Home Blog Page 4816

પંચાંગ 07/05/2020

સુવિચાર – ૭ મે, ૨૦૨૦

સુવિચાર – ૭ મે, ૨૦૨૦

મુંબઈમાં જરૂરિયાતમંદોની મદદે સુપરસ્ટાર સલમાન ખાન…

કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા સરકારે લાગુ કરેલા લોકડાઉનને કારણે અસંખ્ય ગરીબ, જરૂરિયાતમંદ, બેઘર લોકો મુસીબતમાં મૂકાઈ ગયા છે. એમને મદદરૂપ થવા માટે બોલીવૂડ અભિનેતા સલમાન ખાને મુંબઈમાં નવી પહેલ શરૂ કરી છે – ‘બીઈંગ હંગ્રી’. આ એક હરતીફરતી ફૂડ ટ્રક છે જે એવા લોકોને મફતમાં જમવાનું પૂરું પાડે છે. આ ટ્રક મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં જાય છે અને ત્યાંના જરૂરિયાતમંદોને જમવાનું પૂરું પાડે છે.

કોવિડ-19: ભારતીય નૌસેના દ્વારા શરુ થયું ઓપરેશન ‘સમુદ્ર સેતુ’

નવી દિલ્હી: વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો 8 મે થી શરુ થશે જેમાં ઈન્ડિયન નેવીના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે. આ ઓપરેશનના ભાગરૂપે હાલ બંને જહાજો સાથે રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની ‘માલે’ બંદર પર જવા માટે ભારતીય નૌસેનાના જાંબાઝ જવાનો રવાના થઈ ચૂક્યા છે.

વિદેશમાં વસતા ભારતીયો પર કોવિડ-19 ના રોગચાળાની શું અસર છે એ સ્થિતિ પર સરકાર ખૂબ ઝીણવટભરી નજર રાખી રહી છે. ભારતીય નૌકાદળને સમુદ્ર માર્ગે ભારતીયોને પાછા લઇ આવવા માટે યોગ્ય તમામ તૈયારીઓ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રિપબ્લિક ઑફ માલદીવ્સ સ્થિત ‘ધ ઇન્ડિયન મિશન’ ભારતીય નાગરિકોની યાદી તૈયાર કરી રહ્યું છે. ‘ધ ઇન્ડિયન મિશન’ જરૂરી મેડિકલ સ્ક્રીનીંગ બાદ આ ભારતીયોને જહાજ પર સરળતાથી પહોંચાડવામાં પણ મદદ કરશે. પહેલી યાત્રામાં કુલ ૧ હજાર લોકોને માલદીવ્સથી પરત લાવવાની યોજના છે, જે દરમિયાન જહાજની વહન ક્ષમતા અને જહાજ પર ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓની સાથે-સાથે કોરોના વાઈરસ સંબંધિત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવશે.

જહાજને આ આખા ઓપરેશન માટે સંપૂર્ણ રીતે સજ્જ કરવામાં આવ્યું છે. માલદીવ્સથી છોડાવવામાં આવેલા ભારતીયોને દરિયાઇ સફર દરમિયાન સંપૂર્ણ પાયાની સુવિધાઓ તેમજ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કોવિડ-૧૯ સાથે સંકળાયેલા પડકારોને ધ્યાનમાં રાખીને આ સમગ્ર યાત્રા માટે કડક પ્રોટોકોલ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે.

છોડાવવામાં આવેલા ભારતીયોને કેરળના કોચી ખાતે ઉતારવામાં આવશે અને આ તમામની જવાબદારી રાજ્યના સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવશે. આ સમગ્ર ઓપરેશન ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને અન્ય વિવિધ એજન્સીઓ તેમજ રાજ્ય સરકારોના સહકારથી શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતી પરિવારોની યાદી તૈયાર કરવા અને ગુજરાત પરત આવવા ઇચ્છુકોની વિગતો મંગાવવામાં આવી છે.

લોકડાઉન ઈફેક્ટઃ શિર્ડી સાઈબાબા મંદિરને દાન અત્યંત ઘટી ગયું

શિર્ડી (મહારાષ્ટ્ર): કોરોના લોકડાઉને મંદિરમાં આવતા દાન પર પણ પ્રતિકૂળ અસર પાડી છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડીના સાંઈબાબા મંદિર ટ્રસ્ટને દૈનિક ધોરણે રૂ. 150 કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. શિર્ડી મંદિરના ચઢાવા સ્વરૂપે થતી વાર્ષિક આવક રૂ. 600 કરોડ છે. સાઈબાબાને દૈનિક દાન સ્વરૂપે રૂ. 1.64 કરોડથી વધુ મળે છે.

