Home Blog Page 4723

સી.આર. પાટીલે ભાજપના 13મા ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો

ગાંધીનગર: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સી.આર. પાટીલે આજે સંભાળી લીધો છે. અત્રે ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પક્ષના ગુજરાત એકમના વિદાય લેનાર પ્રમુખ જીતુ વાઘાણીએ સી.આર. પાટીલને ચાર્જ સોંપ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળતા જ પાટીલે પેટા-ચૂંટણીમાં તમામ બેઠકો પર જીત હાંસલ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

લાંબા સમયથી ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની વિચારણા ચાલી રહી હતી અને હવે સી.આર. પાટીલ પર પસંદગી ઉતારવામાં આવી છે. પાટીલ ગુજરાત ભાજપના 13મા પ્રમુખ બન્યા છે. વિજય મુહૂર્તમાં એમને શ્રીફળ અને ફૂલ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમણે પદભાર સંભાળ્યો હતો.

મહત્વનું છે કે, ગુજરાત ભાજપનું પ્રમુખપદ કોઈ બિનગુજરાતી નેતાના હાથમાં સોંપવાની આ પ્રથમ ઘટના છે. ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની છે.

(પરેશ ચૌહાણ)

આ વર્ષે માત્ર 1,000 વિદેશી હાજીઓને જ હજયાત્રાની પરવાનગી

રિયાધ: વિશ્વભરમાં કોરોના વાઈરસના વધી ગયેલા સંકટને કારણે આ વર્ષે હજ યાત્રા માટે સાઉદી અરેબિયા સરકારે મોટી જાહેરાત કરી છે. આ વર્ષે માત્ર 1000 શ્રદ્ધાળુઓને જ હજ યાત્રાની મંજૂરી આપવામાં આવશે. આ વર્ષે હજ યાત્રા 29 જુલાઈથી શરુ થવાની છે.

સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં દર વર્ષે અંદાજે 25 લાખ જેટલા મુસ્લિમ શ્રદ્ધાળુ હજ યાત્રા માટે આવતા હોય છે. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હજ યાત્રાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ 65 વર્ષથી ઓછી વયના અને કોઈ પણ રોગથી પીડાતા ન હોય તેવા શ્રદ્ધાળુઓને જ યાત્રામાં સામેલ થવાની પરવાનગી અપાશે. જો કોઈ યાત્રી શારીરિક રીતે સ્વસ્થ નહીં હોય તો તેની યાત્રા રદ કરી દેવામાં આવશે. ઉપરાંત હજ યાત્રા માટે મક્કા પહોંચતા પહેલા યાત્રીઓનો કોરોના વાઇરસ ટેસ્ટ કરવામાં આવશે અને યાત્રા પૂર્ણ કર્યા બાદ દરેક શ્રદ્ધાળુએ હોમ ક્વોરન્ટાઈન થવું પડશે એમ સાઉદીના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર હાલ સાઉદી અરેબિયાની બહાર વસતા તીર્થયાત્રીઓ હજ યાત્રામાં ભાગ નહીં લઈ શકે. આને કારણે વિશ્વભરના મુસ્લિમ સમુદાયમાં નિરાશા વ્યાપી ગઈ છે.

ભારતમાંથી આ વર્ષે એક પણ વ્યક્તિ હજ યાત્રા માટે નહીં જઈ શકે. ભારતમાંથી હજ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવેલા 2.13 લાખ શ્રદ્ધાળુઓના નાણાં તેમના બેંક ખાતામાં પરત જમા કરાવી દેવામાં આવશે. મહત્વનું છે કે, સાઉદી અરેબિયામાં અત્યાર સુધીમાં 2,53,349 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાંથી 2523 જણના મોત થયા છે.

કોરોના વાઇરસ મહામારી સામે ઝઝૂમી રહેલા આ દેશ માટે જો કે આ નિર્ણય રાજકીય અને આર્થિક જોખમો ભરેલો છે. સરકારના આંકડા પ્રમાણે મુસ્લિમોની પવિત્ર હજ યાત્રા દર વર્ષે સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થામાં 12 અબજ ડૉલરનો ફાળો આપે છે.

