સાવરકુંડલામાં ધોધમાર વરસાદે પાલીતાણા હાઈવે પર ટ્રાફિક અટકાવ્યો

અમદાવાદઃ એક તરફ જીવલેણ કોરોના વાઈરસની બીમારી સામે ઝઝૂમી રહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં અનેક ભાગોમાં આજે બપોરે હવામાનમાં અચાનક જોરદાર પલટો આવ્યો હતો. સાવરકુંડલા, ઉપલેટા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, બાબરા, જસદણ, વલ્લભીપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.ભારે પવન સાથે મિની વાવાઝોડું પણ ફૂંકાયું હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે સખત ગરમીમાં લોકોને રાહત મળી હતી, પણ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતવર્ગમાં ચિંતા પ્રસરી ગઈ છે.

ધોધમાર વરસાદે સાવરકુંડલા-પાલીતાણા હાઈવે પર ટ્રાફિક સ્થગિત કરાવી દીધો હતો.

સાયક્લોનિક સરક્યુલેશનની અસરને પગલે આગામી ૨૪ કલાકમાં રાજ્યમાં કેટલેક ઠેકાણે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રમાં પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બાબરા અને જસદણમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બાબરાના કોટડાપીઠા, પીર ખીજડીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. તો બીજી તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં 40 ડીગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમી વચ્ચે વલ્લભીપુરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી માવઠું ખેડૂતો માટે નુકશાનકારક બની રહેશે.

જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાદળીયા વાતાવરણ છવાયેલુ રહે છે ત્યારે લાલપુર, કાલાવડ, જામજોધપુર પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે કાલાવડ તાલુકામાં બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવતા આસપાસના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો.

28 એપ્રિલે લાલપુર તાલુકામાં પણ સાંજના સમયે ગ્રામ્ય પંથકમાં વરસાદ પડયો હતો. જેમા લાલપુર તાલુકાના રક્કા, ખટીયા, મોટા ખડબા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જામજોધપુર તાલુકાના સડોદર, સમાણા, દલદેવાડીયા, નરમાણા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ખૂબ જ બફારા વચ્ચે કરા સાથે વરસાદ વરસતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતાં.

મહત્વનું છે કે, વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. તલી, મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]