Home Blog Page 4792

ટ્રેનો મફત ચલાવોઃ ગુજરાત હાઈકોર્ટે મજૂરોની તરફેણમાં ચુકાદો આપ્યો

અમદાવાદઃ દેશમાં જુદા જુદા રાજ્યોમાં કામ કરતા પ્રવાસી મજૂરોને તેમના વતન જવાની લોકડાઉનના ત્રીજા તબક્કામાં છૂટ આપવામાં આવી હતી. પ્રવાસી મજૂરોની સુવિધા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પણ ચલાવવામાં શરૂ કરવામાં આવી છે, પરંતુ એ માટે ચાર્જ કરાતા રેલવેનાં ભાડાંને લઈને રાજ્યો અને કેન્દ્ર વચ્ચે વિવાદ થયો છે. આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે વતન પાછા પરતા પ્રવાસી મજૂરોનાં ભાડાં જે તે રાજ્યોએ ચૂકવવાં જોઈએ અથવા રેલવેએ આ સુવિધા મફત કરવી જોઈએ.

ગુજરાત હાઇકોર્ટમાં પ્રવાસી મજૂરોને થઈ રહેલી મુશ્કેલીઓ બાબતે સુનાવણી દરમ્યાન રાજ્ય સરકારે કહ્યું હતું કે કેટલાય પ્રવાસી મજૂરો પોતાની જાતે રાજ્યમાં આવ્યા હતા, એટલે આંતર-રાજ્ય પ્રવાસી મજૂરો અધિનિયમ 1979ની જોગવાઈઓ આ લોકો પર લાગુ ન પડે. આ અધિનિયમ હેઠળ આવા પ્રવાસી મજૂરોને વિસ્થાપન ભથ્થાં અને યાત્રા ખર્ચ ન આપી શકાય.

રાજ્ય સરકારે આ વાત વકીલ આનંદ યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલી અરજીના સંબંધમાં કહી હતી. ગુજરાત હાઈકોર્ટમાં પ્રવાસી મજૂરોથી જોડાયેલા કેટલીય જનહિત અરજીઓ કરવામાં આવી છે. જેના પર કોર્ટે સુનાવણી  કરી હતી. સરકારે તર્ક આપ્યો હતો કે આંતર-રાજ્ય પ્રવાસી શ્રમિક અધિનિયમ 1979ની જોગવાઈ ઉક્ત અધિનિયમ હેઠળ રજિસ્ટર્ડ પ્રવાસી મજૂરો પર લાગુ છે. આ અધિનિયમ હેઠળ 7512 શ્રમિકો રજિસ્ટર્ડ છે. ઉપલબ્ધ આંકડાને આધારે રાજ્યમાં 22.5 લાખ પ્રવાસી મજૂરો છે. એમાંથી મોટા ભાગના પોતાની રીતે રાજ્યમાં કકામ કરવા આવ્યા છે. જેથી સરકારના અહેવાલમાં કહ્યું છે કે આવા પ્રવાસી મજૂરોને આંતર-રાજ્ય પ્રવાસી અધિનિયમ, 1979ના અનુભાગ 14અને 15 હેઠળ યાત્રા ભથ્થાં અને વિસ્થાપન ભથ્થાની ચૂકવણી ન કરી શકાય.

હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઊધડો લીધો

ગુજરાત હાઇકોર્ટે શનિવારે રાજ્યની ખાડે ગયેલી હેલ્થકેર સિસ્ટમનો – ખાસ કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ બાબતે પણ રાજ્ય સરકારનો ઊધડો લઈ નાખ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે સિવિલ તંત્ર, રાજ્યના આરોગ્યપ્રધાન, આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ અને રાજ્ય સરકારની આકરી ઝાટકણી કરી હતી. હાઈકોર્ટે તેના વચગાળાના ચુકાદામાં કહ્યું હતું કે અમને એ વાતનું આશ્ચર્ય છે કે આરોગ્યપ્રધાને સિવિલ હોસ્પિટલની અનેક વાર મુલાકાત લીધી છે, ત્યારે ત્યાં દર્દીઓ કઈ મુસીબતોનો સામનો કરી રહ્યા છે અને કર્મચારીઓ કેવી મુશ્કેલીઓમાં કામ કરી રહ્યા છે એનો તેમને કોઈ અંદાજ નથી? સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર્સના અભાવે દર્દીઓ મરી રહ્યા છે.વેન્ટિલેટર્સની અછતની સમસ્યા છે, ત્યારે સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા કેવી તૈયારી કરી છે?

