ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 July ના રોજ યોજાનારા પ્રસ્તાવિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. મેલબર્નમાં આયોજિત થનારા ‘મેલબર્ન મીટ્સ મોદી’ નામના ભવ્ય સામુદાયિક કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઓનલાઇન ધમકી સામે આવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP) એ તાત્કાલિક ધોરણે આ મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે.

ફેસબુક પોસ્ટ પર કમેન્ટ કરીને આપી ધમકી
ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલો અનુસાર, આ ધમકી ફેસબુક (Facebook) પર એક પોસ્ટની નીચે કમેન્ટ સેક્શનમાં આપવામાં આવી હતી. આ પોસ્ટ મેલબર્નના પ્રખ્યાત માર્વેલ સ્ટેડિયમ (Marvel Stadium) માં આયોજિત થનારા કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રમોશન અને પ્રચાર માટે મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું મુખ્ય આકર્ષણ માનવામાં આવી રહ્યું છે, જેમાં હજારો ભારતીય સમુદાયના લોકો ભાગ લેવાના છે. રિપોર્ટ અનુસાર, ‘અબુ મુસ્તફા’ નામના ફેસબુક એકાઉન્ટ પરથી એક વિવાદાસ્પદ અને ડરામણી ટિપ્પણી કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “વધુ સારું રહેશે કે કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રહે, નહીંતર તેઓ (પીએમ મોદી) ઓસ્ટ્રેલિયા પોતાના મોત માટે આવી રહ્યા છે.” આ વાંધાજનક પોસ્ટ સામે આવતાની સાથે જ આયોજકો દ્વારા આ મામલો ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
તપાસ એજન્સીએ IP એડ્રેસ ઓળખી કાઢ્યું
મળતી માહિતી મુજબ, ઓસ્ટ્રેલિયાની સાયબર અને સુરક્ષા એજન્સીઓએ આ સોશિયલ મીડિયા પોસ્ટ સાથે જોડાયેલા IP એડ્રેસ (IP Address) ની ઓળખ કરી લીધી છે. હવે પોલીસ એ શોધી રહી છે કે આ ટિપ્પણી પાછળ વાસ્તવિક વ્યક્તિ કોણ છે અને તેની પાછળનો મુખ્ય હેતુ શું હતો. આ સાથે અધિકારીઓ એ પણ તપાસી રહ્યા છે કે આ કેસમાં કયા ગુનાહિત કાયદાઓનું ઉલ્લંઘન થયું છે.
જો કે, ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે હજુ સુધી આ તપાસ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ સ્થાનિક મીડિયાનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સીઓ કોઈપણ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ અથવા સરકારના વડાને આપવામાં આવેલી ધમકીને અત્યંત ગંભીરતાથી લે છે અને તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરતી નથી.
ઘણી એજન્સીઓ સંભાળશે પીએમ મોદીની સુરક્ષા
વડાપ્રધાન મોદીના આ પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની ત્રિસ્તરીય જવાબદારી ઘણી એજન્સીઓ પાસે રહેશે. આ સુરક્ષા કવચમાં ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ, સ્ટેટ પોલીસ (રાજ્ય પોલીસ) અને વિશેષ સુરક્ષા એકમો (Special Security Units) સામેલ થશે. પીએમ મોદીના તમામ પ્રસ્તાવિત કાર્યક્રમોના સ્થળોની સુરક્ષા વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય વાર્તાઓમાં ભાગ લેવાની સાથે-સાથે ત્યાં વસતા ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. આવી સ્થિતિમાં મેલબર્નનો આ કાર્યક્રમ મુત્સદ્દીગીરી અને સામાજિક દ્રષ્ટિએ ઘણો મહત્વનો છે. ઓનલાઇન ધમકી મળ્યા બાદ તમામ એજન્સીઓ કોઈપણ સંભવિત ખતરાને નિષ્ફળ બનાવવા માટે સજ્જ છે.

