કોરાના સંક્રમિતોની સંખ્યા 11 લાખને પાર: IMA કહે છે, સ્થિતિ બહુ ખરાબ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 40,425 નવા કેસ સામે આવ્યા છે અને 681 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 11,8,043 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 27,493 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 7,00,087 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,90,459એ પહોંચી છે. રિકવરી રેટ 62.98 ટકાથી વધુ થયો છે.

IMA  કહે છે દેશમાં કોમ્યુનિટી સ્પ્રેડ

દેશમાં વધતા કોરોના વાઇરસના જોખમને લઈને ડોક્ટરોની સૌથી મોટી સંસ્થા ઇન્ડિયન મેડિકલ (IMA) રિસર્ચે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે દેશમાં કોમ્યુનિટી ફેલાવો થઈ ચૂક્યો છે. એણે કહ્યું હતું કે દેશમાં સ્થિતિ બહુ ખરાબ છે. IMAના અધ્યક્ષ ડો. વી. કે. મોંગા કહે છે કે કોરોના હવે ઝડપથી પ્રસરી રહ્યો છે. પ્રત્યેક દિવસે સંક્રમણ કેસોની સંખ્યા 30,000થી વધુ આવી રહી છે. આ દેશ માટે ખરાબ સ્થિતિ છે.

ગ્રામીણ વિસ્તારોમાં કોરોના પ્રસરતાં ચિંતા

IMAએ કોરોના ગ્રામીણ વિસ્તારોમાં પ્રસરતાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના પ્રસરવો એક ખરાબ સંકેત છે. જેનાથી માલૂમ પડે છે કે દેશમાં કોરોના કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ચૂક્યું છે.

ચોમાસા અને શિયાળામાં કોરોના વાઇરસ ઓર વકરશેઃ એમ્સ

IIT- ભુવનેશ્વર અને એમ્સના સંશોધનકર્તાઓએ સંયુક્ત રીતે કરેલા અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે ચોમાસા અને શિયાળામાં તાપમાન ઘટી જવાને કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાય એવી શક્યતા છે. આ અભ્યાસ અનુસાર વરસાદ અને તાપમાનમાં ઘટાડાને કારણે સંક્રમણના પ્રસાર માટે સાનુકૂળ વાતાવરણ હોય છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.