







મુંબઈ: બોલીવૂડમાં બિનધાસ્ત અભિનેત્રી તરીકેની છાપ ધરાવનાર કંગના રણૌત કોઈપણ મુદ્દે પોતાની રજૂઆત નિડરતાપૂર્વક કરવા માટે જાણીતી છે. સુશાંત સિંહ રાજપૂતના અચાનક નિપજેલા મોત બાદ કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં બોલીવૂડમાં પ્રવર્તતા નેપોટિઝમની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને સાથે હિન્દી ફિલ્મ જગતના કેટલાક દિગ્ગજોના નામ લઈને એમની સામે અવાજ ઉઠાવ્યો હતો.

યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરાથી લઈ ધર્મા પ્રોડક્શન્સના કરણ જોહર જેવા ટોચના નિર્માતાઓને ટાર્ગેટ કરીને કંગનાએ મસમોટા ઘટસ્ફોટ કર્યા છે. તો બીજી તરફ કરણ જોહરનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે કંગના પર નિશાન સાધતા કહે છે કે, કંગના વૂમન કાર્ડ અને વિક્ટિમ કાર્ડનો ઉપયોગ કરતી આવી છે. જો કંગનાને ઈન્ડસ્ટ્રીથી એટલો બધો પ્રોબ્લેમ હોય તો તે ઈન્ડસ્ટ્રી છોડીને જઈ શકે છે. કોણ તેને ગન પોઈન્ટ પર ડરાવી ધમકાવીને અહીં રહેવા માટે કહે છે. જોકે આ વિડિયો વાયરલ થયા પછી અનેક લોકો કરણ જોહરની જ ટીકા કરી રહ્યા છે.

મહત્વનું છે કે, અગાઉ કંગનાએ આપલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંતને કરણ જોહરે ફ્લોપ એક્ટર ગણાવ્યો હતો.
કંગનાએ તો એવો દાવો પણ કર્યો છે કે સુશાંતનું મૃત્યુ આત્મહત્યા નહીં, પરંતુ સુનિયોજિત હત્યા છે.
સોશિયલ મીડિયા પર લોકો સુશાંતની કથિત આત્મહત્યાથી દુ:ખી છે અને સીબીઆઈ દ્વારા તપાસની માંગ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી સહિત અનેક લોકો કંગના સાથે સહમત થયા છે અને મદદ કરવા માટે તૈયાર પણ છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પાંચમીઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન માટે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે. વડા પ્રધાન મોદી પાંચમી ઓગસ્ટે સવારે 11 કલાકે અયોધ્યા પહોંચશે. ભૂમિપૂજન કાર્યક્રમ ત્રણથી ચાર કલાક સુધી ચાલશે. એ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર સહિત 50 જેટલા VIPઓ હાજર રહેશે. વડા પ્રધાન પાંચમી ઓગસ્ટે થનારા શિલાન્યાસમાં 40 કિલો ચાંદીની પવિત્ર ઈંટ મૂકશે, એમ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું છે.
રામ મંદિરના ભૂમિ પૂજનમાં ચાંદીની ઈંટ
સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલા ટ્રસ્ટના પ્રમુખ નૃત્યગોપાલદાસે કહ્યું હતું કે વડા પ્રધાન દ્વારા રામ મંદિરના ભૂમિ પૂજનમાં ચાંદીની ઈંટ મૂકવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ પહેલાં ત્રણ દિવસ વૈદિક મંત્રોચ્ચારથી વિધિ કરવામાં આવશે.
સલામતીનાં કારણોસર VIPની યાદી મર્યાદિત
દેશમાં પ્રસરી રહેલા કોરોના વાઇરસને કારણે આ કાર્યક્રમ બે મહિના મોડો યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં 50 મહાનુભાવો ભાગ લેશે. સલામતીનાં કારણોસર VIPsની યાદીને મર્યાદિત રાખવામાં આવી છે. ટ્રસ્ટે કહ્યું છે કે અયોધ્યામાં શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમને જોઈ શકે એ માટે વિશાળ CCTV સ્ક્રીનો બેસાડી દેવામાં આવી છે.

ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓને આમંત્રણ
રામ મંદિરના આંદોલન સાથે સંકળાયેલા ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યાં છે. આ યાદીમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ ભાજપના વરિષ્ઠ નેતાઓની સાથે ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સહિત અનેક સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
રામ મંદિર આડેના અવરોધ શિવસેનાએ દૂર કર્યાઃ સંજય રાઉત
ભાજપ સાથેના 35 વર્ષના જોડાણનો અંત લાવનાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી તાજેતરમાં જ અયોધ્યાની મુલાકાત લીધી હતી. પાર્ટીના સંસદસભ્ય સંજય રાઉતે પણ કહ્યું હતું કે શિવસેનાએ રામ મંદિરના નિર્માણ આડેના અવરોધોને દૂર કર્યા છે. 
અનલોક-2માં કામ્ચલાઉ મંદિરને ખોલાયું
દેશમાં અનલોક-2માં કેન્દ્ર સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ અયોધ્યામાં બનાવવામાં આવેલા કામચલાઉ રામ મંદિરને ગઈ આઠમી જૂનથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
અમદાવાદ: ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર પાટીલની પસંદગી કરવામાં આવી છે. હાલના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની મુદત પૂર્ણ થઈ રહી છે, જેના કારણે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખનો તાજ કોના માથે મૂકશે તેવી અટકળો શરુ થઈ હતી. પરંતુ પ્રદેશ પ્રમુખપદે સી.આર. પાટીલની નિયુક્તિ કરવામાં આવતા આ અટકળોનો આજે અંત આવી ગયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદ કોઈ બિનગુજરાતી નેતાના હાથમાં સોંપવાની આ પ્રથમ ઘટના છે. મહત્વનું છે કે, સી.આર.પાટીલ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની છે.

ઉલ્લેખનીય છે કે, 2009માં નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ સી.આર. પાટીલે પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી, જેમાં તેમનો વિજય થયો હતો. ત્યારબાદ 2014માં નવસારી લોકસભાની બેઠક પર ભાજપે ફરીથી સી.આર. પાટીલને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં તે કુલ 8,20,831 મતના માર્જિનથી જીત્યા હતા અને સૌથી વધુ લીડ સાથે જીત મેળવનાર સંસદસભ્યોમાં સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે આવ્યા હતા. બે મુદત સુધી સાંસદ રહ્યા બાદ 2019માં પણ તેઓ નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ત્રીજીવાર સાંસદ બન્યા.
(પરેશ ચૌહાણ)
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નાના પુત્ર તેજસ ઠાકરેના બે સુરક્ષા ગાર્ડને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાનો અહેવાલ છે. આ બંને સુરક્ષારક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ એમને અંધેરી (પૂર્વ)ના મરોલ વિસ્તારમાં આવેલા ક્વોરન્ટાઈન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેજસ ઠાકરેના અન્ય સુરક્ષારક્ષકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે અને એમનો અહેવાલ આવવાનો હજી બાકી છે.
બે સુરક્ષાગાર્ડને કોરોના થયો છે એનાથી તેજસ ઠાકરે પર કોઈ જોખમ નથી. કારણ કે, તેજસ છેલ્લા અનેક દિવસોથી ઘરની બહાર નીકળ્યા જ નથી. એટલે તેઓ એમના સુરક્ષારક્ષકોના સંપર્કમાં આવ્યા નથી.
ઉદ્ધવ ઠાકરે અને રશ્મી ઠાકરેનાં મોટા પુત્ર આદિત્ય રાજ્યના પર્યટન અને પર્યાવરણ ખાતાના પ્રધાન છે.
આ પૂર્વે પણ ઠાકરે પરિવારના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે બંદોબસ્ત માટે રાખવામાં આવેલા અમુક પોલીસ જવાનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. એને કારણે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નિવાસસ્થાનથી બહાર જવાનું શક્ય એટલું ટાળે છે. જોકે એને કારણે એમના વિરોધીઓને ટીકા કરવાનો મોકો મળી ગયો છે.
