જ્યારે રંગભૂમિ પર જામી હતી ‘પત્તાંની જોડ’… 

આજના જમાનાના અનિવાર્ય દૂષણ એવા વૉટ્સઍપ પર હંમેશાં ફૉરવર્ડ ટાહ્યલાંમાંથી ક્યારેક છીપલાંનાં મોતી લાધી જતાં હોય છે.

હમણાં એક વૉટ્સઍપ ગ્રુપ પર રંગભૂમિ-ચિત્રપટના જંગમ એન્સાઈક્લોપીડિયા નિરંજન મહેતા એટલે જ નિરુભાઈએ એક પોસ્ટ મૂકીઃ

“મુખ્ય પ્રવાહની રંગભૂમિ પર સક્રિય થનાર મારા ત્રણ દિવંગત મિત્રોઃ જગદીશ શાહ, પ્રતાપ સાંગાણી અને પ્રભુદાસ રાયચુરા (જેસલ મહેતા) અને મારા પોતાના પ્રથમ ત્રિઅંકી નાટક ‘પત્તાંની જોડ’ની પ્રથમ રજૂઆતને આજે (09-09-2026) 70 વર્ષ પૂરાં થયાં. ઘણીબધી રીતે ઐતિહાસિક આ નાટકનો પ્રથમ પ્રયોગ મુંબઈના ધોબી તલાવ વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ કૉલેજના હૉલમાં રવિવાર, 09-09-1956ની સમી સાંજે 6.30 વાગ્યે યોજાયો હતો. ટિકિટના દર હતાઃ એક રૂપિયો, બે રૂપિયા અને ત્રણ રૂપિયા.”

નિરુભાઈની પોસ્ટ વાંચી ધડાધડ કમેન્ટ્સનો ધોધ વહ્યો. કવિવર્ય ઉદયન ઠક્કરે રિક્વેસ્ટ કરીઃ “મારા માટે રૂ. 3ની બે ટિકિટ બુક કરવા વિનંતી…” જવાબમાં નિરુભાઈએ કહ્યું, “ક્ષમાપ્રાર્થી છું- શો હાઉસફુલ છે.” લલિત શાહ કહે, “હું બ્લૅકમાં આપવા તૈયાર છું…” સંતૂરવાદક, પ્રકાંડ પંડિત સ્નેહલ મજુમદારે કહ્યું કે “મારી વય 136 દિવસની હોવાથી આવી શકીશ નહીં.” ગ્રુપ ઍડમિન દીપક મહેતા ઉવાચઃ “હું જૂન 1957માં ઝેવિયર્સમાં દાખલ થયો. એ પહેલાં તમે આ નાટક કેવી રીતે ભજવી શકો?” નાટ્યલેખક સતીશ વ્યાસ કહે હું વ્યાસ હોવા છતાં ગણેશકાર્ય માટે તૈયાર છું.” ઉત્કર્ષ મજમુદારે થમ્સ અપની મુદ્રાવાળો અંગૂઠો દાખવ્યો.

પ્રબોધ જોશી લિખિત, પ્રતાપ સાંગાણી દિગ્દર્શિત ‘પત્તાંની જોડ’ના પ્રથમ પ્રયોગના કલાકારો હતાઃ નીલા ઠાકોર-નિરામયી મહેતા-કુસુમ કોટક-પ્રભુદાસ રાયચુરા-અનંત ગોહિલ-હરિદાસ પુરોહિત-મહેન્દ્ર દોશી-નિરંજન મહેતા-પ્રતાપ દોશી-મહેન્દ્ર શાહ-પ્રતાપ સાંગાણી-જગદીશ શાહ. દિગ્દર્શક પ્રતાપ સાંગાણી.

આમ ગોઠવાયું સ્ટેજ…

૧૯૫૬માં બી.એ. ફાઈનલ એક્ઝામ આપ્યા બાદ વૅકેશનમાં બન્ને સખાસહિયારા કહે, “એકાંકી તો બહુ કર્યાં, ચાલોને, એક ત્રિઅંકી કરીએ.”

તે પછી ભજવણીલાયક ત્રિઅંકી નાટકોની શોધ ચાલી. તે વખતે બહુધા છપાયેલાં નાટકો ભજવાતાં. શાહ-મહેતાએ અને અન્ય સહપાઠીએ ઘણાં નાટક વાંચ્યાં, પણ કંઈ જામ્યાં નહીં. એવામાં સમાચાર આવ્યા કે પ્રબોધ જોશી લિખિત ત્રિઅંકી નાટક ‘પત્તાંની જોડ’ નાટક અમદાવાદમાં પ્રાણલાલ ખરસાણી એટલે જ પી. ખરસાણી મહિનાએકથી ભજવે છે… સારું જાય છે.