કોર્ટે અવલોકન કર્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થયેલા મોટા ભાગના દર્દીઓ સારવારના ચારથી પાંચ દિવસમાં મરી રહ્યા છે. જે હોસ્પિટલમાં ક્રિટિકલ કેરનો સંપૂર્ણ અભાવ હોવનું દર્શાવે છે.

બોલ પર થૂંક લગાડવા પર પ્રતિબંધ કામચલાઉ હશેઃ કુંબલે

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન, ભૂતપૂર્વ લેગસ્પિનર અનિલ કુંબલેના અધ્યક્ષપદ હેઠળ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ક્રિકેટ સમિતિએ કોરોના વાઈરસનો ચેપ રોકવા માટે હાલ બંધ કરાયેલી ક્રિકેટની મેચો જ્યારે ફરી રમાડવાનું શરૂ થાય ત્યારે બોલને ચમકાવવા માટે એની પર થૂંક લગાડવાની ભલામણ કરી છે.

કુંબલે સમિતિની આ ભલામણ વિશે વર્તમાન તથા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. કેટલાક જણે કહ્યું છે કે આ રીત પર પ્રતિબંધ મૂકવાથી બોલરોને નુકસાન જશે. અમુક ક્રિકેટરોએ થૂંકને બદલે કોઈ અન્ય કૃત્રિમ પદાર્થ લગાડવાની પરવાનગી આપવાની વકીલાત કરી છે.

હવે કુંબલેએ આ સંદર્ભમાં પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે.

એમણે કહ્યું છે કે બોલ પર થૂંક લગાડવા પર પ્રતિબંધનો નિર્ણય કામચલાઉ હશે. કોરોના વાઈરસના ચેપ પર એકવાર અંકુશ આવી જશે તે પછી થૂંક લગાડવાની જૂની રીતને ફરી ચાલુ કરવા દેવામાં આવશે.

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનું માનવું છે કે આ કામચલાઉ નિર્ણયથી બોલરોને ઘણું શીખવા મળશે. તેઓ બેટ્સમેનને હંફાવવા માટે કોઈક નવી અને વધારે કુશળ રીત અજમાવતા થશે.

કોરોના રસી નિર્માણમાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહેશેઃ ફ્રાન્સ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ માટેની એક વાર નક્કર સારવાર મળી જાય એ પછી આ રોગની દવા અને રસીઓના મોટા પાયે ઉત્પાદનમાં ભારતની ભૂમિકા મહત્ત્વની બની રહેશે, એમ ભારતસ્થિત ફ્રાન્સના રાજદૂત ઇમાન્યુઅલ લેનને કહ્યું છે. વિશ્વભરમાં 50 લાખથી વધારે લોકો આ વાઇરસથી સંક્રમિત છે અને 3.30 લાખથી વધુ લોકોનો ભોગ લેનાર કોરોના વાઇરસ માટેની અસરકારક દવા અને રસી શોધવા માટે સમગ્ર વિશ્વમાં અનેક સંશોધકો વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. 

