. જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગને POKમાં દર્શાવવામાં આવ્યો છે.

એટલું જ નહીં, આ નક્શામાં એને વિવાદિત હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશન્સ (UN)ના કેટલાય નક્શામાં પણ જમ્મુ-કાશ્મીરને વિવાદિત હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યો છે, પણ આ કદાચ પહેલી વાર છે કે લદ્દાખને કોઈ વિવાદિત સરહદ તરીકે દર્શાવવામાં આવ્યો છે.

નવો નકશો આપત્તિજનક

ચીનમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત ગૌતમ બંબાવાલેએ કહ્યું છે કે WHOએ ભારતનો જે નકશો દર્શાવ્યો છે, એમાં જમ્મુ-કાશ્મીરને ભારતના હિસ્સા તરીકે નથી દર્શાવાયો અને એ UNના માપદંડોથી વિપરીત છે. તેમનું કહેવું છે કે WHOનો નકશો ઘણો હેરાન-પરેશાન કરનારો, એકદમ ખોટ્ટો અને આશ્ચર્યજનક છે. પાકિસ્તાને વર્ષ 1960માં POKનો કેટલોક હિસ્સો ચીનને વેચી દીધો હતો. ચીને લદ્દાખના આશરે 37,000 સ્કવેર ફૂટ હિસ્સા પર કબજો કરીને રાખ્યો છે. લદ્દાખની સરહદ ચીનના શિનજિયાંગ પ્રાંતથી અડીને છે. આ મહિનાના પ્રારંભે ચીને અરુણાચલ પ્રદેશને પોતાની સરહદમાં દર્શાવ્યો હતો.  

1950થી ચીનનો કબજો

ગયા વર્ષના ઓગસ્ટમાં ભારતે જમ્મુ-કાશ્મીર રાજ્યને તેને નડતી બંધારણની 370મી કલમ દૂર કરીને અને રાજ્યનો દરજ્જો રદ કરી એને જમ્મુ-કાશ્મીર, લદ્દાખ એમ બે જુદા જુદા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધું હતું. ચીનને ત્યારથી ભારતના નિર્ણયથી મરચાં લાગ્યાં છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે POK અને અકસાઈ ચિન ભારતનો જ હિસ્સો છે. શાહે સંસદમાં કહ્યું હતું કે જ્યારે પણ હું જમ્મુ-કાશ્મીરની વાત કરું છું ત્યારે POK અને અકસાઈ ચિન પણ એની અંદર આવી જાય છે. અકસાઈ ચીન જમ્મુ-કાશ્મીરનો 15 ટકા હિસ્સો છે.