હિન્દી સિનેમાના ઇતિહાસમાં કેટલીક ફિલ્મો અને તેનાં ગીતો એટલાં અમર થઈ જાય
છે કે દાયકાઓ વીતી જવા છતાં તેમનો જાદુ ઓછો થતો નથી. 1971માં આવેલી ઋષિકેશ મુખર્જીની માસ્ટરપીસ ફિલ્મ ‘આનંદ’ (Anand) અને તેનું પ્રખ્યાત ગીત ‘જિંદગી કૈસી હૈ પહેલી હાયે’ (Zindagi Kaisi Hai Paheli Haaye) આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે. પરંતુ જે ગીતે આખી ફિલ્મની ઓળખ બદલી નાખી, તે મૂળ ફિલ્મમાં હતું જ નહીં!
વાત એ સમયની છે, જ્યારે ફિલ્મ ‘આનંદ’ માટે મહાન ગીતકાર ગુલઝાર અને ઊભરતા ગીતકાર યોગેશ બંનેના ફાળે ગીતો લખવાની જવાબદારી આવી હતી. યોગેશનું એક સુંદર ગીત ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે’ (Kahin Door Jab Din Dhal Jaye) તૈયાર થઈ ચૂક્યું હતું.

તે દરમિયાન સંગીતકાર સલિલ ચૌધરી કલકત્તા જવાના હોવાથી એક નવી ધૂન યોગેશને આપી ગયા હતા. સંજોગવશાત્ આ જ ધૂન ગુલઝાર પાસે પણ પહોંચી હતી અને રેકોર્ડિંગ માટે ગુલઝાર દ્વારા લખાયેલું ગીત ‘ના જિયા લાગે ના’ (Na Jiya Lage Na) નક્કી કરવામાં આવ્યું હતું.
આ વાત જ્યારે નિર્માણ સાથે જોડાયેલા એલ. બી. લક્ષ્મણના કાને પડી ત્યારે તેમણે ન્યાય ખાતર કહ્યું કે યોગેશે પણ મહેનત કરીને ગીત લખ્યું છે, એટલે તેને મહેનતાણું તો મળવું જ જોઈએ.
દિગ્દર્શક ઋષિકેશ મુખર્જી (ઋષિદા)એ યોગેશને બોલાવીને અઢી હજાર રૂપિયાનો ચેક આપ્યો. પરંતુ સાચા અને ખુદ્દાર કલાકાર યોગેશે ચેક સ્વીકારવાની ના પાડી દીધી અને કહ્યું, ‘જ્યારે મારું ગીત ફિલ્મમાં લેવાતું જ નથી, તો હું આ પૈસા કેવી રીતે લઈ શકું?’
તેઓ ચેક લીધા વગર જ પાછા જતા રહ્યા. જ્યારે આ વાત એલ. બી. લક્ષ્મણને ખબર પડી ત્યારે તેમણે ઋષિદાને ભારપૂર્વક કહ્યું કે જો યોગેશ પૈસા નથી લેતો તો તેનું ગીત ફિલ્મમાં રાખી લો.
ઋષિદાએ શરૂઆતમાં મજબૂરી દર્શાવી કે ફિલ્મમાં આ ગીત માટે કોઈ સિચ્યુએશન જ નથી. પરંતુ લક્ષ્મણના સતત આગ્રહને કારણે ઋષિદાએ એક નવો રસ્તો કાઢ્યો અને નક્કી કર્યું કે આ ગીતનો ઉપયોગ ફિલ્મની શરૂઆતમાં ટાઇટલ સોંગ તરીકે કરવામાં આવશે.

બસ, ગીત રેકોર્ડ કરી લેવામાં આવ્યું અને તે મન્ના ડેના જાદુઈ અવાજમાં તૈયાર થઈ ગયું. આ ગીત જ્યારે સુપરસ્ટાર રાજેશ ખન્નાના કાને પડ્યું ત્યારે તેઓ તેનાથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેમણે તરત જ જીદ પકડી કે, ‘આ ગીત તો મારા પર જ ફિલ્માવવું પડશે!’
હીરોની ખાસ ઇચ્છાને માન આપીને માત્ર ત્રણ જ કલાકના ટૂંકા સમયમાં ‘જિંદગી કૈસી હૈ પહેલી હાયે’ ગીત રાજેશ ખન્ના પર શૂટ કરવામાં આવ્યું. જે ગીત મૂળ ફિલ્મમાં હતું જ નહીં, તે અચાનક જ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ અને આત્મા બની ગયું.
આ અદ્ભુત સફળતા બાદ ગીતકાર યોગેશના જીવનમાં પણ ખરા અર્થમાં ‘આનંદ’ના દિવસો શરૂ થઈ ગયા અને તેમના માટે બોલિવૂડની અનેક મોટી ફિલ્મોમાં ગીતો લખવાના દરવાજા ખૂલી ગયા.




