Home Blog Page 4815

DTH  યુઝર્સને આંચકોઃ ટાટા સ્કાઈ, એરટેલે ફ્રી ચેનલ્સ બંધ કરી

નવી દિલ્હીઃ DTH યુઝર્સ માટે માઠા સમાચાર છે. દેશની બે મોટા DTH ઓપરેટર કંપની ટાટા સ્કાઈ અને એરટેલ ડિજિટલ ટીવીએ લોકડાઉનમાં ઓફર કરેલી ફ્રી સર્વિસિસ બંધ કરી દીધી છે. લોકડાઉનમાં યુઝર્સને કંટાળો ના આવે એટલે ટાટા સ્કાઈએ 10 ઇન્ટએક્ટિવ સર્વિસ (ચેનલ)ની શરૂઆત કરી હતી. આ સર્વિસિસ માટે યુઝર્સને કોઈ પણ ચાર્જ નહોતો ચૂકવવો પડતો. આવી જ રીતે એરટેલ પણ પોતાના યુઝર્સને વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના ત્રણ સર્વિસ ઓફર કરી રહી હતી.

ટાટા સ્કાઈની આ ચેનલ ફ્રી હતી

કોરોના-લોકડાઉનની શરૂઆતમાં આ બંને ઓપરટર્સે કહ્યું હતું કે આ સર્વિસિઝ લોકડાઉન ખતમ થવા સુધી ઉપલબ્ધ રહેશે કંપનીએ લોકડાઉન દરમ્યાન યુઝર્સને ડાન્સ સ્ટુડિયો, ટાટા સ્કાઈ ફન લર્ન, સ્માર્ટ મેનેજર, વેદિક મેથ્સ, કુકિંગ ક્લાસરૂમ, બ્યુટી, જાવેદ અખ્તર અને ટાટા સ્કાઈ ફિટનેસ ચેનલ ફ્રીમાં ઓફર કરી રહી હતી. ટાટા સ્કાઈએ ફ્રી સર્વિસને ખતમ કરી રહી હોવાની સૂચના પોતાના યુઝર્સને આપવાની શરૂઆત કરી છે.

પ્રતિ મહિને રૂ. 60 ચૂકવવા પડશે

હવે આ ચેનલ્સ જોવા માટે યુઝર્સે પૈસા આપવા પડશે. ફિટનેસ અને ફન લર્ન માટે યુઝર્સે પ્રતિ મહિને રૂ. 60 ખર્ચ કરવો પડશે. બીજી બાજુ, વેદિક મેથ્સ અને સ્માર્ટ મેનેજર માટે કંપની દૈનિક ધોરણે રૂ. 10 ચાર્જ કરે એવી શક્યતા છે. આમાં એ યુઝર્સને રાહત આપવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેઓ દુકાનો બંધ હોવાને કારણે પોતાનું ટાટા સ્કાઈ એકાઉન્ટ રિચાર્જ નથી કરાવી શકતા.

એરટેલે આ ત્રણ ફ્રી સર્વિસને બંધ કરી

એરટેલે એપ્રિલના પહેલા સપ્તાહમાં ત્રણ ફ્રી સર્વિસિસની શરૂઆત કરી હતી. આમાં યુઝર્સે ત્રણ સર્વિસ ચેનલ-આપકી રસોઈ, એરટેલ સિનિયર્સ ટીવી અને લેટ્સ ડાન્સને ફ્રી એક્સેસ કરી હતી. જોકે કંપનીએ ચોથી મેએ આ સર્વિસ ચેનલ્સની ફ્રી એક્સેસને બંધ કરી દીધી હતી. એરટેલ પોતાની સિનિયર ટીવી સર્વિસ માટે રૂ. બે, આપકી રસોઈ માટે રોજના રૂ. 1.5 અને લેટ્સ ડાન્સ માટે પણ રૂ. 1.6 લેતી હતી.

અમદાવાદ: લોકડાઉનમાં ભૂખ્યાંને ભોજન

અમદાવાદ: એક તરફ કોરોના વાઈરસના કેસ વધતા જાય છે. બીજી તરફ ગરમીનો પારો પણ સતત વધતો જાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ જરુરીયાત વાળા લોકોને ભોજન કરાવવાનું સેવાભાવી લોકો ચૂકતા નથી. અમદાવાદ શહેરમાં ઘણાં બધાં લોકો કોરોનાના આ કાળમાં લોકડાઉનની શરૂઆતથી જ શ્રમિકો અને જરૂરિયાત વાળા લોકોને સીધુ સામાન તેમજ ભોજન પુરુ પાડે છે.