ભારતની દવા અને રસીના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા

વૈશ્વિક સ્તરે ભારત રસીઓ અને જેનેરિક દવાઓના ઉત્પાદનમાં અગ્રેસર છે. ભારતમાં સંખ્યાબંધ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ કોરોના વાઇરસની રસી શોધવા માટે અલગ રીતે પ્રયાસો કરી રહી છે. કોરોના વાઇરસની અકસીર દવા કે રસી મળી જાય એ પછી દવાઓ અને રસીના ઉત્પાદનમાં ભારતની ભૂમિકા અગ્રેસર રહેશે, વળી દેશો વચ્ચે સંકલન કરવું પણ ખૂબ મહત્ત્વનું છે, કેમ કે વિશ્વવ્યાપી વિતરણ વ્યવસ્થા પણ યોગ્ય રીતે ગોઠવાવી જોઈએ, એમ ફાન્સના એમ્બેસેડરે પીટીઆઇ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું. તેમની આ ટિપ્પણી એટલે મહત્ત્વની છે કેમ કે હાલમાં જ યુરોપિયન યુનિયનના 27 દેશોએ કોરોના વાઇરસની દવા કે રસી શોધાયા પછી એના વોલન્ટરી પેટન્ટ હકો મેળવવા પર ભાર મૂક્યો હતો અને એના જથ્થાબંધ ઉત્પાદન પછી એકસમાન દરેક દેશને ઉપલબ્ધ બને એની ખાતરી પણ માગી હતી.

WHOની બેઠકમાં પણ આ મુદ્દા પર ભાર

તાજેતરની વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની બે દિવસીય કોન્ફરન્સમાં આ મુદ્દો ઊભો થયો હતો કે કોરોના વાઇરસ સામેની અકસીર દવા કે રસી દુનિયાના બધા દેશોને ઉપલબ્ધ કરાવવામાં આવે. એવું હોવું ન જોઈએ કે એક-બે દેશ જ આ દવા કે વેક્સિનને પોતાની પાસે દબાવી રાખે અને પછી એમાંથી ખૂબ નફો રળે. અનેક દેશોએ આ વાત પર ખાસ ભાર મૂક્યો છે. ફ્રાન્સ અને ભારતે યુરોપિયન યુનિયનના આ ઠરાવ (WHO)ને ટેકો પૂરો પાડ્યો હતો. આ વૈશ્વિક મહામારી સામે વિશ્વના લોકોના જાહેર સ્વાસ્થ્ય માટે કોવિડ-19 સામે વ્યાપક દવા-રસીને ઉપલબ્ધ કરાવવા ભાર મૂક્યો હતો.

ભારતે 133 દેશોને હાઇડ્રોક્સિક્લોરોક્વીન 44.6 કરોડ ગોળીઓ સપ્લાય કરી  

વિશ્વભરમાં જ્યારથી કોરોના વાઇરસ પ્રસર્યો છે ત્યારથી ભારતે વૈશ્વિક અભિગમ કેળવીને 133 દેશોને હાઇડ્રોક્સિક્લોરોક્વીન ટેબ્લેટ્સ અને 1.54 અબજ પેરાસિટામોલ પહોંચાડી છે, જેની અનેક વૈશ્વિક નેતાઓએ પ્રશંસા કરી છે.

ફાર્મસી ઓફ ધ વર્લ્ડ

ગયા સપ્તાહે ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું હતું કે કોરાના વાઇરસના વૈશ્વિક રોગચાળા સામે ભારતે ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ની ભૂમિકા ભજવી છે.

ભારતનો આભાર માન્યો

ફ્રેન્ચ રાજદૂત લેનને વધુમાં કહ્યું છે કે હાલની સદીમાં કોરોના સંકટમાં ફ્રાન્સ અને ભારત દવા-રસી બનાવવા માટે યોગ્ય વિકલ્પ છે. કેટલાક ગંભીર દર્દીઓની સારવાર કરવા માટે ભારતે જે કેટલીક ક્રિટિકલ ડ્રગ્સની નિકાસને મંજૂરી આપી એ માટે અમે ભારતના ખૂબ આભારી છીએ.