દરમિયાન, ઠાકરેના પ્રધાનમંડળના ચોથા સભ્યને પણ કોરોના થયો હોવાનો અહેવાલ છે.
મત્સ્યોદ્યોગ તથા બંદરગાહો ખાતેની કામગીરીઓના પ્રધાન અસલમ શેખને કરોના થયો છે. શેખ કોંગ્રેસ પાર્ટીના મલાડ (વેસ્ટ)ના વિધાનસભ્ય છે.
આ પહેલાં ઠાકરે પ્રધાનમંડળના જિતેન્દ્ર આવ્હાડ (એનસીપી), અશોક ચવ્હાણ (કોંગ્રેસ) અને ધનંજય મુંડે (એનસીપી)ને પણ કોરોના થયો હતો.
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે એવા લોકોની ઓળખ કરી છે, જેમણે ગયા નાણાકીય વર્ષમાં પોતાના ખાતાંઓમાં મોટી લેવડદવડ કરી છે, પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું અથવા તેમના ઇન્કમ ટેક્સ રિટર્નમાં ખામીઓ છે. આવા લોકો માટે ઇન્કમ ટેક્સ વિભાગે ઈ-કેમ્પેન શરૂ કર્યું છે. આ ઝુંબેશ 20 જુલાઈથી શરૂ થઈ છે અને 31 જુલાઈ સુધી ચાલશે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ (CBDT) વિભાગે આ માહિતી આપતાં કહ્યું છે કે ઈ-કેમ્પેન યોજના હેઠળ આવકવેરા વિભાગ એવા લોકોને ઈમેઇલ અથવા SMS મોકલશે, જેથી પ્રાપ્ત સૂચના અનુસાર તેમની લેવડદેવડની ખરાઈ કરી શકાય.
જાણો શું છે ઈ-કેમ્પેન યોજના અને એના લાભાલાભ
આ ઈ-કેમ્પેનનો હેતુ કરદાતાઓને તેમના કરવેરા-લેવડદેવડની માહિતીની ખરાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો અને સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તેમને નોટિસ ના મળે હોય અને તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે. કરદાતાઓનાં હિતમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
વિભાગ નાણાકીય લેવડદેવડ સંબંધિત માહિતીની ખરાઈ કરવા માટે ઈમેલ-SMS મોકલશે
આ ઈ-કેમ્પેન અંતર્ગત આવકવેરા વિભાગ દ્વારા ઓળખી કઢાયેલા કરદાતાઓને IT વિભાગનું સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, સ્રોત પર કરકપાત (TDS), સ્રોત પર કર સંગ્રહ (TCS), વિદેશથી આવેલા નાણાં (પ્રપત્ર 15 CC) વગેરે વિભિન્ન સ્રોતોથી મળેલી નાણાકીય લેવડદેવડ સંબંધિત માહિતીની ખરાઈ કરવા માટે ઈમેલ-SMS મોકલશે. વિભાગના ડેટા એનાલિટિક્સથી મળેલી માહિતી અંતર્ગત GST, નિકાસ, આયાત અને સિક્યોરિટીઝમાં લેવડદેવડ, ડેરિવેટિવ્ઝ, કોમોડિટીઝ અને મ્યુચ્યુઅલ ફંડ વગેરે સંબંધિત માહિતીઓને એકત્ર કરવામાં આવી છે.

વધુ મૂલ્યની લેવડદેવડ કરવાવાળા કેટલાક કરદાતાઓની ઓળખ
ડેટા વિશ્લેષણથી વધુ મૂલ્યની લેવડદેવડ કરવાવાળા કેટલાક કરદાતાઓની ઓળખ કરવામાં આવી છે, જેમણે નાણાકીય વર્ષ 2019-20 (નાણાં વર્ષ 2018-19થી સંબંધિત) માટે રિટર્ન ફાઇલ નથી કર્યાં. ઇન્કમ ટેક્સ રિટર્ન નહીં ભરવાવાળા સિવાય એવા રિટર્ન ભરવાવાળાઓની ઓળખ પણ કરવામાં આવી છે, જેમના રિટર્નમાં ઊંચા મૂલ્યની લેવડદેવડ પ્રદર્શિત નથી કરવામાં આવી.

