ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે DRDO દ્વારા વિકસિત તમામ કન્વેન્શનલ મિસાઈલ સિસ્ટમની ટેક્નોલોજી પાત્રતા ધરાવતી ભારતીય રક્ષણ કંપનીઓને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. આ પગલાથી યુદ્ધ કે કટોકટીના સમયમાં પણ દેશમાં મિસાઈલોની અછત નહીં સર્જાય.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય લેબોરેટરીમાં તૈયાર થતી મિસાઈલ ટેક્નોલોજીને મોટા પાયે વ્યાપારી ઉત્પાદન સુધી પહોંચાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે. નિયત ટેકનિકલ અને રેગ્યુલેટરી જરૂરિયાતો પૂરી કર્યા બાદ ભારતીય કંપનીઓ, જેમાં MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) પણ સામેલ છે, આ મિસાઈલ સિસ્ટમ્સનું ઉત્પાદન કરી શકશે.
આગામી સમયમાં વિદેશી સપ્લાયર્સ પરની નિર્ભરતા ઘટશે અને ઘરેલુ ઉત્પાદકોને નવી તકો મળશે. સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી વધવાથી દેશની ડિફેન્સ સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વૈશ્વિક સ્તરે સુરક્ષા પડકારો વધી રહ્યા છે અને પડોશી દેશોની સૈન્ય ક્ષમતાઓ ઝડપથી વિકસી રહી છે. આવી સ્થિતિમાં દેશમાં જ મિસાઈલ સિસ્ટમનું ઉત્પાદન વધવાથી આપાતકાલીન પરિસ્થિતિઓમાં જરૂરિયાત મુજબ પ્રોડક્શન ઝડપથી વધારી શકાશે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું રક્ષણ ઉત્પાદન રેકોર્ડ 1.54 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું, જ્યારે નિકાસ 23,622 કરોડ રૂપિયા રહી હતી. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે ડિફેન્સ પ્રોડક્શનનો લક્ષ્યાંક 1.75 લાખ કરોડ રૂપિયા અને વર્ષ 2029 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયા નક્કી કર્યો છે.