લોકડાઉનને કારણે આ મંદિર બંધ થયા પછી 17 માર્ચથી ત્રીજી મે સુધીમાં ઓનલાઇન ડોનેશન દ્વારા આશરે રૂ. 2.53 કરોડ મળ્યા છે. એટલે કે દૈનિક માત્ર રૂ. છ લાખની રકમ દાન સ્વરૂપે મળી છે.

મંદિર ટ્રસ્ટને રૂ. 150 કરોડથી વધુ નુકસાન થવાની વકી

આવામાં સાંઈબાબા ટ્રસ્ટને દૈનિક રૂ. 1.58 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જો આ લોકડાઉન આ જ રીતે જૂન સુધી ચાલ્યું તો મંદિર ટ્રસ્ટને રૂ. 150 કરોડથી વધુનું નુકસાન થશે. મંદિર બંધ થવાને કારણે ઓનલાઇન  8-9 સાંઈ ભક્તો જ દર્શન કરે છે.

દૈનિક 40-50 હજાર ભક્તો દર્શને આવતા

સામાન્ય દિવસોમાં એક દિવસમાં સાંઈબાબાનાં દર્શન 40-50 હજાર જેટલા ભક્તો કરતા હતા અને રૂ. એક કરોડથી વધુની રકમ દાન પેટીમાં નાખતા હતા.

સંસ્થાનો મેડિકલ પર રૂ. 100 કરોડ ખર્ચ

શિર્ડીના સાંઈ બાબા સંસ્થા તરફથી કેટલાય પ્રકારના સામાજિક કામ કરવામાં આવતા હતા. સંસ્થા તરફખી જે લોકોને પ્રસાદના સ્વરૂપે લાડુ આપવામાં આવતા હતા એના પર સંસ્થા પ્રતિ વર્ષે રૂ. 40 કરોડ ખર્ચ કરતી હતી. આ ઉપરાંત સંસ્થા હજ્જારોની સંખ્યામાં લોકોની મફત સારવાર કરતી હતી- પછીએ હાર્ટનું ઓપરેશન હોય કે મોટી સંખ્યામાં ડાયાલિસિસની મશીનો લગાવવાનાં અન્ય કામ હોય. સંસ્થા મેડિકલ પર પ્રતિ વર્ષ રૂ. 100 કરો ખર્ચ કરે છે. સંસ્થા ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો ખર્ચ પર ઉઠાવે છે અને રૂ. 15 કરોડનો ખર્ચ કરે છે. બાબાના મંદિરને સાફસૂથરું રાખવા માટે આશરે 8000 કર્મચારીઓ દિવસ-રાત કામ કરે છે, સંસ્થા તેમના પર દર વર્ષે રૂ. 160 કરોડ ખર્ચ કરે છે.

સંસ્થા પાસે રૂ. 2300-2400 કરોડ જમા

સંસ્થા પાસે રોકડની સાથે સોના-ચાંદી અને અન્ય ચીજવસ્તુ છે, જે બાબાને દાન સ્વરૂપે છે. સાંઈ સંસ્થાની પાસે રૂ. 2300-2400 કરોડ બેન્કમાં જમા છે, જેના વ્યાજ સ્વરૂપે રૂ. 100-150 કરોડ પ્રતિ વર્ષ મળે છે.

ચારુસેટ યુનિવર્સિટીના ફેકલ્ટીને મળ્યો INSA નો ફેલો એવોર્ડ

ચાંગા: ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ), તેની સંશોધન પહેલ અને અધ્યાપન અધ્યયનમાં નવીનતા લાવવા માટે સમગ્ર પશ્ચિમ ભારતમાં જાણીતી છે.  તાજેતરમાં ચારુસેટની ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (CSPIT) ના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી ડો. પ્રભિન સુકુમારનને પ્રતિષ્ઠિત ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી (INSA)નો વિઝિટિંગ સાયન્ટિસ્ટ ફેલો એવોર્ડ ૨૦૨૦ મળ્યો છે.

આ ફેલોશિપ અંતર્ગત તે મોહાલી (પંજાબ)ના ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન ક્ષેત્રના વૈજ્ઞાનિકના સહયોગથી ૩૦ દિવસ દરમિયાન અદ્યતન સંશોધન કરશે. તેમનું આ સંશોધન ભૂસ્તરશાસ્ત્ર અને માનવશાસ્ત્રના છેલ્લા બે મિલિયન વર્ષથી ચાલતા માનવ ઉત્ક્રાંતિ અને આબોહવા વચ્ચેના આંતરસંબંધોને લક્ષ્યમાં રાખીને કરવામાં આવશે.