| કોઈ પણ વિકલ્પ પસંદ કરીને ઓનલાઇન પ્રતિક્રિયા પણ નોંધાવી શકાશે
ઈ-કેમ્પેન રિટર્ન અંતર્ગત, કરદાતા નિર્દિષ્ટ પોર્ટલ પર ઊંચા મૂલ્યની લેવડદેવડ સંબંધિત માહિતી જોવામાં સક્ષમ હશે. તેઓ આમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરીને ઓનલાઇન પ્રતિક્રિયા પણ નોંધાવી શકશે. 1 માહિતી સાચી છે 2 માહિતી સંપૂર્ણ રીતે સાચી નથી. 3 માહિતી કોઈ અન્ય વ્યક્તિ –વર્ષ સંબંધિત છે. 4 માહિતી ડુપ્લિકેટ છે, અન્ય પ્રદર્શિત માહિતીમાં એ સામેલ છે. 5 માહિતી અસ્વીકૃત છે. |
આવકવેરા ઓફિસમાં જવાની જરૂર નથી
કોઈ પણ પ્રકારથી આવકવેરા ઓફિસમાં જવાની જરૂર નથી, કેમ કે પ્રતિક્રિયા એનલાઇન આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસેસમેન્ટ યર 2019-20 (નાણાકીય વર્ષ 2018-19થી સંબંધિત) માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ સંશોધિત કરીને 31 જુલાઈ, 2020 કરવામાં આવી છે.
મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે દેશભરમાં ગયા માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ થયું હતું, પરંતુ સરકારે ધીમે ધીમે તમામ ક્ષેત્રોને અનલોક કરવાનું શરૂ કર્યું છે. આ વિષયને લઈને ‘ચિત્રલેખા.કોમ’ અને ‘આદિત્ય બિરલા કેપિટલ’ દ્વારા રવિવારે સંયુક્તપણે એક વેબિનારનું ‘ફેસબુક લાઈવ’ પર આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનારનું શિર્ષક હતું: ‘અનલોક કરો, તમારા નાણાકીય જીવનને’. બદલાયેલા સંજોગોમાં કઈ રીતે લેશો આર્થિક રોકાણના નિર્ણયો? કઈ રીતે મજબૂત બનાવશો તમારો પોર્ટફોલિયો? આ વેબિનારમાં આર્થિક જગતના ટોચના નિષ્ણાતોએ રોકાણકારોને સલાહ-સૂચન કર્યા હતા અને એમને માર્ગદર્શન આપ્યું હતું.
આ વેબિનારમાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટના હેડ કે.એસ. રાવ, ફાઈનાન્સિયલ પ્લાનર અને કર્મયોગ નોલેજ એકેડેમીના સ્થાપક અમિત ત્રિવેદી અને આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના EVP અને Co-Head (સેલ્સ) ભવદીપ ભટ્ટે ભાગ લીધો હતો. કાર્યક્રમના મોડરેટર હતા જાણીતા આર્થિક પત્રકાર જયેશ ચિતલિયા.
