Home Blog Page 4828

આદિ શંકરાચાર્યની અદ્દભુત ભારતયાત્રાઃ એ પર્વતારોહકોનાં પ્રેરણાસ્રોત હતા

નવી દિલ્હી: હિંદુ કેલેન્ડર પ્રમાણે 788 ઈ.સ માં વૈશાખ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ આદિ શંકરાચાર્યનો જન્મ થયો હતો. આ વખતે આ તિથિ મંગળવાર, 28 એપ્રિલ એટલે કે આજે છે. આ દિવસે શંકરાચાર્ય જયંતી ઉજવવામાં આવે છે. આદિ ગુરુ શંકરાચાર્યે નાની ઉંમરમાં જ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. ત્યાર બાદ 820 ઈ.સ માં તેમણે હિમાલયમાં સમાધિ લઇ લીધી હતી.

સનાતન ધર્મમાં નવપ્રાણ ફૂંકીને આદિ શંકરાચાર્યએ જે મહાન યોગદાન આપ્યું છે, તે ભારતીય ચેતનાની મહાધારાને પ્રવાહપૂર્ણ બનાવી રાખે છે. માત્ર 32 વર્ષની નાની વયે શંકરાચાર્યએ તેમના જીવનમાં જે પુરુષાર્થ કર્યો તે સમગ્ર સંસ્કૃતિનો વાહક બની ગયો.

આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં, દક્ષિણ ભારતના નમ્બૂદરી બ્રાહ્મણ કુળમાં થયો હતો. આજે આ કુળના બ્રાહ્મણ બદ્રીનાથ મંદિરના રાવલ હોય છે. જ્યોતિર્મઠના શંકરાચાર્યની ગાદી ઉપર નમ્બૂદરી બ્રાહ્મણ જ બેસે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવની કૃપાથી આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ થયો. જ્યારે તેઓ ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. ત્યાર પછી ગુરુના આશ્રમમાં તેમણે 8 વર્ષની ઉંમરમાં વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ પછી એમણે ભારત-યાત્રા શરૂ કરી અને દેશના 4 ભાગમાં 4 પીઠની સ્થાપના કરી. તેમણે 3 વાર આખા ભારતની યાત્રા કરી હોવાનું માનવામાં આવે છે.

માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં વૈદિક જ્ઞાનમાં પારંગત થઈ ચૂકેલા શંકરાચાર્યએ સંન્યાસીનો રસ્તો અપનાવ્યો હતો અને 32 વર્ષની ઉંમરમાં સમાધિસ્થ થવા સુધીમાં તેમણે ભારત વર્ષનો ખૂણે ખૂણો ફરી લીધો હતો. તેઓ જ્યાં જયાં ગયા હતા ત્યાં ત્યાં સનાતન ધર્મ-સંસ્કૃતિની સામે આવી રહેલા પડકારોને દૂર કરતા આગળ વધ્યા હતા.

આદિ શંકરાચાર્યને અદ્વૈતના પ્રવર્તક માનવામાં આવે છે. તેમનું કહેવું હતું કે, આત્મા અને પરમાત્મા એક જ છે પણ આપણામાં રહેલી અજ્ઞાનતાને કારણે જ બંને અલગ દેખાય છે. જે પ્રકારે બ્રહ્માના ચાર મુખ છે અને તેમના દરેક મુખમાંથી એક વેદની ઉત્પત્તિ થાય છે. પૂર્વના મુખથી ઋગ્વેદ, દક્ષિણથી યર્જુર્વેદ, પશ્ચિમથી સામવેદ અને ઉત્તરથી અથર્વવેદની ઉત્ત્પત્તિ થઇ છે. આ આધારે શંકરાચાર્યે 4 વેદો અને તેમાંથી ઉત્પન્ન થતાં અન્ય શાસ્ત્રોને સુરક્ષિત રાખવા માટે 4 મઠ એટલે પીઠની સ્થાપના કરી.

