DSPની કાળી કમાણીનો પર્દાફાશ: 200 કરોડથી વધુની સંપત્તિ

હૈદરાબાદ: તેલંગાણા એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ હૈદરાબાદમાં પોલીસ કોમ્પ્યુટર સર્વિસિસના DSP સંકીરેડ્ડી ભીમ રેડ્ડીના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડી 200 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો ખુલાસો કર્યો છે. તેમના પર આવક કરતાં વધુ સંપત્તિ એકત્રિત કરવાનો આરોપ છે. ACBના જણાવ્યાનુસાર અધિકારીએ પોતાની નોકરી દરમિયાન કથિત રીતે ભ્રષ્ટાચાર અને અન્ય ગેરકાયદે માર્ગોથી વિશાળ સંપત્તિ ઊભી કરી હતી. આ કેસમાં ગુરુવારે ACBની ટીમોએ એકસાથે 16 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમાં DSPનું ઘર તેમ જ તેમના સંબંધીઓ, મિત્રો, કથિત બેનામીદારો અને સહયોગીઓ સાથે જોડાયેલી મિલકતોનો સમાવેશ થાય છે.

ફ્લેટ, પ્લોટ, સોનું, ચાંદી સહિત અનેક સંપત્તિઓ મળી

આ દરોડા દરમિયાન ACBને તેલંગાણા અને કર્ણાટકમાં ફેલાયેલી તેમની વિશાળ સંપત્તિના પુરાવા મળ્યા હતા. આ અધિકારીઓને પ્રોપર્ટી સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા, જેમાં વેસેલા મેડોઝ, ઇબ્રાહિમ બાગમાં પેન્ટહાઉસ ધરાવતું G+2 લક્ઝરી વિલા, ટેલિકોમ નગર, ગાચીબૌલી અને તેલ્લાપુરમાં ચાર રહેણાક ફ્લેટ, નાગોલ અને પટાંચેરુમાં ત્રણ ખાલી પ્લોટ, મણિકોંડામાં આવેલા G+5 કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભાગીદારી, 3000 ચોરસ ફૂટની કોમર્શિયલ જગ્યા તેમ જ કર્ણાટક, સંગારેડ્ડી, વિકારાબાદ અને મુચિંતાલામાં 50 એકરથી વધુ કૃષિ જમીન સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક માઇનિંગ કંપનીમાં 75 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે.

19.91 લાખ રૂપિયાની બેંક ડિપોઝિટ પણ મળી

આ દરોડા દરમિયાન DSPના ઘરેથી 3.6 લાખ રૂપિયા રોકડા અને એક કથિત બેનામીદારના ઘરેથી 40 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત બે કિલો સોનાના દાગીના અને 20 કિલો ચાંદીની વસ્તુઓ પણ મળી આવી. લગભગ 19.91 લાખ રૂપિયાની બેંક ડિપોઝિટની પણ માહિતી સામે આવી છે.

સંપત્તિની બજાર કિંમત 200 કરોડ રૂપિયાથી વધુ

અધિકારીઓના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલી અચળ સંપત્તિની બજાર કિંમત 200 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે.

અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ

ડીએસપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 (2018ના સુધારા મુજબ)ની કલમ 13(1) (b) અને 13 (2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ACBએ જણાવ્યું છે કે હજુ પણ વધારાની સંપત્તિઓની તપાસ ચાલુ છે અને કુલ સંપત્તિનું મૂલ્ય વધુ વધી શકે છે. કથિત ગેરકાયદે સંપત્તિનો સંપૂર્ણ પત્તો લગાવવા તેમ જ આ સમગ્ર કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.