રવિવારના વેબિનારની રૂપરેખા જણાવતાં જયેશ ચિતલિયાએ જણાવ્યું હતું કે ‘ચિત્રલેખા-આદિત્ય બિરલા કેપિટલ’ આયોજિત વેબિનારનો હેતુ ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને અવેરનેસનો હોય છે. કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લાંબા લોકડાઉન બાદ આપણે હવે અનલોક તરફ જઈ રહ્યા છે. જેમાં આર્થિક જગતના નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કરે છે અને લોકોને માર્ગદર્શન આપે છે. દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે આગળ વધી રહી છે. આપણે હવે ફાઈનાન્સિયલ લાઈફને અનલોક કરવાની છે. જોકે આની સામે હજી ઘણા આર્થિક પડકારો છે. લોકડાઉનના સંજોગોમાં જે લોકો ફાઈનાન્સિયલ પ્લાનિંગ સાથે સજ્જ હતા એમને ઓછી તકલીફ પડી હતી, જે લોકો સજ્જ નહોતા એમને વધારે તકલીફ પડી. એમ કહેવાય છે કે વાઈરસનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટતું જશે અને રીકવરી ચાલુ થઈ જશે. આપણે આશા રાખીએ કે આ આશાવાદ ફળે.
આ અનલોકના સંજોગોમાં લોકોએ મૂડીરોકાણ માટે કયા પ્લાન અપનાવવા જોઈએ અને એના માટે કયું રક્ષણ મેળવવું જરૂરી છે? એવા સવાલના જવાબમાં કે.એસ. રાવે કહ્યું કે કોરોના લોકડાઉન અને અનલોકથી આપણા જીવન પર ઘણી અસર પડી છે. ગુજરાતીઓની ટેલેન્ટથી પ્રભાવિત થયેલા રાવે વધુમાં કહ્યું કે, અનલોકમાં દરેક જણે પોતપોતાના ધ્યેયને તેમની જરૂરિયાત અનુસાર પ્રાધાન્ય આપવું જોઈએ અને એની પર નવેસરથી કામ શરૂ કરવું જોઈએ. કન્ટીન્જન્સી ફંડને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ.
અનલોક સંજોગોમાં કોઈએ પ્લાનિંગ કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ? એવા ચિતલિયાના સવાલના જવાબમાં ફાઈનાન્સિયલ વર્લ્ડ વિશેના પુસ્તકોના લેખક અમિત ત્રિવેદીએ કહ્યું કે, કોરોના વાઈરસના આક્રમણ અને પર્સનલ ફાઈનાન્સને ઘણો સંબંધ છે. બંનેમાં ઈમ્યુનિટી મહત્ત્વની હોય છે. બજારમાં ખરીદી કરવા જઈએ તો હાઈજીનનું ધ્યાન રાખવું પડે એવી જ રીતે, ફાઈનાન્સિયલ માર્કેટમાં પણ બીજાઓની બીમારીને કારણે આપણને ચેપ લાગતો હોય છે. એટલે બંને કેસમાં સંબંધિત ઈમ્યુનિટી વધારવી પડે. ફાઈનાન્સિયલ માર્કેટમાં અમુક પ્રકારના મૂડીરોકાણ અમુક રીતે વર્તતા હોય છે. એટલે લાંબા સમયે સારું વળતર આપી શકે એવા રોકાણ પસંદ કરવા અને ટૂંકા ગાળાનું નહીં કરવાનું. પોતાની જરૂરિયાત મુજબ ધ્યેય નક્કી કરવાના અને મુજબના રોકાણ કરવા જોઈએ. સામાન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી ફંડ રાખવું જોઈએ.
અત્યારના સમયમાં યુવા વર્ગ, મધ્યમ વયના વર્ગ અને નિવૃત્તિ વયના લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ માટે કઈ સ્કીમ, કયા પ્રોડક્ટ સારી કહેવાય? એ સવાલના જવાબમાં ઈનોવેટિવ પ્રોડક્ટ્સના નિષ્ણાત ગણાતા ભવદીપ ભટ્ટે કહ્યું કે, ડિમાન્ડ નબળી હોય એવા સંજોગોમાં લાર્જ કેપ કંપનીઝ સારી કામગીરી કરતી હોય છે. અત્યારે ઘણી અનિશ્ચિતતા પ્રવર્તે છે. લોકોની આવક પણ અનિશ્ચિત થઈ ગઈ છે. આવા સંજોગમાં મલ્ટી કેપ ફંડ સ્થિર ગ્રોથ આપવા માટે સારી તક ગણાય. અત્યારથી લઈને છ-બાર મહિના સુધીના જે જોખમો છે એને ધ્યાનમાં રાખીને હું મેઈનસ્ટ્રીમ મલ્ટી કેપ ફંડમાં મૂડીરોકાણ કરવાની ભલામણ કરીશ. જેમાં 30 ટકા સ્મોલ-મિડ કેપમાં હોય અને બાકીનું લાર્જ કેપમાં હોય.
