ભરૂચની જામા મસ્જિદને જૈન મંદિર જાહેર કરવાની માગ

ભરૂચઃ ગુજરાતના ઐતિહાસિક શહેર ભરૂચમાં આવેલી સદીઓ જૂની જામા મસ્જિદને લઈને વિવાદ હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. આ ઐતિહાસિક ઇમારતને ‘જૈન મંદિર’ જાહેર કરવાની માગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત કેન્દ્રીય અધિકારીઓ પાસે જવાબ માગ્યો છે.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ન્યાયમૂર્તિ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને અન્ય અધિકારીઓને અરજદારો દ્વારા કરવામાં આવેલા દાવાઓ અને આક્ષેપો અંગે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ મામલાની આગામી સુનાવણી માટે 13 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. આ સુનાવણીમાં વહીવટી તંત્ર અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)એ પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે.

અરજદારોનો દાવો: ‘આ તીર્થંકર મલ્લિનાથનું મંદિર છે’

હરિશંકર જૈન અને અન્ય ચાર અરજદારોએ કોર્ટ સમક્ષ પોતાને ‘જૈન હિન્દુ સમુદાય’ના અનુયાયીઓ ગણાવ્યા છે. તેમનો દાવો છે કે ભરૂચની જામા મસ્જિદ હકીકતમાં જૈન ધર્મના તીર્થંકર મલ્લિનાથનું મંદિર છે. અરજદારોનો આક્ષેપ છે કે મસ્જિદના પરિસરમાં આવેલી પ્રાચીન મૂર્તિઓ, કલાકૃતિઓ અને ધાર્મિક છબિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

કોર્ટમાં ફોટા અને વિડિયો પુરાવા રજૂ કરાયા

પોતાની અરજીના સમર્થનમાં અરજદારોએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કેટલીક તસવીરો અને એક વિડિયો ક્લિપ રજૂ કરી હતી. તેમનો દાવો છે કે આ વિડિયોમાં તીર્થંકરની મૂર્તિ સ્પષ્ટપણે જોવા મળે છે. અરજદારોએ કોર્ટને વિનંતી કરી છે કે મામલાનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી મૂર્તિ અને સમગ્ર પરિસરને કોઈ પણ પ્રકારના નુકસાનથી બચાવવા માટે તાત્કાલિક વચગાળાનું રક્ષણ આપવામાં આવે.

ASIના રેકોર્ડ પર સવાલો ઉઠાવાયા

અરજીમાં 1958ના પ્રાચીન સ્મારકો તથા પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો સંબંધિત કાયદા (AMASR Act)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદારોનું કહેવું છે કે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના રેકોર્ડમાં આ ઇમારત મસ્જિદ તરીકે નોંધાયેલી હોવા છતાં ઐતિહાસિક તથ્યોને આધારે તેને ‘જૈન મંદિર’ જાહેર કરવી જોઈએ.

શું છે સમગ્ર વિવાદ?

રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન બાદ આ વિવાદ વધુ વકર્યો હતો. મે મહિનાથી આ સંગઠન ભરૂચની જામા મસ્જિદને જૈન ધાર્મિક સ્થળ તરીકે ફરી સ્થાપિત કરવાની માગ સાથે હસ્તાક્ષર અભિયાન અને વિવિધ જાહેર કાર્યક્રમો યોજી રહ્યું છે. આ અભિયાન બાદથી આ ઐતિહાસિક ઇમારતની ધાર્મિક ઓળખને લઈને સતત તણાવની સ્થિતિ સર્જાઈ છે.