ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રા જેલ જશેઃ વિનય કટિયારનો દાવો

અયોધ્યાઃ રામ મંદિરમાં દાનની રકમની કથિત ચોરીના મામલે ભાજપના નેતા અને બજરંગ દળના સ્થાપક વિનય કટિયારે દાવો હતો કર્યો કે આ મામલે નાણાંની ગેરરીતિ થઈ છે અને આગામી દિવસોમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, ગોપાલ રાવ અને ટ્રસ્ટી અનિલ મિશ્રાને જેલ જવાની નોબત આવી શકે છે. તેમણે કહ્યું હતું કે સ્પષ્ટ છે કે પૈસાની ગેરરીતિ થઈ છે. મેં આ મુદ્દે મોદીજી સાથે વાત કરી હતી. તેમણે પૂછ્યું કે આગળ શું થશે? મેં કહ્યું હતું કે બધું ઠીક થઈ જશે. શક્ય છે કે આગામી દિવસોમાં ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રા જેલ જાય.

ચંપત રાય પર લાગેલા આરોપોને લઈને તેમણે કહ્યું હતું કે કોણે કેટલા આરોપો લગાવ્યા છે તે સમજાતું નથી. તેમણે દાવો કર્યો કે દાનની રકમમાં ભારે ઉચાપત થઈ છે અને આ મામલે તેઓ સીધા વડા પ્રધાન મોદી સાથે સંપર્કમાં છે. SITની તપાસ અંગે તેમણે કહ્યું હતું કે તેમને જે આદેશ મળ્યો છે તે મુજબ તેઓ તપાસ કરી રહ્યા છે. કોઈને છોડવામાં નહીં આવે. SIT તપાસ સંપૂર્ણ નિષ્ઠાથી કરશે.

ગોપાલ રાવ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ગોપાલ રાવ સૌથી નકામો માણસ હતો. કોઈ વ્યવહાર નહોતો, ખબર નથી તેને અયોધ્યા કોણે મોકલ્યો. અમે તો અયોધ્યા જતા પણ નહોતા. એક વખત ભગવાન રામનાં દર્શન કરવા ગયા ત્યારે તેણે પૂછ્યું હતું કે તમે કોની પરવાનગીથી અહીં આવ્યા છો? મેં સવાલ કર્યો હતો કે તું કોણ છે? શું તું અહીં આવનારા લોકોને ઓળખતો નથી? ત્યાર બાદ હું ઘરે આવી ગયો. પછી એક કલાક બાદ મેં તેને ફોન કરીને કહ્યું કે તું અહીં રહેવાનો નથી, જ્યાંથી આવ્યો છે ત્યાં દક્ષિણ ભારત જતો રહે. અનિલ મિશ્રાનું નામ દાનચોરી વિવાદમાં આવવા અંગે તેમણે કહ્યું હતું  કે અનિલ મિશ્રા સીધાસાદા માણસ છે. હા, તેઓ આ ચક્કરમાં ફસાઈ ગયા છે, નહીં તો તેઓ આવું ન કરતા.