વેબિનારની શરૂઆતમાં જયેશ ચિતલિયાએ શ્રોતાઓ તથા રોકાણકારોનું ‘આદિત્ય બિરલા સનલાઈફ’ અને ‘ચિત્રલેખા’ પરિવાર તરફથી સ્વાગત કર્યું હતું. એમણે કહ્યું હતું કે ‘ચિત્રલેખા’ મેગેઝિન 70 વર્ષથી વાંચન પીરસી રહ્યું છે. ‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સનલાઈફના સંયુક્ત ઉપક્રમે અત્યાર સુધીમાં દેશના વિવિધ શહેરોમાં 37 જેટલા સેમિનાર યોજવામાં આવી ચૂક્યા છે. ગઈ 31 મેએ પહેલો વેબિનાર કર્યો હતો. ‘ચિત્રલેખા ડિજિટલ’ વિશે ચિતલિયાએ કહ્યું કે ‘ચિત્રલેખા’ પોર્ટલ અને એના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પ્રચલિત છે અને વિશ્વભરમાં જોવાય છે – ખાસ કરીને યૂકે અને યૂએસએ. યુવા વર્ગ આ ડિજિટલનો ખૂબ ઉપયોગ કરે છે. 18 લાખ જેટલા લોકો ‘ચિત્રલેખા’ની વેબસાઈટ પર વિઝિટ કરે છે. લોકડાઉન પહેલા અને લોકડાઉન દરમિયાનના સમયગાળામાં ‘ચિત્રલેખા.કોમ’ દ્વારા ડોક્ટરો, કલાકારો જેવી હસ્તીઓના ફેસબુક-લાઈવ પર અનેક ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા. કોરોના-લોકડાઉન અવસ્થાને કારણે પ્રિન્ટિંગ વ્યવસ્થા બંધ હોવાને કારણે ‘ચિત્રલેખા’એ અનેક સપ્તાહ સુધી તેના વાચકોને ઈ-કોપી ફ્રી-ઉપલબ્ધ કરી હતી. હવે પ્રિન્ટિંગ ફરી શરૂ થઈ ગયું છે. વાચકો માટે હવે પ્રિન્ટ તેમજ ઈ-કોપી, એમ બંને કોપી ઉપલબ્ધ છે.
સંપૂર્ણ વેબિનાર જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ
ચિત્રલેખા-આદિત્ય બિરલા કેપિટલ આયોજિત વેબિનાર
ચિત્રલેખા-આદિત્ય બિરલા કેપિટલ આયોજિત વેબિનાર
Chitralekha द्वारा इस दिन पोस्ट की गई रविवार, 19 जुलाई 2020
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 40,425 નવા કેસ સામે આવ્યા છે અને 681 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 11,8,043 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 27,493 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 7,00,087 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,90,459એ પહોંચી છે. રિકવરી રેટ 62.98 ટકાથી વધુ થયો છે.
IMA કહે છે દેશમાં કોમ્યુનિટી સ્પ્રેડ
દેશમાં વધતા કોરોના વાઇરસના જોખમને લઈને ડોક્ટરોની સૌથી મોટી સંસ્થા ઇન્ડિયન મેડિકલ (IMA) રિસર્ચે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે દેશમાં કોમ્યુનિટી ફેલાવો થઈ ચૂક્યો છે. એણે કહ્યું હતું કે દેશમાં સ્થિતિ બહુ ખરાબ છે. IMAના અધ્યક્ષ ડો. વી. કે. મોંગા કહે છે કે કોરોના હવે ઝડપથી પ્રસરી રહ્યો છે. પ્રત્યેક દિવસે સંક્રમણ કેસોની સંખ્યા 30,000થી વધુ આવી રહી છે. આ દેશ માટે ખરાબ સ્થિતિ છે.

