સુરત: ૨૪ ઑગસ્ટ, ૧૮૩૩ તાપીના તીરે સુરત નગરીમાં એક વીર યોદ્ધા સરીખા કવિનો જન્મ થયો. સાહિત્ય ક્ષેત્રે શહેરનો આ વીરલો એવો ચમક્યો કે હાલ સુરત સાહિત્ય માટે એના નામથી ઓળખાય છે, નર્મદ નગરી. જી હાં, અમે વાત કરી રહ્યા છે. વીર કવિ નર્મદની. તા – ૨૪મી એ સુરત સહિત ગુજરાતમાં એના જન્મદિનની ઉજવણી થઈ. ત્યારે માનવ કલરવ દ્વારા નર્મદના જીવન કવન આધારિત હું આવું છું નાટક ભજવાયું હતું.
સુરતના રંગભવન હોલનો પરદો ખૂલે છે અને મધુર સંગીત સાથે રેલાતો પ્રકાશ એક ખળ ખળ વહેતી નદીમાં પરિવર્તિત થાય છે. આકાશમાં પુરબહારમાં ખીલેલા ચંદ્રની શીતળ ચાંદની નદીના પાણીમાં ડૂબકી લગાવીને સોનેરી ભાત પાડી રહી છે. આ દ્રશ્ય જોઈને કવિથી કેમ રહેવાય અને એના હાથે ચંદ્ર ચાંદનીની સુમધુર શીતળ કવિતા સરી પડી અને સાથે નાટકનું કથાનક…
વૈભવ દેસાઈ દિગ્દર્શિત અને એશા દાદાવાળા લિખિત આ નાટક ઘણી રીતે ખાસ હતું. અભિનય, નર્મદના ગીતોની નૃત્ય રૂપે પ્રસ્તુતિ તેમજ વકતાઓના વક્તવ્ય નાટકના ભાગરૂપે જ અંદર વણી લેવાયા. અઘરા નર્મદ અને એના સાહિત્યને એકદમ સરળ રીતે અને ટૂંકા ગાળામાં રજૂ કરવામાં નાટકને સફળતા મળી એવું દર્શકો કહી રહ્યા હતા. નાટકની અંદર કવિ નર્મદે સમાજમાં બદલાવ લાવવા માટે કેવા પ્રયાસો કર્યા હતા એ સાથે નર્મદની અજાણી બાજુ પણ પ્રસ્તુત થઈ. નર્મદની કવિતાઓમાં જ્યારે મેહુલ સુરતીનું સંગીત ભળ્યું ત્યારે સ્ટેજ પર એ કવિતાઓએ જાણે સંગીતનો જીવંત શણગાર સજ્યો અને એના પર નૃત્યની પ્રસ્તુતી નાટકને વધુ ઊંચાઈએ લઇ ગયું.
રઈશ મનીઆર અને ડૉ. દક્ષેશ ઠાકરે નર્મદનું જીવન કવન અને એના સુંદર કાવ્યોની સુંદર પ્રસ્તુતી કરી. નાટકમાં નર્મદની ભૂમિકામાં મેઘ પંડિતે મંચ પર નર્મદનો સાક્ષાત્કાર કરાવ્યો. આ પ્રયોગવાદી નાટકમાં અભિનય, સંગીત અને ઉત્તમ સંવાદોએ પ્રેક્ષકોની તાળીઓ વહોરી. નાટકમાં પ્રેક્ષકોને પણ સામેલ કરાયા. નર્મદના પાત્રએ પ્રેક્ષાગારમાં શ્રોતાઓને સવાલ કર્યા કે તમે કોઈપણ જગ્યાએ ખોટું થઈ રહ્યું હોય તો એનો વિરોધ કરશો ? કુરિવાજો કે સમસ્યાઓ સામે લડવાની હિંમત ધરાઓ છો? સામે દર્શક તરફથી જવાબ હા મળે તો નર્મદ એને પણ નર્મદની પાઘડી પહેરાવે અને કહે કે ..તો તમે પણ નર્મદ છો.
કલરવ સંસ્થાના ડૉ. વિનોદ શાહે કહ્યું કે અમે ગયા વર્ષે નર્મદના જીવન પર આધારિત કવિ સંમેલન નું આયોજન કર્યું હતું. ને આ વર્ષે નાટક. આગામી વર્ષોમાં પણ આયોજન થશે અને એ રીતે સુરતના સપૂતને યાદ કરીને ઋણમુકત થવાનું કામ કરીશું.
(અરવિંદ ગોંડલિયા – સુરત)