આ ચાર પીઠ એક-એક વેદ સાથે જોડાયેલાં છે. ઋગ્વેદથી ગોવર્ધન પુરી મઠ એટલે જગન્નાથ પુરી, યજુર્વેદથી શ્રુંગેરી જે રામેશ્વરના નામથી ઓળખાય છે. સામવેદથી શારદા મઠ, જે દ્વારકામાં છે અને અથર્વવેદથી જ્યોતિર્મઠ જોડાયેલું છે. જે બદ્રીનાથમાં છે. આ છેલ્લું મઠ છે. ત્યાર બાદ આદિ ગુરુ શંકરાચાર્યે સમાધિ લઇ લીધી હોવાનું મનાય છે.

કહેવાય છે કે, માત્ર 12 વર્ષની વયે તે ધર્મનો પ્રચાર કરતા કરતા હરિદ્વાર પહોંચ્યા હતાં. ત્યાં ગંગા ઘાટ પર પૂજા-અર્ચના કરીને તેમણે ઋષિકેશ સ્થિત ભરત મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુનું શાલિગ્રામ વિગ્રહ સ્થાપિત કર્યું હતું. મંદિરમાં રાખવામાં આવેલ શ્રીયંત્ર આજે પણ શંકરાચાર્યના ઋષિકેશ આગમનની હાજરી પૂરી છે.

ઋષિકેશની આજુબાજુના ખીણ વિસ્તારને લીધે, તે સમયે ગંગા નદી પાર કરવી સહેલી નહોતી અને ગંગાને પાર કર્યા વિના આગળ વધી શકાતું પણ નહતું. તેથી, શંકરાચાર્યએ એક અલગ રસ્તો પસંદ કર્યો હતો અને ઋષિકેશથી 35 કિલોમીટર દૂર વ્યાસઘાટ (વ્યાસટ્ટી) પરથી ગંગાનદીને ઓળંગી હતી, અને બ્રહ્માપુર (હાલમાં બછેલીખાલ નીચે સ્થિત મેદાન) પહોંચ્યા હતા. અહીંથી આજે પણ તરીને નદીની પેલી પાર જઈ શકાય છે. એવું કહેવામાં આવે છે કે બ્રહ્મપુરથી દેવપ્રયાગ પહોંચીને સંગમ પર, તેમણે સ્તવન (ગંગા સ્તુતિ) ની રચના કરી અને પછી શ્રીક્ષેત્ર શ્રીનગર (ગઢવાલ) તરફ આગળ વધ્યા. પછી અલકનંદા નદીના જમણા કાંઠેથી રૂદ્રપ્રયાગ અને કર્ણપ્રયાગ થઈને નંદપ્રયાગ પહોંચ્યા. ડો. નૈથાનીના કહેવા પ્રમાણે, શંકરાચાર્ય અહીંથી જોશીમઠ પહોંચ્યા અને કલ્પ વૃક્ષ નીચે ધ્યાનમાં લીન થઈ ગયા. જોશીમઠમાં જ્યોતિર્મઠ પીઠની સ્થાપના પછી, તે બદ્રીનાથ પહોંચ્યા. અહીં તેમણે બદ્રીનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની સાથે ભગવાન વિષ્ણુની ચતુર્ભુજ મૂર્તિને નારંદ કુંડમાંથી બહાર કાઢીને મંદિરના ગર્ભાગૃહમાં સ્થાપિત કરી.