ભારત આવનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 14 દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન

નવી દિલ્હીઃ ભારત સરકાર જૂન મહિનાથી આંતરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ કરવા વિચારે છે ત્યારે હવાઈ, દરિયાઈ કે જમીન માર્ગે ભારત આવનાર પ્રવાસીઓ માટે તેણે 15 નવા નિયમો ઘડ્યા છે. કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ઘડેલા આ નિયમોમાં દર્શાવાયું છે કે ભારતમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ 14 દિવસ સુધી ફરજિયાત ક્વોરન્ટાઈન સ્થિતિમાં રહેવું પડશે.

આ ક્વોરન્ટાઈન સમયગાળામાં સાત દિવસ એમના પોતાના ખર્ચના સંસ્થાકિય ક્વોરન્ટાઈન હશે જ્યારે બીજા સાત દિવસ એમણે પોતાના ઘરમાં જ ક્વોરન્ટાઈન રહેવું પડશે અને પોતાના સ્વાસ્થ્ય પર જાતે જ દેખરેખ રાખવી પડશે.

તમામ પ્રવાસીઓએ કોઈ ફ્લાઈટ કે જહાજ કે જમીન માર્ગના વાહનમાં બેસતા પહેલા 14-દિવસ માટે ક્વોરન્ટાઈન થવા માટે લેખિતમાં ખાતરી આપવી પડશે.

મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે અમુક અપવાદના કેસોમાં, જેમ કે, કોઈ વ્યક્તિને માનસિક રીતે અસ્વસ્થ હોય, કોઈ સ્ત્રી ગર્ભવતી હોય, પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય, કોઈને ગંભીર બીમારી હોય અને 10 વર્ષથી નીચેની વયના બાળકો સાથેના માતાપિતા હોય તો એમને માટે 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનની પરવાનગી આપવામાં આવશે. આવા અપવાદના કેસોમાં પણ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજિયાત રહેશે.

ભારત આવનાર તમામ પ્રવાસીઓને એમના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. થર્મલ સ્ક્રીનિંગ કરાયા બાદ જેમનામાં કોરોના વાઈરસના કોઈ લક્ષણ નહીં હોય માત્ર એમને જ તેમજ ફ્લાઈટ કે જહાજમાં ચડવા દેવામાં આવશે.

ભારત સરકારે 25 મેના સોમવારથી તો ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. જોકે અમુક રાજ્યો એ માટે તૈયાર નથી.

તમામ પ્રકારનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ભારત સરકારે બે મહિનાથી સસ્પેન્ડ કર્યો છે. કોરોના વાઈરસના ચેપને રોકવા માટે સરકારે 25 માર્ચથી દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું હતું. જોકે હવે ધીમે ધીમે એમાં છૂટછાટો આપવામાં આવી રહી છે.

આ છે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના 15 નિયમોની વિગત.

યોગીને મારી નાખવાની ધમકી આપનારો પકડાયોઃ ઓળખો યુવકને

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખસની મુંબઈ ATSએ ધરપકડ કરી છે.  આરોપીનું નામ છે કામરાન અમીન ખાન. એને ઉત્તર પ્રદેશ STFને સોંપી દેવામાં આવ્યો છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીએ કબૂલ કર્યું છે કે તેણે જ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. યુપીના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં આરોપીની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

કોણ છે આરોપી

મુંબઈ ATS દ્વારા ધરપકડ કરવામાં આવેલા શખસની ઓળખ કામરાનના રૂપમાં કરવામાં આવી છે. તે મુંબઈનો રહેવાસી છે. ઝવેરીબજારમાં અગાઉ સિક્યોરિટી ગાર્ડની નોકરી કરનાર કામરાન પર 2017માં સ્પાઇન ટીબીનું ઓપરેશન થયું હતું. એ પછી તેણે નોકરી છોડી દીધી હતી. હાલ તે કોઈ કામ કરતો નથી. કામરાનના પરિવારમાં માતા, બહેન અને એક ભાઈ છે.
નશાનો બંધાણી છે કામરાન