છેલ્લા 7 વર્ષથી ચારુસેટ સાથે સંકળાયેલા ડો.સુકુમારને જણાવ્યુ કે સંશોધન સંબંધિત તમામ પ્રવૃત્તિઓમાં ચારુસેટ યુનિવર્સિટી દ્વારા અનુકૂળ વાતાવરણ મળે છે જે મારા જેવા યુવાન સંશોધકોને સારા કાર્યને ચાલુ રાખવા પ્રોત્સાહિત કરે છે. મેં કોઈ અન્ય ખાનગી યુનિવર્સિટી જોઇ નથી, જે યુવા સંશોધકોને આવી રાહત અને આર્થિક સહાય પરી પાડે છે. હું ચારુસેટ સાથે સંકળાયેલા હોવાનો આનંદ અનુભવું છું.

મહત્વનું છે કે, INSAની સ્થાપના જાન્યુઆરી ૧૯૩૫માં ભારતમાં વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા તથા માનવતા અને રાષ્ટ્રીય કલ્યાણ માટે સાયન્ટીફીક નોલેજ ઉભું કરવાના હેતુથી કરવામાં આવી હતી. દર વર્ષે હજારો ઉત્સાહી સંશોધકો ફેલોશિપ માટે અરજી કરે છે અને INSAની વિજ્ઞાન પ્રમોશન સમિતિ, અરજદાર અને અભ્યાસના ક્ષેત્રના ટ્રેક રેકોર્ડના આધારે પસંદગી પ્રક્રિયા કરે છે. વર્ષ ૨૦૨૦ દરમિયાન, સમગ્ર ભારતમાંથી સમિતિ દ્વારા કુલ 52 ફેલોશિપને મંજૂરી આપવામાં આવી હતી.

દેશમાં શહેરી કરતાં ગ્રામીણ નેટ યુઝર્સની સંખ્યા વધી

બેંગલુરુઃ દેશમાં સૌપ્રથમ વાર ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધી છે. ઇન્ટરનેટ અને મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (IAMAI) અને નીલ્સનના તાજા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર, 2019 સુધીમાં ગ્રામીણ ભારતમાં 22.7 કરોડ સક્રિય ઇન્ટરનેટ વપરાશકારો છે, જે શહેરી ભારતીય 20.5 કરોડ વપરાશકારો કરતાં 10 ટકા વધુ છે. દેશમાં વિશ્વની તુલનાએ સસ્તા ઇન્ટનેટ કનેક્શન્સને લીધે વપરાશકારોની સંખ્યામાં વધારો થયો હતો.

આ ઉપરાંત 5-10 વર્ષની વયનાં આશરે 50 લાખ બાળકો જે ફેમિલીના સભ્યોનાં મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરીને ઓનલાઇન થાય છે. આ સાથે માર્ચ, 2019ની તુલનાએ ભારતમાં પાંચ વર્ષ અથવા એનાથી વધુ વયના 45.1 કરોડ સક્રિય ઇન્ટનેટ વપરાશકારોની સંખ્યા વધીને નવેમ્બર, 2019માં 50.4 કરોડએ પહોંચી છે.

ઇન્ટનેટ વપરાશમાં અમેરિકા, ચીન પછી ભારત ત્રીજા ક્રમે

પાંચ વર્ષ અથવા વધુ વયના 50.4 કરોડ ઇન્ટનેટ વપરાશકારોની સાથે સક્રિય ઇન્ટનેટ વપરાશકારોની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ચીન પછી બીજા ઇન્ટનેટ વપરાશકાર દેશ બન્યો છે, ચીનમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા 85.કરોડ છે, જ્યારે અમેરિકામાં 28-30 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે.

જોકે ભારત હજી બંને દેશો કરતાં ઇન્ટનેટ વપરાશમાં પાછળ છે, કેમ કે અમેરિકામાં 88 ટકા અને ચીનમાં 61 ટકા ઇન્ટનેટ વપરાશ થાય છે, જેની તુલનાએ ભારતમાં 40 ટકા થાય છે. અહેવાલ કહે છે કે માર્ચ-નવેમ્બરના સમયગાળામાં ઇન્ટરનેટ ઓનલાઇન વપરાશકર્તાની સંખ્યા પુરુષ વપરાશકર્તાની સંખ્યામાં 9 ટકાનો વધારો થયો હતો, એની સરખામણીએ મહિલા વપરાશકારોની સંખ્યા 21 ટકા વધી હતી. આ સમયગાળા દરમ્યાન મહિલા ઓનલાઇન વપરાશકારોની સંખ્યા 2.6  કરોડ પહોંચી છે.