શંકરાચાર્યએ કેદારનાથમાં જઈ તપ કર્યું હતું. તેઓ જ્યોતિર્મઠ (જોશીમઠ)માં જેની નીચે બેસીને તપ કરતા હતા એ કલ્પ વૃક્ષ આજે પણ મોજૂદ છે. કેદારનાથમાં જ શંકરાચાર્યએ સમાધિ લીધી હતી. 2013માં કેદારનાથમાં આવેલા પૂર વખતે આદ્ય શંકરાચાર્યનું સમાધિસ્થળ પણ વહી ગયું હતું. હવે એનું ભૂમિગત નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ભારતનાં પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા અને પદ્મભૂષણથી સમ્માનિત બચેન્દ્રી પાલનું કહેવું છે કે આદ્ય શંકારચાર્ય તો પર્વતારોહકોનાં પ્રેરણાસ્રોત છે. 1,200 વર્ષ પહેલાં એમણે ખુલ્લા પગે પહાડોમાં કેવી રીતે યાત્રા કરી હશે અને રહેવા-જમવાની વ્યવસ્થા કઈ રીતે કરી હશે, એની કોઈ કલ્પના પણ કરી ન શકે.

અખબારોના વિતરણથી કોરોના ફેલાતો નથીઃ મુંબઈ હાઈકોર્ટ

મુંબઈઃ અખબારોનું વિતરણ કરવાથી કોરોના વાઈરસ ચેપ ફેલાય છે એવા મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના વલણની મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે સરકારે આવા અંધશ્રદ્ધા અને અપ્રમાણિત નિવેદનो કરવા ન જોઈએ.

કોર્ટે કહ્યું કે આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોને પૂછ્યા વગર આવા નિવેદનો કરવા યોગ્ય નથી.

કોરોનાનો ફેલાવો રોકવા માટે ઘેર-ઘેર અખબારોનું વિતરણ બંધ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી પર ન્યાયમૂર્તિ પી.બી. વરાલેની આગેવાની હેઠળની બેન્ચે સુનાવણી કરી હતી.

ઘેર-ઘેર અખબારોનું વિતરણ રોકી દેવાના રાજ્ય સરકારના નિર્ણયની ચોમેર ટીકા કરવામાં આવી છે. જો કે સરકારે એના નિર્ણયમાં થોડીક ઢીલ મૂકીને મુંબઈ, પુણે શહેરો તથા કોરોનાગ્રસ્ત વિસ્તારોને બાદ કરતાં રાજ્યના અન્ય ભાગોમાં અખબારોનું ઘેર-ઘેર વિતરણ કરવા દેવાની છૂટ આપી છે.

રાજ્ય સરકારના વકીલ ડી.આર. કાળેએ એક સોગંદનામામાં કોર્ટને જણાવ્યું હતું કે કોરોના વાઈરસના વિષાણુઓ કોઈ સપાટી પર લાંબા સમય સુધી પડ્યા રહે છે. અખબારો એક હાથમાંથી બીજા હાથમાં પસાર થતા હોવાથી આ રોગનો ચેપ લાગવાની સંભાવના રહે છે.

આ દલીલ સાંભળીને ન્યાયમૂર્તિ વરાલેએ કહ્યું કે સોગંદનામામાં દર્શાવેલા તર્કો કોર્ટની સમજમાં આવતા નથી. એવું લાગે છે કે સોગંદનામામાં અંધશ્રદ્ધાવાળી વાત કરવામાં આવી છે. આવી વાતોનો કોઈ નક્કર આધાર નથી. આમાં ન તો આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનો અભિપ્રાય છે કે ન તો એમની કોઈ ટિપ્પણી છે. એનાથી વિપરીત, અખબારોમાં પ્રકાશિત નિષ્ણાતોના નિવેદનોથી સ્પષ્ટ રીતે જણાય છે કે અખબારો દ્વારા ચેપ ફેલાવાની ધારણા રાખવાની જરૂર નથી. લોકડાઉન દરમિયાન અખબારોનો ફેલાવો એટલા માટે વધ્યો છે કે લોકોને આ જ માધ્યમ દ્વારા તાજા સમાચાર વાંચવા મળે છે અને વિસ્તારની જાણકારી મળે છે.