શહેરના પશ્ચિમ વિસ્તારના ગોતા વૉર્ડ, એસ જી હાઈવે પર  એક રેસ્ટોરાં-પાર્ટી પ્લોટમાં લોકડાઉનની શરૂઆત થી જ ૧૨૦૦ થી ૧૫૦૦ માણસો ને ભરપેટ જમાડવામાં આવે છે. ભૂખ્યાની જઠરાગ્નિ ઠારવા ના આ સેવા‌યજ્ઞ ના એક સંચાલક દિનેશ ભાઈ દેસાઈ ચિત્રલેખા.કોમને કહે છે એસ જી હાઈવેને અડીને આવેલા ગોતા વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તાર પણ છે જેથી મોટી સંખ્યામાં શ્રમિકો વસે છે. કોરોના ના કારણે ઘણાં શ્રમિકો અને સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોની હાલત કફોડી થઈ ગઈ છે. જેથી આ લોકોને સારું અને તાજુ ભોજન આપવાનો પ્રયત્ન કરીએ છીએ.

રાજકીય પક્ષો ના હજારો નેતા અને હોદ્દેદારોમાંથી ગણ્યા ગાંઠ્યા દિનેશભાઇ જેવા લોકો આ મહામારીમાં માનવતાની વહારે આવ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

છત્તીસગઢની પેપર મિલમાં પણ ગેસ લીકેજ; 7 મજૂર બીમાર પડ્યા

રાયગઢ (છત્તીસગઢ): આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજની જીવલેણ ઘટના પછી છત્તીસગઢ રાજ્યના રાયગઢ જિલ્લામાં એક પેપર મિલમાં ગેસ ગળતની દુર્ઘટના બની છે. આ મિલમાં પણ ગેસ લીક થયો હતો, જેને કારણે ત્યાં કામ કરતા સાત મજૂર બીમાર પડી ગયા છે. રાયગઢ પોલીસે જણાવ્યું હતું કે ત્રણ મજૂરોની હાલત ગંભીર છે. બધા મજૂરોની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા મજૂરો મિલમાં એક ટેન્કને સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ગેસ લીક થઈ ગયો અને એ લોકો ત્યાંથી નીકળવામાં નિષ્ફળ નીવડ્યા હતા.

આ ઘટના આજે બપોરે બે કલાકે થઈ હતી. તેતલા ગામમાં શક્તિ પેપર મિલમાં આ બનાવ બન્યો હતો. મજૂરો એક ખુલ્લી ટાંકીની અંદર ઉતરી એને સાફ કરતા હતા ત્યારે ગેસ લીક થયો હતો. ખબર પડતાં જ બહાર રહેલા લોકોએ ત્યાંથી ભાગીને જીવ બચાવી લીધો હતો, પણ જે લોકો ટેન્કની અંદર હતા એ લોકો ફસાઈ ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. એ પછી કેટલાક લોકોએ તેમને ત્યાંથી બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. આ ઘાયલોની હાલત જાણવા માટે રાયગઢના કલેક્ટર અને એસપી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેઓ અસરગ્રસ્તોના પરિવારજનોને પણ મળ્યા હતા.

ત્રણ મજૂરની સ્થિતિ ગંભીર, ચાર જણ ભયમુક્ત

આ ઘટનામાં ત્રણ મજૂરોની હાલત ગંભીર છે, જ્યારે અન્ય ચાર મજૂરો ભયમુક્ત છે. પ્રારંભિક તપાસમાં ક્લોરિન ગેસ લીક થવાની વાત સામે આવી છે. પેપર મિલમાં ક્લોરિન ગેસનો ઉપયોગ ઇન્કની સફાઈ માટે કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ શહેરમાં આજે વહેલી સવારે એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે 11 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 1000 જેટલા લોકો બીમાર પડી ગયા હતા. આરઆર વેંકટપુરમ ગામમાં એલ.જી. પોલીમર કંપનીના કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટનામાં એક બાળક સહિત 11 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

અમેરિકાની ૧,૦૦૦ કંપનીઓને ચીનમાંથી સ્થળાંતર કરવા ભારત લલચાવશે

નવી દિલ્હીઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર કોરોના રોગચાળા માટે બીજિંગને દોષી ગણાવી રહ્યા છે. ટ્રમ્પે કોરોના વાઇરસને પર્લ હાર્બર અને 9/11ના હુમલા કરતાં પણ જીવલેણ હુમલો ગણાવ્યો છે અને આ માટે ટ્રમ્પને ચીન માટે ભારોભાર ગુસ્સો છે. હવે બેની લડાઈંમાં ત્રીજો ફાવે એ ન્યાયે ભારત ચીનમાં રહેલી અમેરિકાની કંપનીઓને સ્થળાંતર કરવા માટે લલચાવી રહ્યું છે.