કામરાનના પિતા ટેક્સી ચલાવતા હતા. બે મહિના પહેલાં તેમનું મોત થયું હતું. તેનો મોટા ભાઈ ઇમરાન અલી ખાન મોબાઇલ રિપેરિંગનું કામ કરે છે. કામરાનની માતા શિરીન પહેલાં શિક્ષિકા હતી, પણ હાલ તે કોઈ કામ નથી કરતી. તેની બહેન ઝરીન મેહંદીના ક્લાસ ચલાવે છે. યુપીમાં કામરાનના કોઈ સગાંસંબંધી નથી. તે મુંબઈ ચૂનાભઠ્ઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યુ મહાડા કોલોનીનો રહેવાસી છે. 25 વર્ષીય કામરાને પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે નશાનો બંધાણી છે.
યુપી પોલીસના 112ની મુખ્ય ઓફિસમાં ગુરુવારે મોડી રાતે આશરે સાડાબારે એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજ અહીંના સોશિયલ મિડિયા ડેસ્ક નંબર 7570000100 પર આવ્યો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે CM યોગીને હું બોમ્બથી મારવાનો છું. (એક ખાસ સમુદાયનું નામ લખ્યું હતું)- તેઓ એક ખાસ કોમના દુશ્મન છે. આ મેસેજ આવ્યા પછી ઉચ્ચ અધિકારીઓને આની સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ ગોમતીનગર સ્ટેશનમાં કલમ 505 (1) B, 506  અને 507 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મેસેજ રાત્રે 12.32 કલાકે આવ્યો. એ પછી પોલીસ સ્ટેશનમાં માત્ર 19 મિનિટની અંદર FIR નોંધવામાં આવ્યો હતો. રવિવારે મુંબઈ ATSએ કામરાનની ધરપકડ કરીને યુપી STFને સોંપી દીધો હતો. હવે તેના રિમાન્ડ માગવામાં આવશે. ત્યાર બાદ તેને યુપીમાં લાવવામાં આવશે.

મહારાષ્ટ્રમાંથી લોકડાઉન ઓચિંતું નહીં, ધીમે ધીમે હટાવીશું: ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે ફેસબુક લાઈવ મારફત રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. એમણે કહ્યું કે, કોરોના સામે મહારાષ્ટ્રવાસીઓની લડાઈ સરસ રહી છે. આગળ જતા પરિસ્થિતિ વિકટ બનશે, પરંતુ ગભરાવાનું નથી.

લોકડાઉન ક્યારે ઉઠાવી લેવામાં આવશે? એ વિશે ઠાકરેએ કહ્યું કે લોકડાઉન અચાનક લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એ અચાનક ઉઠાવી લેવામાં નહીં આવે, પરંતુ ધીમે ધીમે પાછું ખેંચવામાં આવશે. કોરોનાનાં કેસોનો રોજ વધારો થાય છે. તેથી આપણે જિંદગીની ગાડીને ધીમે ધીમે ફરી રસ્તા પર લાવીશું. આપણે આ બીમારી સામે હજી એકદમ કાળજી લેવાની છે. આપણે માસ્ક પહેરવાનું અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું ચાલુ જ રાખવાનું છે.

આમ, ઠાકરેએ સંકેત આપ્યો છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 મે પછી લંબાવાશે.

દેશમાં કોરોના દર્દીઓના કેસોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર પહેલા નંબરે છે.

ઠાકરેએ કહ્યું કે મે મહિનાના અંત સુધીમાં રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી જશે એવું કેન્દ્ર સરકાર સંચાલિત ICMRનું અનુમાન હતું, પરંતુ આપણે લોકડાઉનનો કડક રીતે અમલ કરીને અને લોકોએ પણ શિસ્તબદ્ધ રીતે એનું પાલન કરતાં આ સંખ્યા ઘણી જ ઓછી રહી છે. આજે મહારાષ્ટ્રમાં કુલ પોઝિટીવ કેસ 33,786 છે. 13,404 દર્દીઓ સાજા થઈને ઘેર પહોંચી ગયા છે.