આ કેસમાં કોર્ટના મિત્ર (એમિકસ ક્યૂરી) સત્યજીત બોરાએ કહ્યું કે ચેન્નાઈમાં ઘેર-ઘેર અખબાર પહોંચાડવાના નિર્ણયને સ્થગિત કરી દેવાની માગણી કરતી એક પીટિશનને મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી છે. બોરાએ તે આદેશની કોપી ઔરંગાબાદ બેન્ચના ન્યાયાધીશો સમક્ષ રજૂ કરવાની પરવાનગી માગી હતી. કોર્ટે બોરાની માગણીનો સ્વીકાર કર્યો હતો અને કેસની હવે પછીની સુનાવણી 11 જૂને કરવાનું નક્કી કર્યું છે.

સુપ્રીમ કોર્ટમાં ઘૂસ્યો કોરોનાઃ નીતિ આયોગ ઓફિસ પણ સીલ કરવી પડી

નવી દિલ્હીઃ ખતરનાક અને જીવલેણ એવો કોરોના વાઈરસ રોગચાળો અહીં સુપ્રીમ કોર્ટ સંકુલમાં પણ ઘૂસ્યો છે. અદાલતના એક કર્મચારીને કોરોના થયાનું માલૂમ પડ્યું છે. આને કારણે દેશની આ સર્વોચ્ચ અદાલતમાં ખળભળાટ મચી ગયો છે.

સુપ્રીમ કોર્ટના જ્યુડિશ્યલ વિભાગના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં એને તાબડતોબ એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કર્મચારી બીજા કયા કયા લોકો સાથે સંપર્કમાં રહ્યો હતો એની તપાસ ચાલુ છે.

સંબંધિત કર્મચારી ગઈ 16 એપ્રિલે ફરજ પર હાજર થયો હતો અને ત્યારે તે કોર્ટના બે રજિસ્ટ્રાર સાથે પણ સંપર્કમાં રહ્યો હતો. એ બંને રજિસ્ટ્રારને પણ ડોક્ટરોએ સાવચેતીના પગલા તરીકે સેલ્ફ-ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી છે.

16 એપ્રિલે કામ પર આવ્યા બાદ સંબંધિત કર્મચારીને બે દિવસ સુધી તાવ આવ્યો હતો. ગઈ કાલે એનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુપ્રીમ કોર્ટના કોઈ કર્મચારીને કોરોના થયો હોવાનું આ પહેલી જ વાર બન્યું છે.

સુપ્રીમ કોર્ટે ગઈ 23 માર્ચથી તેની કામગીરીઓને નિયંત્રણમાં રાખી છે. અત્યંત તાકીદના કેસોને ન્યાયાધીશો વિડિયો કોન્ફરન્સિંગ મારફત જ સાંભળી રહ્યા છે.

એક અધિકારીને કોરોના થતાં નીતિ આયોગની ઓફિસ સીલ કરાઈ

દરમિયાન, કેન્દ્ર સરકારની નવી દિલ્હીમાં જ કાર્યરત આર્થિક નીતિ વિષયક સંસ્થા નીતિ આયોગના કાર્યાલય ‘નીતિ ભવન’ને સીલ કરી દેવામાં આવ્યું છે, કારણ કે એના એક અધિકારીનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ડાયરેક્ટર-લેવલના અધિકારીને કોરોના થયો છે.

આ અધિકારી સાથે સંપર્કમાં રહેલા તમામ લોકોને ક્વોરન્ટાઈન થવાનું કહી દેવામાં આવ્યું છે.

નીતિ આયોગ સંસ્થાના એક અધિકારીએ કહ્યું કે અમે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓને આ વિશે જાણ કરી દીધી છે અને તમામ યોગ્ય પ્રક્રિયાનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે.