ભારતીય અધિકારીઓએ ઓળખ ના આપવાની શરતે કહ્યું છે કે ગયા એપ્રિલમાં ભારત સરકારે અમેરિકાની આશરે 1000 કંપનીઓને ચીનથી બહાર નીકળી ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપવા માટે પ્રોત્સાહનો આપવાની શરૂઆત કરી હતી. ભારતે આમાં એબોટ લેબોરેટરીઝ સહિતના મેડિકલ ઇક્વિપમેન્ટ સપ્લાયર્સ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, ટેક્સટાઇલ્સ, લેધર અને ઓટો પાર્ટ ઉત્પાદકોને સહિત 550 ઉત્પાદનોના ઉત્પાદકોને સંપૂર્ણ સહકાર આપવા જણાવ્યું છે.

બધી સુવિધા આપવાનાં પ્રલોભનો

ભારતીય અધિકારીઓએ આ કંપનીઓને કહ્યું છે કે જમીન ઉપલબ્ધ કરવા સાથે સલામતી અને સસ્તી કુશળ મજૂરી આપવા બાબતમાં ભારત વધુ સક્ષમ છે. આમાં જો આ કંપનીઓ પરત અમેરિકા અથવા જાપાન જશે તો આ કંપનીઓને ચીન કરતાં એકદંરે મોંઘું પડશે.

જાપાન પણ ફેક્ટરીઓનું સ્થળાંતર કરશે

વિશ્વભરમાં કોરોના વાઇરસથી એક ચતુર્થાંસથી વધુ લોકોનાં મોત માટે ટ્રમ્પ ચીનને જવાબદાર ઠેરવી રહ્યા છે, જેથી વોશિંગ્ટનના પગલાથી ચીન સાથેના વૈશ્વિક વેપારી સંબંધો વધુ ખરાબ થવાની સંભાવના છે. આ સાથે જાપાનની સરકારે પણ એના પડોશી દેશમાંથી ફેક્ટરીઓનું સ્થળાંતર કરવા માટે 2.2 અબજ ડોલર ફાળવ્યા છે.

બીજી બાજુ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો પણ ચીનથી થતા સપ્લાયની નિર્ભરતાને ઘટાડવાની યોજના ઘડી રહ્યા છે.

જાણીને નવાઈ લાગશે, ફેસબુકે બનાવી પોતાની ‘સુપ્રીમ કોર્ટ’

નવી દિલ્હી: શું વાત કરો છો સુપ્રીમ કોર્ટ અને એ પણ ફેસબુકની? હા તમે સાચું જ સાંભળ્યું છે, ફેસબુકે પોતાની સુપ્રીમ કોર્ટ બનાવી છે. હકીકતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વધી રહેલી વિવાદિત પૉસ્ટને કન્ટ્રૉલ કરવા માટે કંપનીએ આ પગલુ ભર્યુ છે.

ફેસબુકે એક ઓવર સાઇટબોર્ડ બનાવવાની જાહેરાત કરી છે, આને ફેસુબુકની ‘સુપ્રીમ કોર્ટ’ માનવામાં આવે છે. આ બોર્ડમાં એક પૂર્વ વડાપ્રધાન, એક નૉબલ શાંતિ પુરસ્કાર વિજેતા, કેટલાક બંધારણીય કાયદાકીય વિશેષજ્ઞો અને તેમના પહેલા 20 સભ્યોના અધિકાર વકીલ સામેલ થશે, જે કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગના નિર્ણયમાં પણ ફેરફાર કરી શકવાની સત્તા ધરાવશે.