ગ્રામીણ વિસ્તારોમાં કોરોના પ્રસરતાં ચિંતા
IMAએ કોરોના ગ્રામીણ વિસ્તારોમાં પ્રસરતાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના પ્રસરવો એક ખરાબ સંકેત છે. જેનાથી માલૂમ પડે છે કે દેશમાં કોરોના કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ચૂક્યું છે.

ચોમાસા અને શિયાળામાં કોરોના વાઇરસ ઓર વકરશેઃ એમ્સ
IIT- ભુવનેશ્વર અને એમ્સના સંશોધનકર્તાઓએ સંયુક્ત રીતે કરેલા અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે ચોમાસા અને શિયાળામાં તાપમાન ઘટી જવાને કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાય એવી શક્યતા છે. આ અભ્યાસ અનુસાર વરસાદ અને તાપમાનમાં ઘટાડાને કારણે સંક્રમણના પ્રસાર માટે સાનુકૂળ વાતાવરણ હોય છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.
સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે, લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો, બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે .
નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.
અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.
પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વાતનો દાવો કરી રહ્યા છે કે અમેરિકામાં કોરોના વાઇરસનો પ્રસાર નિયંત્રણમાં છે, જ્યારે રાજ્યોના રિપોર્ટ વિપરીત આવી રહ્યા છે. બિનરિપબ્લિકન શાસિત રાજ્યોએ ટ્રમ્પની સામે મોરચો માંડ્યો છે. તેઓ ટ્રમ્પની વિરુદ્ધ બોલી રહ્યાં છે. તેમનું કહેવું છે કે એક તરફ રાજ્યોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ ટ્રમ્પ વિના કારણ એના પર નિયંત્રણના દાવા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વાઇરસના પ્રસાર પર ટ્રમ્પનો રિપોર્ટ ભ્રામક છે.
14 રાજ્યોમાં રેકોર્ડ સ્તરે કોરોનાનો ફેલાવો
અમેરિકાનાં કમસે કમ 14 રાજ્યોએ રેકોર્ડ સ્તરે કોરોના ફેલાયો હોવાની માહિતી આપી છે. અલબામા, એરિઝોના, જ્યોર્જિયા, ફ્લોરિડા, ઉત્તરી કેરોલિના, નેવાડા અને ટેક્સાસે કહ્યું છે કે તેમનાં રાજ્યોમાં કોરોના રેકોર્ડ સ્તરે ફેલાઈ રહ્યો છે. જુલાઈમાં એ વધુ પ્રસર્યો છે. અમેરિકાના રોગ નિયંત્રણ કેન્દ્રના નિષ્ણાતે કોરોનાને લઈને પ્રસાર માટે ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું છે કે શિયાળામાં કોરોના ઝડપથી પ્રસરશે. આ દિવસોમાં કોરોનાના કેસોમાં વધારાનમી સાથે મોતના દરમાં પણ વધારો થશે.
ચૂંટણી પહેલાં ગાયબ થશે કોરોનાઃ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એક વાર કહ્યું છે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં કોરોના વાઇરસ ગાયબ થઈ જશે. ટ્રમ્પ સતત દરેક મંચ પરથી કોરોનાના પ્રસારને ઓછો કરવા માટે કહી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમારી પાસે આગની જ્વાળાઓ છે, પણ અમેરિકાના નાગરિકોને હું વિશ્વાસ અપાવવા માગું છું કે કોરોના વાઇરસ નવેમ્બર સુધીમાં ગાયબ થઈ જશે. તેમણે શનિવારે અમેરિકી જનતાને કહ્યું હતું કે કોરોના પ્રસારને કારણે ચૂંટણી સભાઓ તેઓ નહીં યોજે, તેઓ ટેલિફોનિક સભાને સંબોધિત કરશે.