કોરાનાના નવા 37,148 કેસઃ અત્યાર સુધીમાં 28,000થી વધુનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 37,148 નવા કેસ સામે આવ્યા છે અને 587 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 11,55,191 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 28,084 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 7,24,578 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,02,529એ પહોંચી છે. રિકવરી રેટ 63 ટકાથી વધુ થયો છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક

રાજ્યવાર આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં હજી ચિંતાજનક સ્થિતિ છે. પાછલા 24 કલાકમાં અહીં 8240 નવા કેસ નોંધાયા છે. તામિકનાડુમાં 4985, આંધ્ર પ્રદેશમાં 4074, કર્ણટકમાં 3648 અને પશ્ચિમ બંગાળમાં 2282 કેસ નોંધાયા છે.

 મૃતકોને મામલે પણ મહારાષ્ટ્ર સૌથી આગળ

મૃતકોને મામલે પણ મહારાષ્ટ્ર સૌથી આગળ છે. પાછલા 24 કલાકમાં અહીં 176 લોકોનાં મોત થયાં છે. કર્ણાટકમાં 72, તામિકલનાડુમાં 70, આંધ્ર પ્રદેશમાં 54 અને યુપીમાં 46 લોકોનાં મોત થયાં છે.

 પ્રતિ દિન બ્રાઝિલથી વધુ કેસ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતે હવે કોરોના સંક્રમિતોને મામલે બ્રાઝિલને પાછળ છોડ્યું છે. ભારતમાં 37,148 નવા કેસ આવ્યા છે, જ્યારે બ્રાઝિલમાં 21,749 કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને લખનૌના ભૂતપૂર્વ સંસદસભ્ય લાલજી ટંડનનું નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. લખનૌની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના પુત્ર અને કેબિનેટપ્રધાન  આશુતોષ ટંડનએ લાલજી ટંડનના નિધનની માહિતી ટ્વીટ કરીને આપી હતી.

આશુતોષે ટંડને ટ્વિટર પર લખ્યું હતું કે બાબુજી નથી રહ્યા. છેલ્લા કેટલાક સમયથી લાલજી ટંડન ગંભીરરૂપે બીમાર હતા. તેમને મેદાંતા હોસ્પિટલમાં 14 જૂનથી દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મોટા ભાગે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

લાલજી ટંડનના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને ટ્વિટર એકાઉન્ટ પર તેમણે લખ્યું છે કે લાલજી ટંડન કાયદાકીય બાબતોના સારા જાણકાર હતા. તેમણે અટલજીની સાથે લાંબા અને નજીકના સંબંધો હતા. દુઃખની આ ઘડીએ ટંડનના પરિવાર અને શુભચિંતકોની સાથે મારી સંવેદનાઓ છે.

લાલજી ટંડન મોટા શક્તિશાળી નેતા

લાલજી ટંડનની ગણતરી ભાજપના શક્તિશાળી નેતાઓમાં થતી હતી. મધ્ય પ્રદેશથી પહેલાં તેઓ બિહારના રાજ્યપાલની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમણે લખનૌ બેઠકથી ચૂંટણી લડી હતી. 2009માં તેમણે રીટા બહુગુણા જોશીને લખનૌ બેઠકથી હરાવ્યાં હતાં.

