૧૦ ઓક્ટોબરે જંતર મંતરના વિરોધ પહેલાં અમારી ધરપકડ : CJP નેતા સૌરવ દાસ

મુંબઈ: દિલ્હીના જંતર મંતર ખાતે આગામી ૧૦ ઓક્ટોબરે યોજાનારા મોટા વિરોધ પ્રદર્શન પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સહ-સંયોજક સૌરવ દાસે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે સરકાર તેમને, CJPના સ્થાપક અભિજીત દીપકે, આશુતોષ રાનકા અને રતના સિંહ સહિતના અન્ય મુખ્ય નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે.

સોશિયલ મીડિયા પર આ દાવો કરતા સૌરવ દાસે લખ્યું કે, “જો સરકારને લાગતું હોય કે આવા તાનાશાહી ભર્યા પગલાંથી આંદોલન દબાઈ જશે, તો તે તેમની ભૂલ છે. દેશની યુવા પેઢી હવે જાગી ચૂકી છે. અમે જેલ કે તેનાથી પણ ખરાબ સ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.” તેમણે વધુમાં દેશવાસીઓને અપીલ કરી કે તેઓ અમારી હાજરી વગર પણ ૧૦ ઓક્ટોબરે મોટાપાયે આ આંદોલનમાં જોડાય અને તેમના હકોની લડાઈ ચાલુ રાખે.

અભિજીત દીપકે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે, “તમે કેટલા લોકોની ધરપકડ કરશો? ૧૦ ઓક્ટોબરે આખો દેશ દિલ્હી આવી રહ્યો છે.”

આશુતોષ રાનકાએ આક્ષેપ કર્યો કે તેમને નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) અથવા અન્ય કડક કાયદા હેઠળ જંતર મંતર પ્રદર્શન પહેલાં ગિરફ્તાર કરવામાં આવી શકે છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને વિશેષ ગહન સુધારણા (SIR) પ્રક્રિયા સામે CJP દ્વારા આ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.