રાંચીઃ છત્તીસગઢના સરગુજામાં પોલીસ અધિકારીઓ પર એક કરોડ રૂપિયા કથિત રીતે વસૂલવાના ગંભીર આરોપ લાગ્યા છે. આરોપ લગાવનારા લોકો પોતે જ સાયબર ઠગ છે. તેમનો દાવો છે કે પોલીસે કેસમાં લગાવવામાં આવેલી કલમો હળવી કરવા અને વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવા માટે પૈસા લીધા હતા. આ રકમ હવાલા મારફતે લેવામાં આવી હોવાનો આરોપ છે. આરોપીઓને સમર્થન આપતો એક કથિત ઓડિયો પણ સામે આવ્યો છે. ત્યાર બાદ આરોપી ASI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય અધિકારીઓ પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.
આ મામલો અંબિકાપુરમાં થયેલી સાયબર છેતરપિંડી સાથે જોડાયેલો છે. કેસની તપાસ કરી રહેલા ટ્રેઇની IPS રાહુલ બંસલ સહિત કેટલાક પોલીસ કર્મચારીઓ પર આરોપ છે કે કેસમાં કલમો હળવી કરવા અને વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવાના બદલામાં હવાલા મારફતે એક કરોડ રૂપિયાની માગ કરવામાં આવી હતી. મામલા સાથે જોડાયેલો કથિત ઓડિયો સામે આવ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
રોકાણને નામે થઈ હતી છેતરપિંડી
ફરિયાદી રવિ મોહન ગોસ્વામીના જણાવ્યા અનુસાર તેમણે મની ટ્રેડ (Money Trade 365) અને સ્કાય ટ્રેડ (Sky Trade) એપ મારફતે 17-18 બેંક ખાતામાં 84 હપતામાં આશરે 20,15 લાખ રૂપિયા રોક્યા હતા. એપ બંધ થઈ ગયા બાદ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ રેન્જ સાયબર પોલીસ સ્ટેશન અંબિકાપુરમાં BNSની કલમ 318(4), 3(5) અને 66D હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મામલાની તપાસ નગર પોલીસ અધિક્ષક રાહુલ બંસલના નેતૃત્વમાં કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાંથી 23 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી પક્ષે CBI કોર્ટમાં પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કોર્ટે CBI, રાહુલ બંસલ, ASI પ્રવીણ કુમાર રાઠોડ અને કોન્સ્ટેબલ અંશુલ શર્માને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો.
2022 batch, Chhattisgarh cadre IPS Rahul Bansal faces an allegation of accepting a 1 crore rupees bribe
Interview me – 500 rs ki bribery deni pdi ek certificate ke liye
And now demanded 1 crore in first posting #upsc #ips #rahulbansal pic.twitter.com/CBJ3EHD0iU
— Aryak (@aryakthinks) August 13, 2026
કોન્સ્ટેબલ અંશુલ શર્મા પર પણ પૈસા માગવાનો આરોપ
હવે સામે આવેલા કથિત ઓડિયોમાં એક કરોડ રૂપિયાની માગ અને બે હપ્તામાં 50-50 લાખ રૂપિયા હવાલા મારફતે લેવામાં આવ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. કોન્સ્ટેબલ અંશુલ શર્મા પર અલગથી પણ પૈસા માગવાનો આરોપ છે. IG દીપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે એક કરોડ રૂપિયાના લેવડદેવડના આરોપને સમર્થન આપતા અત્યાર સુધી કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. જોકે, રૂપિયા માંગવા સંબંધિત વાતચીતના વીડિયો સામે આવ્યા બાદ ASI અને કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.






