મુંબઈમાં કુલ 250 પોલીસ જવાન કોરોના પોઝિટીવ

મુંબઈઃ મહાનગરમાં કોરોના વાઈરસની ઝપટમાં અનેક પોલીસ જવાનો પણ આવી ગયા છે. એક અહેવાલ મુજબ, આશરે 250 પોલીસ જવાનોનો કોરોના વાઈરસ તપાસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં 487 પોલીસ જવાનને કોરોના લાગુ પડ્યાનો અહેવાલ છે.

મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું કે કોવિડ-19 લક્ષણના કેસોની સંખ્યા ઘણી જ ઓછી છે અને એમાંથી એકેય જણ હોસ્પિટલમાં આઈસીયૂમાં નથી.

હાલમાં જ દક્ષિણ મુંબઈમાં જે.જે. હોસ્પિટલ માર્ગ પોલીસ સ્ટેશનમાં 12 પોલીસ જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એમાં છ અધિકારી હતા અને છ જવાન હતા.

તે ઉપરાંત અન્ય 6 અધિકારી તથા 48 પોલીસજવાનોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

ધારાવી અને શાહૂનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અનેક ફરજ પરના પોલીસ અધિકારીઓ તથા કોન્સ્ટેબલોને કોરોના થયાનું સમર્થન મળ્યું છે.

મુંબઈમાં ગયા એપ્રિલ મહિનાથી લઈને અત્યાર સુધીમાં 16,700થી વધુ લોકોને કોરોના ઝપટમાં લઈ ચૂક્યો છે અને 651 જેટલા લોકોના મરણ થઈ ચૂક્યા છે. જોકે મહારાષ્ટ્રમાં 3,094 જણ કોરોનાને હંફાવીને સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ લઈ ચૂક્યા છે.

મુંબઈમાં કુલ 93 પોલીસ સ્ટેશનો છે. એમાં સૌથી વધારે જે.જે. હોસ્પિટલ માર્ગ અને સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશનના જવાનોને કોરોના થયો છે.

જે.જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં કુલ 200 પોલીસો ફરજ બજાવે છે. એમાંના 27 જણને કોરોના થયો છે. આમાં 15 વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 55 વર્ષથી ઉપરની વયના 33 પોલીસ જવાનોને રજા પર મોકલી દેવાયા છે.

સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 14 પોલીસ જવાનને કોરોના થયો છે. એમાં સાત અધિકારીઓ છે. આ બધાયને જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલાં, સાંતાક્રૂઝ-ખારના વાકોલા પોલીસ સ્ટેશનના છ જવાનને કોરોના થયો હતો.