બુલંદશહરમાં બે સાધુની કરપીણ હત્યા; CM યોગી આદિત્યનાથ નારાજ

બુલંદશહર (ઉત્તર પ્રદેશ): મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુઓની હત્યા થયા પછી ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં બે સાધુનાં મૃતદેહ એક મંદિરના પ્રાંગણમાં મળી આવ્યા હતા. બંને સાધુઓની હત્યા કોઈ ધારદાર હથિયારથી ગળું ચીરીને કરપીણ રીતે કરવામાં આવી હતી. સાધુઓની હત્યાના સમાચાર મળતાં પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.આ ઘટના બુલંદશહરના અનુપ થાણા ક્ષેત્રના પરોના ગામની છે. પરોના ગામના શિવ મંદિરમાં છેલ્લા આશરે 10 વર્ષોથી સાધુ જગનદાસ (55) અને સેવાદાસ (35) રહેતા હતા. સોમવારે મોડી રાત્રે મંદિર પ્રાંગણમાં બંને સાધુઓની ધારદાર હથિયારથી કરપીણ હત્યા કરવામાં આવી હતી. સવારે જ્યારે ગ્રામીણ લોકો મંદિરમાં પહોંચ્યા તો તેમને સાધુઓના લોહીથી લથબથ મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા. આ સમાચાર ગામમાં ફેલાતાં ગ્રામવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ મંદિરે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

હત્યા પાછળનું કારણ જાણવા નથી મળ્યું

આ હત્યાના સમાચાર મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એસએસપી સંતોષકુમારે કહ્યું હતું કે બંને સાધુઓની હત્યાના સંબંધમાં ગામના એક યુવકને અટકમાં લેવામાં આવ્યો છે. સોમવારે આ યુવક અને સાધુઓ વચ્ચે કોઈક વાતે વિવાદ થયો હતો. આ યુવક ગુનાખોરી વૃત્તિવાળો અને નશાખોર છે. હાલ એ કંઈ પણ જણાવવાની સ્થિતિમાં નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે અને અટકમાં લેવાયેલા યુવકની પૂછપરછ કરવામાં આવે એ પછી આ કેસમાં જાણકારી મળવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ હત્યાઓ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાની સિનિયર અધિકારીઓને સૂચના આપી છે.