કચરાને પણ જંતુમુક્ત કરવાની પડકારરૂપ કામગીરી

અમદાવાદ: કોરોનાવાઈરસને નાથવા સમગ્ર વિશ્વ એક થઈને લડી રહ્યું છે અને ગુજરાત રાજ્ય પ્રશાસન પણ પડકારરૂપ કામગીરી કરી રહ્યું છે. આ રોગને અટકાવવા જેટલી જરૂરિયાત સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટેશન-સ્વચ્છતાની છે એટલી જ જરૂરિયાત હોસ્પિટલમાંથી નીકળતા વેસ્ટ (કચરા)ને જંતુરહિત કરવાની પણ છે.

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારે 1200 બેડની હોસ્પિટલને ‘ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ’ જાહેર કરી છે ત્યારે આ હોસ્પિટલમાંથી નીકળતા વેસ્ટને જંતુરહિત બનાવવાની કામગીરી પણ એક પડકારરૂપ છે. અહીંથી રોજ ૮૦૦ કિલો ઘન કચરાને જંતુરહિત કરી તેનો નિકાલ કરવામાં આવે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ દ્વારા વપરાયેલી વસ્તુઓથી સંક્રમણ ફેલાય નહીં તે માટે તેને સોડીયમ હાઇપોક્લોરાઇડ દ્રાવણથી જંતુમુક્ત કરી નિકાલ કરવામાં આવે છે. કોરોના વોર્ડમાં દર્દીઓના સંપર્કમાં આવતી મોટાભાગની વસ્તુઓનો નિકાલ કરવામાં આવતો હોવાથી દરરોજ અંદાજે ૮૦૦ કિલો ઘન કચરાનો નિકાલ થઈ રહ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં વપરાશમાં લેવાતી રોજની ૨૫૦૦ પી.પી.ઈ. કીટ અને ૧૫૦૦ N99 માસ્કનો નિકાલ થાય છે. દર્દીઓને ભોજન અને નાસ્તા સમયે આપવામાં આવતી ડિસ્પોઝેબલ ડિશ, પાણીના ગ્લાસ ઉપરાંત ઇંજેક્શન નિડલ, કોટન અને માનવમળ જેવા બાયોમેડીકલ વેસ્ટનો પણ સમાવેશ થાય છે.

સિવિલમાં આ કામગીરી માટે એક વિશિષ્ટ ટુકડી રચવામાં આવી છે. ૩ શિફ્ટમાં તબીબી અધિકારી, પેરામેડીક્સ, સફાઇકર્તા એમ બધા મળી કુલ ૨૨૫ લોકો અહીં સેવારત છે. કોરોના વોર્ડમાં ૮ કલાકની એક શિફ્ટમાં સરેરાશ ૨૫૦ કિલો કચરો એકઠો થાય છે. અહીં ૧૨ ક્રિટિકલ વોર્ડ અને ૧૮ સ્ટેબલ પેશન્ટ વોર્ડ કાર્યરત છે.

સિવિલના તબીબી અધિકારી સંજય કાપડિયાના જણાવ્યા મુજબ કોરોનાગ્રસ્ત દર્દીઓ દ્વારા ઉત્પન્ન થયેલા ઘન અને જૈવિક કચરા થકી પણ વાયરસ ફેલાવાની શક્યતા રહેલી છે. આથી આ કચરાના યોગ્ય નિકાલ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે.

સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્રાવણથી ભરેલા પ્લાસ્ટિક થેલામાં કચરો ઠાલવવામાં આવે છે. આ દ્રાવણ અડધા કલાકમાં ઘન કચરાને જંતુમુક્ત બનાવે છે. કચરાના નિકાલ માટે કાર્યરત કામદારોને પણ પૂરતા રક્ષણાત્મક સાધનો પૂરા પાડવામાં આવ્યા છે.