અંતરિયાળ વિસ્તારોમાં હજી વપરાશકારોની સંખ્યા વધવાની સંભાવના

અહેવાલમાં જણાવ્યા અનુસાર આગામી કેટલાક વર્ષોમાં દેશના અંતરિયાળ વિસ્તારોમાં નવા વપરાશકર્તાઓ ઉમેરવાની સંભાવના છે. નવેમ્બર 2019 સુધીમાં ટોચનાં આઠ મહાનગરોમાં ઇન્ટરનેટનો વપરાશ માર્ચ, 2019ની 63 ટકાની સરખામણીએ વધીને 65 ટકા હતો.

સ્થાનિક ભાષામાં વપરાશકારોની સંખ્યામાં વધારો

આમાં મજાની વાત એ હતી કે નાનાં શહેરો અને સ્થાનિક ભાષામાં વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થયો હતો. ખાસ કરીને હિન્દી, મરાઠી અને બંગાળી ભાષાના વપરાશકારોમાં ઇન્ટનેટ વપરાશ ખાસ્સો વધ્યો હતો, જેની સરેરાશ માસિક સંખ્યા 1.3 કરોડથી 2.2 કરોડ લોકો સુધી હતી.

કોરોનાથી સાજા થયેલા ૩૫૦ લોકોને એક જ દિવસમાં ડિસ્ચાર્જ મળ્યો!

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના ૩૫૦ દર્દીઓ સાજા થઈને
ઘરે પાછાં ફર્યા!


મુંબઈઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી સૌથી મોટા રાહતના સમાચાર એ આવ્યા છે કે, રાજ્યના 350 કોરોનાથી પીડિત લોકો સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે!

એક જ દિવસમાં ૩૫૦ કોરોનાપીડિતો સારા થઈને ઘરે પાછા ફર્યા. દેશમાં કોરોનાનું આક્રમણ થયું, ત્યારબાદ આ એવી પહેલી ઘટના છે કે, આટલી મોટી સંખ્યામાં, તે પણ એક જ દિવસમાં કોરોનાથી સાજા થઈ ગયેલા ૩૫૦ લોકોને ડિસ્ચાર્જ અપાયો! આ બાબતથી આરોગ્ય વિભાગ તેમજ દરેક દર્દીના સગાંઓને ઘણી મોટી રાહત મળી છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ તેમજ પૂના શહેરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સહુથી વધુ રહી છે. ત્યારે આ જ મુંબઈ તથા પૂણે શહેરમાં કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યા હવે વધી રહી છે. મુંબઈમાં 228 દર્દીઓ સારા થઈને ઘરે પાછા ફર્યા છે. તો પૂણેમાં કોરોના સંક્રમણથી સાજા થઈ ગયેલા 110 લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. એવી માહિતી આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ આપી છે.

‘મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,465 કોરોના સંક્રમિત લોકો સાજા થઈ ગયા છે. રોગીઓ પરનો ઉપચાર સફળ થઇ રહ્યો છે. જેથી વધુ સંખ્યામાં રોગીઓ સારા થઈ રહ્યાં છે. ઉપરાંત કોરોનાની તપાસણી માટેના કેન્દ્રો વધુ સંખ્યામાં ખોલવામાં આવ્યા છે. જેથી મોટી સંખ્યામાં દર્દીઓનું યોગ્ય સમયે, ત્વરિત નિદાન થઈ રહ્યું છે.’ એવું આરોગ્ય મંત્રી ટોપેએ જણાવ્યું.

રાજ્યમાં ૯ માર્ચે કોરોનાથી સંક્રમિત થયેલો પહેલો રોગી મળી આવ્યો હતો. 23 માર્ચે પૂનામાં કોરોના સંક્રમણથી સાજા થઈ ગયેલા રોગીને ઘરે મોકલવામાં આવ્યો. ત્યારબાદ રોગીઓના સાજા થવાનું પ્રમાણ વધી જ રહ્યું છે. તે સોમવારે, 4 માર્ચે, એક જ દિવસમાં સહુથી મોટી સંખ્યામાં એટલે કે, 350 રોગીઓ સારા થઈ ઘરે પાછા ફર્યાં. તેમાં મુંબઈ પાલિકાના 165, થાણા-3, થાણા મહાપાલિકા-11, નવી મુંબઈ મહાપાલિકા-14, કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકા-7, વસઈ-વિરાર મહાપાલિકા-23, રાયગઢ-3, પનવેલ મહાપાલિકાની હદમાં-2 એમ મુંબઈના કુલ 228 દર્દીઓ સાજા થયા.

