ભારત આજે સંરક્ષણ ક્ષેત્રે એક નવી ઊંચાઈ પર પહોંચ્યું છે. ઓડિશાના દરિયાકાંઠે ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતે ‘અગ્નિ’ મિસાઈલના અત્યાધુનિક સંસ્કરણનું સફળ ઉડાન પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને પોતાની તાકાતનો પરિચય આપ્યો છે. આ પરીક્ષણ માત્ર એક મિસાઈલ લોન્ચિંગ નથી, પણ આધુનિક યુદ્ધ ટેકનોલોજીમાં ભારતનું વધતું પ્રભુત્વ છે, જે દુશ્મન દેશો માટે સીધી ચેતવણી સમાન છે.

આ પરીક્ષણની સૌથી મહત્વની બાબત એ છે કે અગ્નિ મિસાઈલને મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે. આ ટેકનોલોજીનો અર્થ એ છે કે આ મિસાઈલ એક જ ઉડાનમાં અલગ-અલગ લોકેશન પર રહેલા અનેક લક્ષ્યોને એકસાથે નિશાન બનાવી તેમને ધ્વસ્ત કરી શકે છે. સંરક્ષણ ક્ષેત્રે આ પ્રકારની ક્ષમતા ધરાવતા ગણ્યાગાંઠ્યા દેશોમાં હવે ભારતનું નામ વધુ મજબૂતીથી જોડાયું છે.
રક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત આ મિસાઈલે પરીક્ષણ દરમિયાન તેની સાથે અનેક હથિયારો (પલોડ્સ) વહન કર્યા હતા. હિંદ મહાસાગર વિસ્તારમાં મિસાઈલે તેના નિર્ધારિત તમામ લક્ષ્યોને અત્યંત સચોટતાથી વીંધી નાખ્યા હતા. જમીન પરના ટ્રેકિંગ સ્ટેશનો અને દરિયામાં તૈનાત જહાજો દ્વારા તેની ઉડાન પર સતત દેખરેખ રાખવામાં આવી હતી. પ્રાપ્ત ડેટા મુજબ, આ પરીક્ષણ ૧૦૦% સફળ રહ્યું છે અને તમામ ટેકનિકલ માપદંડો પૂર્ણ થયા છે.