 

 

રાશિ ભવિષ્ય 21/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે, મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પ્યુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

પંચાંગ 21/07/2020

એક કોન્સ્ટેબલથી પ્રદેશ અધ્યક્ષ સુધીની સી.આર.પાટીલની સફર 

સુરત: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ અને ભાજપના નેતા સી આર પાટીલની નિમણુંક અનેક લોકોને ચોંકાવી ગઈ છે. કારણ સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકેની વરણીનો અણસાર ગુજરાતમાં કોઈને ન હતો. અલબત્ત એ ભાજપમાં 1989માં આવ્યા અને પછી એ સતત સક્રિય રહ્યા છે. અનેક જવાબદારી પછી 2009માં પ્રથમ ચૂંટણી લોકસભાની લડેલા અને સાંસદ બન્યા હતા. દક્ષિણ ગુજરાતમાં સ્વર્ગસ્થ કાશીરામ રાણા એક વખત પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા એ પછી સી આર પાટીલ દક્ષિણ ગુજરાતના પ્રથમ નેતા છે જેને મહત્વનું પદ મળ્યું છે
લોકસભાની ગત ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અને તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહીત 543 સાંસદો ચૂંટાયા હતા. આ બધામાં નવસારીના સાંસદ સી આર પાટીલને 6,89, 668 ની સરસાઈ મળી, દેશમાં સૌથી વધુ સરસાઈથી જીતવાનો યશ સી આર પાટીલને મળ્યો. આ એમની લોકસભામાં સતત ત્રીજી જીત હતી. એક સમયે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા, એ નોકરીમાંથી રાજીનામુ આપ્યું હતું. પછી એ ભાજપમાં સક્રિય થયા હતા. એક સમયે એ જી.આઈ.ડી.સી. અને જી.એ.સી.એલના અધ્યક્ષ રહ્યા હતા. સુરત શહેર ભાજપમાં એ કોષાધ્યક્ષ અને ઉપપ્રમુખ બન્યા હતા પણ એ દરમિયાન એ પક્ષની કામગીરી સતત કરતા રહ્યા છે. એમને આપવામાં આવેલા દરેક ટાર્ગેટની એમણે પુરા કર્યા છે.
ગુજરાત અલગ રાજ્ય બન્યું એ પહેલા 1955માં જલગાંવ જિલ્લામાં એમનો જન્મ થયો હતો. એમનું શિક્ષણ વલસાડ અને સુરત જિલ્લામાં પલસાણા, મઢી, સચિન, ડુમસ, રાંદેર અને છેલ્લે સુરતમાં આઈટીઆઈમાં અભ્યાસ કરીને પિતા રઘુનાથ પાટીલની જેમ પોલીસમાં જોડાયા હતા. એમના પિતા 1951માં ગુજરાતમાં આવીને વસ્યા હતા. એ પછીનો ઇતિહાસ તો જાણીતો છે. પોલીસ તરીકે નોકરી છોડી પછી એમણે ટેક્ષટાઇલનો વ્યવસાય કર્યો અને ભાજપમાં જોડાયા પછી તો એ સક્રિય રહ્યા છે. એ પોલીસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા અને 1992માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ઉમેદવાર થયેલા. પરંતુ બાબરી ધ્વંશ અને બાદના રમખાણની પરિસ્થિતિના કારણે એ ચૂંટણી જ રદ થયેલી અને સી આર પાટીલ કોપોરેટર બનતા બનતા રહી ગયેલા અને પછી એ સીધા જ 2009માં સાંસદ બન્યા અને હવે પ્રદેશ ભાજપના અધ્યક્ષ બન્યા છે.
સંઘર્ષ અને જેલ 
 
સુરતની ડાયમંડ જ્યુબિલી કો-ઓપરેટીવ બેંકની લોન બાબતે એક કેસ એમની સામે થયો હતો અને એ માટે એમણે જેલમાં જવું પડ્યું હતું. અલબત્ત આ કેસમાં એમને હાઇકોર્ટે મુક્ત કર્યા છે. એમણે બેંકમાંથી લીધેલી લોન વ્યાજ સહીત પરત કરી દીધી હતી. સી આર પાટીલ હંમેશા કહે છે કે આવું કરનાર હું એક જ છું જેણે બંધ થયેલી બેન્કની લોન વ્યાજ સહીત પરત કરી છે. આ ઘટનાના કારણે એમને ખુબ મોટું આર્થિક નુકશાન પણ થયું હતું.
વડાપ્રધાન મોદીના ખાસ 
 