ફેસબુકનું ઓવરસાઇટ બોર્ડ એકદમ ‘સુપ્રીમ કોર્ટ’ની જેમ કામ કરશે, જેમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને હ્યૂમન રાઇટ્સના આધારે નિર્ણય લેવામાં આવશે. આ બોર્ડનો હેતુ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાંથી ગંદકી (અશ્લીલ કે વિવાદિત પૉસ્ટ)ને હટાવીને એક સુંદર માહોલ બનાવવાનો છે. આ બોર્ડ બંને પ્લેટફોર્મ પર રહેલી પૉસ્ટ કે કન્ટેન્ટ પર ધ્યાન રાખશે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેવું કન્ટેન્ટ રહેશે અને કેવું નહીં એ વાતનો નિર્ણય પણ આ આ ઓવર સાઇટબોર્ડ જ કરશે. સાથે સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ, પૉસ્ટ, કોઇપણ પ્રૉફાઇલની સાથે સાથે એડ પર પણ આ બોર્ડ પોતાની નજર રાખશે.
આ ઓવરસાઇટ બોર્ડમાં 20 ખાસ લોકોને નિયુક્ત કરવામાં આવશે. જે એવા કેસોનો નિકાલ કરશે જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થતા હોય. બોર્ડની પાસે વધુમાં વધુ 90 દિવસનો સમય હશે. જોકે બોર્ડ પોતાનો નિર્ણય જલ્દી પણ લઇ શકશે, પણ આ બોર્ડ સરકારની કોઇપણ પોલીસીમાં દખલગીરી નહીં કરી શકે. હાલ આ બોર્ડ ફેસબુક અને ઇન્ટાગ્રામ માટે જ કામ કરશે. ભવિષ્યમાં કંપની આ બોર્ડનો તેમના અન્ય પ્લેટફોર્મ માટે પણ ઉપયોગમાં લઈ શકે છે.

મુંબઈમાં કુલ 250 પોલીસ જવાન કોરોના પોઝિટીવ

મુંબઈઃ મહાનગરમાં કોરોના વાઈરસની ઝપટમાં અનેક પોલીસ જવાનો પણ આવી ગયા છે. એક અહેવાલ મુજબ, આશરે 250 પોલીસ જવાનોનો કોરોના વાઈરસ તપાસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં 487 પોલીસ જવાનને કોરોના લાગુ પડ્યાનો અહેવાલ છે.

મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું કે કોવિડ-19 લક્ષણના કેસોની સંખ્યા ઘણી જ ઓછી છે અને એમાંથી એકેય જણ હોસ્પિટલમાં આઈસીયૂમાં નથી.

હાલમાં જ દક્ષિણ મુંબઈમાં જે.જે. હોસ્પિટલ માર્ગ પોલીસ સ્ટેશનમાં 12 પોલીસ જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એમાં છ અધિકારી હતા અને છ જવાન હતા.

તે ઉપરાંત અન્ય 6 અધિકારી તથા 48 પોલીસજવાનોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

ધારાવી અને શાહૂનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અનેક ફરજ પરના પોલીસ અધિકારીઓ તથા કોન્સ્ટેબલોને કોરોના થયાનું સમર્થન મળ્યું છે.

મુંબઈમાં ગયા એપ્રિલ મહિનાથી લઈને અત્યાર સુધીમાં 16,700થી વધુ લોકોને કોરોના ઝપટમાં લઈ ચૂક્યો છે અને 651 જેટલા લોકોના મરણ થઈ ચૂક્યા છે. જોકે મહારાષ્ટ્રમાં 3,094 જણ કોરોનાને હંફાવીને સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ લઈ ચૂક્યા છે.

મુંબઈમાં કુલ 93 પોલીસ સ્ટેશનો છે. એમાં સૌથી વધારે જે.જે. હોસ્પિટલ માર્ગ અને સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશનના જવાનોને કોરોના થયો છે.

જે.જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં કુલ 200 પોલીસો ફરજ બજાવે છે. એમાંના 27 જણને કોરોના થયો છે. આમાં 15 વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 55 વર્ષથી ઉપરની વયના 33 પોલીસ જવાનોને રજા પર મોકલી દેવાયા છે.

સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 14 પોલીસ જવાનને કોરોના થયો છે. એમાં સાત અધિકારીઓ છે. આ બધાયને જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલાં, સાંતાક્રૂઝ-ખારના વાકોલા પોલીસ સ્ટેશનના છ જવાનને કોરોના થયો હતો.