મુંબઈમાં કોરોના પોઝિટીવ થયેલી ગર્ભવતી મહિલાઓએ કોરોના નેગેટિવ બાળકોને જન્મ આપ્યો તે કુદરતનો ચમત્કાર જ કહેવાય. 90 વર્ષના એક વૃદ્ધાએ સાજા થઈને કોરોનાને માત આપી છે. આવનારા અમુક સમયમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાની શંકા છે, પરંતુ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, એમ ઠાકરેએ કહ્યું.

રાજ્યમાં આપણે લાખો ઘરોમાં જઈને દર્દીઓની સારવારની વ્યવસ્થા કરવામાં સફળ રહ્યા છીએ. હવે થોડા જ દિવસોમાં ચોમાસું બેસશે એટલે એમાં અમુક બીમારીઓ થશે. તેથી દરેક જણે વધારે સંભાળવાની જરૂર છે. હવે 7000 પલંગવાળી હોસ્પિટલ ઉપલબ્ધ છે. આવતા મહિનામાં આપણે વધુ 15 હજાર પલંગ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવીશું. મુંબઈમાં દર્દીઓને વેન્ટીલેટર કરતાં ઓક્સિજનની જરૂર વધારે છે તેથી ફિલ્ડ હોસ્પિટલમાં જ ઓક્સિજનનો પુરવઠો વધારવામાં આવશે, એમ ઠાકરેએ કહ્યું.

આ વર્ષે વરસાદમાં ભીંજાવાની, મજા કરવાની ઈચ્છાને ટાળી દેવી પડશે. ગરમ પાણી પીતા રહેવું પડશે અને બીજી બીમારીઓને દૂર રાખવી પડશે. બીજી બીમારીઓ દૂર રહેશે તો કોરોના પણ દૂર રહેશે. જે રીતે તમે સહુ ઉનાળામાં સાથીઓથી દૂર રહ્યા છો એવી જ રીતે હવે ચોમાસામાં પણ સાથીઓથી દૂર જ રહેજો, એમ ઠાકરેએ કહ્યું છે.

જે દર્દીઓ સાજા થયા છે તેઓ સમયસર આવ્યા હતા એટલે એમનો સમયસર ઉપચાર થઈ શક્યો હતો. તેથી જે લોકોને કોરોના જેવા લક્ષણો જણાય એમણે તરત જ ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ, એમ તેમણે કહ્યું.

25 મેથી દેશમાં સ્થાનિક ફ્લાઈટ્સ શરૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એમણે કેન્દ્રીય સિવિલ એવિએશન પ્રધાન હરદીપ સિંહ પુરી સાથે આ અંગે ફોન પર વાત કરી છે અને એમને વિનંતી કરી છે કે વિમાન સેવા ફરી શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરવા માટે મહારાષ્ટ્રને થોડા વધારે સમયની જરૂર છે.

બોલીવૂડ ચરિત્ર અભિનેતા કિરણ કુમારને કોરોના થયો

મુંબઈઃ હિન્દી ફિલ્મો તેમજ અનેક હિન્દી ટીવી સિરિયલોના જાણીતા પીઢ ચરિત્ર અભિનેતા કિરણ કુમાર કોરોના પોઝિટીવ જાહેર થયા છે. એ 10 દિવસથી હોમ ક્વોરન્ટાઈન છે.

પોતાને કોરોના થયાની જાણકારી ખુદ કિરણ કુમારે જ એક ટીવી ચેનલને આપી છે.

એમણે કહ્યું કે, એમને ગઈ 14 મેએ જણાવવામાં આવ્યું હતું કે એમને કોરોનાનો ચેપ લાગ્યો છે.

74 વર્ષીય કુમારનું કહેવું છે કે, મુંબઈની એક હોસ્પિટલમાં એમનો એક નાનો મેડિકલ ઉપચાર કરાનાર હતો. એ માટે એમના ઘણા મેડિકલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. એક ટેસ્ટ કોવિડ-19નો પણ હતો, જે કરાવવો ફરજિયાત હોય છે. 14 મેએ એમને જણાવવામાં આવ્યું હતું કે એમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

કુમારે કહ્યું કે પોતાને કોરોના વાઈરસનું કોઈ લક્ષણ નહોતું. ન તો એમને ઉધરસ હી કે ન શરદી હતી કે તાવ હતો. એમને શરીરમાં કોઈ પ્રકારનો દુખાવો પણ થતો નહોતો. આમ, કોરોનાના કોઈ લક્ષણ ન હોવાથી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નહોતા.