2014માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા એ પહેલાથી સી આર પાટીલને એમની સાથે બહુ અંગત ઘરોબો રહ્યો છે. ચિત્રલેખા સાથેના એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું કે હું જીઆઈડીસી, જીઆઈસીએલનો ચેરમેન બન્યો તે કે સાંસદ તરીકેની મારી પસંદગી નરેન્દ્રભાઈ એ જ કરી હતી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એ પછી એમણે  એમના સંસદીય ક્ષેત્ર વારાણસીની જવાબદારી પણ સી આર પાટીલને આપી છે. પરંતુ સી આર પાટીલ વારાણસીનું કાર્ય પરદા પાછળ રહીને કરે છે ત્યાં કોઈ પણ જાહેર કાર્યક્રમમાં એ  મંચ ઉપર જતા નથી.
સક્રિય સાંસદ તરીકેની છાપ 
સી આરની કામગીરીઆઇએસઓ આમ તો એમનું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે પણ એ એમની ઓળખ સી આર પાટીલની જ છે. 2009માં સાંસદ બન્યા પછી એમણે એમની ઓફિસ આઇએસઓ કરાવી હતી મૂડીઝ પાસે કોઈ સાંસદએ પોતાની ઓફિસ માટે સર્ટિફિકેટ લીધું હોવાની એ વિશ્વની પ્રથમ ઘટના હતી. 2014માં નરેન્દ્રભાઈ મોદીએ જયારે સાંસદોને કોઈ એક ગામ દત્તક લેવાનું કહ્યું તો એમણે માત્ર છ મહિનામાં ચીખલી ગામની કાયાપલટ કરીને દેશનું સૌપ્રથમ સાંસદ આદર્શ ગામ ચીખલીને બનાવ્યું હતું. ગયા વર્ષે જ સમગ્ર માટે વિસ્તારમાં વૃક્ષારોપણ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ બહુ વ્યાપકપણે કર્યું હતું. લોકડાઉન દરમિયાન ત્રણ લાખ રાશન કીટ પોતાની રીતે વહેંચી હતી તો ઉત્તર પ્રદેશ, બિહાર, ઉડીશા જવા માટેની ટ્રેન અને બસની વ્યવસ્થામાં સોંપ્રથમ એ આગળ આવ્યા હતા. એમનું કાર્યાલય સતત મુલાકાતીથી ઉભરાતું રહે છે. લોકનેતા તરીકેની એમની છાપ અને ઈલેક્શન મેનેજમેન્ટમાં માહિર હોવાની ઓળખ એમને હવે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જેવા પ્રતિષ્ઠિત પદ સુધી લઇ ગઈ છે.
સી આર સામે પડકાર 
પ્રદેશ અધ્યક્ષ તરીકે સૌપ્રથમ તો અત્યારે કોરોના કાળમાં સરકારની છબી સુધારવાની જવાબદારી રહેશે. એ પછી આવનારી આઠ વિધાનસભાની પેટા ચૂંટણીની અને સાથે જ મહાનગરપાલિકા અને પંચાયતોની અતિ મહત્વની ચૂંટણી જીતાડવાની જવાબદારી એમને સિરે છે અને એ જ એમનો મોટો પડકાર છે.
(ફયસલ બકીલી)

જેલભેગા કરીશું: વોડાફોન-આઈડિયાને સુપ્રીમ કોર્ટની ચેતવણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ (ADR) મામલાની સુનાવણી કરતાં આજે આદિત્ય બિરલા ગ્રુપની ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે હવે કોર્ટ કંપનીના અધિકારીને જેલભેગા કરી દેશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ટેલિકોમ વિભાગે વોડાફોન-આઈડિયા પાસેથી 58,000 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. આજે સુનાવણી દરમ્યાન કંપનીના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે વોડાફોન આઇડિયાને છેલ્લા 15 વર્ષોમાં જેટલી આવક પ્રાપ્ત થઈ હતી – એ બધી ખતમ થઈ ગઈ છે. આવામાં ADRની રકમ તત્કાળ ચૂકવવાની કંપનીની ક્ષમતા બહારની વાત છે.

