પાકિસ્તાનને 10-વિકેટથી હરાવી ભારત અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં

પોટચેફ્સ્ટ્રૂમ (દક્ષિણ આફ્રિકા) – ભારતના 19-વર્ષની નીચેના ક્રિકેટરોની ટીમે આઈસીસી અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધામાં સતત ત્રીજી વાર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પ્રિયમ ગર્ગની આગેવાની હેઠળની ટીમે આજે અહીં સેન્વેસ પાર્ક મેદાન પર રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 10-વિકેટથી સજ્જડ પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત ICC U-19 વર્લ્ડ કપ સ્પર્ધાનું ગઈ વેળાનું ચેમ્પિયન છે. આમ, એ પોતાનું વિજેતાપદ જાળવી રાખવા અગ્રસર છે.

ભારતના અન્ડર-19 ખેલાડીઓ 2000ની સાલમાં આ સ્પર્ધામાં ચેમ્પિયન્સ બન્યા હતા, 2006માં રનર્સ-અપ હતા, 2008માં ચેમ્પિયન્સ, 2012માં ચેમ્પિયન્સ, 2016માં રનર્સ-અપ અને 2018માં ચેમ્પિયન્સ બન્યા હતા.

પાકિસ્તાનના કેપ્ટન અને વિકેટકીપર રોહેલ નઝીરે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. એની ટીમ 43.1 ઓવરમાં 172 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. રોહેલ પોતે 62 રન કરીને એની ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.

એના જવાબમાં, ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (105 નોટઆઉટ) અને દિવ્યાંશ સક્સેના (59 નોટઆઉટ)ની ઓપનિંગ જોડીએ 35.2 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 176 રન કરીને ટીમને ઝળહળતી જીત સાથે ફાઈનલમાં પહોંચાડી હતી.

યશસ્વી જયસ્વાલ

હવે 6 ફેબ્રુઆરીએ બીજી સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશમાંથી જે ટીમ વિજેતા બનશે એની સામે ભારતીય ટીમ 9 ફેબ્રુઆરીની ફાઈનલમાં રમશે.

113 બોલમાં, 8 ફોર અને 4 સિક્સ ફટકારનાર જયસ્વાલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

દિવ્યાંશ સક્સેના 99 બોલમાં 6 બાઉન્ડરી સાથે 59 રન કરીને નોટઆઉટ રહ્યો.

પાકિસ્તાનના દાવ વખતે, ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ યોર્કર ડિલીવરીઓનો મારો ચલાવીને હરીફ બેટ્સમેનોને હેરાન કરી મૂક્યા હતા. ત્યાગીએ 8 ઓવરમાં 32 રન આપીને બે વિકેટ ઝડપી હતી. લેગ-સ્પિનર રવિ બિસ્નોઈએ 10 ઓવર ફેંકી હતી અને 46 રન આપીને બે વિકેટ પાડી હતી.