કિરણ કુમાર હાલ સેલ્ફ-આઈસોલેશન અંતર્ગત એમના ઘરમાં જ છે. પોતે એકદમ સ્વસ્થ છે અને જે મકાનમાં રહે છે એના ત્રીજા માળ પર પોતે ક્વોરન્ટાઈન થયા છે. એમનો પરિવાર બીજા માળ પર રહે છે. હવે સોમવાર કે મંગળવારે એમનો બીજી વાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

ભારતમાં કોરોના વાઈરસના ચેપગ્રસ્તોની સંખ્યા 1.31 લાખને પાર ગઈ છે અને આ બીમારીથી 3,867 જણના મરણ થઈ ચૂક્યા છે.

કિરણ કુમાર જાણીતા ચરિત્ર અભિનેતા સ્વ. જીવનના પુત્ર છે અને ભૂતપૂર્વ અભિનેત્રી સુષ્મા વર્માને પરણ્યા છે. એમને બે સંતાન છે.

ઉલ્લેખનીય છે કે, બોલીવૂડમાંથી કોરોના પોઝિટીવ જાહેર થયેલા કિરણ કુમાર ત્રીજા વ્યક્તિ છે. આ પહેલાં ગાયિકા કનિકા કપૂર અને નિર્માતા કરીમ મોરાનીના પરિવારજનોને કોરોના થયો હતો.

કોરોના સંક્રમિતોની સંખ્યા 1.31 લાખ અને 3867 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધીને 1,31,868 સુધી પહોંચી ગઈ છે અને 3867 લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલય અનુસાર પાછલા 24 કલાકમાં 6767 નવા કેસ સામે આવ્યા છે અને 147 લોકોનાં મોત થયાં છે. આ બીમારીમાંથી 54,441 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. નવા કેસ સામે આવ્યાના મામલે ફરી રેકોર્ડ તૂટ્યો છે. પાછલા 24 કલાકમાં આજે નવો રેકોર્ડ નોંધાયો છે. રિકવરી રેટ વધીને 41.28 ટકા થયો છે.

છેલ્લા એક મહિનામાં એક લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

છેલ્લા એક મહિનામાં એક લાખથી વધુ લોકો આ વાઇરસથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત છેલ્લા એક મહિનામાં આ વાઇરસે 3000થી વધુનો ભોગ લીધો છે. આ સપ્તાહમાં પ્રતિ દિન આશરે 5500 નવા કેસ નોંધાયા છે. ડેટા મુજબ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવેલા લોકોમાંથી કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી ટ્રેનો અને બસોમાંથી આવેલા પ્રવાસી મજૂરો અને સ્ટુડન્ટ્સ તેમના વતન પાછા ફર્યા છે, એમાંથી નવા કેસો સામે આવી રહ્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 24/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામા ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવુ જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવુ, કામકાજમા મહેનત કરતા ઓછુફળ મળે, જીવનસાથી સાથે ખોટીવાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પ્યુટરક્ષેત્રમાં કામ કરનાર વર્ગમાં નવીનતા જોવા મળે, તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામા બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

વિમાન સેવા હાલ ફરી શરૂ કરવાનો મહારાષ્ટ્ર, છત્તીસગઢનો ઈનકાર

મુંબઈઃ બે મહિનાના લોકડાઉન બાદ ભારતમાં સ્થાનિક વિમાન સેવા શરૂ થવાની તૈયારીમાં છે. 25 મે, સોમવારથી આની શરૂઆત થવાની છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પહેલી ફ્લાઈટ 25 મેની સવારે 4.30 વાગ્યે રવાના થશે.