તેમણે કહ્યું હતું કે અમે નાણાકીય દસ્તાવેજ- જેમ કે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ વગેરે જમા કરાવી દીધાં છે. છેલ્લા 15 વર્ષોમાં કંપનીની પૂરી નેટવર્થ ખતમ થઈ ચૂકી છે. સંપૂર્ણ આવક ટેક્સ અને બાકી લેણાં ચૂકવવામાં ખતમ થઈ ગઈ છે. પ્રમોટરોએ એક લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતના શેર ખરીદ્યા હતા, એ પણ ખતમ થઈ ચૂક્યા છે.

58,000 કરોડનાં લેણાં

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા વોડાફોન આઇડિયા પર આશરે 58,000 કરોડ રૂપિયાનાં લેણાંનો દાવો કરવામાં આવ્યો છે. આમાં સુપ્રીમ કોર્ટના આદેશખ પછી નોન-ટેલિકોમ રેવેન્યુ પણ દેવાંના રૂપમાં સામેલ છે. જોકે સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશને 10 ઓગસ્ટ સુધી ટાળી દીધો છે.

કોર્ટ કડક પગલાં ભરશે

આ મામલે સુનાવણી દરમ્યાન જસ્ટિસ અરુણ મિશ્રાએ કંપનીને પૂછ્યું હતું કે જો દાયકાઓથી કંપની નુકસાનમાં ચાલી રહી છે તો અમે તમારી ઉપર વિશ્વાસ કેવી રીતે કરીએ? તમે AGRની ચૂકવણી કેવી રીતે કરશો? જો તમે અમારા આદેશનું પાલન નહીં કરો તો અમે કડક પગલાં ભરીશું.

બાકી લેણાં બાબતે કંપની અને ડિપાર્ટમેન્ટ વચ્ચે મતભેદ

કોર્ટે બહુ સખતાઈપૂર્વક કહ્યું હતું કે હવેથી જે ખોટું કરશે, અમે તેને સીધા જેલમાં મોકલી દઈશું.

એ સાંભળીને રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષોમાં 6.27 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી, જેમાંથી 4.95 લાખ કરોડ રૂપિયા ઓપરેશનલ ખર્ચમાં વપરાઈ ગયા. કંપનીની અસ્ક્યામતો પર બેન્કો પાસેથી પહેલેથી લોન લેવામાં આવી ચૂકી છે એટલે હવે લોન આપનારું પણ કોઈ નથી.

કંપનીને માર્ચ, 2020માં 73,878 હજાર કરોડ રૂપિયાનું નુકસાન

પૂરા થયેલા નાણાકીય વર્ષ માર્ચ, 2020માં કંપનીને 73,878 હજાર કરોડનું ચોખ્ખું નુકસાન થયું હતું. કંપનીનું કહેવું છે કે ડિપાર્ટમેન્ટની ગણતરીમાં કેટલીક ભૂલો છે અને કંપનીએ ભૂતકાળમાં ચૂકવેલી રકમને બાકી લેણાંમાંથી ઘટાડવામાં નથી આવી. કંપનીના હિસાબે હવે કંપની પર માત્ર 46,000 કરોડનાં બાકી લેણાં છે.

ટોકિયો ગેમ્સમાં મેડલ જીતવાની ભારતને ખરી તક છેઃ સરદાર સિંહ

ચંડીગઢઃ ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદાર સિંહે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મનપ્રીત સિંહ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રીય હોકી ટીમ ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં ટોપ-3માં આવશે અને મેડલના દુકાળનો અંત લાવી દેશે.

ઓલિમ્પિક્સમાં પુરુષ હોકીની રમતમાં ભારત છેલ્લે 1980ની મોસ્કો ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. ત્યારપછી ભારત આઠ ઓલિમ્પિક્સમાં રમ્યું છે, પણ મેડલ જીતવામાં નિષ્ફળ ગયું છે.

