બિનરિપબ્લિકન રાજ્યોએ કોરોના મામલે ટ્રમ્પ સામે મોરચો માંડ્યો

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વાતનો દાવો કરી રહ્યા છે કે અમેરિકામાં કોરોના વાઇરસનો પ્રસાર નિયંત્રણમાં છે, જ્યારે રાજ્યોના રિપોર્ટ વિપરીત આવી રહ્યા છે. બિનરિપબ્લિકન શાસિત રાજ્યોએ ટ્રમ્પની સામે મોરચો માંડ્યો છે. તેઓ ટ્રમ્પની વિરુદ્ધ બોલી રહ્યાં છે. તેમનું કહેવું છે કે એક તરફ રાજ્યોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ ટ્રમ્પ વિના કારણ એના પર નિયંત્રણના દાવા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વાઇરસના પ્રસાર પર ટ્રમ્પનો રિપોર્ટ ભ્રામક છે.

14 રાજ્યોમાં રેકોર્ડ સ્તરે કોરોનાનો ફેલાવો

અમેરિકાનાં કમસે કમ 14 રાજ્યોએ રેકોર્ડ સ્તરે કોરોના ફેલાયો હોવાની માહિતી આપી છે. અલબામા, એરિઝોના, જ્યોર્જિયા, ફ્લોરિડા, ઉત્તરી કેરોલિના, નેવાડા અને ટેક્સાસે કહ્યું છે કે તેમનાં રાજ્યોમાં કોરોના રેકોર્ડ સ્તરે ફેલાઈ રહ્યો છે. જુલાઈમાં એ વધુ પ્રસર્યો છે. અમેરિકાના રોગ નિયંત્રણ કેન્દ્રના નિષ્ણાતે કોરોનાને લઈને પ્રસાર માટે ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું છે કે શિયાળામાં કોરોના ઝડપથી પ્રસરશે. આ દિવસોમાં કોરોનાના કેસોમાં વધારાનમી સાથે મોતના દરમાં પણ વધારો થશે.

ચૂંટણી પહેલાં ગાયબ થશે કોરોનાઃ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એક વાર કહ્યું છે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં કોરોના વાઇરસ ગાયબ થઈ જશે. ટ્રમ્પ સતત દરેક મંચ પરથી કોરોનાના પ્રસારને ઓછો કરવા માટે કહી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમારી પાસે આગની જ્વાળાઓ છે, પણ અમેરિકાના નાગરિકોને હું વિશ્વાસ અપાવવા માગું છું કે કોરોના વાઇરસ નવેમ્બર સુધીમાં ગાયબ થઈ જશે. તેમણે શનિવારે અમેરિકી જનતાને કહ્યું હતું કે કોરોના પ્રસારને કારણે ચૂંટણી સભાઓ તેઓ નહીં યોજે, તેઓ ટેલિફોનિક સભાને સંબોધિત કરશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]