અમદાવાદ: નવરાત્રી આસો સુદ એકમના દિવસે ઘટસ્થાપન થાય એ પહેલાં જ ગરબા રમનારા ઉત્સુક લોકોના અનેક સમુહ તાલીમ અને અભ્યાસ કરી રહ્યા છે.
શક્તિની આરાધના અનુષ્ઠાનના દિવસો નવરાત્રિ વિવિધ પ્રાંતોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે.
આ ધાર્મિક ઉત્સવને વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ કંઈક અલગ જ પ્રકારના આયોજન કરી ઉત્સાહથી ઉજવે છે.
નવરાત્રિના મહોત્સવની ઉજવણી માટે વિશ્વ આખાયમાં આયોજકોની સાથે ખેલૈયા પણ તૈયારીઓ પૂર જોશમાં કરી રહ્યા છે.
ગામડાંની શેરીઓ, ચોરા, શહેરની સોસાયટીઓ કે ક્લબો પાર્ટી પ્લોટ જ્યાં ગરબા યોજાવાના હોય ત્યાં આ વર્ષે મંડપ ડેકોરેશન સજાવટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ વર્ષે પણ તમામ તહેવારો, ઉત્સવો ની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે.
ગણેશોત્સવ હોય કે નવરાત્રિ બમણાં ઉત્સાહ થી લોકો બહાર આવી આસ્થા સાથે આનંદ મેળવી રહ્યા છે.
શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, ક્લબો, પાર્ટી પ્લોટ અને રીસોર્ટમાં રાસ ગરબાની ઉજવણી ઇવેન્ટના હોર્ડિંગ્સ ઠેર ઠેર લાગી ગયા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાસ ગરબાની તાલીમ આપતા ટ્રેઇનિંગ સેન્ટરોમાં મોટી સંખ્યામાં લોકો તાલીમ લઇ રહ્યા છે.
જેમાં દરેક વયજુથના લોકો રાસ ગરબાની તાલીમ લઈ રાસ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે.
ગરબાની મોજ લેતા ગૃપ આ વર્ષે રાસ ગરબાના નવા સ્ટેપ, સ્ટાઇલને શીખી સોશિયલ મીડિયા પર મુકી વાયરલ કરી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં રવિવારની વહેલી સવારે જાણીતા પનઘટ પરફોર્મિંગ આર્ટ ‘ ગરબાના ગૃપ સાથે જોડાયેલા લોકો દ્વારા સંપૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રાસ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી હતી.
દેશ વિદેશમાં વિશાળ સ્ટેજ પર તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરંપરાગત પહેરવેશ સાથે પનઘટ દ્વારા ઘણાં વર્ષોથી હજારો કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે.
પરંપરાગત રાસ ગરબા સાથે સતત પચીસેક વર્ષથી કાર્યરત પ્રચલિત પનઘટ પરફોર્મિંગ આર્ટના ચેતન દવે ચિત્રલેખા. કોમને કહે છે, “અમારું ‘ગરબા ગૃપ’ ગુજરાતના જુદા જુદા શહેર, રાજ્યોની સાથે વિદેશમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. દેશ વિદેશમાં આ ગૃપ દ્વારા રાસ ગરબાના ઘણાં કાર્યક્રમોની રજુઆત કરવામાં આવી છે.”
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)