લોકડાઉનમાં ગરીબો માટે અહીં અવિરત ચાલે છે ભોજનનો સેવાયજ્ઞ

અમદાવાદ:  કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે જો કે, ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ નિયંત્રણ હેઠળ છે. આપણો દેશ ગ્રામીણ વિસ્તારોનો બનેલો છે જેથી અનેક લોકો નોકરી, ધંધા અને રોજગારી અર્થે શહેરો તરફ સ્થળાંતર કરે છે. વર્તમાન સંજોગોમાં લોકડાઉન થતાં શહેરોમાં ઉદ્યોગ-ધંધાઓને ફરજિયાત બંધ રાખવાની ફરજ પડી છે. એવા સમયે ગુજરાતના અનેક નાના-મોટા શહેરોમાં રોજગારી અર્થે અન્ય રાજ્યમાંથી આવેલા અને સ્થાયી થયેલા શ્રમિક પરિવારોને ભોજન અને રાશનની મુશ્કેલીઓ પડવા લાગી. ત્યારે સરકારની સાથે-સાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓ તથા સેવાભાવી વ્યક્તિઓ સ્વખર્ચે ભોજનની વ્યવસ્થા કરીને લોકોની જઠરાગ્ની ઠારવાનું સેવાયજ્ઞ અવિરતપણે કરી રહ્યા છે.

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આસપાસ ચાલતા અનેક કારખાનાઓમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો, ગરીબો, ઘરવિહોણા, નિરાધાર અને રોજેરોજનું રળીને જીવન ગુજારતા શ્રમિકો, ગામના જરૂરિયાતમંદ લોકોને બંને ટાઇમ ભોજન મળી રહે તેવું બીડું ઝડપ્યું છે ગામના સેવાભાવી પ્રવીણભાઈ વાઘેલાએ. તેઓ લોકડાઉનના પ્રથમ દિવસથી જ વિચારતા હતા કે મારે ગરીબ અને પરપ્રાંતિય શ્રમિકો માટે કંઈ કરી છૂટવું છે, અને ગામ લોકોના અને સામાજિક આગેવાનોનાં માર્ગદર્શન અને સાથ-સહકારથી તેમણે ભોજનનો સેવાયજ્ઞ આરંભ્યો.

છેલ્લા ૩૦ દિવસથી ચાલતા અવિરત આ ભોજનયજ્ઞનો લાભ અંદાજે ૭૦૦ થી ૧૦૦૦ લોકો સવાર-સાંજ લઈ રહ્યા છે. પ્રવીણભાઈ વાઘેલાના મિત્રવર્તુળના ૧૫ લોકોના સહયોગથી દરરોજ અલગ-અલગ જાતની રસોઈ જેવી કે રોટલા, રોટલી, શાક, ખીચડી-કઢી, લાડુ વગેરે જેવી સ્વાદીષ્ટ અને આરોગ્યપ્રદ રસોઈ બનાવીને લોકોને પીરસવામાં આવી રહી છે.

માનવ સેવાનું ઉત્તમ કામ કરનાર પ્રવીણ ભાઈ વાઘેલા જણાવ છેે કે, “ગામના જ કેટલાય સેવાભાવી લોકો સતત મારી પડખે રહીને ખડે પગે સેવાઓ બજાવી રહ્યા છે. તેમના બધાયના સાથ સહકાર વિના આ સેવા કાર્ય શરૂ કરવું મારા માટે મુશ્કેલ બની ગયું હોત પણ આજે દરરોજ અલગ અલગ દાતાઓનો આર્થિક સહયોગ મળવાથી ભોજનની સુવિધા માટે કયારેય ચિંતા કરવી પડી નથી.”

ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદ યોજવાનું કેમ બંધ કર્યું?

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાઇરસનો પ્રકોપ જારી છે. આ વાઇરસથી અમેરિકામાં 10 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 56,500થી વધુનાં મોત થયાં છે. આ વાઇરસ રોજ સેંકડો લોકોને ભરખી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસ અપડેટ અને સરકાર દ્વારા લેવાયેલાં પગલાંની માહિતી આપવા માટે વ્હાઈટ હાઉસમાં યોજવામાં આવતી પત્રકાર પરિષદને સંબોધવાનું બંધ કરી દીધું છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આની પાછળ જે કારણ આપ્યું છે તે ચોંકાવનારું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે આ પ્રેસ બ્રીફિંગનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું હતું કે પક્ષપાતી મિડિયા શત્રુની જેમ સવાલ પૂછીને અને તથ્યોની સાથે અહેવાલ નથી છાપતા.