તરત ‘પત્તાંની જોડ’ની સ્ક્રિપ્ટ માટે પ્રબોધભાઈનો સંપર્ક સાધવામાં આવ્યો, એ કહે “સ્ક્રિપ્ટ તો મેં પી. ખરસાણીને આપી દીધી છે. મારી પાસે કૉપી નથી, પણ તમે કહેતા હોવ તો કાલે કૉલેજ પર આવીને નાટક વિશે તમને વિગતવાર જણાવું.”

બીજા દિવસે કૉલેજમાં, ઉપલા માળે લઈ જતા દાદરા પર લગીર ઊંચાઈએ પ્રબોધભાઈ બેઠા, પરસાળમાં નિરંજનભાઈ, જગદીશભાઈ. પ્રતાપ સાંગાણી, વગેરે… અને પ્રબોધ સરે નેરેશન આપ્યું, એક વેરવિખેર ગુજરાતી સંયુક્ત કુટુંબ છે. વિવિધ પાત્રોની વિવિધ સમસ્યા છે, જે કુટુંબના મોભી દાદાજી સૉલ્વ કરે છે. કથાવસ્તુ ઉપરાંત પ્રબોધભાઈએ પાત્રોની ખૂબીઓ વર્ણવી. સૌ મંત્રમુગ્ધ. એ રીતે ‘પત્તાંની જોડ’ ભજવવાનું નક્કી થયું ને પ્રબોધભાઈએ અમદાવાદથી સ્ક્રિપ્ટ મગાવી આપી.

-અને 9 સપ્ટેમ્બર, 1956ના રોજ પ્રથમ પ્રયોગ ભજવાયો. નાટક સુપરહિટ. તે વખતે નાટ્યઅભિનેતાઓને દસ રૂપિયાનું અને અભિનેત્રીને પંદર રૂપિયાનું કવર અથવા પુરસ્કાર આપવામાં આવતો. મહિલાને પાંચ રૂપિયા વધારે એટલા માટે કેમ કે તે વખતે નાટક માટે અભિનેત્રીનો દુકાળ હતો, ભાગ્યે જ કોઈ સ્ત્રી રંગભૂમિ પર આવતી.

ફુલ હાઉસ ને સોલ્ડઆઉટ…

ધીમ ધીમે નાટકની ખ્યાતિ એ હદે પ્રસરી કે બધા શો હાઉસફુલ. તે વખતનાં સાંસ્કૃતિક મંડળો પણ ફંડ-રેઈઝિંગ કે અન્ય પ્રવૃત્તિઓ માટે ‘પત્તાંની જોડ’ના શો રાખતા. પાંચસો, સાતસો રૂપિયામાં એક શો મળતો.

એક ઈન્ટરેસ્ટિંગ વાતત એ કે તે અરસામાં અલગ અલગ સંસ્થા ‘પત્તાંની જોડ’ ભજવતી. આમાં લેખક પ્રબોધ જોશી કે જગદીશ શાહ-નિરુભાઈને કોઈ વાંધો નહોતો. નિરુભાઈના જણાવવા મુજબ, “તે વખતે અમે નાટક માટે નાટક ભજવતા. એમાંથી કમાણીનો કોઈ ઉદ્દેશ નહોતો. એક રવિવારે તો મુંબઈના ત્રણ નાટ્યગૃહોમાં ત્રણ અલગ અલગ કલાકાર-કસબીઓ ‘પત્તાંની જોડ’ ભજવતા હતા. આ કદાચ એક વિક્રમ હશેઃ એક લેખકનું એક નાટક ત્રણ અલગ અલગ સંસ્થા, અલગ અલગ કલાકારો ભજવે.” બહોત ખૂબ.

ત્રણ ભાષા… ત્રણેય એક્કા…

‘પત્તાંની જોડ’ લેખક-અભિનેતા કાદર ખાને ઉર્દૂમાં ‘તાશ કે પત્તે’ શીર્ષક હેઠળ ભજવ્યું. કાદર ખાન મોટા ભાગે પ્રબોધ જોશીની જ એકાંકીઓ ભજવતા. કદાચ આ એમનું પહેલું ત્રિઅંકી નાટક. એ પોતાના શોમાં તે વખતના ફિલ્મકલાકારોને ઈન્વાઈટ કરતા. એ રીતે દિલીપ કુમારે પણ ‘તાશ કે પત્તે’ જોયેલું. કાદર ખાનના સિનેમાપ્રવેશ માટે ‘તાશ કે પત્તે’નો મોટો ફાળો છે.

