અભિજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની પોલીસે કરી અટકાયત

નવી દિલ્હી: મુંબઈથી દિલ્હી પહોંચતાં જ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેને પોલીસે અટકાયતમાં લીધા છે. દિલ્હી એરપોર્ટ પર પહોંચતાં જ દિલ્હી પોલીસે દીપકે અને તેમના સાથીઓને અટકાયતમાં લીધા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતાં જ પોલીસ વિમાનમાં પ્રવેશી હતી અને અભિજિત દીપકે, સૌરવ દાસ તથા આશુતોષ રાંકાને અટકાયતમાં લીધા હતા. પોલીસનું કહેવું છે કે CJPને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. તેથી તેઓ જંતર-મંતર પર જઈને પ્રદર્શન કરી શકશે નહીં.

દીપકે કહ્યું, મારી ધરપકડ કરી લો

પ્રાપ્ત માહિતી મુજબ CJPના સ્થાપક અભિજિત દીપકે જે વિમાનમાં દિલ્હી પહોંચ્યા હતા, તેમાં દિલ્હી પોલીસના જવાનો પ્રવેશ્યા હતા. આ ફ્લાઇટ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર ઊતરી હતી. અભિજિત દીપકેએ દિલ્હી પોલીસને કહ્યું હતું કે હું અહીં ધરપકડ વહોરવા આવ્યો છું. મારી ધરપકડ કરો. તેના જવાબમાં દિલ્હી પોલીસના જવાનોએ કહ્યું, ના, આ ધરપકડ નથી. કૃપા કરીને સહયોગ કરો.

જ્ઞાનેશકુમાર સામેના વિરોધને પગલે દિલ્હીમાં કડક સુરક્ષા

દિલ્હીમાં આજે CJP દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. CJPએ ‘જંતર-મંતર 2.0’નું એલાન કર્યું છે. પાર્ટીએ શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. જોકે દિલ્હી પોલીસે CJPને પ્રદર્શન કરવાની મંજૂરી આપી નથી. આ જ કારણસર દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

હિન્દુવાદી સંગઠનના પિંકી ચૌધરીના પુત્ર હર્ષ ચૌધરીને અટકાયતમાં લેવાયો

હિન્દુવાદી સંગઠનના નેતા પિંકી ચૌધરીના પુત્ર હર્ષ ચૌધરીને ગાઝિયાબાદ પોલીસે અટકાયતમાં લીધો છે. તે પોતાના સાથીઓ સાથે CJPના વિરોધમાં પ્રદર્શન કરવા માટે જંતર-મંતર જઈ રહ્યો હતો.