હોકી ઈન્ડિયાએ સરદાર સિંહને એમ કહેતા ટાંક્યા છે કે, હું 314 આંતરરાષ્ટ્રીય મેચો રમ્યો છું, પરંતુ દેશને ઓલિમ્પિક મેડલ જીતાડી ન શક્યો એનો મને કાયમ અફસોસ રહી જશે.પરંતુ, હાલની ટીમને છેલ્લા એક વર્ષમાં એક પછી એક સફળતા હાંસલ કરતી જોઈને મને આશા છે કે આપણને હાથતાળી આપી રહેલો ઓલિમ્પિક મેડલ આ ટીમ જીતી લાવશે. ટોકિયો ગેમ્સમાં ભારતને મેડલ જીતવાની ખરી તક છે.

ટોકિયો ઓલિમ્પિક્સ આ જ વર્ષમાં નિર્ધારિત હતી, પરંતુ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતાં એને 2021ના ઉનાળા સુધી મુલતવી રાખવામાં આવી છે.

સરદાર સિંહનું માનવું છે કે ઓલિમ્પિક એક વર્ષ મોકૂફ રખાતાં ભારતીય ટીમના ખેલાડીઓને એમની ખામીઓ દૂર કરવાનો એક્સ્ટ્રા ટાઈમ મળ્યો છે.

મનપ્રીત સિંહ પવાર

મનપ્રીત સિંહ પવાર પંજાબના જલંધરમાં જન્મ્યો છે. એ હાફબેક તરીકે રમે છે. એને 2016ની ઓલિમ્પિક્સ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એ 2012ની ઓલિમ્પિક ગેમ્સમાં પણ રમ્યો હતો.

ડિજિટલ શિષ્ટાચાર પણ જરૂરી છે!

આજના સમયમાં ઘેર બેઠાં તમારા મોબાઇલમાં આખી દુનિયા સમાઈ જાય છે! માણસે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટેકનોલોજીમાં ઘણી પ્રગતિ કરી છે, એના પરિણામે તમે ઘેરબેઠાં બેન્કિંગ, બિલિંગ, ઓફિસનું કામ કરવાથી માંડીને સ્કૂલના ક્લાસ પણ ભરી શકો છો!

ઈન્ટરનેટ થકી બધાં કામ સહેલાઈથી ઘેરબેઠાં સહજ થવા લાગ્યાં છે. આ સાથે જ એક વાત ધ્યાનમાં આવી છે કે, વ્યાપાર અર્થે કે ઓફિસ મીટીંગ માટે કે, અન્ય કોઈ કામકાજને માટે વિડીયો કોન્ફરન્સિંગ કરવામાં આવે છે, તેના માટે અમુક શિષ્ટાચાર જરૂરી છે. તમારી પ્રસ્તુતિ, તમારો દેખાવ, પહેરવેશ તેમજ વ્યવહારમાં શાલીનતા જરૂરી છે.

આ બાબતે અમુક વિરોધી વાતો સામે આવી છે. કોરોના પ્રકોપને કારણે હવે કોર્ટમાં પણ કેસની સુનાવણી ડિજિટલ ગોઠવવામાં આવી રહી છે. સ્તબ્ધ કરનારી એક ઘટના રાજધાની દિલ્હીની છે. કોર્ટમાં ચાલી રહેલી વિડીયો કોન્ફરન્સિંગમાં કેસની સુનાવણી દરમ્યાન વકીલ બેડ પર સૂતાં હતા તેમજ તેમણે ઘરેલૂ પહેરવેશ પહેર્યો હતો. આ દ્રશ્ય જોઇને ન્યાયાધીશ ઘણા નારાજ થઈ ગયા. તેમણે વકીલને સ્પષ્ટપણે કહી દીધું, કેસની સુનાવણીની બાબતમાં તો ન્યૂનતમ શિષ્ટાચારનું પાલન થવું જ જોઈએ, સુનાવણી ડિજિટલ હોય તો પણ પ્રેઝન્ટેબલ હોવું જ જોઈએ. ઉપરાંત એ પણ ટિપ્પણી કરી કે, દરેક જણ અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આથી ડિજિટલ કોર્ટની સુનાવણી એ હવે સામાન્ય ન્યૂ નોર્મલ થઈ ગઈ છે. ગયા એપ્રિલ મહિનામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. રાજસ્થાનના એક વકીલ વિડીયો કોન્ફરન્સિંગમાં બનિયાન પહેરીને ઉપસ્થિત થયાં હતાં. ત્યારે પણ રાજસ્થાન કોર્ટના ન્યાયાધીશે પોતાની નારાજગી બતાવી હતી.

