સંગીતની દુનિયા અજબ-ગજબ રમતો રમે છે! અહીં ક્યારે કયું પત્તું ફરે અને કોની કિસ્મત ચમકી જાય, તેની કોઈ ખાતરી
નથી. બોલિવૂડમાં ક્યારેક જે વસ્તુ માત્ર ‘ટ્રાયલ’ કે ‘કામચલાઉ’ તરીકે થાય, તે જ ઇતિહાસ રચી દેતી હોય છે. ગાયિકા અનુપમા દેશપાંડેની સફરની પણ કંઈક આવી જ રોમાંચક અને ફિલ્મી કહાની છે, જ્યાં એક ડબિંગ (ડમી) ગીતે તેમની આખી કારકિર્દીને એવા વળાંક પર લાવી મૂકી, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી!
એંસીના દાયકામાં જ્યારે દિગ્ગજ ગાયિકાઓ લતા મંગેશકર કે આશા ભોંસલે વિદેશપ્રવાસે જતાં અથવા ઉપલબ્ધ ન હોય, ત્યારે ફિલ્મોનાં શૂટિંગ અને આલ્બમ સમયસર તૈયાર કરવા માટે ‘ડમી રેકોર્ડિંગ’ કરાવવાનો રિવાજ હતો. આ ગીતો પર કલાકારો શૂટિંગ કરતા અને બાદમાં મુખ્ય ગાયક કે ગાયિકાના અવાજમાં ગીતનું અંતિમ રેકોર્ડિંગ કરવામાં આવતું હતું.
આ દોરમાં અનુપમાએ ફિલ્મ ‘સોહની મહીવાલ’ (Sohni Mahiwal, 1984) માટે એક ડમી ગીત ‘સોહની ચેનાબ દે કિનારે સે પુકારે’ રેકોર્ડ કર્યું હતું. મહેબૂબ સ્ટુડિયોમાં પાંચ અંતરાવાળું આ લાંબું ગીત રેકોર્ડ થયું હતું. પાછળથી એ બે ભાગમાં રજૂ થયું.
ગીત રેકોર્ડ કરતી વખતે તેમનું આખું ધ્યાન માત્ર સંગીત અને શિસ્ત પર હતું, કારણ કે તેમને ખબર જ નહોતી કે તેમનો અવાજ કાયમ માટે ફિલ્મમાં રાખવામાં આવશે.

જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું અને સેટ પર આ ગીત વારંવાર વાગવા લાગ્યું, ત્યારે અભિનેત્રી પૂનમ ધિલ્લોન પર આ અવાજ એટલો બધો બંધબેસતો લાગ્યો કે દિગ્દર્શક ઉમેશ મહેરાએ નક્કી કર્યું કે આ ગીતમાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. અનુપમાનો ડમી અવાજ જ ફિલ્મમાં રાખવામાં આવશે!
અહીં એ નોંધવું યોગ્ય ગણાશે કે ફિલ્મનાં બાકીનાં ગીતોમાં આશા ભોંસલેનો સ્વર છે. આ ગીત તેમના સ્વરમાં જ રાખવાનું નક્કી થયા પછી અનુપમાને અંદરથી આશા જરૂર હતી કે કદાચ તેમને મુખ્ય ગાયિકા તરીકે ફરીથી સ્ટુડિયોમાં બોલાવવામાં આવશે અને ગીત ગાવાની તક મળશે, પણ એવું ક્યારેય ન થયું! ડબિંગ કરેલું ગીત જ રાખવામાં આવ્યું. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું.
જે ગીત માત્ર હંગામી ધોરણે ‘ચલાવવા’ માટે ગવાયું હતું, તે ફિલ્મમાં અંતિમ સ્વરૂપે રહ્યું અને ચમત્કાર કહી શકાય એ રીતે અનુપમા દેશપાંડેને આ ગીત માટે ‘શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા’નો પ્રતિષ્ઠિત ‘ફિલ્મફેર એવોર્ડ’ એનાયત થયો!
સવારે અખબારમાં જ્યારે પોતાનું નામ જોયું, ત્યારે તેમને વિશ્વાસ જ નહોતો બેઠો કે ડબિંગ તરીકે ગાયેલું ગીત તેમને આટલી મોટી સિદ્ધિ અપાવી જશે.
એ વર્ષે અનુપમાની સામે માત્ર સલમા આગાનું ચર્ચાસ્પદ ગીત ‘કસમ પૈદા કરને વાલે કી’ (Kasam Paida Karne Wale Ki)નું ‘ઝૂમ ઝૂમ ઝૂમ બાબા’ જ નામાંકનમાં હતું. અને બાજી મારી ગઈ ‘ડમી’ ગાયિકા!

આ એક જ ગીતે અનુપમાની સંગીતયાત્રાને નવી જ દિશા આપી. ‘સોહની મહીવાલ’નું ગીત અનુપમાની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું હતું.
અનુપમાની કિસ્મત સાથે આવો જ રોમાંચક ખેલ ફિલ્મ ‘સૈલાબ’ (Sailaab, 1990)ના માધુરી દીક્ષિત પર ફિલ્માવાયેલા આઇકોનિક ગીત ‘હમકો આજકલ હૈ ઇંતઝાર’ વખતે પણ ખેલાયો હતો! આ ગીતમાં સોલો લાઇન્સ ઓછી અને કોરસનો ભાગ વધારે હતો. સંગીતકાર બપ્પી લાહિરીએ અનુપમાને ફક્ત ડબિંગ માટે જ સ્ટુડિયોમાં બોલાવ્યાં હતાં.
અનુપમાને ખબર સુદ્ધાં નહોતી કે આ ધૂમ મચાવનારું ગીત કોના માટે અંતિમ સ્વરૂપે પસંદ થવાનું છે. જ્યારે શૂટિંગ પછી ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિતે સ્ક્રીન પર પોતાનું આ ગીત જોયું, ત્યારે તે તેના પર ફિદા થઈ ગઈ! માધુરીએ તરત જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : ‘મને બીજો કોઈ અવાજ નથી જોઈતો, આ ગીતમાં મને અનુપમાનો જ અવાજ જોઈએ છે!’
મહારાષ્ટ્રના કોળી સમાજના લોકનૃત્યની થાપ પર બનેલું અને માધુરીના કાતિલ હાવભાવ સાથેનું આ ગીત એવું ગાજ્યું કે નવરાત્રી હોય કે મુંબઈની કોઈ પણ મસ્તીભરી રાત્રિ, આ ગીત વગર કોઈ ઉત્સવ અધૂરો ગણાય છે.