આને લીધે અમેરિકાના લોકોને આજકાલ ફેક ન્યૂઝ સિવાય કંઈ નથી મળતું. હવે ટ્રમ્પ દ્વારા પત્રકાર પરિષદો યોજવાનું બંધ કરવાનું એક કારણ એમનો ચૂંટણી પ્રચાર પણ છે એવું લોકો રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે નાહક દલીલબાજીમાં ઊતરી જતા હતા, જેને કારણે તેમનાં જ નિવેદનોની ખૂબ ટીકા થતી હતી.

કોરોનામુક્ત જિલ્લાઓમાં લોકડાઉન ખોલાશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉનને ખોલવાની તૈયારી શરૂ થઈ છે, પણ બધું સમુસૂતરું રહ્યું તો પણ અડધાથી વધુ દેશમાં લોકડાઉન રહેવાની શક્યતા છે. વડા પ્રધાન મોદી સાથે ચર્ચા-વિચારણામાં મોટા ભાગનાં રાજ્યોના મુખ્ય પ્રધાનોએ કોરોના સંક્રમણને જોતાં લોકડાઉન વધારવાની વાત કહી હતી. જોકે વડા પ્રધાને કોરોના સામેના જગમાં અર્થતંત્રને પણ પાટે ચઢાવવાના સંક્ત આપ્યા હતા અને રાજ્યોને એની ફોર્મ્યુલા તૈયાર કરવા કહ્યું હતું.

વધુ સમુસૂતરું રહ્યું તો અડધો દેશ ખૂલશે

વડા પ્રધાન મોદીએ ચીનથી ભાગી રહેલી કંપનીઓનો હવાલો આપીને કહ્યું હતું કે સંકટનો આ કાળ તકમાં પણ ફરી શકે છે. આની તૈયારી પણ કરવી જોઈએ. જોકે બધું સમુસૂતરું રહ્યું તો પણ અડધો દેશ ખૂલી શકશે. જોકે હવાઇ સેવા અને રેલવેની સાથે કોરોના રેડ ઝોન એરિયા મોલ અને સિનેમાઘરો બંધ રહેશે. આ ઉપરાંત સ્કૂલ-કોલેજ પણ લાંબા સમય સુધી બંધ રહેશે.

કોરોનામુક્ત જિલ્લાઓને ખોલવામાં આવશે

વડા પ્રધાન સાથે બેઠકમાં એ નિષ્કર્ષ નીકળ્યો છે કે જિલ્લાવાર રાહત આપવામાં આવે એવી શક્યતા છે. દેશમાં કુલ 700 જિલ્લામાંથી 425 જિલ્લાઓ સંક્રમિત છે, જેથી બાકીના જિલ્લામાં જ્યાં છેલ્લા 28 દિવસોથી એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયા ત્યાં લોકડાઉન ખોલવામાં આવશે

કોંગ્રેસ શાસિત રાજ્યો દ્વારા આર્થિક પેકેજની માગ

કોંગ્રેસ શાસિત રાજ્યોએ મુખ્યત્વે આર્થિક પેકેજની કેન્દ્ર પાસે માગ કરી છે. વડા પ્રધાને તેમને સંકેત આપ્યો છે કે આવનારા દિવસોમાં પરિસ્થિતિનું આંકલન કરીને નિર્ણય લેવામાં આવશે. વડા પ્રધાન આ અંગેનો નિર્ણય શનિવારે લે એવી શક્યતા છે.