આ વાતો ફક્ત ન્યાયાલય પૂરતી જ નથી. હાલના કોરોના સંક્રમણના સમયમાં કોઈને બહાર ના નીકળવું પડે એટલે બધે ઠેકાણે ઓફિસના સેમિનાર તેમજ મીટીંગ ઇન્ટરનેટ પર તેમજ મોબાઈલ એપના માધ્યમથી થઈ રહ્યાં છે. સ્કૂલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને પણ હવે ઇન્ટરનેટ તેમજ મોબાઇલ એપના માધ્યમથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભણતર અપાઇ રહ્યું છે. પરીક્ષાઓ લેવાઇ રહી છે, અમુક ઠેકાણે ઈન્ટરવ્યૂ પણ થઇ રહ્યાં છે.

પરંતુ ઘરેથી કામ કરવું એટલે જરૂરી શિષ્ટાચારને બાજુએ મૂકી દેવો એ જરા પણ યોગ્ય નથી! જે સભ્યતા ઓફિસમાં કે સાર્વજનિક સ્થળોએ રાખવામાં આવે છે, એ જ શિષ્ટાચાર વિડીયો કોન્ફરન્સિંગ દરમ્યાન મીટીંગ માટે પણ જરૂરી છે.

જો કે, વિદેશોમાં પણ અમુક આવી જ ઘટનાઓ સામે આવી છે. જેમ કે, વિડીયો કોન્ફરન્સિંગ અથવા મોબાઇલ એપની મીટીંગમાં ભાગ લેનારના બાળકો મોબાઈલ અથવા લેપટોપની સામે આવી ગયા હોય, કોઈ ઠેકાણે તો ડિજિટલ મીટીંગોમાં અમુક લોકો પોતાના ઘરના લોકો પર ગુસ્સે ભરાતાં જોવા મળ્યા હતા અથવા તો ઘરના જ કોઈ સદસ્ય કંઈ કહેતાં સંભળાયા હતા!

સ્કૂલ-કોલેજના ડિજિટલ ભણતર વખતે શિક્ષકોની મોટે ભાગે ફરિયાદ રહી છે કે, બાળકો ક્લાસ ચાલુ હોય તે દરમ્યાન કેમેરો બંધ કરીને ઊંઘી જતા હોય અથવા કોઈ બીજી વાતોમાં એમનું ધ્યાન પરોવાયેલું હોય છે!

ઈન્ટરનેટ આપણને જે સ્વતંત્રતા આપે છે, તે જાળવી રાખવાની દરેકની વ્યક્તિગત જવાબદારી છે. આપણા વર્તન વ્યવહારની સામેવાળા પર અસર થાય છે. આપણા સારા વ્યવહાર થકી ઓનલાઇન જોડાયેલી વ્યક્તિને પણ આપણે વિનમ્રતા, સદ્વ્યવહાર માટેની પ્રેરણા આપી શકીએ છીએ!

આ બાબતોની રૂપરેખા માઈક્રોસોફ્ટે પણ દોઢેક વર્ષ પહેલાં બહાર પાડેલી ‘ડિજિટલ સિવિલિટી ઇન્ડેક્સ’માં જોવા મળે છે. તેમાં ૧૮ થી ૩૪ વર્ષના યુવાનોના ઈન્ટરનેટ પર કરવામાં આવેલા વ્યવહાર વિશે જણાવવામાં આવ્યું છે. તેમજ ભારતીયો ઇન્ટરનેટ પર પોતાનો વ્યવહાર કઈ રીતે સુધારી શકે. એ વિશે પણ સૂચનો મૂકવામાં આવ્યા છે.

