નવી દિલ્હી: નવા મતદારોની નોંધણી માટે ઉપયોગમાં લેવાતા ‘ફોર્મ 6’ (Form 6)માં કરવામાં આવેલા ફેરફારો અંગે સુપ્રીમ કોર્ટે સોમવારે એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તની અગવાઈ હેઠળની પીઠે સખત વલણ અપનાવતા કહ્યું હતું કે, “અમે ફોર્મ 6ના કોઈપણ સુધારિત વર્ઝન (Modified Form 6)ને મંજૂરી આપી નથી. બાબત સ્પષ્ટ હોવી જોઈએ. જ્યારે રેકોર્ડ રજૂ કરવામાં આવશે, ત્યારે અમે જોવા માંગીએ છીએ કે આ ફેરફાર કોણે કર્યો છે.”
વિશેષ ગહન સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચ (ECI) દ્વારા ઓનલાઈન ફોર્મ 6 સાથે ઉમેરવામાં આવેલી નવી શરતો અને સુધારાઓ અંગે દાખલ થયેલી અરજીની સુનાવણી વખતે સર્વોચ્ચ અદાલતે આ અવલોકન કર્યું હતું. ચૂંટણી પંચે અગાઉ દાવો કર્યો હતો કે આ વધારાના સુધારાઓને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળેલી છે, પરંતુ CJI સૂર્યકાન્તે આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વૈધાનિક ફોર્મ 6માં કાયદાકીય મંજૂરી વગર એકતરફી રીતે ફેરફારો ઉમેરવામાં આવ્યા હતા, જેનાથી નવા મતદારો માટે અડચણો ઊભી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર બાબતે ચૂંટણી પંચ પાસેથી રેકોર્ડ મંગાવ્યા છે અને કોણ ફેરફાર માટે જવાબદાર છે તેની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.