પૂના મહાપાલિકા-72, પિંપરી-ચિંચવડ મહાપાલિકા-14, સોલાપૂર મહાપાલિકા-22 તો સાતારા-2 એમ પૂનાના 110 રોગી સાજા થઈને ઘરે પાછાં ફર્યા. અમરાવતી મહાપાલિકા-1, બુલડાણા-1 અને નાગપુર પાલિકાના 10 રોગીઓને સાજા થયા બાદ ઘરે મોકલવામાં આવ્યા છે.

‘અત્યારે રાજ્યમાં 25 સરકારી તેમજ 20 ખાનગી તપાસણી કેન્દ્ર કાર્યરત છે. ત્યાં દરરોજ 7 હજારથી વધુ કોરોના સંક્રમિતોની તપાસ કરી શકાય એટલી ક્ષમતા છે. ગઈકાલ સુધીમાં રાજ્યના 1 લાખ 75 હજાર કોરોના ટેસ્ટમાંથી 1 લાખ 62 હજાર કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.’ એવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું.

સીતારામનનાં હસ્તે રૂપી-યુએસ ડોલરના F&O કોન્ટ્રેક્ટ લોન્ચ કરાશે

મુંબઈ તા.6 મે, 2020ઃ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા આઈએનએક્સ) ખાતે કેન્દ્રનાં નાણાં અને કોર્પોરેટ અફેર્સ પ્રધાન નિર્મલા સીતારામનનાં હસ્તે શુક્રવાર, 8 મે, 2020ના રોજ ઈન્ડિયન રૂપી-યુએસ ડોલરના ફ્યુચર્સ અને ઑપ્શન કોન્ટ્રાક્ટ લોન્ચ કરવામાં આવશે.

નિર્મલા સીતારામન એક વેબ કોન્ફરન્સ દ્વારા આ કોન્ટ્રાક્ટ બપોરે 3 વાગ્યે લોન્ચ કરશે, એમ ઈન્ડિયા આઈએનએક્સને જણાવ્યું હતું.

સોનિયાનો કેન્દ્રને સવાલઃ 17 મે પછી લોકડાઉનનું શું?

નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારે ગઈ 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું છે જેને કારણે આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ પ્રકારના વ્યવહારો બંધ થઈ ગયા છે. એ સંદર્ભમાં કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ આજે સવારે એમની પાર્ટી દ્વારા શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની એક વિડિયો કોન્ફરન્સ બેઠક બોલાવી હતી. જેમાં લોકડાઉન-3 દરમિયાન દેશમાં પ્રવર્તતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારનો લોકડાઉન વિશે શું પ્લાન છે એ વિશે સવાલ પણ ઉઠાવ્યો હતો.

 

સોનિયા ગાંધીએ આ બેઠકમાં સવાલ કર્યો હતો કે લોકડાઉનની ત્રીજી મુદત 17 માર્ચે પૂરી થશે એ પછી સરકારની એક્ઝિટ વ્યૂહરચના શું હશે?

સોનિયાએ પૂછ્યું હતું કે, 17 મેચ પછી શું? અને 17 મે પછી બધું કેવી રીતે હશે? લોકડાઉનને કેટલે સુધી ચાલુ રાખવું જોઈએ એ માટે કેન્દ્ર સરકાર કયા ધારાધોરણ અપનાવી રહી છે?

 

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પણ સવાલ ઉઠાવ્યો હતો કે લોકડાઉનને સમાપ્ત કરી દેવાયા બાદ સરકાર શું કરવાની છે. ‘આપણને જણાવવું જ જોઈએ. સોનિયાજીએ બરાબર પૂછ્યું છે કે લોકડાઉન-3 પછી શું થશે?’

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે સરકારે આર્થિક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. જ્યાં સુધી વ્યાપક આર્થિક પેકેજ આપવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્યો અને દેશ કેવી રીતે ચાલી શકશે? આપણને 10 હજાર કરોડની મહેસુલી આવકની ખોટ ગઈ છે.

બેઠકમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.