એક સૂચન અનુસાર દરેક પબ્લિક કે પ્રાઇવેટ સંસ્થાએ ઇન્ટરનેટ પર આચાર સંહિતા જાહેર કરવી જોઇએ. ઓફિસ કામ કે સ્કૂલના અભ્યાસ દરમ્યાન વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત દરેક જણે સજાગ રહેવું જોઈએ.

વિડીયો કોન્ફરન્સ દરમિયાન ધ્યાન રાખવાના જરૂરી મુદ્દાઓ:

* તમારી ઓળખાણ આપો: વિડીયો કોન્ફરન્સની શરૂઆતમાં તમારી ઓળખાણ આપો. જેથી અન્ય કોઈને તમને ઉદ્દેશીને વાત કરવી હોય તો સહેલાઈથી કરી શકે.

* સ્પષ્ટ રહો: બોલતી વખતે તમારો અવાજ ચોખ્ખો રાખો, શબ્દોના ઉચ્ચારણ સ્પષ્ટ રાખો. જેથી દરેક જણ તમારી વાત સમજી શકે.

* માઇક્રોફોન ક્યારે મ્યૂટ રાખવું: તમારે બોલવાનું ન હોય ત્યારે માઇક્રોફોનને મ્યૂટ કરી શકો છો. જેથી તમારાથી ભૂલથી કોઈ અવાજ થાય તો બોલવાવાળાનું ધ્યાનભંગ ન થાય.

* શારીરિક ભાષા ટાળો: વાતો કરતી વખતે હાથ દ્વારા સંકેત આપવાનું ટાળવું, વધુ પડતું માથું હલાવવાનું પણ ટાળવું.

* પહેરવેશ વ્યવસ્થિત રાખો: જો તમારે ઓફિસ મીટીંગમાં હાજર થવું હોય તો તે પ્રમાણે યોગ્ય પરિધાન રાખવો અને સામાન્ય અનૌપચારિક કોલમાં સાદો પહેરવેશ રાખી શકાય.

* મુદ્દાસર વાત કહેવી: તમારી વાત કહેતી વખતે એ પણ ધ્યાનમાં રાખો કે એ વાત મિટિંગમાં નિશ્ચિત કરેલા એજન્ડામાં છે કે નહીં.

વિડીયો કોન્ફરન્સ દરમિયાન અન્ય લોકોને પણ બોલવાનો મોકો આપવો જોઈએ

ડિજિટલ શિષ્ટાચાર ફક્ત ઓફિસ કામકાજ વખતે જ નહીં. પરંતુ પારિવારિક ગોષ્ઠિ દરમ્યાન પણ ધ્યાનમાં રાખવો. કોરોના સંક્રમણને કારણે ડિજિટલ પ્લેટફોર્મ પર સગા સંબંધી તેમજ મિત્રોને મળવું અને વાતચીત કરવી એ હવે ન્યૂ નોર્મલ થશે. વિડીયો કોન્ફરન્સ બાબતે પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એરોન બૈલિકનો મત છે કે, કાર્યની પ્રકૃતિ પ્રમાણે ડિજિટલ સંપર્કમાં બ્રેક લેવો જોઈએ. જો તમે તમારા મિત્રો કે સગા સંબંધીઓ સાથે વાત કરતા હોવ તો મનફાવે ત્યારે બ્રેક લઈ શકો છો. પરંતુ કાર્યાલયને લગતી ઔપચારિક મીટીંગમાં અનુમતિ લઈને બ્રેક લેવો.

આજના આધુનિક સમયમાં ડિજીટલ શિષ્ટાચાર પણ હવે ધ્યાનમાં લેવાની બાબત થઈ ગઈ છે.