અમારા માટે આ ઋણ ચૂકવવાનો સમય છે: ખાનગી તબીબો

અમદાવાદ: કોરોના દર્દીઓની સારવારમાં ખાનગી તબીબોને જોડાવાની મુખ્યમંત્રીની અપીલને લઈને શહેરના ચાર ડોક્ટરો Covid-19 ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં જોડાયા. મહત્વનું છે કે, કોરોના સામેની આ લડાઈમાં ભાગીદાર થવા, આ સેવાયજ્ઞમાં જોડાવા મુખ્યમંત્રીએ શહેરના ખાનગી તબીબોને પણ અપીલ કરી હતી.

આ અપીલના ભાગરૂપે શહેરના નામાંકિત ડોક્ટરો – ડો. તુષાર પટેલ, ડો. જીગર મહેતા, ડો. ગોપાલ રાવલ, અને ડો. અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં નવી ઉભી કરાયેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.

સિવિલ પરિસરમાં કોવિડ હોસ્પિટલ ઉપરાંત કેન્સર હોસ્પિટલને પણ ‘કોવિડ હોસ્પિટલ’માં ફેરવવામાં આવી છે. દિવસે ને દિવસે વધતી જતી દર્દીઓની સંખ્યાને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા ખાનગી તબીબોને પણ આ સેવાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી. તેના પ્રતિસાદરૂપે આ ચાર તબીબો આ દર્દીઓની સારવારમાં જોડાયા છે.

સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.જયપ્રકાશ મોદીએ જણાવ્યું કે આ ચાર તબીબો ભૂતકાળમાં અહીં જ ભણીને બહાર નીકળ્યા છે, ત્યારે રાજ્ય સરકારની અપીલના પગલે આ તબીબો રોજ ત્રણથી ચાર કલાક જેટલો સમય ફાળવીને કોરોના દર્દીઓને સારવાર કરવા કટિબદ્ધ બન્યા છે. અહીં અદ્યતન માળખાગત સુવિધાઓ છે જ પરંતુ બહારના ખાનગી નિષ્ણાંત તબીબો પણ તેમાં જોડાય તો સંયુક્ત રીતે બહુ ઝડપથી આ દર્દીઓની સારવાર થઈ શકે તેવા ઉદ્દેશથી આ અભિગમ હાથ ધરાયો છે.

સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘અહીં સર્વ શ્રેષ્ઠ સારવાર સુવિધા ઉપલબ્ધ છે અને દર્દીઓને સઘન સારવાર અપાય છે. 228 વેન્ટિલેટર સાથે અહીં અદ્યતન તબીબી સંસાધનો ઉપલબ્ધ છે ત્યારે ખાનગી નિષ્ણાત તબીબોની સેવા ફળદાયી પરિણામ લાવશે.

કે.ડી હોસ્પિટલમાં ક્રિટીકલ કેર કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતા ડો. જીગર મહેતાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેરના અમે સભ્યો છીએ આજે કોવિડ હોસ્પિટલમાં જે દર્દીઓ વેન્ટિલેટર કે બાયપેક પર છે, એવા દર્દીઓ સાથે સીધી વાત કરી તેમની માહિતી મેળવી છે. તો ડોક્ટર તુષાર પટેલે કહ્યું કે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની અપીલના પગલે અમે સ્વેચ્છાએ અહીં આવ્યા છીએ. અમે અહીં મુલાકાત લઇને બેઝલાઇન સ્ટ્રક્ચર બનાવ્યું છે. અહીં તમામ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને અહીંના ડોક્ટરો અને અમે સૌ સાથે મળીને કોરોના સામેના યુદ્ધને જીતવા ટીમ વર્કથી કામ કરીશું.

ડોક્ટર ગોપાલ રાવલે જણાવ્યું કે અમારા માટે આ ઋણ ચૂકવવાની તક છે. દર્દીઓની સેવા એ અમારો મૂળ મંત્ર છે અહીંના તબીબો મેડિકલ ગાઇડલાઇન પ્રમાણે જ સેવા આપી રહ્યા છે પરંતુ આટલા બધા દર્દીઓની એક સાથે સંભાળ લેવાનું કામ કપરું હોઇ અમે પણ આ સેવામાં સ્વેચ્છાએ જોડાવાનો નિર્ણય કર્યો છે અને આ અમારી સેવા નિશુલ્ક રહેશે. અમે અહીં જ ભણ્યા છીએ અને અહીંના તબીબો અને અમે સૌ ભેગા મળીને સંયુક્ત પણે કોરોનાને હરાવીને જ જંપીશું.

