શરાબની દાણચોરી રોકવા મહારાષ્ટ્રએ સરહદ સીલ કરી

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતો રોકવા માટે હાલ જ્યારે લોકડાઉન લાગુ છે ત્યારે શરાબની દાણચોરી રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે પડોશના રાજ્યો સાથે રાજ્યની સરહદોને સીલ કરી દીધી છે.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારે ડઝન જેટલા ચેકનાકાઓ ખાતે સરકારી તેમજ સુરક્ષા કર્મચારીઓને પૂરતી સંખ્યામાં તહેનાત કરી દીધા છે.

આંતર-રાજ્ય ટોળકીઓ દ્વારા મહારાષ્ટ્રમાં શરાબની દાણચોરીની સંભાવના વધી ગઈ હોવાથી રાજ્યના આબકારી જકાત વિભાગે રાજ્યની સરહદોને સીલ કરવાનો નિર્ણય લીધો છે.

એક્સાઈઝ ડ્યૂટી વિભાગે દાણચોરોની ટોળકીઓ તરફથી રહેલા જોખમને ધ્યાનમાં લઈને પડોશના રાજ્યો સાથેની સરહદોને અડીને આવેલા જિલ્લાઓમાં ફ્લાઈંગ સ્ક્વોડ્સ તથા વિજિલન્સ ટૂકડીઓ તહેનાત કરી છે.

દાણચોરીની પ્રવૃત્તિઓને રોકવા માટે મહારાષ્ટ્ર પોલીસે પણ 12 ચેકનાકાઓ પર જાપ્તો વધારે કડક બનાવી દીધો છે અને સરકારના આદેશ મુજબ, પડોશના રાજ્યો સાથેની સરહદોને સીલ કરી દીધી છે.

સ્થાનિક પોલીસની મદદથી આબકારી જકાત વિભાગ આ મામલે ચાંપતી નજર રાખશે, કારણ કે મહારાષ્ટ્રમાં શરાબની માગ ઘણી ઊંચી જોવા મળી છે.

છેલ્લા 50 દિવસમાં, પોલીસે શરાબની દાણચોરીના કિસ્સાઓમાં 2,100 વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી રૂ. 12.03 કરોડની કિંમતનો શરાબ જપ્ત કર્યો છે.

દેશમાં કોરોના વાઈરસના સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. આ આંકડો વધીને 18 હજારને પાર થઈ ગયો છે અને 600થી વધારે લોકો મૃત્યુના મુખમાં જતા રહ્યા છે.

મહારાષ્ટ્રમાં, કોરોનાનાં સૌથી વધુ કેસ અને મૃત્યુ પાટનગર મુંબઈ શહેરમાં નોંધાયા છે.

મુંબઈમાં મહાનગરપાલિકાએ શરાબના વેચાણ-ખરીદી માટે અગાઉ લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટને પાછી ખેંચી લીધી છે, કારણ કે વાઈન શોપ્સ ખાતે શરાબી ગ્રાહકોએ બેફામ ભીડ જમાવી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો સદંતર ભંગ કરવામાં આવ્યો હતો.