સુપ્રીમ કોર્ટનો જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો ઈન્કાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને ભારતીય ચૂંટણી પંચ (ECI)ને નોટિસ ફટકારી છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમાર દ્વારા એકતરફી રીતે નિર્ણયો લેવાના આક્ષેપો કરતી અને તેમની સત્તાઓને પડકારતી અરજીઓ પર કાર્યવાહી દરમિયાન આ નોટિસ પાઠવવામાં આવી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તની અગવાઈ હેઠળની પીઠે આ મામલે સુનાવણી કરતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બંધારણીય સંસ્થાઓ પાસેથી કાયદાના દાયરામાં રહીને જ કામ કરવાની અપેક્ષા રાખે છે.જોકે, સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને પદ પરથી સસ્પેન્ડ કરવા અથવા તેમના પર વચગાળાનો રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. અદાલતે જણાવ્યું હતું કે ચૂંટણી પંચનો જવાબ આવ્યા બાદ જ આ અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે. CJI સૂર્યકાન્તે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે જો ચૂંટણી પંચના જવાબમાં એવું સામે આવશે કે નિર્ણયોમાં સર્વસંમતિનો અભાવ હતો, તો કોર્ટ તે નિર્ણયોની સમીક્ષા કરશે.

આ સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો હતો જ્યારે ચૂંટણી કમિશ્નર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી દ્વારા મતદાર યાદી સુધારણા (SIR) અને અન્ય નિર્ણયોમાં પોતાની મંજૂરી વિના એકતરફી નિર્ણયો લેવાયા હોવાના વિરોધના અહેવાલો આવ્યા હતા. અરજીકર્તાઓએ માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચના તમામ નિર્ણયો કમિશનના તમામ સભ્યોની સર્વસંમતિથી લેવામાં આવે.