પર્લ હાર્બર, 9/11 કરતાં પણ કોરોનાનો હુમલો જીવલેણઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસનો હુમલો બીજા વિશ્વ યુદ્ધ વખતે પર્લ હાર્બર પરના હુમલા અને 9/11ના આતંકવાદી હુમલા કરતાં પણ વધુ ખતરનાક ગણાવ્યો છે. નર્સોની સાથે મીટિંગ પછી ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતું કે આપણે દેશમાં અત્યાર સુધીના સૌથી ખરાબ હુમલાનો સામનો કરી રહ્યા છીએ, પણ આ સૌથી ખરાબ હુમલો છે. આ પર્લ હાર્બરથી પણ ખરાબ છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા કરતાં પણ બહુ ખરાબ છે, પહેલાં ક્યારેય આ પ્રકારનો કોઈ હુમલો નથી થયો.

પર્લ હાર્બર, 9/11 હુમલાને ટ્રમ્પે યાદ કર્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભૂતકાળમાં અમેરિકા પર હુમલા થયા છે, પછી એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો હોય અથવા પર્લ હાર્બરનો હુમલો હોય, પરંતુ કોરોના વાઇરસ જેવો હુમલો ક્યારેય નથી થયો. તેમણે કોરોના વાઇરસને અદ્રશ્ય દુશ્મન ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે એ કેવી રીતે પહોંચ્યો, એની માહિતી તેમને નથી, પણ એને અટકાવી શકાતો હોત. આવું નહીં થવાથી એ આપણા માટે અદ્રશ્ય દુશ્મનથી જંગ લડવા જેવું છે.

કોરોના વાઇરસથી હુમલો બદથી બદતર

ટ્રમ્પે કહ્યું હતું કે આ અદ્રશ્ય દુશ્મનની સામે આપણે જંગ લડવાનો છે. તેમણે કોરોના વાઇરસના જંગ સામે રચિત ટાસ્ક ફોર્સની પ્રશંસા કરી હતી. બુધવાર સુધી કોવિડ-19ને કારણે અમેરિકામાં કુલ મૃતકોની સંખ્યા 72,000 થઈ ગઈ છે, જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, 1941માં પર્લ હાર્બર ખાતે અમેરિકાના નૌસેના મથક પર જાપાની હવાઈ દળે હુમલો કર્યો હતો. જે પછી અમેરિકાને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં લડાઈ લડવી પડી હતી. 11 સપ્ટેમ્બર, 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર કરાયેલા આતંકવાદી હુમલામાં આશરે ત્રણ હજાર લોકો માર્યા ગયા હતા.

કોરોના વિરુદ્ધ આયુર્વેદઃ ભારતે શરૂ કરી ચિકિત્સકીય અજમાયશો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સતત વધતા સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા એના ઉપચાર માટે આયુર્વેદિક દવાઓના ઉપયોગની સંભાવના પણ ચકાસવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું છે કે અશ્વગંધા સહિત અન્ય આયુષ દવાઓની ક્લિનિકલ ટ્રાયલ આજથી શરૂ કરવામાં આવી રહી છે, જેથી આ દવાઓ કોરોના સંક્રમણને અટકાવવામાં અથવા એના ઇલાજમાં કેટલી કારગત સાબિત થાય છે એ ચકાસી શકાશે.

આ ટ્રાયલ 1000 દર્દીઓ પર કરવામાં આવશે

આયુષ મંત્રાલય આયુર્વેદની ચાર દવાઓ દ્વારા કોરોના દર્દીઓ પર અજમાયશ શરૂ કરશે. બે દિવસમાં થનારી આ ટ્રાયલ 12 સપ્તાહની હશે અને 1000 દર્દીઓ પર તે કરવામાં આવશે. આ ટ્રાયલ આયુષ મંત્રાલય CSIRની સાથે મળીને કરી રહી છે. આયુષ મંત્રાલય અને CSIRની સાથે મળીને ત્રણ પ્રકારના અભ્યાસ કરવામાં આવી રહ્યા છે.

ચાર દવાઓ પર દેશભરમાં ટ્રાયલ શરૂ

તેમણે કહ્યું હતું કે ચાર દવાઓ પર દેશભરમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી હી છે. બહુ મોટાં સેમ્પલ સાઇઝ પર અમે સ્ટડી કરી રહ્યા છીએ. આમાં સેમ્પલ સાઇઝ પાંચ લાખની છે. વડા પ્રધાન મોદીએ રોગપ્રતિકારક શક્તિ વધારવા મુદ્દે આયુષ મંત્રાલયની દવા વિશે જે સલાહ આપી હતી એની અસરની ચકાસણી 50 લાખ લોકો પર કરી રહ્યા છે. ચાર આયુર્વેદ દવા છે – અશ્વગંધા, યષ્ટિમધુ, ગુડૂચી અને પિપ્પલી.