પછી તો ‘પત્તાંની જોડ’ હિંદીમાં ‘જબ હમ ન હોંગે’ શીર્ષક હેઠળ ભજવાયું, જેમાં નવોદિત યુવા અભિનેતા જતીન ખન્નાએ એક ટૂંકું, પણ મહત્વનું પાત્ર ભજવેલું. જતીન ખન્ના આગળ જતાં હિંદી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના તરીકે પ્રખ્યાત થયા. આ સાથેની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં છેલ્લી હરોળમાં જમણેથી બીજા, દાઢીવાળા યુવાન તે જતીન ઉર્ફે રાજેશ ખન્ના. આમ ગુજરાતી-ઉર્દૂ-હિંદીમાં પણ પ્રબોધભાઈનું નાટ્યલેખન હુકમના એક્કા જેવું સાબિત થયું.

દૂરદર્શન પર ચિપાયો નાટકનો ગંજીફો…

1959માં ભારતમાં સત્તાવાર ટેલિવિઝનયુગ થયા, પણ ટેલિવિઝન લોકપ્રિય થયાં 1960ના દાયકાના અંતભાગમાં. તે સમયના વાલ્વવાળાં ટીવી સ્વિચઑન કર્યા બાદ પાંચ-દસ કે ક્યારેક પંદર મિનિટ પછી પરદા પર ચિત્ર ને અવાજ દર્શાવતાં. તે વખતે રંગભૂમિના આલા દરજ્જાના કલાકાર સનત વ્યાસ મુંબઈ દૂરદર્શનની ટેક્નિકલ ટીમમાં હતા. ખાસ તો કૅમેરા પર એમની હથોટી. તે વખતે નક્કી થયું કે ‘પત્તાંની જોડ’ નાટકનું એક કલાકનું સંસ્કરણ દૂરદર્શન પર પ્રસારિત કરવું.

એ દિવસો સાંભરતાં સનત વ્યાસ કહે છેઃ “બધું ફાઈનલ થતાં પ્રબોધભાઈએ ત્રિઅંકી નાટકમાંથી એક કલાકનું સંસ્કરણ લખી આપ્યું, કલાકારો નક્કી થઈ ગયા, સ્ટુડિયો બુક થઈ ગયો, પણ, સબૂર. આ શું? જગદીશ શાહે ‘દાદાજી’ બનવાની જ ના પાડી દીધીઃ “કરવું હોય તો જેમ છે, જેવું છે એવું ફુલ લેન્ગ્થ નાટક જ ભજવો… સનતભાઈ અને એમની મૂંઝાયેલી ટીમે તાત્કાલિક ધોરણે બીજા કલાકાર શોધ્યા, શૂટિંગ થયું ને નાટક પ્રસારિત થયું.”

કૅમેરાની પાછળ, કૅમેરાની સામે…

સન 2002-2003ના અરસામાં ‘પત્તાંની જોડ’ સાથે સનતભાઈ ફરી સંકળાય છે. આ વખતે કલાકાર તરીકે. તે વખતે રંગભૂમિ પર ગાજેલાં કે ખાસ નહીં ગાજેલાં નાટકોનાં શૂટિંગ કરી વિડિયો-સીડી બહાર પાડવામાં આવતી. એ ક્રમે ‘પત્તાંની જોડ’ની વિડિયો-સીડી બહાર પાડવામાં આવી, જેમાં સનત વ્યાસ બન્યા દાદાજી.

‘પત્તાંની જોડ’નું સનત વ્યાસવાળું સંસ્કરણ હાલ ઈન્ટરનેટ પર પ્રાપ્ય છે. રસ હોય તો જોઈને ગુજરાતી રંગભૂમિના ઈતિહાસમાં એક ડૂબકી લગાવી લેજો. કેટલાક કલાકારો અભિનયની બાજી એવી સચોટ રમી જતા હોય છે કે કાળના પટ પર ક્યારેય ધૂંધળા નથી થતા. અને 1956ના સપ્ટેમ્બરની સાંજથી શરૂ થયેલો આ રંગીન ખેલ આજે પણ જીવંત છે, કારણ કે એમાં કમાણીનો કોઈ સોદો નહોતો, હતો તો માત્ર કલા પ્રત્યેનો અફાટ પ્રેમ.