પહેલા ચરણમાં 2,800 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવાનો કેન્દ્ર સરકારનો પ્લાન છે.

પરંતુ, મહારાષ્ટ્ર રાજ્યએ વિમાન સેવા શરૂ કરવાનો ઈનકાર કરી દીધો છે. આને કારણે આ રાજ્યમાંથી વિમાન સફર શરૂ કરવાની ઈચ્છા રાખતા લોકોને આંચકો લાગ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે સ્થાનિક ફ્લાઈટ્સ શરૂ કરવા પર મૂકેલો પ્રતિબંધ ચાલુ રાખ્યો છે.

આવો જ ઈનકાર છત્તીસગઢ સરકારે પણ કર્યો છે.

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે.

મહારાષ્ટ્ર સરકારના એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે લોકડાઉન વિશે 19 મેના ઓર્ડરને મહારાષ્ટ્ર સરકારે હજી સુધાર્યો નથી. તે ઓર્ડરમાં માત્ર ચોક્કસ પ્રકારની ફ્લાઈટ્સ ચાલુ કરવાની જ પરવાનગી અપાઈ છે. ઘરેલુ ફ્લાઈટ્સ માટેની નહીં.

તે ઓર્ડરમાં રાજ્ય સરકારે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટેનું લોકડાઉન 31 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. માત્ર ડોમેસ્ટિક મેડિકલ સેવાઓ, ડોમેસ્ટિક એર એમ્બ્યુલન્સ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂર કરેલા સુરક્ષા હેતુઓ માટે જ વિમાન સેવા મહારાષ્ટ્રમાં ચાલુ કરવા દેવામાં આવી છે. આ સિવાય તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ છે.

સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રીજન (મુંબઈ શહેર ઉપરાંત આસપાસના થાણે, નવી મુંબઈ, મીરારોડ-વિરારની વચ્ચે આવતા વિસ્તારો) તેમજ પુણે અને ઔરંગાબાદને રેડ ઝોન ઘોષિત કરવામાં આવ્યા છે.

ગઈ કાલે, કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે સરકાર ઓગસ્ટ પહેલા પર્યાપ્ત પ્રમાણમાં ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સ શરૂ કરવા ધારે છે.

દેશવ્યાપી લોકડાઉનને કારણે તમામ શેડ્યૂલ્ડ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ ગઈ 25 માર્ચથી સસ્પેન્ડ છે.

દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસો મહારાષ્ટ્રમાં બન્યા છે. આ રાજ્યમાં અત્યાર સુધીમાં 47 હજારથી વધારે કેસો થયા છે અને 1,500થી વધારે લોકોના મૃત્યુ થયા છે. એકલા મુંબઈમાં જ કોરોનાનાં 28,634 દર્દીઓ છે.

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બગેલે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી અને રેલવે પ્રધાન પીયૂષ ગોયલને લેખિતમાં જણાવ્યું છે કે જે લોકો વિમાન અને રેલવે પ્રવાસ કરવા માગતા હોય એમના વિશેની તમામ વિગતો રાજ્ય સરકારને મળવી જોઈએ એ પછી જ નિર્ણય લેવામાં આવશે.

બગેલનું કહેવું છે કે કડક અને અસરકારક માર્ગદર્શિકા વગર વિમાન સેવા ફરી શરૂ કરવી ન જોઈએ. દેશમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા હજી વધી રહી છે તેવા સમયે ડોમેસ્ટિક વિમાન સેવા ફરી શરૂ કરવાથી બીમારીનો નવો ચેપ ફેલાશે તો એને રોકવો સંભવ નહીં બને.

તામિલનાડુ રાજ્યની સરકાર પણ સ્થાનિક ફ્લાઈટ્સ કરવાનો ઈનકાર કરી ચૂકી છે. એનું કહેવું છે કે લોકડાઉન 31 મે સુધી ચાલુ છે ત્યારે તે રાજ્યમાંથી વિમાન સેવા ફરી શરૂ કરવા માગતી નથી.