 

 

 

 

જિયોમાર્ટ: ઘેર બેઠાં વોટ્સએપથી કરો ગ્રોસરી ખરીદી

મુંબઈ: રિલાયન્સ જિયોએ પોતાનાં ઓનલાઇન શોપિંગ પોર્ટલનું ટેસ્ટિંગ શરુ કરી દીધું છે. જિયોમાર્ટમાંથી લોકો કરિયાણાની ચીજવસ્તુઓના ઓર્ડર કરી શકે એટલા માટે રિલાયન્સે વોટ્સએપ સાથે ભાગીદારી કરી છે. ભારતમાં વોટ્સએપનો ઉપયોગ કરનારા 40 કરોડ લોકોને જિયોમાર્ટનું એક્સેસ મળશે. ફેસબુક અને જિયોમાર્ટની ભાગીદારીથી આશા છે કે નાના વેપારીઓ વોટ્સએપ થકી સીધા ગ્રાહકો સાથે જોડાઈ શકશે. આગામી દિવસોમાં ઘણાં રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે.

રિલાયન્સ રિટેલ ઈ  વેન્ચર જિયોમાર્ટનું ટેસ્ટિંગ મુંબઈની આસપાસ 3 સ્થળોએ શરુ કર્યું છે. ગ્રાહકોએ જિયોમાર્ટમાંથી ગ્રોસરીની ખરીદી કરવા માટે પોતાના મોબાઈલમાં વોટ્સએપ નંબર 88500 08000 સેવ કરવો પડશે. મેસેજ સેવ કર્યા પછી એ નંબર પર Hi કરીને મોકલવાનું રહેશે. ત્યારબાદ જિયોમાર્ટ ઓર્ડર પ્લેસ કરવા માટે એક લિંક ઉપલબ્ધ કરાવશે. એક વખત ઓર્ડર પ્લેસ થયા બાદ વોટ્સએપ પર એક ગ્રોસરી સ્ટોર સાથે ઓર્ડર શેર કરવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકોને ઓર્ડર અને સ્ટોરની માહિતી તેના નંબર પર આપવામાં આવશે.

આ  માહિતી  JioMartLiteની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.  કંપનીએ આશરે 1200 કિરાણા સ્ટોર્સ સાથે કામ શરુ કરી દીધું છે. કંપનીએ આને દેશની નવી દુકાન ગણાવી છે અને એવું પણ જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ હેઠળ કંપની લાખો કિરાણા સ્ટોર્સને તેમના પ્લેટફોર્મ પર સામેલ કરશે. હાલ આ સેવા નવી મુંબઈ, થાણે અને કલ્યાણમાં શરૂ કરવામાં આવી છે.

કોરોના સંક્રિમતોની સંખ્યા 29,000ને પાર, 900 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 29,435 થઈ ચૂકી છે અને આ વાઇરસથી અત્યાર સુધી 934 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે આ વાઇરસના ભરડામાંથી 6,869 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં આ વાઇરસથી સંક્રમિત 1,543 લોકોના નવા કેસ સામે આવ્યા છે અને 62 લોકોનાં મોત થયાં છે. જ્યારે 381 લોકો આ બીમારીમાંથી સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 8,000ને પાર થઈ છે. આ સિવાય ગુજરાતમાં 3500થી વધુ અને દિલ્હીમાં પણ 3100થી વધુના કેસો નોંધાયા છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં 2,100ની વધુ કેસો નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં પણ 2000 કેસો નોંધાયા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1303 લોકોનાં મોત

પાછલા 24 કલાકમાં અમેરિકામાં 1303 લોકોના કોરોના વાઇરસથી મોત થયાં છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 9,87,022 કેસ સામે આવ્યા છે અને આ વાઇરસથી 56,144 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણથી બે લાખથી વધુનાં મોત

વિશ્વભરમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા વધીને 30,64,255 થઈ ગઈ છે અને 2,11,537 લોકોનાં મોત થયાં છે. જોકે આ વાઇરસથી 9.22.387 લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે. દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સંખ્યા આ મુજબ રહી છે.

રાશિ ભવિષ્ય 28/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.