આરોગ્યપ્રધાને આ ટ્રાયલને ઐતિહાસિક ગણાવી

તેમણે કહ્યું હતું કે આ દવાઓની ક્લિનિકલ ટ્રાયલ આરોગ્ય કર્મચારીઓ તથા એ લોકો પર કરવામાં આવી રહી છે, જેઓ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા હોય અથવા અન્ય કારણોથી સંક્રમણનો ખતરો સૌથી અધિક ઝળૂંબતો હોય. આ પગલાને ઐતિહાસિક ગણાવતાં તેમણે કહ્યું હતું કે CSIR, ICMRના ટેક્નિકલ સહયોગથી એની ટ્રાયલ કરવામાં આવી રહી છે અને આયુર્વેદિક દવાઓની શ્રેષ્ઠતા આધુનિક તરીકે સાબિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ દવાઓની ટ્રાયલ

આરોગ્યપ્રધાને કહ્યું છે કે જે રીતે આ વાઇરસ સામે આખા વિશ્વમાં લડાઈ ચાલી રહી છે. એની વચ્ચે દેશમાં ઐતિહાસિક કામ શરૂ કરાયું છે. આ ચિકિત્સકીય અજમાયશો દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે આ દવાઓની શું ભૂમિકા છે અથવા આ દવાઓનું કોવિડ-19 બીમારી સામે લડવામાં શું યોગદાન થઈ શકે છે.

લોકડાઉનમાં છૂટછાટો આપવા સામે WHOની ચેતવણી

ન્યૂયોર્કઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે દુનિયામાં અનેક દેશોએ લોકડાઉન કે તાળાબંધી લાગુ કરી છે. ભારત પણ એવા દેશોમાં સામેલ છે. ભારતમાં ગઈ 25 માર્ચથી લોકડાઉન લાગુ છે.

હવે આ લોકડાઉન ઉઠાવી લેવા માટે ઘણા દેશોનાં લોકો ઉતાવળા થયા છે. અમુક દેશોમાં લોકડાઉન નિયમોમાં અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે.

પરંતુ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દુનિયાના દેશોને ચેતવ્યા છે. એણે કહ્યું છે કે કોરોના વાઈરસને દુનિયાના દેશોની સરકારો હળવાશથી ન લે. જરાસરખી લાપરવાહી પણ એ દેશોને ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પાડશે એવું બની શકે છે.

ભારતમાં શરાબના વેચાણની પરવાનગી આપતાં ઠેર ઠેર શરાબ ખરીદનારાઓની લાંબી લાઈનો લાગી રહી છે. એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમની ઐસીતૈસી કરી દેવામાં આવી છે.

WHOના વડા ડો. ટેડ્રોસે કહ્યું છે કે લોકડાઉન પાછું ફરવાનું જોખમ વાસ્તવિક છે એ દેશોએ સમજી લે. જો કોઈ દેશ સતર્ક નહીં રહે અને લોકડાઉન મામલે તબક્કાવાર કામ નહીં કરે તો કોરોના બીમારી પાછી ફરવાનો ખતરો રહેશે.

ભારત સહિત કેટલાક દેશોએ અર્થતંત્રની ચિંતાને કારણે કેટલીક બિન-આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ-ખરીદીમાં છૂટછાટ આપી છે.

દુનિયાભરમાં કોરોનાનાં 38 લાખથી વધારે કેસો નોંધાયા છે અને અઢી લાખથી વધારે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. રોજ પાંચેક હજાર જેટલા લોકો મૃત્યુ પામે છે. તેથી લોકડાઉનને જો ઉતાવળે ઉઠાવી લેવામાં આવશે તો કોરોનાને કારણે મરણાંક ઝડપથી વધી શકે છે.

જ્યાં કોરોના કેસોની શરૂઆત થઈ હતી તે ચીનના વુહાન શહેરમાં લાંબો સમય સુધી લોકડાઉન રખાયા બાદ હવે ત્યાં જિંદગી ફરી પાટે ચડી શકી છે.