જેલભેગા કરીશું: વોડાફોન-આઈડિયાને સુપ્રીમ કોર્ટની ચેતવણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ (ADR) મામલાની સુનાવણી કરતાં આજે આદિત્ય બિરલા ગ્રુપની ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે હવે કોર્ટ કંપનીના અધિકારીને જેલભેગા કરી દેશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ટેલિકોમ વિભાગે વોડાફોન-આઈડિયા પાસેથી 58,000 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. આજે સુનાવણી દરમ્યાન કંપનીના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે વોડાફોન આઇડિયાને છેલ્લા 15 વર્ષોમાં જેટલી આવક પ્રાપ્ત થઈ હતી – એ બધી ખતમ થઈ ગઈ છે. આવામાં ADRની રકમ તત્કાળ ચૂકવવાની કંપનીની ક્ષમતા બહારની વાત છે.

તેમણે કહ્યું હતું કે અમે નાણાકીય દસ્તાવેજ- જેમ કે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ વગેરે જમા કરાવી દીધાં છે. છેલ્લા 15 વર્ષોમાં કંપનીની પૂરી નેટવર્થ ખતમ થઈ ચૂકી છે. સંપૂર્ણ આવક ટેક્સ અને બાકી લેણાં ચૂકવવામાં ખતમ થઈ ગઈ છે. પ્રમોટરોએ એક લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતના શેર ખરીદ્યા હતા, એ પણ ખતમ થઈ ચૂક્યા છે.

58,000 કરોડનાં લેણાં

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા વોડાફોન આઇડિયા પર આશરે 58,000 કરોડ રૂપિયાનાં લેણાંનો દાવો કરવામાં આવ્યો છે. આમાં સુપ્રીમ કોર્ટના આદેશખ પછી નોન-ટેલિકોમ રેવેન્યુ પણ દેવાંના રૂપમાં સામેલ છે. જોકે સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશને 10 ઓગસ્ટ સુધી ટાળી દીધો છે.

કોર્ટ કડક પગલાં ભરશે

આ મામલે સુનાવણી દરમ્યાન જસ્ટિસ અરુણ મિશ્રાએ કંપનીને પૂછ્યું હતું કે જો દાયકાઓથી કંપની નુકસાનમાં ચાલી રહી છે તો અમે તમારી ઉપર વિશ્વાસ કેવી રીતે કરીએ? તમે AGRની ચૂકવણી કેવી રીતે કરશો? જો તમે અમારા આદેશનું પાલન નહીં કરો તો અમે કડક પગલાં ભરીશું.

બાકી લેણાં બાબતે કંપની અને ડિપાર્ટમેન્ટ વચ્ચે મતભેદ

કોર્ટે બહુ સખતાઈપૂર્વક કહ્યું હતું કે હવેથી જે ખોટું કરશે, અમે તેને સીધા જેલમાં મોકલી દઈશું.

એ સાંભળીને રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષોમાં 6.27 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી, જેમાંથી 4.95 લાખ કરોડ રૂપિયા ઓપરેશનલ ખર્ચમાં વપરાઈ ગયા. કંપનીની અસ્ક્યામતો પર બેન્કો પાસેથી પહેલેથી લોન લેવામાં આવી ચૂકી છે એટલે હવે લોન આપનારું પણ કોઈ નથી.

કંપનીને માર્ચ, 2020માં 73,878 હજાર કરોડ રૂપિયાનું નુકસાન

પૂરા થયેલા નાણાકીય વર્ષ માર્ચ, 2020માં કંપનીને 73,878 હજાર કરોડનું ચોખ્ખું નુકસાન થયું હતું. કંપનીનું કહેવું છે કે ડિપાર્ટમેન્ટની ગણતરીમાં કેટલીક ભૂલો છે અને કંપનીએ ભૂતકાળમાં ચૂકવેલી રકમને બાકી લેણાંમાંથી ઘટાડવામાં નથી આવી. કંપનીના હિસાબે હવે કંપની પર માત્ર 46,000 કરોડનાં બાકી લેણાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]